દેખીતી રીતે વિરોધાત્મક લાગતા શ્રીકૃષ્ણના શબ્દોએ જાણે કે અર્જુનને મૂંઝવણમાં મૂકી દીધો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં શ્રીકૃષ્ણે કર્મયોગ અને બુદ્ધિયોગ બન્નેનું વર્ણન કર્યું છે. મનુષ્યની ઉન્નતિ માટે કર્મ દ્વારા લક્ષ્યપ્રાપ્તિના માર્ગનો ગુણાનુવાદ અને તે પછી જ્ઞાનમાર્ગના અવલંબનની પ્રશંસાથી અર્જુનના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ.
અર્જુન આત્મોન્નતિના ચરમ સ્તરનો અભિલાષી છે. એટલે તે પોતે કયો માર્ગ અપનાવે એના ખુલાસા માટે શ્રીકૃષ્ણ પાસે વિનંતી કરે છે. અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગીતા (૩.૩)માં શ્રીકૃષ્ણ કહે છે,
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ।
ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ।।3.3।।
‘સૃષ્ટિના પ્રારંભમાં, હે નિષ્પાપ, આ સંસારમાં મેં બે પ્રકારના માર્ગ કહ્યા હતા – સાંખ્યો માટે જ્ઞાનમાર્ગ અને યોગીઓ માટે કર્મનો.’
શ્રીકૃષ્ણ બે પ્રકારના માણસોનો ઉલ્લેખ કરે છે- ગતિશીલ અને ચિંતનશીલ. મનની શુદ્ધતાના પ્રમાણે આ ભેદ ઉદ્ભવે છે. ક્રિયાશીલ અને ધ્યાનનિષ્ઠ એ બન્નેનો એક જ ધ્યેય હોય છે, અને એ છે આત્મોપલબ્ધિ, સત્યપ્રાપ્તિ. પૂર્વજન્મોનાં પુણ્યકર્મો પ્રમાણે કેટલાક એવા લોકો હોય છેે કે જેઓ આત્મ અને અનાત્મના ભેદ વિશે સ્પષ્ટ સમજણ ધરાવીને જન્મ લે છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પહેલાં જ તેઓ સંસાર ત્યાગ કરે છે. સંન્યાસીઓમાં સર્વશ્રેષ્ઠ આ ઉતમ શ્રેણીને પરમહંસ કહેવાય છે, જેનું મન સદૈવ બ્રહ્મમાં જ વિચરણ કરે છે. આ શુદ્ધાત્માઓ માટે જ્ઞાનયોગ એટલે બુદ્ધિયોગ નિર્દિષ્ટ છે, જેથી તેઓ તેના આત્મજ્ઞાનને પરિપક્વ બનાવી શકે.
બીજી શ્રેણીના એવા માણસો પણ છે કે જેઓ આત્મવિકાસ માટે બાહ્ય ક્રિયાઓમાં શ્રદ્ધા ને વિશ્વાસ ધરાવે છે. તેમની સમજશક્તિ દ્વૈતભાવથી રંગાયેલ હોય છે. નિષ્કામ કર્મથી તેમનાં મન-બુદ્ધિ પવિત્ર થતાં હોય છે તેમજ જ્ઞાન ને ધ્યાન-ઘારણા માટે સહાયરૂપ બને છે.
હિન્દુ દર્શનશાસ્ત્ર મુજબ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગનો નિર્ણય કરવાની બાબત અનુયાયીઓની યોગ્યતા ઉપર નિર્ધારિત થાય છે. તથાપિ કર્મના માર્ગને અનુસરનારને સીધેસીધી ઉચ્ચતમ અનુભૂતિ મળી શકતી નથી. મનુષ્યનો જન્મ તેનાં સામાજિક ફરજો ને કર્મોને નિર્ધારિત કરે છે અને કર્મમાર્ગીઓ તેનંુ અનુસરણ કરતાં કરતાં ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરે છે. તે પછી તેઓ જ્ઞાનમાર્ગને ગ્રહણ કરવા સક્ષમ બને છે. મનની શુદ્ધતા પહેલાં બ્રહ્મોપલબ્ધિ સંભવ નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાન ટીકાકાર, શ્રીધર સ્વામી પોતાની સુબોધિનિ ટીકામાં શ્રીકૃષ્ણના આ નિરૂપણના આશયને વર્ણવતાં કહે છે, ‘તારો આ પ્રશ્ન (છે)- એ બન્નેમાંથી કયો વધુ યોગ્ય છે, તે કહો – એ ત્યારે ઉચિત ગણાય જ્યારે મેં મુક્તિ માટે એક બીજાથી સ્વતંત્ર બે સમાંતર માર્ગનું વિવરણ કર્યું હોય, પણ મેં એવું કહ્યું નથી. મેં એ બતાવ્યું હતું કે એ બન્ને માર્ગેથી માણસ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી શકે. કારણ કે, આ બન્નેમાંથી કયો મુખ્ય છે અને કયો ગૌણ એમ ન કહી શકાય.’
આ ઉપરથી કર્મ અને જ્ઞાનના સંયોજન કે એ બન્ને વચ્ચે કોઈ વિકલ્પ સંભવ નથી. જેના મન નિષ્કામ કર્મથી પવિત્ર બની ગયાં છે અને બુદ્ધિયોગ માટે સમર્થ છે તેવા લોકો માટે જ કર્મનો ત્યાગ નિર્દિષ્ટ છે. આ મતને પ્રસ્તુત કરવા માટે શ્રીકૃષ્ણ ગીતા(૩.૪)માં કહે છે,
न कर्मणामनारम्भान्नैष्कमर्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिदिं्ध समधिगच्छति ।।3.4।।
‘કર્મ ન કરવાથી મનુષ્ય અકર્મ ભાવ (કર્મબંધનથી મુક્તિ) પામતો નથી તેમજ ફક્ત કર્મનો ત્યાગ કરવાથી કોઈ માણસ પૂર્ણતા પ્રાપ્ત કરતો નથી.’
અહીં કર્મફળની અનાસક્તિ પર વિશેષ ભાર મૂક્યો છે. આ અનાસક્તિ માનવને નૈષ્કર્મ્ય એટલે કે કર્મ-વિહીનતા તરફ દોરી જાય છે. સ્વામી રંગનાથનાનંદજી મહારાજ તેમના ગીતા પ્રવચનોમાં એ વિશે ચર્ચા કરે છે. અનાસક્તિ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે, જેથી કોઈપણ કર્મ-પ્રવૃત્તિને અકર્મ-નિવૃત્તિમાં પરિવર્તિત કરી શકે, અને તેઓ કર્મના માધ્યમથી જ અકર્મના ફળને પ્રાપ્ત કરી શકે.
મહારાજ કહે છે, ‘આ ગહન અભ્યાસ છે અને ચીનની તાઓવાદી ફિલસૂફીમાં પણ આની ઉપર ઘણો ભાર દેવાયો છે. Management (વ્યવસ્થાપન અને સંચાલન)ની Techniques (રીતિપ્રયુક્તિઓ)માં આજે આ ગહન અભ્યાસનો વિષય છે.
હું USAમાં હતો ત્યારે MIT સાથે સંલગ્ન એક ચીની વૈજ્ઞાનિકનું લખેલું પુસ્તક મારા વાંચવામાં આવ્યું હતું. એમાં એ લખે છે કે, Managementની આ બધી રીતિપ્રયુક્તિઓમાં તમે ભલે કર્મરત હો પણ, એક વિશેષ આધ્યાત્મિક પ્રયુક્તિ (Technique) વડે તમે કર્મ કરતાં અટકી જાઓ છો. મનની એક એવી અવસ્થા હોય છે, શાંત અને સ્થિર, જેમાં તમે ઘણા બધા કાર્યો કરો છો, છતા પણ તમને તેનો અનુભવ થતો નથી, તમે ખૂબ જ ઓછા બોજનો અનુભવ કરો છો. આજે આ પ્રકારનું અધ્યયન અર્વાચીન નિયંત્રણ પ્રયુક્તિઓમાં વધુ ને વધુ પ્રશંસનીય ગણવામાં આવે છે. અત્યંત ગંભીર ઉત્તરદાયિત્વપૂર્ણ કાર્ય કરતાં કરતાં તમે અકર્મનું ફળ પ્રાપ્ત કરો છો.’
પછી તેઓ કહે છે, ‘આ શ્લોકમાંનો આ વિચાર ખૂબ અગત્યનો છે અને સમાજ માટે પણ એની વ્યાપક અસર છે. આખા દિવસના સખત પરિશ્રમ પછી તમે કલાકનો પોરો ખાઓ છો. આખો દિવસ કર્મ કર્યા પછી સાંજે ધ્યાન કે બીજી કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સાધનામાં તમે વિશ્રાંતિ મેળવો છો. તમને એમાં આનંદ આવે છે. આખો દિવસ તમે કશું કર્યા વિના આળસુ બનીને પડ્યા રહો છો, ને પછી તમે ધ્યાનનો આનંદ લેવા માગો છો! એ શક્ય છે ખરું? એક માણસ નોકરી ધંધા વગરનો છે ને એને તમે કહો છો, ‘હું તને એક મહિનાની રજા આપું છું!’ તેના જેવું આ છે! બેકારને રજાનો શો ખપ છે? કામધંધે વળગેલો માણસ રજા માણી શકે. પરંતુ આપણા ઘણા લોકો આ બોધપાઠ હજી શીખી શક્યા નથી. સખત પરિશ્રમના ગાળા પછી જ રજાની સાચી મજા માણી શકાય. પહેલાં કર્મ પછી આવે નૈષ્કર્મ્ય. કર્મની બરાબર પાછળ પડ્યા પછી, કર્મમાં તમારી શક્તિ અને મથામણનો વ્યય કર્યા પછી જ નૈષ્યકર્મ્યનો બધો આનંદ શક્ય છે… આજથી એંશી વર્ષ પહેલાંના એક વિખ્યાત બ્રિટિશ લેખકે, મને લાગે છે કે એલ.પી. જેક્સે આ સત્ય નો ઉલ્લેખ કર્યો હતો : ‘તમે કર્મના સગડ લો તો, એને છેડે તમને નિષ્કર્મ્ય મળશે; જો તમે અકર્મને શોધશો તો તેને અંતે તમને કર્મ મળશે. બધા સમાજમાં તમને એ જ જોવા મળશે. આપણા માટે આ કર્મને સમજવો ઘણો કઠિન અને ગહન વિષય છે.’
Your Content Goes Here