દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ માતા ઉત્તરાના ગર્ભમાં હતા, ત્યારે પિતાના મૃત્યુના વેરનો બદલો લેવા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ગર્ભમાં રહેલા પરીક્ષિતને હણવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. આ અધમ કૃત્ય હતું. હવે બ્રહ્માસ્ત્ર તો ફેંકાયું એટલે ભગવાન શ્રીકૃષ્ણે સૂક્ષ્મરૂપે માતા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને સુદર્શનચક્રથી બ્રહ્માસ્ત્રનો વિનાશ કર્યો. આમ પરીક્ષિતની રક્ષા ભગવાન શ્રીકૃષ્ણે કરી. ઉત્તરાની કૂખેથી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતને ભગવાન વિષ્ણુએ જીવન બક્ષ્યું હતું, તેથી નામ પડ્યું ‘વિષ્ણુરાત’. માયાના સંસારમાં પરીક્ષિત આવ્યા, પણ તેઓ શ્રીહરિના ચિંતનમાં અવિરત મગ્ન બનીને કઠિન કસોટીઓમાંથી પસાર થયા. એટલે તેઓ પરીક્ષિતના નામે પ્રખ્યાત બન્યા.

પરીક્ષિતના જન્મ સમયે જ્યોતિષિઓએ એમની જન્મકુંડળી પ્રમાણે વર્ણવેલ બધા સદ્ગુણો સાથે આભૂષિત થઈને તેઓ પરમ ભાગવતરૂપે પરિણત થયા. રાજા તરીકે રાજ્યના જ્ઞાનીઓ, બ્રાહ્મણ પંડિતોના આદેશ-ઉપદેશ પ્રમાણે હસ્તિનાપુરનું રાજ્ય તેઓ ચલાવતા હતા. રાજા જનકની જેમ તેઓ રાજ્ય શાસન કરતી વખતે તેઓ ક્યારેય ભગવાન શ્રીકૃષ્ણનું નામ ભૂલ્યા ન હતા. શ્રીકૃષ્ણ નામસ્મરણ એ જ એમનું જીવન હતું.

મત્સ્યદેશના રાજા વિરાટના પુત્રનું નામ ઉત્તર હતું. આ ઉત્તરની પુત્રી ઇરાવતી સાથે રાજા પરીક્ષિતે લગ્ન કર્યાં હતાં. રાજા પરીક્ષિતની ૬૦ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેમણે જીવનમાં ક્યારેય દુષ્કર્મ કે પાપ કર્યાં ન હતાં. તેઓ એક દિવસ શિકાર માટે જંગલમાં ગયા. ગાઢ જંગલમાં શિકાર હાથમાં ન આવ્યો એટલે મૃગયા માટે અહીં તહીં ખૂબ ફરવું પડ્યું તેથી થાક પણ લાગ્યો હતો અને તરસ પણ તીવ્ર બની હતી. ચાલતાં ચાલતાં તેઓ વનના મધ્યભાગમાં શમીક ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા. એ સમયે ઋષિ ધ્યાનમગ્ન હતા. ધ્યાનમાં લીન ઋષિ પાસે જઈ પાણી માટે વિનંતી કરી. ધ્યાનરત મુનિ લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં. એ જોઈને રાજા પરીક્ષિત ક્રોધે ભરાયા. સામે જ એક મરેલો સાપ પડ્યો હતો. એ સાપને તેણે ધનુષ્યના એક છેડેથી ઉપાડી ઋષિના ગળામાં પહેરાવી દીધો. પછી રાજા પરીક્ષિત પોતાના રાજમહેલમાં પાછા ફર્યા. થોડા સમય પછી શમીક ઋષિના પુત્ર શૃંગી આશ્રમે આવ્યો. તેણે પિતાના ગળામાં સાપ જોઈને રાજાને અભિશાપ આપ્યો, ‘આવું અધમ કૃત્ય કરનાર રાજાનું સાત દિવસ પછી મહાનાગ તક્ષકના દંશથી મૃત્યુ થશે!’

જીવનમાં કદાપિ દુષ્કર્મ ન કરનાર પરીક્ષિતથી આવું કુકર્મ થતાં તો થઈ ગયું. એમાંથી મુક્ત થવા પરીક્ષિતે પોતાનું રાજ્ય જ્યેષ્ઠ પુત્ર જન્મેજયને સોંપી દીધું અને ગંગાકિનારે તપ કરવા ચાલ્યા ગયા. મહારાજને અભિશાપ મળ્યો છે એવા સમાચાર સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયા અને ઘણા ઋષિમુનિ અને રાજાઓ ત્યાં ઉપસ્થિત થયા. આ બધાને રાજા પરીક્ષિતે એક જ પ્રશ્ન પૂછ્યો, ‘આ સાત દિવસ હું શું કરું?’ પરંતુ કોઈ એનો ઉચિત જવાબ આપી શક્યું નહીં. તે વખતે મહર્ષિ વ્યાસના પુત્ર શુકદેવ ત્યાં પધાર્યા. પરીક્ષિતે તેમને ગુરુપદે સ્થાપ્યા અને વિનમ્રભાવે તેમનાં ચરણ પકડીને રડતાં રડતાં કહ્યું, ‘મહારાજ, મારી ઉંમરના સાત દિવસ બાકી છે, એ સાતેય દિવસ હું શું કરું કે જેથી ભગવાન શ્રીગોવિંદનાં શ્રીચરણકમળનાં મને દર્શન થાય? વળી મૃત્યુને પથે પડેલા મારા જેવા માનવીનું સાચું ધર્મ-કર્તવ્ય શું છે, એ મને જણાવો.’

પરીક્ષિત રાજાનો આ પ્રશ્ન સાંભળીને ગંગાના કિનારે રંગીન વસ્ત્રની ચાંદની નીચે શુકદેવે શ્રીમદ્ભાગવતની કથા કરી. સાત દિવસ અને છ રાત્રી સુધી શુકદેવની આ કથા ચાલી.

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.