(ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ….)

શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે :

‘અને કંઈક ને કંઈક ભૂલ બધાય પંથોમાં છે. સૌ માને કે મારી ઘડિયાળ બરાબર છે, પરંતુ કોઈની ઘડિયાળ બરાબર નથી હોતી. પણ એથી કંઈ કોઈનું કામ અટકતું નથી. અંતરમાં આતુરતા હોય તો સાધુસંગ મળી આવે. સાધુસંગથી પોતાની ઘડિયાળ મેળવીને ઘણી ખરી બરાબર કરી લેવાય.’

બંકિમ (ઠાકુરને) – મહાશય, ભક્તિ કેમ કરીને આવે?

શ્રીરામકૃષ્ણ – આતુરતા જોઈએ. છોકરું જેમ માને માટે, માને ન જુએ તો, આંધળું ભીંત થઈને રડે, એવી રીતે આતુર થઈને ઈશ્વરને માટે રડો તો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય.

‘અરુણોદય થાય એટલે પૂર્વ દિશા લાલ થાય. ત્યારે સમજી શકાય કે, સૂર્યોદયને હવે વાર નથી. તે પ્રમાણે જો કોઈનો જીવ ઈશ્વરને માટે આકુળવ્યાકુળ થયો છે એમ જોઈ શકાય તો પછી સારી રીતે સમજી શકાય કે એ વ્યક્તિને ઈશ્વર-પ્રાપ્તિમાં હવે ઝાઝી વાર નથી.’

શ્રીરામકૃષ્ણના બધા અંતરંગ શિષ્યોમાં ભગવાન પ્રત્યે આવો જ્વલંત અનુરાગ હતો. બલરામ એમાંના એક હતા. એમની શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાતથી આપણને ઘણું જાણવા મળે છે :

‘કોલકાતા પહોંચવાના બીજે દિવસે તેઓ દક્ષિણેશ્વર માટે રવાના થયા. કેશવચંદ્ર સેન અને એમના બ્રાહ્મ અનુયાયીઓની હાજરીને કારણે મંદિરના પ્રાંગણમાં ઘણી ભીડ હતી. બલરામ એક ખૂણામાં બેઠા રહ્યા અને જ્યારે બધા લોકો ભોજન માટે ચાલ્યા ગયા ત્યારે શ્રીરામકૃષ્ણે બલરામને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે શું તેઓ કંઈ પૂછવા ઇચ્છે છે? બલરામે પૂછ્યું, ‘મહાશય, શું ખરેખર ઈશ્વર છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો, ‘અવશ્ય છે.’ બલરામે કીધું, ‘શું એમનાં દર્શન થઈ શકે છે?’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘હા, જે ભક્ત એમને પોતાની નિકટતમ અને પ્રિયતમ માને છે, તેને તેઓ દર્શન આપે છે. એકવાર પોકારવાથી તમને કોઈ ઉત્તર મળતો નથી, એનાથી એવું ન સમજો કે તેઓ નથી.’ બલરામે ફરીથી પૂછ્યું, ‘પરંતુ આટલું પોકારવાથી પણ હું એમનાં દર્શન કેમ કરી શકતો નથી?’ શ્રીરામકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘પોતાનાં સંતાનોને જેમ તમે પોતાનાં સમજો છો, શું તમે ભગવાનને ખરેખર એવા જ પોતાના માનો છો?’ બલરામે થોડીક ક્ષણ અટકીને કહ્યું, ‘ના મહાશય, મેં ક્યારેય એમને પોતાની એટલા નિકટ આત્મીય હોય એમ જાણ્યા-સમજ્યા નથી.’ શ્રીરામકૃષ્ણે ભારપૂર્વક કહ્યું, ‘ભગવાનને પોતાના આત્માથી પણ અધિક પ્રિય સમજીને એમની પ્રાર્થના કરો. હું નિશ્ચિતરૂપે કહું છું કે એમને પોતાના ભક્તો પ્રત્યે ઘણો ભાવ-લગાવ છે. તેઓ પોતાને પ્રગટ કર્યા વગર રહી શકતા નથી. તેઓ મનુષ્યની પાસે શોધતાં પહેલાં જ આવી જાય છે. ભગવાનથી વધારે આત્મીય અને સ્નેહ કરનારું બીજું કોઈ નથી.’ બલરામને આ શબ્દોમાં નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. તેમણે મનમાં અને મનમાં વિચાર્યું, ‘એમનો પ્રત્યેક શબ્દ સાચો છે. આજ સુધી કોઈએ પણ ભગવાન વિશે આટલું દૃઢતાપૂર્વક કહ્યું નથી.’

સાધનાનો પ્રારંભ જલદી કરો

આવા ઘણા લોકો છે, જેઓ વિચારે છે કે તેઓ સંસારનાં બધાં ફળ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થામાં ધર્મનું આચરણ કરશે. પરંતુ ધર્માચરણ માટે એમને ક્યારેય પણ સમય મળતો નથી, કારણ કે પોતાની મોટાભાગની શક્તિનો ભૌતિક સુખોમાં ક્ષય કર્યા પછી કઠોર સાધના માટે શક્તિ બચતી નથી. મોટા ભાગના લોકો આધ્યાત્મિક જીવનનો પ્રારંભ એટલો મોડો કરે છે કે તેનાથી એમને વધારે લાભ થતો નથી. મોટાભાગના લોકોને મોડે મોડે અનુભવ થાય છે કે એમનું જીવન વ્યર્થ ગયું છે. પરંતુ તેઓ એવા વૃદ્ધમૂર્ખથી વધારે સારા છે કે જે પોતાની જાતને રંગીલા યુવક માનીને વૃદ્ધાવસ્થામાં પણ સાંસારિક ભોગો તરફ દોડતા રહે છે. પશ્ચિમના દેશોમાં આવા અનેક હતભાગી લોકો જોવા મળે છે.

આધ્યાત્મિક જીવનનો પ્રારંભ જેટલો બની શકે તેટલો ત્વરિત કરવો જોઈએ. આધ્યાત્મિકતાનાં બીજને જીવનના પ્રારંભમાં જ વાવ્યા વિના આધ્યાત્મિક મનોભાવ બનાવવો સંભવ નથી. શ્રીરામકૃષ્ણે એક દિવસ પોતાના પ્રિય યુવાન શિષ્ય નરેન્દ્રને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર અભિનેતા ગિરીશચંદ્ર ઘોષનો સંગ કરવાથી સાવધાન કરતાં કહ્યું હતું :

શ્રીરામકૃષ્ણ – શું તું ગિરીશને ત્યાં બહુ આવજા કરે છે? પરંતુ લસણના કટોરાને ગમે તેટલો ધૂઓ, થોડી ઘણી ગંધ તો રહેશે જ. છોકરા શુદ્ધ આધાર છે, કામિની અને કાંચનનો સ્પર્શ હજી એમણે નથી કર્યો; ઘણા દિવસો સુધી કામિની અને કાંચનનો ઉપભોગ કર્યા પછી લસણની જેમ ગંધ આવવા માંડે છે. જેવી રીતે કાગડાએ ચાંચથી કોતરેલી કેરી દેવતા પર ચડી ન શકે અને ખાવામાં પણ શંકા રહે છે. જેમ નવી હાંડી અને દહીં જમાવેલી હાંડી. દહીં જમાવેલી હાંડીમાં દૂધ રાખતાં ડર લાગે. મોટેભાગે દૂધ બગડી જાય છે.

પછીથી ગિરીશે આ વાત સાંભળી અને શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે શું લસણની ગંધ દૂર થાય? શ્રીરામકૃષ્ણે કહ્યું કે કટોરાને ધગધગતી આગમાં ગરમ કરવાથી ગંધ ચાલી જાય છે. પોતાની જન્મજાત વૃત્તિઓના ગુલામ થયા પછી એમના પંજામાંથી પોતાને મુક્ત કરવી એ કોઈપણ વ્યક્તિ માટે કઠિન બની જાય છે. આ વૃત્તિથી મુક્તિ મેળવવા માટે વૃદ્ધાવસ્થાનો સમય ઘણો ઓછો પડે છે. જો અતિચેતન અનુભૂતિ પ્રાપ્ત કરીને બંધન અને દુ :ખમાંથી મુક્ત થવાનું તમારું લક્ષ્ય હોય તો અત્યારે જ એનો આરંભ કરી દેવો શ્રેયસ્કર છે.

જો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કર્યા વિના મરી જાય તો? ગીતાનો (૨.૪૦) આ અંશ યાદ કરો : સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્—। અર્થાત્ આ ધર્મનું થોડું ઘણું આચરણ પણ મહાન ભયથી આપણને બચાવે છે. જે લોકોએ પ્રામાણિકતાથી આધ્યાત્મિક જીવનમાં સંઘર્ષ કર્યો છે, જેમણે પોતાનું સર્વસ્વ પરમાત્માને સમર્પિત કર્યું છે, એમને કોઈ ભય નથી. જો એમણે તીવ્ર આધ્યાત્મિક જીવન જીવ્યું છે, તો તેઓ પોતાના આધ્યાત્મિક પ્રયાસને જીવનના અન્ય સ્તરે, અન્ય લોકોમાં પણ જાળવી શકે છે. ત્યારે વ્યક્તિ એ જ સ્થાનથી પોતાની સાધનાનો પ્રારંભ કરે છે કે જ્યાંથી એને છોડી હતી. મૃત્યુથી કેવળ પરિવેશનું પરિવર્તન થાય છે, પરંતુ ચેતનાનું આપણું કેન્દ્ર અર્થાત્ પરમાત્મા સદા આપણી ભીતર જ છે. આપણે જ્યાં ક્યાંય હોઈએ, પરમાત્મા સદૈવ આપણી સાથે છે. આ ભાવને અંગીકાર કરવાથી મૃત્યુનો ભય રહેતો નથી. આપણે જીવનની કે મૃત્યુની અભિલાષા ન રાખવી જોઈએ. નિયતિ પોતાની ચાલતી રહે છે, પરંતુ આપણું મન સદા પરમાત્મામાં લાગેલું રહેવું જોઈએ. આપણે નિર્ભયતાથી દૃઢતાપૂર્વક લક્ષ્ય તરફ આગળ વધતા રહીએ.

આસુપ્તે : આમૃતે : કાલં નયેદ્વેદાન્તચિન્તયા—।

અર્થાત્ નિદ્રાપર્યન્ત, મૃત્યુપર્યન્ત વેદાંત ચિંતનમાં કાળ વ્યતીત કરો. (ક્રમશ 🙂

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram