આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક ટેક્નોલોજી ન હોવા છતાં એ સમયની વસતિ પ્રમાણે વિરાટ સંખ્યામાં, દેશના વિવિધ પ્રદેશો અને પ્રાંતોમાંથી વિવિધ સંસ્કૃતિના લોકો મેળાનો તથા સમૂહસ્નાનનો લાભ લેતા હતા. કુંભમેળામાં સમૂહસ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી પ્રચલિત માન્યતા ચાલતી આવી છે, પરંતુ મુકેશ પંડ્યાના લેખ મુજબ આજના વૈજ્ઞાનિકો હવે પુરાવા સાથે સાબિત કરી રહ્યા છે કે આ પ્રકારના કુંભમેળામાં સ્નાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધે છે. અને ચેપી રોગો જેવા કે ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ, ચીકનગુનિયા, ઈન્સેફ્લાઈટીસ અને ટી.બી.થી રક્ષણ મળી શકે છે. આવી શોધખોળ કરવાનું શ્રેય એક રજિસ્ટર્ડ થયેલી સંસ્થાના ડાયરેક્ટર ડૉ. વાચસ્પતિ ત્રિપાઠીને ફાળે જાય છે કે જેમણે પી.એચ.ડી.ની ઉપાધિ પણ મેળવી છે.

ભારતીય અધ્યાત્મના મહાવટવૃક્ષને નવી નવી વડવાઈઓ ફૂટતી જ રહે છે, નવ-વિકાસની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. તે માટેનાં અનેક માધ્યમો આપણી પાસે સદીઓથી છે, જેમાંનું એક માધ્યમ છે આ મહાકુંભ પર્વ. આ મહાકુંભપર્વની વાત આપણે પૂજ્ય શ્રીભાણદેવજીના શબ્દોમાં વાંચીશું તો જ વિશેષ રસપ્રદ બનશે.

મહાકુંભ પર્વ શું છે?

જેને આપણે લૌકિક ભાષામાં ‘કુંભમેળો’ કહીએ છીએ તે ખરેખર મેળો નહીં પરંતુ એક મહાન પર્વ છે. ઘણા માણસો એકઠા થાય એટલે તેને મેળો ગણી લેવાની લૌકિક રીતરસમને કારણે આપણે તેને કુંભમેળો કહીએ છીએ. મેળામાં અને પર્વમાં ઘણી ભિન્નતા છે. આ પર્વમાં મહાસંમિલનનો હેતુ સ્નાન અને સત્સંગ છે. અન્ય મેળાઓની જેમ અહીં ચકડોળ કે રમકડાંની દુકાનો નથી હોતી. આ મેળો બે કે પાંચ દિવસનો હોતો નથી. આ મહાકુંભપર્વ મહિના સુધી અને ક્યારેક તો એથી પણ વધારે સમય સુધી ચાલે છે.

હિન્દુ ધર્મના સર્વ સંપ્રદાયોના મોટા ભાગના સાધુઓ આ કુંભપર્વમાં એકત્રિત થાય છે, ઉપરાંત ભારતીય જનસમાજ પણ વિશાળ સંખ્યામાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી તો વિદેશીઓ પણ આમાં સામેલ થાય છે. આમ, કોઈ એક વિશિષ્ટ પવિત્ર સમયગાળા દરમિયાન કોઈ વિશિષ્ટ સ્થાન પર સ્નાન અને સત્સંગને કેન્દ્રમાં રાખીને પ્રયોજાતા આવા દીર્ઘકાલીન મહાસંમેલનને ‘મહાકુંભ પર્વ’ કહેવામાં આવે છે.

મહાકુંભ પર્વની પૌરાણિક કથા

સમુદ્રમંથન વખતે નીકળેલા અમૃતકુંભને દેવો અને અસુરો બન્ને પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા તેથી અમૃતકુંભ માટે ખેંચતાણની શરૂઆત થઈ. દેવરાજ ઇન્દ્રની સૂચનાથી ઇન્દ્રપુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગી ગયો. દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું, જે બાર દિવસ સુધી ચાલ્યું. આ બાર દિવસ દરમિયાન જયંતે અમૃતકુંભને જુદાં જુદાં બાર સ્થાનોમાં સંતાડી રાખ્યો હતો. આ બારમાંથી આઠ સ્થાનો દેવલોકમાં અને ચાર સ્થાનો પૃથ્વીલોકમાં છે. પૃથ્વીલોક પરનાં ચાર સ્થાનો છે (૧) હરિદ્વાર (૨) પ્રયાગરાજ (૩) ઉજ્જૈન (૪) નાસિક-ત્ર્યંબક. આ ચારે સ્થાનમાં અમૃતકુંભ સંતાડવામાં આવ્યો હતો ત્યારે ચારેય જગ્યાએ અમૃતકુંભ છલકાયો હતો તેથી તે સ્થાનોમાં વહેતી નદીઓને વિશિષ્ટ તીર્થની મહત્તા પ્રાપ્ત થઈ. દેવોના બાર દિવસ એટલે પૃથ્વીલોકનાં બાર વર્ષ. આ અમૃતકુંભને સંતાડવાની અને તેને શોધીને મેળવી લેવાની પ્રક્રિયા ચાલુ રહી તેથી આ ચારે પવિત્ર સ્થાનોમાં ક્રમિક રીતે દર બાર વર્ષે મહાકુંભપર્વ યોજવાની પરંપરાનો પ્રારંભ થયો છે.

મહાકુંભપર્વ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ

રાશિચક્રોમાં ગ્રહોની વિશિષ્ટ સ્થિતિ દરમિયાન ચારે તીર્થાેમાં મહાકુંભપર્વ પ્રયોજવામાં આવે છે. અમૃતકુંભને બાર વર્ષ સુધી જયંતે સાચવ્યો હતો. જયંતને આ કાર્યમાં ગુરુ, સૂર્ય અને ચંદ્ર દ્વારા સહાયતા મળી હતી તેથી મહાકુંભપર્વની યોજના સાથે તેમની ગતિ અને સ્થિતિનો સંબંધ જોડવામાં આવ્યો છે. સ્કન્દપુરાણના વિવરણ પ્રમાણે-

(૧) ગુરુ કુંભરાશિમાં અને સૂર્ય મેષરાશિમાં આવે ત્યારે હરિદ્વારમાં આ પર્વ યોજાય છે અને ત્યારે ભાગીરથી ગંગામાં સ્નાન થાય છે.

(૨) ગુરુ વૃષભરાશિમાં અને સૂર્ય મકરરાશિમાં આવે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ પ્રયોજવામાં આવે છે અને ત્યારે ત્રિવેણીસંગમ પર સ્નાન થાય છે.

(૩) ગુરુ સિંહરાશિમાં અને સૂર્ય મેષરાશિમાં આવે ત્યારે ઉજ્જૈનમાં મહાકુંભપર્વ યોજાય છે અને ત્યારે ક્ષિપ્રા નદીમાં સ્નાન થાય છે.

(૪) ગુરુ સિંહરાશિમાં અને સૂર્ય પણ સિંહરાશિમાં આવે ત્યારે નાસિક-ત્ર્યંબકમાં આ પર્વ યોજાય છે અને ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન થાય છે.

મહાકુંભ પર્વની ઐતિહાસિક પરંપરા

મહાકુંભપર્વની પરંપરા ઘણી પ્રાચીન હશે. કેટલાક વિદ્વાનો વૈદિક સાહિત્યમાં તેનો ઉલ્લેખ હોવાનું માને છે. ઋગ્વેદ, અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણમાં મહાકુંભ પર્વ પ્રત્યે સંકેત કરતા મંત્રો જોવા મળે છે. સમ્રાટ હર્ષના રાજ્યકાળ દરમિયાન આ મહાપર્વ થતું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ચીની યાત્રી હ્યુ-એન-સંગે મહાકુંભપર્વ દરમિયાન હરિદ્વારની મુલાકાત લીધી હતી. આ પર્વમાં સમ્રાટ હર્ષે કરેલા દાનનું પણ તેણે વર્ણન કરેલું છે.

સમ્રાટ હર્ષ પ્રત્યેક મહાકુંભપર્વ દરમિયાન જે તે તીર્થમાં આવતા અને પોતાની સેના સિવાયની સર્વ સંપત્તિ સાધુઓને દાનમાં આપી દેતા. પહેરેલાં વસ્ત્રો પણ દાનમાં અપર્ણ કરતા અને પોતાની મોટી બહેન રાજશ્રી પાસેથી એક વસ્ત્ર દાનમાં મેળવીને તે વસ્ત્ર પહેરીને રાજગાદી પર બેસતા.

મહાકુંભપર્વનું વર્તમાન સ્વરૂપ શ્રીશંકરાચાર્ય દ્વારા નિર્ધારિત થયું છે, તેમ સાધુ સમાજ માને છે. એટલે આ પર્વનું આયોજન દશનામી સંન્યાસીઓ જ કરતા. પરંતુ ત્યાર પછી સાધુઓ વચ્ચે અનેક વાર સંઘર્ષ પણ થતા અને એ માટે યુદ્ધો પણ ખેલાયાં છે. આ પર્વ લોહિયાળ બનતું જોઈને ચતુર અંગ્રજોએ પર્વને થોડાં વર્ષ માટે બંધ રાખ્યું. આખરે સાધુસમાજમાં સર્વસંમતિ સાધી શકાઈ અને પર્વનો પુન : પ્રારંભ થયો. પરંતુ ત્યારથી મહાકુંભ પર્વની વહીવટી સત્તા અને જવાબદારી દશનામી સંન્યાસીઓના હાથમાંથી અંગ્રેજ સરકારના હાથમાં ગઈ.
આજે મહાકુંભપર્વની વહીવટી જવાબદારી સરકારની ગણાય છે. આમ છતાં સાધુસમાજનો અવાજ પણ મહત્ત્વપૂર્ણ ગણાય છે. સાધુસમાજની આંતરિક વ્યવસ્થામાં અનિવાર્ય કારણ વિના સરકાર તરફથી દખલગીરી થતી નથી.

મહાકુંભ પર્વમાં શું થાય છે?

મહાકુંભપર્વનો મુખ્ય હેતુ અને મુખ્ય વિધિ પવિત્ર નદીમાં સ્નાન છે. સાધુઓ અને યાત્રીઓ સવાર-સાંજ સ્નાન અવશ્ય કરે છે. આ પર્વ દરમિયાન કેટલાક વિશેષ દિવસે આ સ્નાન વિશેષ મહત્ત્વ ધારણ કરે છે; જેમ કે પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, શિવરાત્રિ, રામનવમી વગેરે. આ દિવસોમાં યાત્રીઓની સંખ્યા ક્યારેક કરોડ સુધી પણ પહોંચી જાય છે. એક જ સ્થાન પર એક જ દિવસે એક કરોડ માણસો એકઠા થાય તેવો પ્રસંગ સંભવત : વિશ્વભરમાં આ એક મહાકુંભપર્વ જ છે.

આ ઉપરાંત આ પ્રસંગે અનેક નવા સાધુઓને દીક્ષા આપવામાં આવે છે, સાધુસમાજનાં સંમેલનો યોજાય છે. તેમાં નવા આચાર્યો, મહામંડલેશ્વર, અધ્યક્ષ, મંત્રી વગેરેની નિમણૂક આ પર્વ દરમિયાન થાય છે. સાધુસમાજ દેશ અને સમાજની પરિસ્થિતિ વિશે પણ વિચારણા કરે છે. પર્વ દરમિયાન કથા, વ્યાખ્યાનો, ચર્ચાવિચારણા, સત્સંગ, રાસલીલા, ભજન, સંકીર્તન, નામજપ વગેરે કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. સાધુભોજન અને સર્વજન ભોજનના કાર્યક્રમો પણ ચાલતા જ રહે છે. યાત્રીઓ સંતસમાગમ અને સંતદર્શનનો લાભ અચૂક લેતા હોય છે. સમગ્ર ભારતના લગભગ બધા જ સંપ્રદાયોના સાધુઓ એક જ સ્થાન પર એકત્રિત થાય એ એક વિરલ ઘટના છે અને તે મહાકુંભ દરમિયાન જ શક્ય બને છે. જાગૃત સાધુઓ અને યાત્રીઓ આ તકનો ઉપયોગ કરીને ભારતીય અધ્યાત્મનો પરિચય મેળવી શકે છે.

મહાકુંભપર્વની વ્યવસ્થા

સાધુસમાજની આંતરિક બાબતો સિવાય સમગ્ર વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવાય છે. કુંભપર્વના નિયત સમય પહેલાં દોઢેક વર્ષથી વ્યવસ્થા ગોઠવવાનો પ્રારંભ થાય છે. સરકાર એક ઉચ્ચ કક્ષાના આઈ.એ.એસ. અધિકારીની નિમણૂક કરે છે. તેની સાથે ઉચ્ચ ક્ક્ષાના પોલીસ અધિકારી પણ હોય છે. ઉપરાંત રસ્તા, વીજળી, વાહનવ્યવહાર, આરોગ્ય, ટેલિફોન, સફાઈ, પાણી, અન્ન પુરવઠો વગેરે વિષયોના નિષ્ણાતોને જે તે વિભાગના વડા તરીકે નીમવામાં આવે છે. તેઓ બધા સાથે મળીને મહાકુંભપર્વનું આયોજન અને સંચાલન કરે છે. ભોજન, આરોગ્ય, પાણી વગેરેમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ જોડાય છે. સરકાર તરફથી આશરે ૫૦ થી ૬૦ હજાર અધિકારીઓ અને કર્મચારીઓ કામે લગાડવામાં આવે છે. કુંભપર્વની મુલાકાતે આવનાર ભારતીયો અને વિદેશી નાગરિકો પણ આ પ્રકારની વ્યવસ્થા અને સંચાલનથી પ્રભાવિત થાય છે અને સંતોષ પામે છે.

ભારતીય સંસ્કૃતિ મૂલત : અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે, અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. આ અધ્યાત્મને વિજ્ઞાનનું સમર્થન મળે એ અત્યંત મહત્ત્વની વાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ચેપી રોગો અત્યારે વિશ્વ માટે એક પડકારરૂપ સમસ્યા બની ગયા છે. આ સંસ્થાના નિર્દેશક જણાવે છે કે એક એવો યુગ આવશે જ્યાં કોઈ એન્ટિબાયોટિક્ દવાઓ કામ નહીં લાગે. એક મામૂલી ઉઝરડો પણ મૃત્યુનું કારણ બનશે. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા વધે એ જરૂરી છે. કુંભમેળામાં રોકાવાથી, સ્નાન કરવાથી કરોડો લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે, એવું વૈજ્ઞાનિક સંસ્થાનો દ્વારા હવે સાબિત થઈ રહ્યુું છે. જો આવા પ્રયાસોને સરકારી પીઠબળ મળે (હાલની સરકારે પ્રોજેક્ટમાં અંગત રસ લીધો પણ છે.) તો ચિકિત્સા ક્ષેત્રે ઓછા ખર્ચે વધુ લોકોને લાભ પહોંચાડી શકાય એવા પ્રયત્નો લેખની શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ ડૉ.ત્રિપાઠી કરી રહ્યા છે અને આપણી સરકાર તેમ જ વિજ્ઞાનસંસ્થાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.