ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે. ભૌતિક પ્રગતિ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું લક્ષણ છે, જ્યારે આધ્યાત્મિક વિકાસ એ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન હોવાના કારણે તેમાં પ્રાર્થનાનું મહત્ત્વ પણ સ્વીકૃત છે. પ્રાર્થના શબ્દ પૃથ્ ધાતુ પરથી આવેલો છે. સંસ્કૃત શબ્દ પ્રાર્થના છે જેનો અર્થ ઇચ્છવું કે માગવું એવો થાય છે. કાર્યસફળતા માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના આવશ્યક છે. છેક વૈદિક કાળથી પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. આજે ભાગદોડ ભરી જિંદગી અને માનસિક તાણમાંથી મુક્તિ માટે પ્રાર્થના જરૂરી છે. ભક્તના હૃદયમાં ભગવાનને સંબોધીને ઉચ્ચારાયેલ ભાવવાણી એ જ પ્રાર્થના. માનવમાત્રે પ્રતિદિન યોગ્ય સમયે પ્રાર્થના કરવી આવશ્યક છે. જગતનાં સર્વપ્રાણીઓનું સુખ એ પ્રાર્થનાનું ધ્યેય છે. પ્રાર્થના સમયે મનની ચંચળતા દૂર કરીને એકાગ્રતાથી ઈશ્વરને પોકારવા જોઈએ અને તો જ આત્મા-પરમાત્માનું જોડાણ શક્ય બને છે. પ્રાર્થનામાં ભાષાની નહીં પરંતુ ભાવની અધિક મહત્તા છે. શુદ્ધભાવ વિનાની પ્રાર્થના આડમ્બર છે.

सर्वजीव-पापनाश-कारणं भवेश्वरं स्वीकृतं च गर्भवास-देहपापमीदृशम् ।

यापितं स्वलीलया च येन दिव्यजीवनं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम्।।

સર્વજીવના પાપનાશ માટે જે કારણભૂત છે, એવા ઈશ્વર કે જેણે સ્વેચ્છાએ આ દેહમાં વાસ સ્વીકાર્યો છે અને જેણે પોતાની લીલાઓ વડે દિવ્યજીવન વિતાવ્યંુ છે એવા શ્રીરામકૃષ્ણદેવને નમસ્કાર હો!

આ પ્રાર્થનામાં ઠાકુરની દિવ્યલીલા સાથે તેનું ગુણકીર્તન છે. તેમાં અભિવ્યક્ત છે કે શ્રીભગવાને લોકકલ્યાણ માટે આ માનવદેહનો સ્વીકાર કરેલો છે. તેઓશ્રીએ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગના વિવિધ પથોનું તેમજ લોકશિક્ષા માટે વિશ્વના મહાન ધર્મોનું અનુસરણ કરીને બધા ધર્મોની સત્યતાને સ્થાપિત કરી. શ્રીઠાકુરનું સમગ્ર જીવન પ્રાર્થના અને વ્યાકુળતાનું એક જ્વલંત ઉદાહરણ છે.

આ પ્રાર્થના દિવ્યશક્તિ આપનાર, મનની મલિનતા દૂર કરનાર છે. પ્રાર્થના એ જ માનવ-ઘડતર અને સુધારણા માટેની યોગ્ય દિશા છે. વિપત્તિઓનો સામનો કરવાની શક્તિ પ્રાર્થના વડે જ આવે છે. ઇન્દ્રિયો -મન અને વિકારો પર કાબૂ મેળવવાનું પ્રાર્થના વડે જ શક્ય છે. પ્રાર્થના બાદ વ્યક્તિમાં સકારાત્મક ભાવનાનો ઉદય થાય છે. પ્રાર્થના જ ધ્યાનનો પાયાનો સિદ્ધાંત છે. પ્રાર્થનામાં પ્રેમની લાગણીઓ, આભારનો અંશ અને ઈશ્વરની સ્તુતિ હોય છે. પ્રાર્થના માનવજીવનને ઉન્નત અને બહેતર બનાવવા માટેનું ભાથું છે. તે જ પરમાત્મા સાથેનો સીધો સંવાદ છે. દરેક ધર્મમાં – સંપ્રદાયમાં પ્રાર્થનાનું આગવું મહત્ત્વ છે. તેના વડે જે દિવ્યભાવ વ્યક્ત થાય છે તેની અનુભૂતિ સદા સર્વદા થવી આવશ્યક છે. પ્રાર્થનાથી જ માનવમાં નવા વિચારોને ઝીલવાની-પચાવવાની શક્તિ ઉદ્ભવે છે અને એ જ વ્યક્તિની અંગત મૂડી છે.

આજે આપણે જે યુગમાં જીવીએ છીએ તેમાં લોકોએ ભૌતિક સુખ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં જબરદસ્ત પ્રગતિ સાધી છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રોમાં પાછળ રહી ગયાનો અનુભવ થાય છે, ત્યારે માનસિક શાંતિ અને સ્થિરતાના અનુભવ માટે પ્રાર્થના બહુમૂલ્ય છે. વિશેષ પ્રયત્નથી મનને વિકારરૂપી-વિષયરૂપી કીચડમાંથી કાઢી શાંતચિત્ત બનીને ભગવાનની આરાધના કરવી એ જ સાચી પ્રાર્થના છે. માયાબદ્ધ જીવની આ સંસારથી મુક્તિ પ્રાર્થના વડે જ શક્ય છે. જીવનને પાવન-પવિત્ર અને મંગલમય બનાવવા પ્રાર્થના આવશ્યક છે. બ્રહ્મના સાકાર – નિરાકાર સ્વરૂપને જાણવાનું પ્રથમ સોપાન પ્રાર્થના છે.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.