જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને ખોરાક વિના પણ ચાલે નહીં. ભૂખ લાગે ત્યારે ખોરાક વિના બેચેનીનો પાર નહીં. જીવતા જીવને પાણી વિના ચાલે નહીં. તરસ લાગે ત્યારે પાણી વિના થતી અકળામણનો પણ પાર નહીં. તરસની, તીવ્ર તરસની અકળામણ કેવી હોય એનો ખ્યાલ તો જેણે એ કપરો અનુભવ કર્યો હોય એને જ આવી શકે.

અરબસ્તાનમાં એક મુસાફર વેપાર કરીને પોતાને ગામ ચાલીને જતો હતો. એને ખભે સોનામહોરોનો એક કોથળો હતો. એનો રસ્તો રણ વચ્ચેથી પસાર થતો હતો. એ ભૂલો પડ્યો અને તેમાંય વળી આંધી આવી ચડી. રેતીના ઢગલા-ઢૂવાઓમાં એ ફસાઈ ગયો. કશુંય ન સૂઝતાં એક ઢૂવા પાસે પડ્યો રહ્યો. ધીમે ધીમે આંધી શમી પણ તાપ વધ્યો. તેને લાગી તરસ. તરસ વધવા માંડી એની અકળામણનો પાર નહીં. તેને વિચાર આવ્યો કે આટલી બધી સોનામહોરો આવે વખતે મારે શા ખપની. એના બદલામાં કોઈ પાણીનો અડધો પ્યાલો પણ આપે તોય સોદો સસ્તો લાગે!

પાણીની તરસ, ખોરાકની ભૂખ ને હવા વિના થતો મૂંંઝારો માનવનું શરીર અનુભવે છે. આ બધું મળતા માનવ સહિતનાં પ્રાણીઓનું શરીર સ્વસ્થ થઈ જાય છે અને રોજિંદી જરૂરતો સંતોષવાના પ્રયાસોમાં પરોવાઈ જાય છે. આમ ને આમ તેનું અંધારિયું જીવન સંકેલાઈ જાય છે. આવું પેટભરું જીવન તે ખરા અર્થમાં જીવન નથી.

ખરા અર્થમાં જીવન જીવવા ઇચ્છનાર માનવને મૂંઝારો, બેચેની અને અકળામણ થવાં તો જોઈએ પણ તે પરમ તેજસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે. પરમાત્મા તેજોરાશિ છે, પરમ તેજસ્વી છે. રોજિંદા વ્યવહારોનાં અંધારામાં અથડાયા કરવાને બદલે અંશસ્વરૂપ પરમ તેજમાં અંશી થઈને એકાકાર થઈ જવાની તડપન અંતરમાં પડઘાયા કરવી જોઈએ, ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન૫ંથ ઊજાળ’ – આ પ્રાર્થનાનું રટણ થયા કરવું જોઈએ.

તેજની તરસ એટલે પરમની સમીપે પહોંચવાની તીવ્રતમ તરસ, પરમતેજની અનુભૂતિ કરવાની અભીપ્સા. જેને આ અભીપ્સા જાગી ગઈ છે તે ભૌતિક લાભો હાંસલ કરવાની લાલચ કે લાલસા છોડી ચૂક્યા હોય છે.

રાયચંદભાઈ હીરાના પારખુ વેપારી હતા. એમણે બીજા એક વેપારી સાથે કરારનામું કર્યું કે અમુક મુદ્દતમાં ઠેરવેલ ભાવે એણે અમુક હીરા આપવા, પણ પછી બજારમાં ભાવ અચાનક ઊંચકાઈ ગયા. હવે પેલો વેપારી બાંધી મુદ્દતમાં હીરા પૂરા પાડે તો તે બરબાદ થઈ જાય એ તો ઊતરેલા ચહેરે રાયચંદભાઈની દુકાને ગયો. એને જોતાંવેંત રાયચંદભાઈ પરિસ્થિતિને પામી ગયા. એમણે એને આશ્વાસન આપતાં કહ્યું, ‘ભાઈ તમને બરબાદ કરીને મારે કમાવું નથી, રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં’ – આમ કહીને એમણે પેલું કરારનામું ફાડી નાખ્યું. એ રાયચંદભાઈ એટલે મહાત્મા ગાંધીજી જેમને પોતાના ગુરુ સમાન માનતા હતા તે શ્રીમદ્ રાજચંદ્ર. એમને નાણાંની નહીં, પરમતત્ત્વની અનુભૂતિની અભીપ્સા હતી.

દિવ્ય અભીપ્સા તો હતી મીરાંબાઈને પતિ રાણા ભોજરાજના અવસાન પછી ગિરધરરૂપી પરમતેજની તરસ એમને વધુ ને વધુ અકળાવવા લાગી અને મીરાંએ મેવાડ છોડયો. છેવટે કૃષ્ણપુરી દ્વારકામાં આવીને વસ્યાં. એ વખતે એમના દિયર વિક્રમજિતે આવીને મીરાંબાઈને ચિત્તોડ પધારવા વિનવણી કરી, ત્યારે દિવ્ય તૃષાતુર મીરાંબાઈ તો ગિરધરની મૂર્તિમાં સમાઈ ગયાં!

પરમતેજને પામી જનારની જીવન-મસ્તી કોઈ ઓર જ હોય છે. શહેનશાહ સિકંદર ભારતમાં આવ્યા ત્યારે તેમણે એક મસ્ત ફકીર વિશે જાણ્યું. એ તેમને મદદ કરવા માટે મળવા ગયો. શિયાળાની સવારે ફકીર તો રસ્તાની નજીક આરામથી સૂતા હતા. સિકંદરે એમને પૂછ્યું, ‘તમને હું શું ભેટ આપું ?’ ફકીરે કહ્યું, ‘મારે કંઈ જરૂર નથી.’ સિકંદરે વધુ આગ્રહ કર્યો ત્યારે એણે મસ્તીથી કહ્યું, ‘જો કંઈ આપવું જ હોય તો, સવારનો આ તડકો મારા પર આવી શકે તે માટે આઘો ખસ!’

આવી મસ્તીમાં મગ્ન થવા માટે જરૂર છે પરમના સામીપ્યની અનુભૂતિની. આ માટેનો ઉપાય પરમહંસ શ્રીરામકૃષ્ણદેવ રડતાં બાળકના એક ઉદાહરણ દ્વારા સમજાવે છે :

ઘરકામમાં વ્યસ્ત માતાના ખોળે બેસીને રમવા ઇચ્છતા રડતાં બાળકને માતા રમકડાં આપે છે. થોડી વાર રમીને બાળક પાછું મા માટે રડે છે. હવે માતા એને મીઠાઈ આપીને છાનું રાખે છે. અને પોતાનાં કામે પાછી વળગી જાય છે.

માતાના ખોળે બેસવા ઇચ્છતું બાળક છેવટે રમકડાં અને મીઠાઈને હડસેલીને રડતાં રડતાં માને સાદ કરે છે. આથી માતા તેને ખોળે લે છે. બાળકનો માતા માટેના તલસાટ જેવી તડપન પ્રભુ માટે પણ આપણા અંતરે આંદોલિત થાય તો પ્રભુ આપણને કેમ ન અપનાવે ? અભીપ્સા અને પછી પ્રભુની કૃપા, અધ્યાત્મપથનાં આ જ તો છે બે કેન્દ્રો.

જ્યોતિ સ્વરૂપ પરમાત્માને ભક્તની સાચી તરસનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. તરસ્યો માણસ જે મક્કમતાથી જળાશય તરફ જાય છે, તે જ મક્કમતા પ્રભુ પ્રત્યે જવામાં જળવાઈ રહે તો તેમનો ખોળો દૂર નથી રહેતો. પ્રભુના પરમતેજને પામવાની તરસ ધરાવનારની આ પ્રાર્થના અંતસ્થ કરીએ :

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા,

ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઈજા.

અને યાદ રાખીએ

એનું જીવન બન્યું સરસ,

જેને લાગી તેજની તરસ.

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.