(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૪-૦૩-૧૯૫૯

મહારાજ – એ દિવસે એક બ્રહ્મચારી આવ્યો હતો. તેણે કહ્યું કે Complete Works (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા) એણે કંઠસ્થ કરેલ છે કારણ કે પછીથી વ્યાખ્યાન આપવામાં એની જરૂર પડશે. હું ચૂપ રહ્યો. થોડું ભલે હોય પણ કંઈ પણ ન કરવા કરતાં સ્વામીજીના ઉપદેશનું ચિંતન તો કરી રહ્યો છે. પરંતુ લાકડાં કાપીને જે આજીવિકા ચલાવે છે તે રોજ લાકડાં કાપવાનું કાર્ય મળવાથી નિશ્ચિંત રહે છે. તે એકવાર પણ એવું નથી વિચારતો કે બીજા કોઈ સહજ અને સુંદર ઉપાયથી પણ આજીવિકા ચલાવી શકાય છે કે નહીં. એવી જ રીતે જે બધા સાધુઓ વ્યાખ્યાન વગેરે આપવામાં રત રહે છે, તેઓ એમ વિચારે છે કે આપણું સારું ચાલે છે. તેઓ એકવાર પણ એવું નથી વિચારતા કે આ માટે બીજો ઉપાય છે કે નહીં.

૨૦-૦૩-૧૯૫૯

સેવક – પૂર્વાશ્રમ સાથે કેવો સંબંધ રહેવો જોઈએ?

મહારાજ – સાધુ થયા પછી પણ ઘરના ‘હું’નો અહંકાર જતો નથી. એટલે દિવસ-રાત એ વિચાર કરવાનો છે કે હું દેહ નથી, મન નથી એવં બુદ્ધિ પણ નથી; મારું યથાર્થ અસ્તિત્વ છે – હું શ્રીઠાકુરનું સંતાન છું. એટલે સુધી કે સાધુનું બંગાળીપણું જતું નથી. એ બીજાની સાથે ઘૃણા રાખે છે. સંન્યાસ પછી કેટલાક ઘરે જાય છે અને તે પણ કેવો શોભું છું તે બતાવવા! સામાન્ય ભાવથી રહેવું જોઈએ. ‘સાધુ થયો છું એટલે ફરીથી માતપિતાનું મુખ નહીં જોઉં’ એવી ભાવના રાખવી સારી નહીં. જરૂર જણાય ત્યારે તેની ખરખબર રાખવી, પરંતુ સાવધાન તો રહેવું પડે, નહીં તો ધીરે ધીરે ફસાઈ જવાના. સંસારના લોકોમાં ઘણા લોકો મોટી ગરબડ કરે છે.

(એક દિવસ કોઈએ ટાંચણી ફેંકી હતી…)

મહારાજ – પછી એને ફેંકી દીધી છે ને… નહીંતર કોઈના પગમાં લાગી જાત તો?

સેવક – એનાથી કંઈ થવાનું નથી.

મહારાજ – કંઈ નહીં થાય? અમે લોકો તો વૃદ્ધ છીએ. અમને બધામાં સંદેહ-શંકા થાય છે. સો વર્ષમાં કંઈ થતું નથી, પરંતુ એક જ દિવસમાં થઈ જાય છે. હું જોતો હતો કે ટ્રેઝરીમાં વર્ષો સુધી બંદૂક ખભે રાખીને પહેરો દે છે, કંઈ પણ થતું નથી, કેવળ પહેરો ભરે છે. અચાનક ૧૯૪૨માં આક્રમણ થયું. એ ૧૯૪૨ માટે જ આટલા દિવસોથી તૈયારી થતી હતી.

૨૨-૦૩-૧૯૫૯

સ્વામી સુખદાનંદ મહારાજજી શ્રીમાના શિષ્ય છે. તેઓ સારગાછી આશ્રમના મહંત છે. તેઓ પ્રેમેશ મહારાજ પર ઘણી શ્રદ્ધા ધરાવે છે. સાથે ને સાથે મહારાજજીની પ્રાણપણે સેવા કરવા પ્રયત્ન કરે છે. આજે એમનું ઓપરેશન થશે. ડોક્ટર ચૌધરી ઓપરેશન કરશે. સુખદાનંદ મહારાજ ખૂબ ગભરાઈ ગયા છે.

શસ્ત્રક્રિયા પહેલાં તેઓ પ્રેમેશ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા છે. મહારાજે કહ્યું, ‘મનેય ઘણો ડર લાગે છે. ઘણો ગભરાઈ જાઉં છું.’ આ વાત સાંભળીને સુખદાનંદ મહારાજજીને નિરાંત અને શાંતિ થયાં.

તોતો નામનો એક યુવક મહારાજજી પાસે આવતો રહે છે. જપધ્યાન વિશે ઘણો ઉદાસીનતાનો ભાવ દેખાડે છે. તે બરાબર કરે છે, એમ મહારાજજીએ કહ્યું. પછી એમણે કહ્યું, ‘હવેથી તો કરી શકે છે ને!’

૨૫-૦૩-૧૯૫૯

બહરમપુરથી નારાયણબાબુ અને ડોક્ટર ચૌધરી આવ્યા છે. ડૉ. ચૌધરીએ મહારાજજીનાં ચરણ સ્પર્શીને પ્રણામ કર્યા.

મહારાજ – મસ્તિષ્ક સાવ ખરાબ થઈ ગયું છે. અડધા કલાક પહેલાંની વાતો પણ યાદ રહેતી નથી.

નારાયણબાબુ – હા, આપ યાદ રાખવા ઇચ્છતા નથી, એટલે યાદ નથી રહેતું.

મહારાજ – વાત સાચી છે. એ બધી વાતો હવે વધુ સારી લાગતી નથી. કેવળ પોતાના મૂળ વિષયને અંત સુધી ઠીક રાખવાથી જ થઈ ગયું.

મહારાજ (ડૉ. ચૌધરીને) – આપ હતા એટલે સુખદાનંદજીની આટલી મોટી શસ્ત્રક્રિયા નિર્વિઘ્ને પતી ગઈ.

 

ડૉ. ચૌધરી – હું કોણ છું. ઠાકુરે જ કર્યું છે.

મહારાજ – હા, તેઓ લખે છે, પરંતુ કલમ પણ સારી હોવી જોઈએ. હવે જાઓ, રહેવાથી મુલાકાત થશે.

ડૉ. ચૌધરી – રહેવાથીનો અર્થ શું?

મહારાજ – અમે લોકો મરી ગયા પછી મરીને ‘નહીં’ નહીં બનીએ પરંતુ વિશાળ-વિરાટ બનીશું.

ડૉ. ચૌધરી – મરી જશો? અમને ડુબાડીને!

મહારાજ – જુઓ ભાઈ, અમે લોકો સંન્યાસી છીએ. અમારે સદા મૃત્યુનું ચિંતન કરવું પડે છે. એક છોકરી આવે છે. ત્યારે એ નાની હતી. એને દરરોજ હું મૃત્યુની વાત કહેતો. એટલે એ નારાજ થઈને કહેતી, ‘આપ મને મૃત્યુની વાત શા માટે કરો છો?’ હવે એ હસે છે. (મૃત્યુની વાત) સાંભળી સાંભળીને એ સમજી ગઈ છે. હવે એ કોલેજમાં પ્રાધ્યાપિકા છે.

રાતે સેવકને મહારાજજીએ કહ્યું, ‘જ્યારે સમય મળે ત્યારે જપ કરજે. એનો અભ્યાસ કરવો પડે. રાત્રે સૂતાં પહેલાં ઓછામાં ઓછી દસ મિનિટ ચિંતન કરવું. એવું ચિંતન કરવું કે આશીકા પર શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના ચરણ છે અને તું સૂતેલો છે.’
સેવક – આ સંસાર કેટલો સાચો છે?

મહારાજ – જ્યાં સુધી એ આપણી સન્મુખ અભિવ્યક્ત થતો રહે છે ત્યાં સુધી સત્ય જણાય છે. આંખો ન હોય તો આ સંસારમાં મારા માટે જોવા યોગ્ય કંઈ પણ નથી. જ્યારે આપણે સ્વપ્નમાં કંઈક જોઈએ છીએ ત્યારે શું તે મિથ્યાજ્ઞાન કે બોધ છે? ત્યારે તે જેટલું સત્ય જણાય છે, આ વાસ્તવિક સંસાર પણ નિદ્રામાંથી ઊઠવાની અવસ્થામાં એટલો જ સત્ય છે, એનાથી વધારે નહીં.

શ્રીમાએ રાસબિહારી મહારાજજીના શરીરને પગ લાગી જવાથી પ્રણામ કરી કહ્યું, ‘બેટા, તમે લોકો દેવદુર્લભ સંપત્તિ છો.’

વાસ્તવમાં તમે લોકો દેવદુર્લભ ધન છો. આટલી નાની ઉંમરમાં સંસાર તરફ જરાય ન ઝૂકીને માતા, પિતા, આત્મીય, પરિજન બધું છોડીને ચાલ્યા આવ્યા છો. હું તો સૌના કરતા મોટી ઉંમરે આવ્યો છું. તમારા લોકોમાં હું દેવને જોઉં છું. આજકાલ દેવતાઓ જેવા છોકરાઓ આવી રહ્યા છે.

મારે માટે તો ઠાકુરના સંતાનો પાસેથી જે પ્રાપ્ત કર્યું છે, એને સાથે રાખીને ચૂપચાપ પડ્યા રહેવું ઉચિત હતું. પરંતુ મૂર્ખતાવશ પ્રચાર કરીશ એવું વિચારીને અહંકાર કર્યો છે. એટલે શારીરિક કષ્ટને લીધે વધારે પીડા ભોગવું છું. હું વિષાદગ્રસ્ત થઈ ગયો છું. મારા સ્નાયુ (Nerves) ઘણા જ (Sensitive) સંવેદનશીલ થઈ ગયા છે – બિલાડીનો અવાજ, પક્ષીઓનો અવાજ અને લોકોની દુર્દશા જોઈને શાંત રહી શકતો નથી.

અમારા લોકોની અવસ્થા ઘણી દયાજનક છે. ન તો દેહમનની બહાર જઈ શક્યો કે ન એમાં રહીને મરી શક્યો. હું બધું જાણું છું – હું જાણું છું કે જીવન દુ :ખમય છે.

લોકોના ભવિષ્યને જોઉં છું અને આશ્ચર્યચકિત થઈ જાઉં છું. મેં એક દિવસ જોયું કે એક પિતા એક સુંદર છોકરાને લઈને આવ્યા છે. હું તો ચોંકી ઊઠ્યો કે છોકરો અચાનક પડીને મરી જાય તો. મારી ઓળખાણમાં એવા ઘણા છોકરા હતા. એક આબૂ નામનો છોકરો હતો, એમાં નાનપણથી જ કામ નહીં, થોડો પણ લોભ નહીં, એકદમ દેવતા જેવો. (ક્રમશ 🙂

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.