एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः

स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।।

જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો, મનન કરનારો, જાણવાવાળો તથા સંપૂર્ણ ઇન્દ્રિયો અને મન દ્વારા સઘળાં કર્મો કરનારો જે આ વિજ્ઞાનસ્વરૂપ પુરુષ-જીવાત્મા છે એ પણ તે પરમ અવિનાશી અને બધાંનો આત્મા એવા પરબ્રહ્મ પુરુષોત્તમમાં જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેને પ્રાપ્ત કરી લેતાં જ એને વાસ્તવિક શાંતિ મળે છે તેથી એના પણ પરમ આશ્રય તે પરમાત્મા જ છે.

परमेवाक्षरं प्रतिपद्यते स यो ह वै तदच्छायमशरीरमलोहितं शुभ्रमक्षरं वेदयते यस्तु सोम्य ।

स सर्वज्ञः सर्वो भवति । तदेष श्लोकः ।। 4.10।।

આ નિશ્ચયપૂર્વક કહી શકાય કે જે કોઈપણ મનુષ્ય તે છાયારહિત, શરીરરહિત, લાલ-પીળા વગેરે બધા રંગોથી રહિત, વિશુદ્ધ અવિનાશી પરમાત્માને જાણી લે છે તે પરમ અક્ષર પરમાત્માને જ પ્રાપ્ત કરી લે છે – એમાં જરાય સંશય નથી. હે સોમ્ય ! જે કોઈ પણ એવો છે અર્થાત્ જે પણ તે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે તે સર્વજ્ઞ અને સર્વરૂપ બની જાય છે. આ વિષયમાં નિમ્નલિખિત ઋચા છે.

विज्ञानात्मा सह देवैश्च सर्वैः

प्राणा भूतानि सम्प्रतिष्ठन्ति यत्र ।

तदक्षरं वेदयते यस्तु सोम्य

स सर्वज्ञः सर्वमेवाविवेशेति ।। 4.11।।

બધાંના પરમ કારણ એવા જે પરમેશ્વરમાં સમસ્ત પ્રાણ અને પાંચ મહાભૂત તથા સમસ્ત ઇન્દ્રિયો અને અંત :કરણ સહિત સ્વયં વિજ્ઞાનસ્વરૂપ જીવાત્મા-એ બધાં આશ્રય લે છે, તે પરમ અક્ષર અવિનાશી પરમાત્માને જે કોઈ જાણી લે છે, તે સર્વજ્ઞ છે તથા સર્વરૂપ પરમેશ્વરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ રીતે ચતુર્થ પ્રશ્ન સમાપ્ત થયો.

अथ हैनं शैब्यः सत्यकामः पप्रच्छ । स यो ह वै तद्भगवन्मनुष्येषु प्रायणान्तमोङ्कारमभिध्यायीत ।

कतमं वाव स तेन लोकं जयतीति ।। 5.1।।

આ મંત્રમાં સત્યકામે ઓમકારની ઉપાસના વિશે પ્રશ્ન કર્યો છે. તેણે એ જિજ્ઞાસા કરી છે કે જે મનુષ્ય જીવનપર્યંત નિરંતર ઓમકારની સુપેરે ઉપાસના કરે છે તેને એ ઉપાસના દ્વારા કયા લોકની પ્રાપ્તિ થાય છે અર્થાત્ શંુ ફળ મળે છે.

तस्मै स होवाच एतद्वै सत्यकाम परं चापरं च ब्रह्म यदोङ्कारः ।

तस्माद्विद्वानेतेनैवायतनेनैकतरमन्वेति ।। 5.2 ।।

એના જવાબમાં મહર્ષિ પિપ્પલાદ ‘ૐ’ એ અક્ષરનું તેના લક્ષ્યભૂત પરબ્રહ્મ પુરુષોત્તમ સાથે ઐક્ય સાધતાં કહે છે- ‘સત્યકામ ! આ જે ‘ૐ’ છે તે પોતાના લક્ષ્યભૂત પરબ્રહ્મ પરમાત્માથી ભિન્ન નથી. એટલા માટે એ જ પરબ્રહ્મ છે અને એ જ તે પરબ્રહ્મથી પ્રગટ થયેલ તેમનું વિરાટ સ્વરૂપ-અપર બ્રહ્મ પણ છે. માત્ર આ એક ‘ૐ’નો જપ, સ્મરણ અને ચિંતન કરીને તેના દ્વારા વિજ્ઞાનસંપન્ન મનુષ્ય પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરી લે છે.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.