(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ…)

અમરવેલ

‘બીજ મેળવવા આ લોકો ઘાસ-પાંદડાંને કેમ બાળી નાખતાં નથી?’

‘ટિયા, એ જ અસલી વાત છે ને?’

જે દેશ વિશે હું બતાવવાનો હતો ત્યાંથી ભાગી છૂટ્યા પછી મેં શ્રીહંસજીને પૂછ્યું. આવી હરિયાળી ધરતી મેં આ પહેલાં ક્યારેય જોઈ ન હતી. અને આ હરિયાળી પણ બીજે ક્યાંયથી નહીં, પરંતુ એ સ્થળનાં ઘાસ-પાંદડાં અને વેલમાંથી આવતી હતી. મોટી સંખ્યામાં લોકો ખેતરમાં કામ કરતા હતા. એક દૈત્ય જેવો વ્યક્તિ કર્કશ સ્વરે બરાડા પાડી પાડીને એને હુકમ આપતો હતો અને એમના પર ચાબૂક વીંઝતો હતો.

‘અરે, રબ્બરનાં પૂતળાં! શું તમારા હાથ ચાલતા નથી? કામ જલદી કરો, નહીં તો શું હું આમ આળસના પૈસા આપી દઈશ?’

તેણે નિર્દય બનીને બરાડો પાડ્યો. પોતાની નજીક જ કામ કરનારા એક મજદૂરને ચાબૂક ફટકાર્યો પણ ખરો. બીજા બધા દર્દ અને ભયથી બરાડવા લાગ્યા. આ દૃશ્ય જોઈને હું પણ ભયથી કંપી ઊઠ્યો.

‘હજૂર, અમે તો ઝડપથી કામ કરી રહ્યા છીએ. તમે પોતે જ જોઈને લો ને! અમે ઘાસ કાઢીએ એ પહેલાં જ એનાં બીજ જમીન પર પડી ગયાં અને એની જગ્યાએ નવાં ઘાસ-પાંદડાં ઊગી ગયાં. શ્રીમાન, બસ, આ તો બીજ અને વેલોનું ચક્કર છે.’ એક કામ કરનાર મજૂરે કહ્યું.

‘હા, હા, મેં આ પહેલાં પણ કેટલીયે વાર આ વાત સાંભળી છે. મારે વાતો નહીં પણ કામ જોઈએ છે. કરો કે મરો.’ વળી એક ચાબૂક પડ્યો અને પીડાવાળો અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે બધા કામ કરનારા એક બીજા સાથે મનથી જોડાયેલા હતા અને એકની પીડા બીજા બધા અનુભવતા હતા. છતાં કમનસીબે એ લાચાર મજૂરો પોતાના કે બીજાના દર્દને દૂર કરી શકતા ન હતા. આ બધું જોઈને હું ઉદાસ થઈ ગયો.

વળી પાછો એક વધુ ચાબૂક ફટકારાયો અને સૌના મુખેથી પીડાની આહ સંભળાઈ.

એક બીજા દુ :ખીએ કહ્યું, ‘જી હજૂર, આપ અમારા માબાપ છો; અમે અમારો આત્મા પણ આપને વેચી દીધો છે. હવે અમારા પર દયા કરો, અમને કોયડા ન વીંજો. પેટની ભૂખને કારણે અમે આપનાં ખેતરોમાં કામ કરીએ છીએ. અમારી પાસે ખાવા માટે ન તો ભોજન છે કે નથી સમય!’

આ સાંભળીને પેલા જુલ્મગારે બરાડો પાડીને કહ્યું, ‘બંધ કર, બકવાસ બંધ કર. તારી વાતોમાં બળવાની ગંધ આવે છે. ઊભા રહો, હું હમણાં તમને બતાવું છું કે વાતો ઓછી અને કામ વધારે કેમ કરી શકાય. પીઠ પર ચાબૂકનો ફટકાર પડશે એટલે એની મેળે કામ કરવાનું આવડી જશે.’

ચાબૂક ફટકારવાનો અને ત્યાર પછી આહ સાથે કરાંજતાં કરાંજતાં રાડ પાડવાનો અવાજ સંભળાવા લાગ્યો. વળી ત્રીજા માણસે કહ્યું, ‘સાહેબ, અમને મારો મા, મારો મા. અમે જેટલી ઝડપથી આ વેલને બહાર ખેંચી કાઢીએ છીએ એટલી જ ઝડપથી એ ત્યાં આવી જાય છે. મને લાગે છે કે અમે ધીરે ધીરે કામ કરીશું તો આ વેલ પણ ધીરે ધીરે ઊગશે અને આપનો બાગ ઘાસ-પાંદડાથી સાફ થઈ જશે. આ વેલોનો પણ છુટકારો થઈ જશે અને અમે આપથી…’

સાંભળીને માલિકે ફરીથી બરાડો પાડી અને કહ્યું, ‘ઓછું કામ કરવાનું કેવું સારું મજાનું બહાનું કાઢ્યું. મારો આ ચાબૂક તમને સારી રીતે વિચારતાં શીખવશે. એ.. લે.’ એમ કહીને વળી પાછો કોયડો ફટકાર્યો.

ચારે બાજુ આહના સીસકારા અને પીડાના અવાજ સંભળાયા.

હું ડરથી કાંપી ગયો, જો હું મોઢું ખોલું તો શું હું પણ આ જાલીમનો ગુલામ બની જઈશ. આ દેશમાંથી હું જેટલી ઝડપથી ભાગ્યો, એટલી ઝડપથી હું બીજી કોઈ જગ્યાએથી ભાગ્યો ન હતો. એકવાર સુરક્ષિત બહાર નીકળી ગયા પછી હું હંસજીને આનો ભેદ પૂછીશ.

હંસજીને પૂછતાં તેમણે મને કહું, ‘આ દૈત્ય આવા ભોળાભલા મજૂરોને જો તેઓ પોતાને ભાગે આવતી જમીનમાંથી ઘાસ-પાંદડાં કાઢી નાખશે તો તે એને સોનાથી મઢી દેશે, આવું કહીને ફસાવી લે છે. પણ જ્યાં સુધી આ ઘાસ-પાંદડાંનો કચરો સાફ ન થઈ જાય ત્યાં સુધી તેઓ તેના બંધક રહેવાના. બિચારા ભોળાભલા અને જરૂરતના માર્યા આવા નિર્દયની ચાલમાં ફસાઈ જાય છે અને ગુલામોની જેમ કામ કરે છે. એમની પોતાની લાલચ, આશા અને પેલાના આતંકના ભયથી તે એમની પાસે જલદી કામ કરાવે છે અને આની એ વિષમ જાળમાં કમબખ્ત માલિક વધારે ને વધારે અમીર બનતો જાય છે.

મેં પૂછ્યું, ‘પણ કેવી રીતે? વેલ તો વેલ જ હોય ને?’

હંસજીએ કહ્યું, ‘આ રાક્ષસને બાગ સાફ કરાવવા સાથે કોઈ મતલબ નથી. એ વેલોમાં કેટલાય રોગોને દૂર કરવાનો ગુણ છે. એને ઉખેડવાથી વધારે વેલો ઉત્પન્ન થાય છે, ઘાસ-પાંદડાં પણ ઉત્પન્ન થાય છે. આ લાલચુ દાનવ એ બધું વેચી નાખે છે અને પોતાના ગુલામોની મફતની મહેનતથી પોતાના કિસ્મતને ચમકાવે છે.’

મેં ઉતાવળમાં પૂછ્યું, ‘આ ગુલામો બીજને જ સમાપ્ત કરવા માટે ઘાસને બાળી કેમ નથી નાખતા?’

હંસજીએ કહ્યું, ‘આ જ મહત્ત્વનો પ્રશ્ન છે, ટિયા. પહેલી વાત તો એ છે કે એમનામાં આટલી સમજ નથી અને બીજી એ કે એમનામાં એવું કરવાની શક્તિ પણ નથી. શબ્દોથી શબ્દોનો ઉદ્ભવ થાય છે અને કામથી કામનો, આ જ છે સંસારનું ચક્ર.’

હંસ મહારાજ સાચું કહેતા હતા. મને યાદ હતું કે વડલા પર એકવાર પક્ષીઓમાં ઝઘડો થયો. એક પછી એક શબ્દ નીકળવા માંડ્યા અને બે પક્ષીઓના આવા પરસ્પરના શાબ્દિક ઝઘડાથી વડલા પરનાં બધાં પક્ષીઓમાં તરત જ ઝઘડો ફેલાઈ ગયો. પણ હું હંસજીના કથનને સાંભળ્યા પછી ઉદાસ થઈ ગયો.

બીજાં પણ ઘણાં રોમાંચક કારનામાં થયાં, પરંતુ લાંબી ઘટનાને સંક્ષેપમાં કહીને હું આપને હવે મારો આખરી કિસ્સો સંભળાવું છું. (ક્રમશ 🙂

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.