ડાયાબીટિઝ થાય એટલે ભોજન પર પહેલાં તો જાગૃતિ રાખવી પડે. ઘરના બધા જ સભ્યો ડાયાબીટિઝવાળી વ્યક્તિએ શું ખવાય અને શું ન ખવાય એની ચર્ચા કર્યા કરે. અને એમાંયે મોટેભાગે ન ખાવાની વસ્તુઓનું લીસ્ટ, ખાઈ શકાય તેવી વાનગીઓના લીસ્ટ કરતાં લાંબું હોય છે ! જો આપણે વિવિધ પ્રકારના ખોરાકને અને તેને ખાધા પછી તેની લોહીની શર્કરા ઉપર કેવી અસર થાય છે, તે જાણી લઈએ તો કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર આપણું રોજનું મેનુ આપણે જાતે જ નક્કી કરી શકીએ. નહીંતર અમુક વખત એવું બનતું હોય છે કે કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક આધાર-પુરાવા વગર જ લોકો અમુક-તમુક ખાદ્યપદાર્થ ખાવાની મનાઈ ફરમાવી દેતા હોય છે.
ડાયાબીટિઝવાળી વ્યક્તિ માટે કોઈપણ ખાદ્ય સારા પરિણામવાળું છે કે માઠા પરિણામવાળું છે તે નક્કી કરવા માટે આ મુખ્ય પાંચ બાબતો ચકાસવી જોઈએ. એક તો એ ખાદ્ય કેટલી કેલરી આપે છે? બીજું તેનો ગ્લાયસેમિક ઇંડેક્સ- શર્કરાપ્રમાણ કેટલું છે ? આ ગ્લાયસેમિક ઈંડેક્સ એટલે શું તે આપણે આગળ જોઈશું. ત્રીજી ખૂબ ઉપયોગી બાબત કે જે-તે ખાદ્યમાં મીઠાનું પ્રમાણ કેટલું છે? ચોથી અગત્યની વાત કે ખાદ્યમાં ચરબી (ઘી, તેલ, માખણ વગેરે) કેટલી છે? અને પાંચમી અગત્યની વાત એ કે ખાદ્યમાં રેષાની માત્રા કેટલી છે? આપણે આ દરેક મુદ્દાને વારાફરતી ચકાસીએ.
કોઈપણ ખાદ્યમાંથી કેટલી કેલરી મળે છે તે ડાયાબીટિઝના દર્દીએ ખાસ ચકાસવું જોઈએ. કેમકે ભારતીય ભોજનમાંથી મળતી મોટા ભાગની કેલરી કાર્બોદિત પદાર્થોેમાંથી આવતી હોય છે. જ્યારે ભોજન કાર્બોદિત પદાર્થોેથી સમૃદ્ધ હોય ત્યારે પણ ફરીથી એ જોવું પડે કે આ કાર્બોદિત સરળ કાર્બોદિત છે કે જટિલ કાર્બોદિત છે. સરળ કાર્બોદિત બારીક દળેલ લોટ, મેંદો, રીફાઈંડ ખાદ્યપદાર્થાે, બટાટા જેવા કંદમૂળ, સાકર, મધ જેવા ખોરાકમાંથી વધુ મળે છે. આવો ખોરાક ફ્ટાફટ પચી જાય છે અને કાર્બોદિત પચી જઈને ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. મતલબ કે જેમ કેલરી વધુ તેમ તે ભોજનની બ્લડ શુગર વધારી દેવાની ક્ષમતા પણ વધુ. ડાયાબીટિઝના દર્દી માટે સરળ કાર્બોદિત યુક્ત કેલરીથી ભરપૂર ખાદ્યો જેટલા ઓછા લેવાય તેટલું જ સારું.
આજ રીતે વધુ ખાંડ, ફળશર્કરા લેવી પણ યોગ્ય નથી. આ બંને સુક્રોઝ અને ફ્રુક્ટોઝ રૂપે હોય છે. જે શક્તિ સિવાય અન્ય કોઈ પોષકતત્ત્વો આપતાં નથી. ઘણા લોકોમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે ડાયાબીટિઝમાં ખાંડ જેટલું નુકસાન કરે છે તેટલું સાકર ખાવાથી થતું નથી. પરંતુ આ માન્યતા સાચી નથી. ખાંડ અને સાકર બંને સુક્રોઝ છે. ફક્ત તેમનાં કદ અને દેખાવ અલગ છે. જ્યારે ખાંડ કે સાકર ખવાય ત્યારે શરીરમાં તેના ચયાપચય માટે ઈંસ્યુલીન ફરજીયાત જોઈએ છીએ. પરંતુ, ડાયાબીટિઝના દર્દીમાં તો ઈંસ્યુલીન હોતું જ નથી. આથી ખાંડ કે સાકરનો ગ્લુકોઝ લોહીમાં જ જમા થયા કરે છે. આ પરિસ્થિતિ ડાયાબીટિઝના દર્દી માટે જોખમી છે. જો ગળ્યું ખાવાનું મન થાય તો સાકર કે ખાંડ કરતાં તાજાં ફળના ટુકડા પર પસંદગી ઉતારવી જોઈએ. કેમકે ફળમાં ફળશર્કરા- ફ્રુક્ટોઝ હોય છે. આ ફ્રુક્ટોઝના પાચન માટે ઈંસ્યુલીનની જરૂર હોતી નથી. આથી જ મર્યાદિત માત્રામાં ફળ લેવાય ત્યારે તેમાંથી શરીરમાં ભળતી ફળશર્કરા ઈંસ્યુલીનની ગેરહાજરીમાં પણ વપરાય જાય છે અને બ્લડ-ગ્લુકોઝનું લેવલ પણ ઊંચું જતું નથી.
ખાદ્યોનો ગ્લાયસેમિક ઈંડેક્સ પણ ડાયાબીટિઝના દર્દીમાટે ભોજન કેટલું સલામત કે કેટલુંં જોખમી છે તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ગ્લાયસેમિક ઈંડેક્સ એટલે કોઈપણ ખાદ્ય ખાધા પછી તે કેટલી ઝડપથી બ્લડશુગર લેવલ વધારી શકે છે તે માપ. જેમ ખાદ્યનો ગ્લાયસેમિક ઈંડેક્સ ઊંચો તેમ ડાયાબીટિઝમાં તે ખાદ્ય નુકસાનકારક નીવડી શકે છે. જેમ ખાદ્યનો ગ્લાયસેમિક ઈંડેક્સ નીચો તેમ તે ખાદ્યમાંથી ગ્લુકોઝની રક્તમાં ભળવાની પ્રક્રિયા ધીમી. આથી જ્યારે શરીરમાં ઈંસ્યુલીન ઓછું હોય ત્યારે તે ધીમે-ધીમે ભળતી સાકરને પચાવીને રક્તમાં સાકરની માત્રા વધવા દેતું નથી. આમ નીચા ગ્લાયસેમિક ઈંડેક્સવાળાં ખાદ્યો ડાયાબીટિઝમાં ફાયદાકારક છે. સફેદ બ્રેડનો ગ્લાયસેમિક ઈંડેક્સ ૧૦૦ છે. આને અધારરૂપ રાખીને અન્ય ખાદ્યોનો ગ્લાયસેમિક ઈંડેક્સ મપાય છે. મેંદો, ફાસ્ટફૂડ, સફેદ બ્રેડ, ફળના રસ, ગળ્યાં બિસ્કિટ વગેરે વધુ ગ્લાયસેમિક ઈંડેક્સ ધરાવતાં ખાદ્યો છે. જ્યારે આખાં ફળ, અંકુરિત કઠોળ, જાડાં ધાન્ય વગેરે ઓછો ગ્લાયસેમિક ઈંડેક્સ ધરાવતાં ખાદ્યો છે.
ડાયાબીટિઝની રોકથામની વિશેષ જરૂરિયાત કોને?
ડાયાબીટિઝ એક જીવનશૈલીની અયોગ્યતાને લીધે થતો રોગ છે. ડાયાબીટિઝ અટકાવવાના યોગ્ય પગલાં ભરાય તો ડાયાબીટિઝ થતો અટકાવી શકાય છે અથવા તેને પાછળ ઠેલી શકાય છે.
ડાયાબીટિઝ માટેના જવાબદાર કારણોમાંનું એક પ્રમુખ કારણ છે મેદસ્વિતા. શરીરમાં રહેલી વધારાની ચરબી ઈંસ્યુલીનને કાર્ય કરવા દેતી નથી અને ડાયાબીટિઝને નોતરે છે. આથી વધતા વજનને કન્ટ્રોલ કરવામાં આવે તો ડાયાબીટિઝને અટકાવવામાં ઘણે અંશે સફળતા મળે છે. v ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્ત્રીઓને ડાયાબીટિઝ થાય છે. એ બાળકના જન્મ બાદ મટી જાય છે. પરંતુ આવી સ્ત્રીઓ જો આગળ જતાં કાળજી ન રાખે તો તેમને ડાયાબીટિઝ થવાની શક્યતા વધી જાય છે. આથી જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબીટિઝ થયો હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે છે. v વારસાગત રીતે ઊતરી આવતા ડાયાબીટિઝને પણ આહાર અને કસરતની યોગ્ય કાળજી લઈને નિવારી શકાય છે અથવા પાછળ ઠેલી શકાય છે. જે પણ વ્યક્તિને માતૃ કે પિતૃ પક્ષે ડાયાબીટિઝ હોય તો તેવી વ્યક્તિને ડાયાબીટિઝ થવાની શક્યતા વધુ રહે છે, એટલે તેમણે પણ કાળજી રાખવી જોઈએ. v ભારતીયોમાં સામાન્ય રીતે ૩૦-૪૦ વર્ષની વયે ડાયાબીટિઝનાં લક્ષણો દેખા દે છે. આથી આ વયજૂથના લોકોએ પણ ડાયાબીટિઝ વિષયક ઘણી કાળજી લેવી જોઈએ.
ડાયાબીટિઝની રોકથામ માટે શું કાળજી લેવી જોઈએ?
વજન વધતંુ અટકાવવું જોઈએ અને જો વજન સામાન્ય કરતાં વધુ હોય તો વજન ઘટાડવાના ઉપાયો કરવા જોઈએ. v ગર્ભાવસ્થા દરમિયાન જો ડાયાબીટિઝ હોય તો તેવી સ્ત્રીઓએ આધેડ અવસ્થા દરમિયાન વજન કાબૂમાં રાખવું જોઈએ તથા સમયાંતરે ડાયાબીટિઝનું નિદાન કરાવતાં રહેવું જોઈએ. v ભોજનમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ, રીફાઈંડ લોટ, પ્રોસેસ્ડ ખાદ્યો, ઘી, તેલ, મિષ્ટાન્ન, માંસાહારી ખાદ્યો તથા આલ્કોહોલનો વપરાશ ઘટાડવો જોઈએ. આહાર જરૂર પૂરતી કેલરીવાળો તથા ઓછી ચરબીવાળો લેવો જોઈએ. v આહારમાં રેષાથી સમૃદ્ધ ખાદ્યો વધુ લેવા જોઈએ. લીલાં શાકભાજી, તાજાં ફળ, અંકુરિત અનાજ-કઠોળ તથા જાડાં દળેલાં ધાન્યનો વપરાશ વધારવો જોઈએ. v ૩૫ વર્ષ પછી સમયાંતરે ડોક્ટરની સલાહ મુજબ લોહી અને પેશાબમાં શુગરની ચકાસણી કરાવતાં રહેવું જોઈએ. v રોજ નિયમિત કસરત કરવી જોઈએ. ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, તરવું જેવી નિયમિત કસરતો અને કાર્યશીલ શરીર ડાયાબીટિઝને દૂર રાખવામાં મદદ કરે છે.
ડાયાબીટિઝને લગતા વર્કશોપ, કેમ્પ, નિદાન કેમ્પ વગેરેમાં ભાગ લઈ ડાયાબીટિઝને લગતી નવી નવી જાણકારીથી માહિતગાર રહેવું જોઈએ.
Your Content Goes Here