(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ, હવે આગળ…)

એ વાત પર ભાર દેવો આવશ્યક છે કે ધર્મને સાચી રીતે અને સાચા રૂપે સમજવામાં આવે તો તે તણાવને જડમૂળથી ઉખેડી શકે છે, પરંતુ એને માટે દિનચર્યામાં અભ્યાસરત રહેવું જરૂરી છે. સાચો ધર્મ આપણને એ શીખવે છે કે જો અનિત્ય ધરા પર જ આપણે પોતાનું અસ્તિત્વ સ્થાયી રાખવા ઇચ્છીએ તો આપણે માનસિક તણાવ પર કાબૂ મેળવી ન શકીએ.

એનાથી ઊલટું, ધર્મ આપણને એ ઉપદેશ આપે છે કે આપણા જીવનનું ઇન્દ્રિયસુખ સર્વકંઈ કે લક્ષ્ય નથી. કેટલીક માત્રામાં ભૌતિક સુખ-સુવિધા જીવન માટે આવશ્યક છે. પરંતુ આપણે તો એનાથીયે ઉપર ઊઠવું પડે.

ઇન્દ્રિયસુખને જીવનનું પરમ લક્ષ્ય માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. સારાંશ એ છે કે આપણે નિમ્નશ્રેણીની કામનાઓનું ઊર્ધ્વીકરણ કરીને, પોતાની અંદર રહેલી દિવ્યતાને પ્રાપ્ત કરવા માટે તેનું રૂપાંતરણ કરવું જોઈએ. આપણે એ જાણવું જોઈએ કે પશુત્વના સ્તરથી કેટલીય વધુ માત્રામાં દિવ્યજીવનનો નવો શ્રેષ્ઠ આયામ છે અને તે કેવળ સ્વપરિશ્રમથી જ પ્રાપ્ત થાય છે. શારીરિક સુખનો ઉપભોગ જ જો જીવનનું લક્ષ્ય બની જાય તો તેની પરિણતિ માનસિક તણાવમાં અવશ્ય થવાની. એનું કારણ સ્પષ્ટ છે – વાસનાઓ મનને વધુ ને વધુ ઇન્દ્રિય સુખોપભોગ માટે ઉદ્દીપિત કરતી રહે છે, પરિણામે વધારે ને વધારે માનસિક દ્વંદ્વ અને તણાવ ઉદ્ભવે છે.

અલબત્ત, આપણે ધર્મ વિશે પણ ખોટી ધારણાઓ કરી શકીએ, તેનું પરિણામ હશે તણાવ! કેટલાક અવિવેકી ધર્મપ્રચારકો મનુષ્યોમાં રહેલ અપૂર્ણતા, દોષ એવં પાપવૃત્તિને ભ્રાંતિપૂર્ણ મહત્ત્વ આપે છે. તેઓ એની અતિરંજિત વિધિ અપનાવીને પોતાનો પક્ષ રાખે છે અને જો આપણે એના પર ચાલીએ તો માનસિક ગડબડ ઊભી થવાની જ. એટલે આવશ્યકતા એ બાબતની છે કે ધર્મનો પ્રચાર યોગ્ય ધર્મપ્રચારક દ્વારા થવો જોઈએ તથા ધર્મના સકારાત્મક રૂપને રજૂ કરવું જોઈએ.

આ વિશે શ્રીરામકૃષ્ણદેવે જે કંઈ કહ્યું છે તે વિચારવા યોગ્ય છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં એક પ્રસંગે એમણે કહ્યું છે, ‘શું તમે મને એક વાત બતાવી શકશો ? તમે આટલો બધો પાપનો રાગ શા માટે આલાપતા રહો છો ? ‘હું પાપી છું’ એવું સો વાર કહેવાથી વ્યક્તિ ચોક્કસ પાપી બની જાય છે. એનામાં એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે તે દૃઢતાપૂર્વક કહી શકે, ‘મેં ઈશ્વરનું નામ લીધું છે, કેમ ભલા હું પાપી !’ આવું કેવી રીતે થઈ શકે ?’

આવા જ શબ્દો સ્વામી વિવેકાનંદના પણ છે. એક સંદર્ભમાં એમણે કહ્યું હતું, ‘સંસારની દુષ્ટતા વિશે વાત ન કરો. આવા પ્રકારના શિક્ષણથી સંસાર કમજોર થતો જશે. બાલ્યકાળથી જ શીખવવામાં આવ્યું છે કે તેઓ પાપી છે, નિર્બળ છે. મનુષ્યને શીખવો કે તે દિવ્ય છે, અમૃતનાં સંતાન છે. જે લોકો અતિ નિર્બળ દેખાય છે તેમના મગજમાં પણ સકારાત્મક, શક્તિશાળી તેમજ સહાયક વિચાર બાળપણથી જ ભરી દેવાની જરૂર છેે. જે વિચારો નિર્બળ અને કમજોર બનાવે છે તેમને બદલે જીવનમાં આવા દૃઢ વિચારો આવવા દો.’

શ્રીરામકૃષ્ણ તેમજ સ્વામી વિવેકાનંદ જેવા જગદ્ગુરુઓના મહત્ત્વપૂર્ણ શબ્દોથી એ પ્રમાણિત થાય છે કે ધર્મને જો યથાર્થરૂપે ગ્રહણ કરીએ તો આ તણાવ ઉત્પન્ન કરતો નથી, ઊલટાનું ધર્મ તો તણાવમાંથી મુક્ત કરે છે.

જીવનના નકારાત્મક સ્વરૂપને વ્યક્ત કરવાને બદલે તેના સકારાત્મક પક્ષને ઉજાગર કરવો પડે. સ્વામી વિવેકાનંદના શબ્દો પર ફરીથી ધ્યાન દો, ‘કોણ કહે છે કે આપણે જન્મથી પાપી છીએ ? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે.’ એનો આશય એ છે કે જો આપણામાં પાપવૃત્તિ હોય તો આપણે એનાથી મનોગ્રસ્ત ન થવું જોઈએ. આપણે આ તથ્યને આત્મસાત્ કરવાનું છે કે આપણામાં બુરાઈ છે તો આપણી ભીતર દિવ્યતા પણ રહેલી છે.

બુરાઈ કે દોષને નિષ્ક્રિય કરવા આ દિવ્ય સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. એવી રીતે જોઈએ તો એ સિદ્ધ છે કે ધર્મનાં પરમ સત્ય તણાવ કે ભાર ઉત્પન્ન કરતાં નથી. સાથે ને સાથે તે પાપવૃત્તિમાં વધારો પણ કરતાં નથી. એનાથી વિપરીત, જીવનમાં સામંજસ્ય અને સંતુલન જાળવી રાખવામાં એ પરમ સત્યો આશા, પ્રેરણા અને ઉત્સાહનો સંચાર કરતાં રહે છે.

માનસિક તણાવનાં કારણોમાં સંસ્કારોની ભૂમિકાની ચર્ચા પણ આવશ્યક છે. પતંજલિ તેમજ સ્વામી વિવેકાનંદ જેવા હિન્દુ વિચારકોના મત પ્રમાણે પૂર્વજન્મોના સંસ્કાર તો આપણામાં હોય છે જ. એ સંસ્કાર આપણા અવચેતન મનમાં સંગૃહીત છે અને આ જીવનના કર્મજનિત સંસ્કાર આ સંગૃહીત સંસ્કારોમાં જોડાઈ જાય છે.

સંસ્કાર શુભ અને અશુભ બન્ને હોય છે. એમાંથી પ્રત્યેક વ્યક્તિ આ શુભ-અશુભ સંસ્કારોની ગાંસડી છે. જો આપણું વલણ નિંદનીય કર્મો તરફ હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે પૂર્વજન્મના અને આ જન્મના અર્જિત સંસ્કાર અશુભ છે. આપણા વિચારકોની આ ઘોષણા ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે આપણે ખરેખર કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ, એટલે જો આપણે કુસંસ્કારોના શિકાર હોઈએ તો, તેનો તોડ સુસંસ્કારોનું સર્જન કરવાથી થાય.

સંસ્કારોના અર્જન સાથે કુસંસ્કારોનું વિસર્જન શરૂ થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર સંકલ્પશક્તિ જે બધા મનુષ્યોમાં છે તેના દ્વારા આપણે પોતાની સુધારણા સ્વયં કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. દાર્શનિક હિન્દુ વિચારક નિરાશાવાદી નથી. તે પ્રગતિશીલ છે, ગતિવાન છે અને માનવતાની આશા જન્માવતા સંદેશવાહક છે.

બીજી વિચારવા જેવી વાત છે – વાતાવરણ. આપણે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જીવીએ છીએ, પરંતુ એકાએક આપણા સત્-પ્રયત્નોની સાથે આપણે ત્યાજ્ય ભાવનાઓના આવેશમાં વહેતા રહીએ છીએ. અશુભ સંસ્કારોને કારણે આવું જ થાય છે. આવું માનીને આપણે સ્વપ્રયત્નની મદદથી એવી સ્થિતિ પર કાબૂ મેળવી શકીએ છીએ. મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા છે-આ ઉક્તિ ઉપયુક્ત જ છે.

વર્તમાન સ્થિતિને સ્વીકાર કરવા સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મારા અંત :સ્થળમાં દિવ્યજ્યોતિ છે. હું એ દિવ્ય જ્યોતિર્મય સંકલ્પશક્તિને એકઠી કરી શકું છું, ખરાબ સંસ્કારોને ધોઈ શકું છું અને મારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકું છું.

Freud (ફ્રોઈડ)ની વિચારધારા પ્રમાણે માનસિક તણાવ ઘણી મુશ્કેલીથી દૂર કરી શકાય છે. એમના મત પ્રમાણે જ્યાં સુધી અવચેતનમાં દબાયેલી મૂળભૂત વાસના તથા પરા-અહમ્ (Super Ego) ના તત્ત્વાવધાનમાં સ્વૈચ્છિક આત્મનિયંત્રણની વચ્ચે સમાધાન ન થાય ત્યાં સુધી માનસિક તણાવ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે. પરંતુ આપણી માન્યતા એ છે કે ધાર્મિક દૃષ્ટિકોણના વિકાસથી આ તણાવને નિર્મૂળ કરી શકાય છે. (ક્રમશ 🙂

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.