રાષ્ટ્રના વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે એ સમજો છો ? તમારે એનાં જ સ્વપ્નાં સેવવાં જોઈએ, તમારી વાતચીત તેના વિષે જ હોવી જોઈએ, તમારા વિચારો તે અંગેના જ હોવા જોઈએ અને તમારે એનો અમલ પણ કરવો જ જોઈએ. એ ન બને ત્યાં સુધી રાષ્ટ્રને માટે ઉદ્ધારની કોઈ આશા નથી. અત્યારે તમે જે શિક્ષણ મેળવી રહ્યા છો તેમાં થોડાક સારા મુદ્દાઓ છે ખરા; પરંતુ તેમાં એક જબરજસ્ત ગેરલાભ રહેલો છે અને એ ગેરલાભ એટલો બધો મોટો છે કે તેની સામે સારી બાબતોનું પલ્લું ઊંચું ચડી જાય છે. પહેલું તો એ કે એ શિક્ષણ માણસ ઘડનારું નથી; એ સંપૂર્ણ રીતે નકારાત્મક છે. નકારાત્મક શિક્ષણ મોત કરતાંય વધુ ખરાબ છે.

બાળકને નિશાળે મૂકો એટલે પહેલવહેલું તે એમ શીખે છે કે તેના પિતા મૂર્ખ છે, બીજું એમ શીખે છે કે તેનો દાદો ચક્રમ છે, ત્રીજું એમ શીખે છે કે તેના બધા શિક્ષકો દંભી છે અને ચોથું એમ શીખે છે કે તેનાં શાસ્ત્રો હળાહળ જૂઠ છે ! સોળ વરસની ઉંમરે પહોંચતાં તો એ છોકરો નિર્જીવ, તાકાત વિનાનો, નકારાત્મક વાતોનો ભંડાર થઈ પડે છે ! પરિણામ એ આવ્યું છે કે પચાસ વરસના આવા શિક્ષણે ત્રણ ઈલાકામાં કોઈમાંથી એક પણ મૌલિક વિચારશક્તિવાળો આદમી પેદા નથી કર્યો. મૌલિક વિચારો ધરાવનારો જે કોઈ પાક્યો છે તે દરેકે શિક્ષણ આ દેશમાં નહીં પણ બીજે ક્યાંક લીધું છે; અથવા તો વહેમોમાંથી મુક્ત થવા તે પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં ફરી એકવાર જઈ આવ્યો છે. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. ‘ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’ જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોષો મહાન ઋષિઓ થઈ ગયા હોત. એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યાવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ; તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલિકાવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધિતનું હોવું જોઈએ.

(સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૧૧-૨૧૨)

Total Views: 435

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.