(ગયા અંકમાં ભક્તિ કેવી રીતે આવે અને સાધનાનો પ્રારંભ ત્વરિત કરવો જોઈએ એ વિશે આપણે વાંચ્યું, હવે આગળ….)

અધ્યાય – ૨

અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય

આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે ?

જ્યારે આપણે પોતાની ભીતર અવલોન કરીએ ત્યારે એ જાણીને આપણને નવાઈ લાગે છે કે આપણે પોતાની જાતથી, આપણે જેમાં રહીએ છીએ એ જગતથી અને આપણા સંપર્કમાં આવનારાઓથી અસંતુષ્ટ રહીએ છીએ. આ અસંતોષ્ા અને દ્વન્દ્વ દેહ અને મનને રોગગ્રસ્ત કરે છે. પોતાના બાહ્ય જીવનની સ્થિતિમાંથી કોઈપણ કારણે ઉત્પન્ન થયેલ અસંતોષ્ા અન્તર્દ્વન્દ્વ ઊભો કરે છે અને એના પરિણામે દેહ અને મન અસ્વસ્થ થઈ જાય છે. એ વખતે આપણું જીવન નિરર્થક અને લક્ષ્ય વિનાનું લાગે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે આપણે પોતાનાથી અસંતુષ્ટ થઈએ છીએ. એ વખતે આપણે બીજામાં શાંતિને બદલે અશાંતિ ઊભી કરીએ છીએ. શારીરિક રોગની જેમ માનસિક રોગ પણ સંક્રામક બની શકે છે.

સંભવત : આપણને ઉચિત કાર્ય મળે અને એના પ્રત્યે બરાબર ભાવ ન હોય તો એવી સ્થિતિમાં આપણે પોતાના કર્મ પ્રત્યે નવો દૃષ્ટિકોણ વિકસાવવો જોઈએ. ક્યારેક વળી સંભવત : આપણે એવું કાર્ય કરતા હોઈએ અને એમાં આપણી વિશેષ ક્ષમતાઓનો સદુપયોગ કરતાં ન હોઈએ, ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને એ નિરાશા લગભગ હાનિકારક આચરણને ઉત્પન્ન કરે છે. કદાચ એવું ય બને કે આપણે બીજા પર આશ્રિત છીએ કે વળી આપણી ચારે તરફ શત્રુઓ હોવાની કલ્પના કરીએ છીએ અને આ કાલ્પનિક શત્રુઓની સાથે લડવામાં આપણે પોતાની શક્તિ ખરચી નાખીએ છીએ. પોતાની એક આદર્શ ધારણા બનાવી લઈએ છીએ અને આપણે કલ્પના જગતમાં રહેવા માંડીએ છીએ. માનસિક રોગનું સૌથી ખરાબ લક્ષણ છે- પોતાની જાતને ધિક્કારવી અને જ્યારે આ દેખાય છે ત્યારે જીવન અત્યંત દુ :ખદાયી બની જાય છે.

આનો ઇલાજ શો ? આ બધી સમસ્યા વિશે શું કરવું જોઈએ ? જ્ઞાની મનોવૈજ્ઞાનિકો કહે છે કે સારી રીતે જીવન જીવવા માટે કોઈ એક લક્ષ્યનું નિર્ધારણ કરતાં પહેલાં આપણને પોતાના સ્વભાવ વિશે ગહન સમજ હોવી જરૂરી છે. પોતાના પ્રત્યે માન્યતા બદલવાથી આપણે પોતાની જાતને પરિવર્તિત કરી શકીએ છીએ. અને આપણી ઊર્જાઓને નવી દિશા આપતાં પહેલાં જ આ નવો દૃષ્ટિકોણ સ્વાભાવિક રૂપે ઊભો થઈ શકે છે. આપણા વિશેના આ દૃષ્ટિકોણનું પરિવર્તન કેવી રીતે કરી શકીએ ? મનોવૈજ્ઞાનિકોનું કથન છે કે એ મનોવિશ્લેષણ દ્વારા કરી શકાય. આપણે મનોવૈજ્ઞાનિક દ્વારા આપણું પરીક્ષણ કરાવવું જોઈએ. તેઓ ચતુરાઈપૂર્ણ પ્રશ્નો દ્વારા આપણી વ્યક્તિગત ગહનતાને ઢંંઢોળવાનો, આપણી છુપાયેલી મનોગ્રંથિઓને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. સાથે ને સાથે આપણા મનમાં ગડબડ ક્યાં છે તે પણ બતાવે છે. સૈદ્ધાંતિક રીતે આ પદ્ધતિ સારી લાગે છે અને ઘણા લોકોને મનોવિશ્લેષણથી ખરેખર થોડો ફાયદો પણ થાય છે. પરંતુ એની મર્યાદા એમાં સમાયેલી છે કે મનોવૈજ્ઞાનિકના બીજી વ્યક્તિ વિશેના જ્ઞાનનો આધાર એની પોતાની એ વિશેની જાણકારી પર છે, અને એ પ્રાય : પ્રમાણમાં ઘણી ઓછી હોય છે.

પોતાનાં બધાં અનુસંધાનો હોવા છતાં પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો માનવ સ્વરૂપની ગહનતાઓને સમજવામાં નિષ્ફળ નિવડ્યા છે. અલબત્ત એમણે એ બાબત જાણી લીધી છે કે માનવનું ચેતન મન એના કરતાં વધારે વિશાળ એવા અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે. ચેતન અને અચેતન મનની પ્રવૃત્તિઓનો કેટલીય વાર મેળ ખાતો નથી. ચેતન મનમાં ઉચ્ચ પ્રેરણાઓ ભલે હોય, પણ અચેતન મન નિરંતર વાસનાઓથી પૂર્ણ હોઈ શકે છે. અચેતન પ્રેરણાઓ ચેતન મનનાં ચિંતન અને ક્રિયાઓથી વિરાધી હોઈ શકે, પરંતુ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો ચેતન અને અચેતન મનની વચ્ચે સમરસતા સ્થાપનાર ઉપાયોને શોધવામાં અસફળ રહ્યા છે. ઘણા મનોવૈજ્ઞાનિકો પોતાના રોગીઓને અચેતન મનની આવશ્યકતાઓ પૂરી કરવાની સલાહ આપે છે. એને લીધે કેટલાક લોકોનો માનસિક તણાવ દૂર થઈ શકે છે, પરંતુ એ સ્થાયી નથી હોતું; ઊલ્ટાનું તે વધારે હાનિ કારક બની શકે છે.

અહીં હિન્દુ યોગ પદ્ધતિ ઉપયોગી નીવડે છે. સર્વપ્રથમ અચેતન મનને શુદ્ધ કરીને તેને ચેતન મનની સાથે સમરસ બનાવવાથી યોગનો પ્રારંભ થાય છે. આ કોઈ કૃત્રિમ શુદ્ધીકરણ નથી. પવિત્રતા આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એ માનવ આત્માનું સાચું સ્વરૂપ છે. હિન્દુ ધર્મે ઘણા કાળ પહેલાં માનવના વ્યક્તિત્વના ઉચ્ચતર આયામ અર્થાત્ અતિચેતન અવસ્થાને જાણી લીધી હતી. અતિચેતન અવસ્થા આપણને પોતાના મૂળ મહાન આત્માનું જ્ઞાન આપે છે. તે પરમાત્માના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકાશ દ્વારા આપણા અચેતન મનના અંધકારમય કક્ષોને પ્રકાશિત કરવા જોઈએ, ત્યારે અચેતન મન શુદ્ધ થાય છે. આવું થતાં ચેતન મન અને તેની આકાંક્ષાઓ સાથે સહયોગ કરે છે. ત્યારે અંતર્દ્વન્દ્વ, સંઘર્ષ અને માનસિક તણાવ દૂર થાય છે. એટલે અતિચેતનની ખોજ આંતરિક શાંતિ અને સામંજસ્ય મેળવવા માટે સૌથી વધારે મહત્ત્વની છે. અતિચેતનાવસ્થાની શોધ એ પ્રથમ આધ્યાત્મિક અનુભૂતિ છે. તે જ ચેતન અને અચેતન વચ્ચે સમરસતા ઊભી કરે છે. આપણને પૂર્ણ વ્યક્તિત્વ અને પૂર્ણ સ્વરૂપ ફરીથી સાંપડે છે.

આધ્યાત્મિક ચેતના આપણને અતિચેતનાવસ્થાનું જ્ઞાન જ નથી આપતી, પરંતુ એ આપણા અચેતન મનની સમસ્યાઓને પણ ઉકેલે છે. આપણી કેટલીક સમસ્યાઓ આપણા અચેતન મનમાં છુપાયેલ ગ્રંથિઓને લીધે હોય છે. કેટલાય લોકોમાં, તેમાંય વિશેષ કરીને યૌવનના પ્રારંભમાં કામ દ્વંદ્વોનું કારણ બને છે. પરંતુ ફ્રોઈડે કર્યું હતું તેમ માનવના જીવનમાં તેની ભૂમિકાને ઘણું વધારે મહત્ત્વ આપવું એ ચોક્કસ પણે ખોટું છે. બીજા પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની માનવની પ્રબળ પ્રકૃતિ કેટલાક લોકોમાં આ દ્વંદ્વોનું કારણ હોઈ શકે.

જેમ ડોક્ટર એડલરે પોતાના મનોવિજ્ઞાન-દર્શનમાં કર્યું તેમ માનવની આ પ્રકૃતિની ભૂમિકાને અતિ માત્રામાં મહત્ત્વ આપીને બધી સમસ્યાઓ માટે એને દોષી સાબિત કરવો એ ખોટું છે. કહેવાતા પાશ્ચાત્ય દેશોમાં મારા પોતાના દીર્ઘકાલીન નિવાસ વખતે મારી એવા અનેક લોકો સાથે મુલાકાત થઈ કે જે આધ્યાત્મિક દૃષ્ટિએ ભૂખ્યાં હતાં. એમની સમસ્યાઓ મોટે ભાગે આધ્યાત્મિક હતી. એમાંથી અનેક સામાન્ય જીવનનાં સુખો અને સંઘબદ્ધ ધર્મની રૂઢિવાદી વાતોથી અસંતુષ્ટ હતા. તેઓ બધા ઉચ્ચતર અનુભૂતિ અને ઉચ્ચતર જીવન પદ્ધતિની શોધમાં હતા. (ક્રમશ 🙂

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.