વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું નુકસાન થાય. વિષયાસક્ત મન ભીંજાયેલી દીવાસળી જેવું.

શ્રીમતી (રાધિકા) જ્યારે બોલ્યાં કે હું બધું કૃષ્ણમય દેખું છું, ત્યારે સખીઓએ કહ્યું, ‘ક્યાં ? અમે તો તેમને દેખી શકતી નથી ! તું શું બકવાસ કરે છે ?’ શ્રીમતી બોલ્યાં, ‘સખી ! અનુરાગ-આંજણ આંજો તો તેમને દેખી શકશો.’ (વિજયને) તમારા બ્રાહ્મસમાજના જ ગીતમાં છે-

‘પ્રભુ, વિના અનુરાગ, કર્યે યજ્ઞ યાગ, તમોને શી રીતે જાણે ?’

‘આ અનુરાગ, આ પ્રેમ, આ પાકી ભક્તિ, આ સ્નેહ જો એકવાર આવે તો સાકાર-નિરાકાર બન્નેનો સાક્ષાત્કાર થાય.

વિજય – ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

શ્રીરામકૃષ્ણ – ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય કાદવથી ખરડાયેલી હોય તો લોહચુંબક તેને ખેંચે નહિ. ધૂળ-કાદવ ધોઈ નાખીએ તો લોહચુંબક તેને ખેંચે. તેવી રીતે મનનો મેલ આંખનાં આંસુથી ધોઈ નાખી શકાય. ‘હે ઈશ્વર, હવે એવું કામ નહિ કરું,’ એમ કહીને કોઈ પશ્ચાત્તાપથી રડે તો મેલ ધોવાઈ જાય, તો પછી ઈશ્વરરૂપી લોહચુંબક મનરૂપી સોયને ખેંચી લે. ત્યારે સમાધિ થાય, ઈશ્વરદર્શન થાય.

પરંતુ હજાર પ્રયાસ કરો, પણ ઈશ્વરની કૃપા ન હોય તો કાંઈ વળે નહિ. તેમની કૃપા ન હોય તો તેમનાં દર્શન થાય નહિ. કૃપા શું સહેજે થાય? અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ‘હું માલિક’ એ ભાવના રહે ત્યાં સુધી ઈશ્વરદર્શન થાય નહિ. કોઠારમાં એક માણસ રાખી દીધો હોય, એ વખતે ઘરના માલિકને જો કોઈ કહે કે આપ આવીને ચીજવસ્તુ બહાર કાઢી આપો, તો માલિક કહેશે કે ‘કોઠારમાં એક જણ રહેલો છે, એટલે હું આવીને શું કરું ?’ જે પોતે ઘરસંસારનો માલિક થઈને બેઠો છે તેના હૃદયમાં ઈશ્વર સહેજે આવે નહિ.

કૃપા થતાંવેંત દર્શન થાય. ઈશ્વર જ્ઞાનસૂર્ય. તેમના એક કિરણથી આ જગતમાં જ્ઞાનનો પ્રકાશ પડે છે, ત્યારે જ આપણે એકબીજાને જાણી શકીએ છીએ અને જગતમાં કેટલાય પ્રકારની વિદ્યા શીખી શકીએ છીએ. તેમનો જ્ઞાન-પ્રકાશ જો એક વાર તે પોતે પોતાના ચહેરા ઉપર નાખે તો દર્શન થાય. ફોજદાર સાહેબ રાત્રે અંધકારમાં ફાનસ લઈને ફરવા નીકળે, ત્યારે તેમનું મોઢું કોઈ દેખી શકે નહિ. પરંતુ એ અજવાળાથી તે સૌનાં મોઢાં દેખી શકે અને સૌ પરસ્પર એકબીજાનાં મોઢાં જોઈ શકે.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૪૭-૪૮)

Total Views: 64
By Published On: May 1, 2016Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram