શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી તા.૨૯-૫-૧૬ સુધી કરવામાં આવ્યું.
તા.૨-૫-૧૬ના રોજ વિવેક હોલમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી મહારાજ તથા અન્ય વરિષ્ઠ સંન્યાસીઓના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રાક્કથનમાં સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુને વધુ બાળકો આ શિબિરનો લાભ લે.
આ શિબિરમાં ૮ થી ૧૩ વર્ષના લગભગ ૩૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો અને ૪૦ જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ અત્યંત ઉત્સાહ સહિત બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સ્વામી વિવેકાનંદના શબ્દોમાં તેના ચારિત્ર્યની ખિલવણી કરે તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર સિંચન કરવામાં આવ્યું.
શિબિરમાં પ્રતિદિન પ્રાર્થના, દૈનિક જીવનમાં બોલવાના શ્લોકો, શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો, પ્રાણાયામ, યોગાસનો, સૂર્યનમસ્કાર, બાળ અભિનય ગીતો, દેશભક્તિ ગીતો, પ્રેરણાદાયી વાર્તાઓ, બોધપ્રદ નાટકો, નૃત્ય, રંગકામ, કલા, રચનાત્મક પ્રવૃત્તિઓ, ધ્યાનની રમતો વગેરે ઘણું ઘણું શીખવવામાં આવ્યું. ઉપરાંત તેમના મનોરંજન માટે જાદુ અને કઠપૂતળીનાં ખેલનું પણ આયોજન કરવામાં આવ્યું. સાથને સાથે દરરોજ બાળકોને ગરમ, પોષ્ટિક નાસ્તો પણ આપવામાં આવતો. તા.૨૯-૫-૧ના વિવેક હોલમાં મા શારદા સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો. જેમાં બધાજ બાળકો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સમાપન સમારોહનું ઉદ્ઘાટન બેલુરથી પધારેલ વરિષ્ઠ ટ્રસ્ટી પૂજ્ય સ્વામી શિવમયાનંદજી મહારાજ, કનખલથી પધારેલ વરિષ્ઠ સંન્યાસી સ્વામી ચિન્મયાનંદજી મહારાજ તથા રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી મહારાજના કરકમલો દ્વારા કરવામાં આવ્યું. પ્રાસંગિક ઉદ્બોધન આપતા સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી કે બાળકોમાં કેટલી શક્તિ પડેલી છે તેને બહાર લાવવાનું કામ આ શિબિરમાં સુપેરે બધા સ્વયંસેવકોએ પાર પાડયું છે અને વાલીઓ વગેરેના સહકારથી બહુ જ સફળતા મળી છે. બધાના પ્રતિભાવો ઘણા આવકારદાયક છે. પછી
આર્શીવચન આપતા શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજે શ્રીઠાકુર, મા અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરતાં કહ્યું કે અહીંથી બાળકોએ જે કંઈ પ્રાપ્ત કર્યું તેના દ્વારા પોતાનાં જીવનનું ઘડતર કરે અને ખૂબ ખૂબ આગળ વધે. ત્યાર બાદ શ્રીજીતુભાઈએ બાળકો સાથે પ્રણામ મંત્રો તથા મા શારદાની ધૂન દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ત્યાર બાદ એક પછી એક ૨૦ પ્રસ્તુતિઓ બાળકો દ્વારા કરવામાં આવી. જેમાં દૈનિક જીવનમાં પ્રાર્થના રૂપે બોલાતા શ્લોકો, ગીતાના શ્લોકો, સૌ પ્રથમ રજૂ થયા. ત્યારબાદ સરસ્વતી વંદના નૃત્યરૂપે રજૂ થઈ જેના શબ્દો હતા,‘માતા સરસ્વતી શારદા’. ત્યાર બાદ યોગના આસનો, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર રજૂ થયા. ત્યાર બાદ સર્વ દેવતાઓને નમસ્કાર કરતું સુંદર નૃત્ય રજૂ થયું અને સાથે સાથે ‘એકતારા બોલે ગુરુ તેરી બાની’ જેવા સૂફીભાવ દ્વારા ગુરુવંદના કરવામાં આવી. ઉપરાંત વૃક્ષ બચાવો, પાણી બચાવો, પર્યાવરણની સુરક્ષા જેવા સુંદર સંદેશ આપતું નાટક મૂક અભિનય દ્વારા રજૂ થયું. પછી પૌરાણિક કથાનકમાંથી ‘વૃષભ અવતાર’ નાટક રજૂ થયું જેમાં નંદીના અવતારનું રહસ્ય બાળકોએ સુંદર રીતે પ્રસ્તુત કર્યું. ત્યાર બાદ દેશભક્તિની ભાવના જગાડતું ગીત ‘ધર્મ કે લીયે જીયે’ રજૂ કરવામાં આવ્યું.
તે પછી બાળકોને પ્રિય એવી પ્રેરક લઘુકથાઓ રજૂ થઈ જેનો સંદેશો હતો – (૧) કોલસાને સફેદ કરવાનો પ્રયત્ન (૨) જીવનમાં સતત અભ્યાસ જરૂરી છે. ત્યાર બાદ સંુદર મજાનું અભિનય ગીત નાના ભૂલકાઓએ રજૂ કર્યું, ‘અમે બસમાં ફરવા ગ્યાતા.’ ત્યાર બાદ કાર્યક્રમની એક અસરકારક પ્રસ્તુતિ જેનો સુંદર સંદેશ કે, ‘ઈશ્વરમાં સાચી શ્રદ્ધા હોય તો ભગવાનને બોલાવીએ તો જમવા આવે એટલું જ નહીં સ્વયં ભગવાન પણ આપણા માટે ભોજન બનાવે અને આપણને જમાડે’ એવો અદ્ભૂત સંદેશ આપતું ભાવસભર નાટક રજૂ થયું.
‘અઢિયાની એકાદશી’ જેણે બધાની વાહ વાહ મેળવી એવી ઉત્તમ પ્રસ્તુતિ કહી શકાય. ત્યાર બાદ નાના ભૂલકાઓનું ગમતીલું ગીત બાળકોએ રજૂ કર્યું, ‘એક મારી મોટી બેને ફુગ્ગા લીધા પાંચ’ તથા ‘ટેણી’. નાના નરેન કિશોરાવસ્થામાં હતા ત્યારે કેવાં કેવાં તોફાન કરતા, કેવી કેવી રમતો રમતા વગેરે વર્ણવતું સુંદર નાટક ‘બાલ વિવેક’ રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદના અત્યંત વહાલા વીર હનુમાનની જુની સ્તુતિ એક અદ્ભૂત ક્લાસીકલ નૃત્ય દ્વારા રજૂ થઈ. આ શિબિર એટલી સફળ રહી કે દરેક શિબિરાર્થી કંઈક કહેવા ઇચ્છતો હતો પણ બધાના પ્રતિનિધિરૂપ એકે પ્રતિભાવ આપતા કહ્યું કે, ‘ખરેખર અમે અત્યંત ભાગ્યશાળી છીએ કે આ ‘મા શારદા સંસ્કાર શિબિરમાં અમે આવ્યા ને કેટકેટલું નવું નવું શીખ્યા જે સુંદર ભાથંુ બની રહેશે અને હંમેશાં આશ્રમના, સ્વામીજીના તમામ દીદી તથા સરના ઋણી રહેશું. બધા વાલીઓ વતી એક વાલીએ પ્રતિભાવ આપતા કહ્યું કે સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર કે દર વર્ષે આવું આયોજન કરાવે છે અને બધાએ ખૂબજ પ્રેમપૂર્વક ઉત્સાહથી બાળકોને જે શીખવ્યું તેનું ઋણ કદી ચૂકવી નહીં શકીએ.
અંતમાં સ્વામી વિવેકાનંદના હૃદયમાં ભારત પ્રત્યેના ધબકતા ઉત્કટ દેશપ્રેમને વ્યક્ત કરતા સ્વદેશ મંત્રનું બાળકોએ પઠન કર્યું અને સ્વામીજીના અગ્નિમંત્રો જુસ્સાથી રજૂ કર્યા. શ્રીરામકૃષ્ણદેવની ધૂન દ્વારા અને સ્વામી વિવેકાનંદના Be and Makeના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્યું. આશ્રમ દ્વારા બાળકો તથા વાલીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સંસ્કાર શિબિરના સ્મૃતિચિહ્ન રૂપે બાળકોને સ્વામી વિવેકાનંદની સુંદર પ્રતિમા ભેટ રૂપે આપવામાં આવી.
Your Content Goes Here