પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા છતાં સંતાન ન થવાથી પિતૃઋણથી મુક્ત થઈ શકયા ન હતા. ઘણી સાધનાને અંતે એ ઋણ પણ ફેડાયું અને તેમને ત્યાં પુત્ર જન્મ્યો. એનું નામ ‘ઉપસ્તિ’ રાખવામાં આવ્યું. ચક્રનો પુત્ર હોવાથી તે ઉપસ્તિ ચાક્રાયણને નામે પ્રસિદ્ધ થયો.
પુત્ર જન્મથી એમનાં ત્રણેય ઋણ ફેડાયાં, ગાર્હસ્થ્ય ઊજળું બન્યું, ઘરમાં આનંદ છવાયો, નસીબજોગે સંપત્તિ વધી. પુત્ર મોટો થતાં બાપે એને વેદ ભણાવવાનું શરૂ કર્યું. પુત્રે પણ નિષ્ઠાથી અધ્યયન કર્યું, સામગાનનો એ નિષ્ણાત બન્યો. સ્વાભાવિક મધુર કંઠને વધુ મધુર
બનાવવાનો એણે પ્રયાસ કર્યો; આશ્રમ એથી ગુંજી ઊઠ્યો, ઋષિ અને એની પત્નીને એથી આનંદ થતો. આસપાસના આશ્રમોના આકર્ષણનું કેન્દ્ર ચક્રનો આશ્રમ બની રહ્યો. ઉપસ્તિ ચાક્રાયણ વિદ્વાન, જ્ઞાની, વિનયી, શ્રદ્ધાવાન અને એક નમ્ર યુવક તરીકે ઊઠી નીકળ્યો. ઉપનિષદનાં સત્યો એને હૈયે ઉજાસ પાથરતાં હતાં.
ઉપસ્તિના પિતાએ, ઉપસ્તિનો વિવાહ આદિકી
નામની બ્રાહ્મણ કન્યા સાથે કરી દીધો. ઉપસ્તિએ ખોલેલી પાઠશાળા સારી રીતે ચાલવા લાગી. દેશ-દેશાંતરોથી વિદ્યાર્થીઓ ત્યાં આવવા લાગ્યા. કુરુક્ષેત્રમાં જ રહ્યે રહ્યે ઉપસ્તિનો યશ સપ્તસિન્ધુ પ્રદેશમાં ફેલાઈ ગયો. આ કુરુક્ષેત્રની ભૂમિ તો અતિસમૃદ્ધ જ હતી. ઉપસ્તિ ચાક્રાયણની સ્થિતિ પણ સરસ હતી. ઘરનું સુંદર મકાન, ધન-ધાન્યાદિ અને શાન્તિ-બધંુ જ હતું.
આ કુરુક્ષેત્રનો રાજા પણ ધાર્મિક અને પ્રજાપ્રેમી હતો. એનું રાજ્ય – કુરુક્ષેત્રનું રાજ્ય પણ દૂર દૂર સુધી ફેલાયેલું હતું. રાજ્યની સમૃદ્ધિ અપાર હતી. સર્વત્ર શાંતિ રાજ્યમાં પ્રવર્તતી હતી. ત્યાંનો આર્યસમાજ મુખ્યત્ત્વે ખેતીમાં ગુંથાયેલો હતો. ખેતી અને પશુપાલન મુખ્ય આજીવિકા હતાં, ગૌ સેવક મુખ્ય આર્યધર્મ હતો, સવાર થતાં જ ગાયો ગોશાળામાંથી ગોવાળની દોરી ચારો ચરવા ચાલી જતી, બપોરથી થોડે વહેલે દૂધ દોવાનુંં. સંધ્યાએ ગાયો પાછી ફરતી-ત્યારે પોતાનાં વાછરુઓ માટે એનો ભાંભરવાનો અવાજ ઘણો મીઠો લાગતો જાણે કે, મંત્ર દ્વારા ઋષિ ઇન્દ્રને બોલાવતા ન હોય ! તત્કાલીન વૈદિક ગૃહસ્થની દીકરી જ્યારે દૂધ દોહતી, ત્યારે એના અવાજથી ગોશાળા ગૂંજી ઊઠતી. ખેતીનું એટલું તો
અનાજ પાકતું કે ખાતાં ખાતાં પણ ખૂટતું નહિ.
કુરુદેશની આવી સમૃદ્ધિ ઉપરાંત શિલ્પકલા પણ વિકસી હતી. રૂ જેવી અન્ય પેદાશો ઘણી થતી, વિવિધરંગી બૂટાવાળાં સુંદર વસ્ત્ર્ાો અને વણવાનું કામ કરવાની કળા અહીંની સ્ત્રીઓ કરતી. માતા પોતાના હાથે વણેલ કપડાં જ પોતાનાં સંતાનોને પહેરાવતી. સાધારણ પોશાક ઊન અને રેશમનો રહેતો. વરુષ્ણી અને સિંધ નદીના પ્રદેશમાં ઊનની ઊપજ અને એનો વણાંટ અધિક રહેતાં, ગાંધારનાં ઘેટાંની ઊન સપ્તસિંધુમાં સારી ગણાતી. ધર્મકાર્યમાં રેશમી વસ્ત્રો જ પહેરતાં. ઉત્સવોમાં આર્યો કેસરિયા રંગનાં કપડાં પહેરતાં.
પણ કુરુક્ષેત્રના રાજ્યની આવી અનુપમ સમૃદ્ધિ કુદરતે એક ક્ષણમાં જ રોળીટોળી નાખી. અહીંના ખેતરોના લહેરાતા પાકમાં કોણજાણે ક્યાંથી તીડનાં ધાડાંને ધાડાં આવી ચડ્યાં કે એણે જોતજોતામાં બધો પાક સાફ કરી નાખ્યો! લીલોતરીનું ક્યાંય નામનિશાન ન રહ્યું. એવી ભયંકર પરિસ્થિતિ આવી પડી કે કુરુદેશની પ્રજા પેટનો ખાડો પૂરવા અનાજના કણ કણ માટે તલસવા લાગી. ભૂખના ભયંકર દુ :ખે ટળવળતી પ્રજા સ્વદેશ છોડી પરદેશની ધૂળ ફાકવા લાગી. ઘરના સગાંસમ્બન્ધીઓને સદા માટે છોડી લોકો ધાન માટે જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. પોતાના કમનસીબને સૌ રોવા લાગ્યા. જોત જોતામાં જ કુરુક્ષેત્રનો આનંદદીપ બુઝાઈ ગયો. દેશમાં દરિદ્રતાનું અટ્ટહાસ્ય સંભળાવા લાગ્યું.
આવી ઘોર પરિસ્થિતિમાં પોતાના પ્રાણ બચાવવા ઉપસ્તિ ચાક્રાયણ પણ ગામ છોડી ચાલી નીકળ્યા. પોતાની બાળલીલાના સાક્ષી સમા ગામને છોડતાં ઉપસ્તિ ચાક્રાયણનું હૈયું હચમચી ગયું એમનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં ! એમણે પોતાની પત્ની સાથે ઘર પર છેલ્લી નજર નાખી ત્યારે એમની આંખોમાંથી ધારા છૂટી ગઈ ! એકાએક જ સમગ્ર દેશમાં આવી પડેલી આ ઘોર આપત્તિ ઉપર સૌને-ઉપસ્તિ ચાક્રાયણ અને અન્યને ભારે અચરજ થવા લાગ્યું.
વિષાદમય ચિત્તે પોતાની પત્ની સહિત ઉપસ્તિ ચાક્રાયણ ઈભ્યગ્રામ નામના એક મહાવતોના ગામમાં જઇ ચડ્યા. ત્યાં પોતાના ગામ કરતાં થોડી સારી સ્થિતિ જોઈ. અહીં-તહીં નજર નાખી ત્યાં જોયું કે એક મહાવત અડદ ખાઇ રહ્યો હતો. ઉપસ્તિ ચાક્રાયણે કેટલાય દિવસથી કશુંય ખાધું ન હતું. થોડા દિવસ તો ભૂખનો હુતાશન એમણે સહન કર્યો, પણ હવે તો હદ
થતી હતી. હતાશ થઈને ભૂખની આગને થોડીક પણ શાન્ત કરવાનો ઉપાય એ શોધવા લાગ્યા. જઠરાગ્નિની જવાલા અગ્નિજવાલા કરતાંય વિકરાલ હોય છે ! એ તો જેને વીતી હોય તે જાણે !
ઉપસ્તિએ ગળગળા થઈને મહાવતને કહ્યું : ‘ભાઇ, હું પણ તારા જેવો જ ભૂખે મરતો મનુષ્ય છું, મનેય થોડા અડદના દાણા દે તો હું મારી ભૂખને થોડી હળવી કરી શકું.’
મહાવત બોલ્યો : ‘પણ મારી પાસે તો આટલા જ અડદ છે, એમાંથી થોડાક તો હું ખાઇ ગયો છું અને બાકીના તો મારા એંઠા છે. એવા અડદ તમારા જેવા વિદ્વાનને આપું તો તો મને પાપનો ભય લાગે છે, મારે સગે હાથે આવું પાપ કેમ વહોરું ?’
ઉપસ્તિ બોલ્યા : ‘કશો વાંધો નહિ, એંઠા તો એંઠા પણ પ્રાણ બચાવવા આપદ્ધર્મ તરીકે એ જ યોગ્ય છે, જીવતો નર ભદ્રા પામશે. આવી સામૂહિક આપત્તિના સમયે એ જ શાસ્ત્ર્ાજ્ઞા છે ‘જીવન્નરો ભદ્રશતાનિ પશ્યત્ !’
ઉપસ્તિની વ્યાખ્યા સાંભળીને મહાવતનું મન
નિશ્ચિંત બન્યું. એણે ખૂબ ભાવથી બચેલા અડદના દાણા ઉપસ્તિની સામે ધરી દીધા. ઉપસ્તિના ઉદરમાં ભૂખના ભડકા ભડભડ બળી રહ્યા હતા, એણે મહાવતના એંઠા અડદ ખાધા ! ખાઈને એને એક વિચિત્ર તૃપ્તિનો અનુભવ થયો. એને એવું લાગ્યુ કે એના દરેક દુર્બળ અંગમાં જાણે નવા જીવનનો સંચાર થયો ! ચક્કર આવતાં હતાં તે બંધ થયાં.
જ્યારે ખાઈને થોડા સ્વસ્થ-સભાન થયા, ત્યારે તેમણે પોતાની સામે મહાવતના એંઠા પાણીનો પ્યાલો મૂકેલો જોયો. ઉપસ્તિ તરત જ બોલી ઊઠયો : ‘ભાઈ ! આ એંઠું પાણી તો હું પી ન જ શકું.’
મહાવતે કહ્યું : ‘કેમ ? હે વિદ્વાન, તમારાં આ વચનો તો મને એક સમસ્યા જેવાં લાગે છે. હજુ હમણાં જ મારા એંઠા અડદ ખાવામાં તમને કશોય વાંધો આવ્યો ન હતો અને તમે જરાય ખચકાયા વિના એ ખાઈ ગયા અને હવે આ એંઠુ પાણી પીવામાં શા માટે ચોખલિયા વેડા કરો છો ?’
ઉપસ્તિ ચાક્રાયણે ઉત્તર આપ્યો, ‘ભાઈ ! એંઠા અડદ ખાવામાં અને એંઠુ પાણી પીવામાં ઘણો મોટો ફરક છે. તું જરા વિચાર તો કર. પ્રાણ રક્ષવા માટે એંઠા અડદ ખાવા ખોટું નથી. જો હું એ એંઠા અડદ ન ખાત, તો જીવતો રહ્યો ન હોત, એ વખતે મોતને અને મારે એક વેંત જેટલું જ માંડ છેટું હતું. એ એંઠા અડદે મને જીવતો રાખ્યો છે. આપદ્ધર્મ સમજીને જ મેં એંઠા અડદ ખાધા છે પણ ઈશ્વરની કૃપાથી આ દેશમાં પાણીનો તો કયાંય તોટો નથી. હું સ્વચ્છ શુદ્ધ જળ બીજે ઠેકાણેથી સહેલાઇથી મેળવી શકું તેમ છું. એટલે એંઠું પાણી પીવું એ તો મારો સ્વેચ્છાચાર જ ગણાય, એટલે એવું ખરાબ કામ હું નહિ કરું.’
ઉપસ્તિ ચાક્રાયણ પાસેથી આપદ્ધર્મની આવી સ્પષ્ટ સમજણ સાંભળી મહાવત ખુશ થયો.
પછી ઉપસ્તિએ પોતાની પત્ની તરફ નજર નાખી. છાયા પેઠે એને અનુસરતી, એની સાથે દુ :ખો સહતી, છતાં મોં પર વિષાદની એક રેખા પણ ન દર્શાવતી એને જોઈને ઉપસ્તિએ કહ્યું : ‘પ્રિયે, તું આ થોડા અડદના દાણા ખાઈને ભૂખથી રાહત મેળવ,’ પણ એને પહેલાં જ કયાંકથી અન્ન મળી ગયું હતું. એટલે એણે મેં આપેલા દાણા ખાધા વગર જ કપડાને છેડે આગલા દિવસ માટે બાંધી રાખ્યા.
રાત વીતી, સવાર થયું, હવા ઠંડી પડતી ચાલી. ઉપસ્તિનું શરીર હિમ જેવું ઠંડુ થઈ રહ્યું. એણે જોયું તો પૂર્વમાં સૂર્ય ઊગી રહ્યો હતો, પણ એમાં તેજ ન હતું. સૂર્ય ઉદાસ હતો ! દુ :ખીયાંના મોં જેવો ! ઉપસ્તિને લાગ્યું, ‘વિશ્વપ્રલય આવી પુગ્યો.’ ભૂખની ભૂતાવળનો નગ્ન
નાચ બધે વર્તાતો હતો !
ઉપસ્તિની વિચારધારા એકાએક તૂટી. એકાએક એના પેટમાં ભૂખનો ભડકો થયો. એ બેચેન થઈ ગયા. એમણે પોતાની પત્નીને કહ્યું : ‘જો હું મારા ભરણ પોષણનો ઉપાય શોધી શકું તો આપણા કુટુંબના ભરણપોષણનો ઉપાય પણ મળી રહેશે. અને આપણે ભવિષ્યમાં ચિન્તામુકત થઈશું. સાંભળ્યું છે કે ઈભ્યગ્રામ પાસે જ કુરુ નરેશ પ્રજાકલ્યાણ માટે યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞમાં જઈને ઋત્વિજ તરીકે કામ કરું તો રાજા દક્ષિણા આપશે અને તેથી ઠીક રીતે આપણી આજીવિકા ચાલશે.’
પત્નીએ ગઈ કાલે વસ્ત્ર્ામાં બાંધેલા અડદના દાણા કાઢી આપ્યા. તે ખાઈને ઉપસ્તિની આળસ ભાગી ગઈ. એનામાં ચેતન ભરાઈ ગયું અને એ યજ્ઞમાં જવાની તૈયારી કરવા લાગ્યા. એંઠા એવા તે અડદના દાણાઓએ પણ ઉપસ્તિ ચાક્રાયણમાં ચેતન ભરી દીધું.
કુરુક્ષેત્ર પર આવી પડેલી કુદરતી આપત્તિને દૂર કરવા રાજાએ અનેકાનેક વ્યાવસાયિક ઉપાયો યોજી જોયા પણ એ બધામાં જ્યારે રાજા નિષ્ફળ નીવડયા, ત્યારે આખરે હારીને આધિદૈવિક ઉપાયોને શરણે ગયા અને એમણે આ વિપત્તિના પહાડનું ઉત્તરદાયિત્વ પોતા પર જ લીધું ‘રાજા કાલસ્ય કારણમ્ !’ એટલે એમણે પર્જન્યયજ્ઞ પ્રારંભ કર્યો. વેદિ બનાવવામાં આવી, અગ્નિનું વિધિવાર સ્થાપન થયું. ધામધૂમપૂર્વક યજ્ઞ થવા લાગ્યો. પર્જન્ય સ્તુતિ આકાશમાં ગૂંજવા લાગી, હોમધૂપ આકાશમાં છવાઈ ગયો, ઋષિઓ પર્જન્યસ્તુતિ કરવા લાગ્યા :
‘હે મરુદ્ગણ ! અમારે માટે આકાશમાંથી વૃષ્ટિ કરો, ત્વરિત જલવર્ષાઓની ધારાઓથી બધું તરબોળ કરી દો, આકાશમાં આપ ખૂબ ગર્જના કરો, જળવર્ષાના રૂપમાં અમારે ત્યાં પધારો, આપ તો અમારા પ્રાણદાતા પિતા છો.’
યજ્ઞમંડળમાં ઉલ્લાસ છવાઈ રહ્યો. ઇન્દ્રકૃપાથી દુષ્કાળ દૂર થાય એવી સૌમાં શ્રદ્ધા હતી. ઉપસ્તિ ચાક્રાયણ પણ તે સ્થળે પહોંચી જઈ કર્મકાંડનું નિરીક્ષણ કરવા લાગ્યા. એમની તીક્ષ્ણ નજરે યજ્ઞવિધિઓમાં કેટલીક ખામીઓ જોઈ ! એમના મનમાં થયું કે જો આ બાબતમાં મૂંગો રહીશ તો તો મહાન અનર્થ જ થશે.યજ્ઞવિધિઓમાં ખામી એ તો મોટો દેવાપરાધ ! લાભને બદલે હાનિની સંભાવના ! યજ્ઞનું વિધિવત્ સંપાદનનું એક ખૂબ કઠિન અને દુ :સાધ્ય કામ છેે. મંત્રોચ્ચારણમાં એક માત્રાનો ફેરફાર પણ મોટી હાનિ કરી શકે છે. વૃત્રે સ્વકલ્યાણ અને ઇન્દ્રપારણા માટે કરેલા યજ્ઞમાં એક નાનકડી મંત્રોચ્ચારણની ભૂલને કારણે ફળ ઊલટું થયું, ઇન્દ્રે જ વૃત્રને મારી નાખ્યો !
ઉપસ્તિ ચાક્રાયણે જોયું કે કેટલાક ઋત્વિજો જે દેવોની સ્તુતિ કરતા હતા, તે દેવોના સ્વરૂપને તેઓ પોતે જ જાણતા ન હતા ! ઉપસ્તિ ચાક્રાયણથી હવે મૂંગા ન રહેવાયું. તેઓએ આસ્તાવ-સ્તુતિસ્થાનમાં ઊભા રહીને પ્રસ્તોતાને પૂછ્યું : ‘હે પ્રસ્તોતા ! શું તમે તમારા સામગાનના દેવતાનું સ્વરૂપ જાણો છો ? યાદ રાખો સ્વરૂપ જાણ્યા વગર સ્તુતિ કરશો, તો તમારું માથું ધડથી જુદું થઈ જશે.’ ઉપસ્તિએ ઉદ્ગાતાને પણ એવો જ પ્રશ્ન કર્યો ! સ્વરૂપ જાણ્યા વિના ઉદ્ગીથ થાનારની પણ એ જ દશા થાય છે. ઉપસ્તિએ પ્રતિકર્તાને પણ એવો જ પ્રશ્ન કર્યો અને એવો જ ભય બતાવ્યો !
ઉપસ્તિ બધાને પૂછેલા આવા પ્રશ્નોથી બધા સ્તબ્ધ થઈ ગયા, અન્ય સાંભળનારા સૌ મૂગામંતર બની જોઈ રહ્યા ! રાજાએ જોયું કે કંઇક ગડબડ-કશોક અનર્થ
થવાનો છે ! શું એકાએક યજ્ઞ બંધ થશે ? શું રાજાની અભિલાષા પર પાણી ફરી વળશે ? આગળ આવીને રાજાએ આવનારનો પરિચય પૂછયો : ‘ભગવન્ ! આપ કોણ છો ?’ ઉપસ્તિ ચાક્રાયણે ઉત્તર આપ્યો : ‘હું ઉપસ્તિ ચાક્રાયણ છું. દુષ્કાળથી પિડાઈને હું અહીં – તહીં ભટકતો તમારી પાસે આવી ચડ્યો છું.’
રાજાએ કહ્યું : ‘અહો ! શું આપ એ જ બ્રહ્મવાદી ઉપસ્તિ ચાક્રાયણ છો કે ? અરે, આપને ઋત્વિજ
બનાવવા માટે તો મેં ઠેકઠેકાણે મારા માણસો મોકલ્યા હતા. પણ આ કપરા કાળમાં જ્યારે આપ ક્યાંય ન મળ્યા ત્યારે આ ઋત્વિજોનું વરણ કર્યું. હવે સામે ચાલીને આપ પધાર્યા, એ તો યજ્ઞનારાયણની કૃપા જ ને ? હવે આપ યજ્ઞના ઋત્વિજ બનો અને યજ્ઞ મંગલ રીતે પૂરો કરો.’
ઉપસ્તિએ ઋત્વિજ બનવાની હા પાડી પણ શરત એ મૂકી કે આ જૂના ઋત્વિજોને દૂર ન કરવા. વળી, એ જૂના ઋત્વિજોને અપાતી દક્ષિણા કરતાં જરાપણ વધારે દક્ષિણા ઉપસ્તિને ન આપવી.
ઉપસ્તિનો આવો ઉદારભાવ જોઈને રાજાને નવાઈ લાગી. આનંદ પણ થયો. ઉપસ્તિએ કાર્યભાર સંભાળ્યો. અને દેવતાઓનું રહસ્ય બતાવવાનો પ્રારંભ કર્યો.
‘હે પ્રસ્તોતા ! તમારા પ્રસ્તાવકાર્યના દેવતાને તમે શું નથી જાણતા ? એ દેવતા પ્રાણ જ છે, પ્રલયકાળમાં સર્વ પ્રાણી પ્રાણમાં જ વિલીન થાય છે અને સર્જનકાળે પ્રાણમાંથી જ બહાર નીકળે છે. પ્રાણ સાક્ષાત્ પરબ્રહ્મનું રૂપ છે, એ પ્રાણતત્ત્વને પિછાણો તો જ તમારી ઉપાસના પૂર્ણત : સફળ થશે.’
પછી ઉદ્ગાતા ઉપસ્તિ પાસે આવ્યા અને
નમ્રતાથી પૂછયું : ‘હે ભગવન્ ! ઉદગીય સાથે કયા દેવતા સંકળાયેલા છે ?’
ઉપસ્તિએ ઉત્તર આપ્યો : ‘આદિત્ય-સૂર્ય વિના તો રાતે પ્રાણીઓ ઉપર વિચિત્ર વ્યામોહનો પડદો હોય છે ને ? પૂર્વમાં સૂર્યનો સોનેરી પ્રકાશ પડતાંવેંત જ જગતમાં સંજીવની શકિતનો સંચાર થાય છે. સૂર્યોદય તો વિશ્વની સર્જનશકિતનો મનોરમ શ્લોક છે ! તે ઊર્ધ્વ હોવાથી સદાયે ઉદ્ગીથની સાથે જ રહે છે સૂર્ય વિના તો ઉદ્ગીથગાન અનર્થકારી બને છે’
આ સાંભળી ઉદ્ગાતા આનંદથી ઝૂમી ઊઠ્યા. હવે પ્રતિકર્તાનો વારો આવ્યો. ઉપસ્તિએ પ્રતિકર્તાને પણ તેના કાર્ય સાથે સમ્બદ્ધદેવતા વિશે એની જિજ્ઞાસા જાણી કહ્યું : ‘એ દેવતા અન્ન છે, આ અન્નનો મહિમા શબ્દો દ્વારા વ્યકત થઈ શકતો નથી. શરીરધારણનું પ્રધાન સાધન અન્ન જ છે, અન્નના અભાવથી થયેલી કુરુદેશની વિષમ સ્થિતિથી તમે અજાણ તો નથી જ. અન્નનું સર્જન અતિ પવિત્ર કાર્ય છે. અન્ન ગ્રહણ કરતી વખતે દૈવી શકિત પોતામાં અનુપ્રાણિત થઈ રહી છે એવી ભાવના કરવી જોઈએ. પ્રતિહાર સાથે સમ્બદ્ધદેવતા અન્ન જ છે.’
ઋત્વિજોએ ઉપસ્તિની અધ્યક્ષતામાં યજ્ઞ સારી રીતે સંપન્ન કર્યો; યજ્ઞની સમાપ્તિ થતાંવંેત પર્જન્યદેવ પ્રસન્ન થયા અને મૂસલધાર વરસાદની ધારાઓ એ કુરુદેશને તરબોળ કરી દીધો. ખેતરોમાં ચોમેર હરિયાળી છવાઈ ગઈ, અન્નનું અત્યન્ત ઉત્પાદન નિહાળી પ્રાણીઓ નાચી ઊઠ્યાં, દુષ્કાળનો ઓછાયોે કુરુદેશ પરથી સદાને માટે દૂર થઈ ગયો, ત્યારે આર્યજનતાનાં ભાગ્ય-ચક્ષુઓએ
નિહાળ્યું કે યજ્ઞમાં અપાયેલી આહુતિ વિશ્વમાંગલ્યમાં કેટલી શકિતશાળી બની શકે છે. પુરાતન વૈદિકકાળમાં આર્યલોકો અન્નદેવની અર્ચના અને ઉપાસના તરેહ તરેહની રીતે કરતા હતા. દુષ્કાળ પડે ત્યારે મેઘોના રાજા ઇન્દ્રની આરાધનાં કરવામાં આવતી અને ઇન્દ્ર પણ પ્રસન્ન થઈ જલધારાઓ વર્ષાવતા રહેતા. ભૂમિ એથી વધુ ફળદ્રુપ થતી અને વધુને વધુ અન્નોત્પાદન થતું રહેતું.
અન્ન તો ખરેખર દેવતા છે. અન્નનો એક દાણો પણ વ્યર્થ ન જવો જોઈએ. અન્નને નકામું વેડફીને આપણે અન્નદેવતાનું અપમાન કરીએ છીએ. વેદની આ શિખામણ તો આજના યુગને પણ સોએ સો ટકા લાગુ પડે છે.
Your Content Goes Here