ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્ ઈશ્વર ગણે છે અને આધ્યાત્મિક ગુરુને ખરેખર ઈશ્વર સમાન માનવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાના પ્રસંગે મંદિરો, આશ્રમો, ધાર્મિક સ્થાનો અને અન્ય સ્થળોએ ઉત્સવ મનાવવામાં આવે છે. રામકૃષ્ણ સંઘમાં પણ આ દિવસ અત્યંત આનંદપૂર્ણ રીતે મનાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભક્તો આ ઉત્સવમાં સમ્મિલિત થાય છે. મંત્રદીક્ષિત ભક્તો આ દિવસને ગુરુ પૂજનનો દિવસ માને છે, ગુરુ એટલે કે જેમની પાસેથી તેમણે ઇષ્ટમંત્ર ગ્રહણ કર્યો હોય છે.

રામકૃષ્ણ સંઘના પ્રેસિડેન્ટ મહારાજ કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ જ્યાં નિવાસ કરે છે તે બેલુર મઠમાં અને અન્ય કેન્દ્રોમાં હજારો ભક્તો તેમના દીક્ષાગુરુને પ્રણામાદિ અર્પણ કરવા અત્યંત લાંબી કતારોમાં ઊભા રહે છે. તદ્ ઉપરાંત જે ભક્તોએ બ્રહ્મલીન પ્રેસિડેન્ટ મહારાજ કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ પાસેથી મંત્રદીક્ષા લીધી હોય તેઓ પણ વર્તમાન સંઘગુરુને પ્રણામાદિ કરવા આવે છે.

તેમ છતાં રામકૃષ્ણ સંઘના વિભિન્ન દીક્ષાગુરુઓ પાસેથી મંત્રદીક્ષા લીધેલ ભક્તો પોતાના મંત્રગુરુની અલગ પૂજા ઇત્યાદિ કરતા જોવા મળતા નથી! આ પ્રસંગે દરેક સ્થળોએ મંદિરમાં બિરાજિત શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા કરાય છે.
રામકૃષ્ણ સંઘથી અલ્પ પરિચિત વ્યક્તિને આ બાબત વિચિત્ર, કંઈક મંૂઝવણ ભરી લાગશે! આ ગુરુપૂર્ણિમાનો દિવસ છે! મારે ગુરુ છે! ગુરુ પૂર્ણિમાએ મારે તેમની જ પૂજા કરવી જોઈએ! શ્રીરામકૃષ્ણદેવ મારા ઇષ્ટ છે, મારા ગુરુ નહીં! તેથી શું હું ગુરુ પૂર્ણિમાના પ્રસંગે મારા ગુરુની પૂજાનો સુઅવસર ચૂકી જતો તો નથીને?

આ શંકાના નિવારણનો ઉત્તર છે : ના, તમે ગુરુપૂજનનો સુવર્ણ અવસર ગુમાવતા નથી. રામકૃષ્ણ સંઘની પરંપરા ગુરુપૂર્ણિમાની આ પ્રણાલિકાને યથાર્થ પરિપ્રેક્ષમાં મૂકી દે છે. ચાલો આપણે એની ચર્ચા કરીએ કે એ કેવી રીતે.

ગુરુશક્તિ

શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘સચ્ચિદાનંદ એક માત્ર ગુરુ!’ અર્થાત્ ગુરુ ખરેખર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક ઈશતત્ત્વનું સ્વરૂપ છે, જે સત્-ચિત્-આનંદ બ્રહ્મનું ઘનીભૂત રૂપ છે! તે શક્તિ છે! મનુષ્ય નહીં! ગુરુ યથાર્થપણે એક ‘શક્તિ’ છે.

ગુરુની શી આવશ્યકતા?

કોઈ પૂછી શકે કે ગુરુશક્તિ એ ખરેખર સર્વવ્યાપક શક્તિનું પ્રગટીકરણ છે તો શા માટે આપણે તેનો માનવદેહધારી ગુરુ તરીકે સ્વીકાર કરવો જોઈએ ? આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (મહાન કેળવણીકાર અને સમાજ સુધારક) વચ્ચે પ ઓગસ્ટ,૧૮૮૨ના રોજ થયેલ સંવાદ જે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં વર્ણવેલ છે તે આપણે જોઈએ :

શ્રીરામકૃષ્ણદેવ – જુઓને, આ જગત કેવું આશ્ચર્યજનક છે! તેમાં કેટલી જાતની વસ્તુઓ- ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો, કેટલી જાતના જીવો છે! -મોટા, નાના, સારા, નરસા; કોઈને વધુ શક્તિ, કોઈને ઓછી શક્તિ.

વિદ્યાસાગર – ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ, તો કોઈને ઓછી આપી છે?

શ્રીરામકૃષ્ણદેવ – ઈશ્વર વિભુરૂપે સર્વભૂતોમાં છે, કીડી સુદ્ધાંમાં. પરંતુ શક્તિમાં તફાવત છે. એમ ન હોય તો એક માણસ દસ માણસને હરાવી દે, તેમ વળી કોઈ એક માણસથીયે ડરીને ભાગે એ કેમ બને? અને એમ ન હોય તો તમને પણ બધા માને શું કામ? તમને શું કંઈ બે શિંગડાં ઊગ્યાં છે? (હાસ્ય) તમારામાં બીજા કરતાં વધારે દયા છે, તમારામાં વિદ્યા છે, એટલે તમને માણસો માને અને મળવા આવે. આ વાત તમે માનો કે નહીં? (વિદ્યાસાગર ધીમું ધીમું મોં મરકાવી રહ્યા છે.)

ગુરુશક્તિ કેવી રીતે કાર્ય કરે છે?

ઉપરોક્ત વાર્તાલાપ એ બતાવે છે કે દિવ્યસત્તાની સનાતન શક્તિ બધામાં રહેલી છે પરંતુ ભિન્ન ભિન્ન માત્રામાં! આવું જ છે આધ્યાત્મિક શક્તિની બાબતમાં. શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ અવધૂતના ચોવીસ ગુરુઓની કથા લો. પ્રકૃતિ, પ્રાણીઓ અને મનુષ્યોના જીવનની વિવિધ ઘટનાઓ અવધૂતને આધ્યાત્મિક લક્ષ્યપ્રાપ્તિ સહાયરૂપ બને છે. જગતમાં કેટલાય મનુષ્યો છે કે જેઓએ લાંબાગાળા સુધી કઠોર તપસ્યા કરીને આધ્યાત્મિક જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે. આવા મહાપુરુષો સાચે જ બીજા આધ્યાત્મિક સાધકોને માર્ગદર્શન આપવા સક્ષમ છે.

ગુરુ કોણ બની શકે?

શાસ્ત્રોમાં ગુરુનાં મુખ્ય ત્રણ લક્ષણો વર્ણવેલ છે.

શ્રોત્રિય : અર્થાત્ જે શાસ્ત્રજ્ઞાન સં૫ન્ન છે તે. પણ વાસ્તવમાં તે શાસ્ત્રોના આધ્યાત્મિક મર્મને જાણનાર હોવા જોઈએ.

અવૃજિન : અર્થાત્ જેનું આચરણ નિર્વિવાદ છે તે. આવી વ્યક્તિએ શાસ્ત્રસમ્મત જીવન કઠોરપણે વિતાવવું જોઈએ.

અકામહત : અર્થાત્ આવી વ્યક્તિનો સંબંધ શિષ્ય સાથે નિસ્વાર્થ હોવો જોઈએ.

ગુરુના આશીર્વાદયોગ્ય કોણ છે?

જેમ બધા જ પ્રકારના જ્ઞાનની બાબતમાં છે તેમ ગુરુ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવા માટે કેટલીક તૈયારીઓની અર્થાત્ અધિકારીપણાની જરૂરિયાત છે. ગીતા (૪.૩૪)માં કહેવાયું છે કે આધ્યાત્મિક સાધકે ગુરુ પાસેથી જ્ઞાન સંપાદિત કરવા માટે સેવાવૃત્તિ સાથે નમ્રતાપૂર્વક જવું જોઈએ. વળી સાધકે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે અહેતુક ભક્તિ સાથે શુદ્ધ અને નિષ્કલંકભાવે જવું જોઈએ.

આ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણદેવ એક સુંદર રૂપક કહે છે. સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનું ટીપું મોંમાં લઈને કાલુ માછલી સમુદ્રના તળીએ પહોંચે છે અને ત્યાં તેનું મોતી બને છે. ગુરુના આશીર્વાદ સ્વાતિ નક્ષત્રમાં પડેલા વરસાદના ટીપા જેવા છે. ગુરુ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં શિષ્યે સત્યપ્રાપ્તિ માટે કાલુ માછલીની જેમ વ્યાકુળતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.

રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

ગુરુશક્તિનો આ જ પરંપરા રામકૃષ્ણ સંઘમાં પ્રવર્તમાન છે. એક સદીથી વધુ સમય વીતવા છતાંય આદર્શની પવિત્રતા અને નીતિમત્તા અક્ષુણ્ણ જળવાઈ રહ્યાં છે. રામકૃષ્ણ સંઘનું વિધિવત્ નામ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન છે. આ સંઘનાં કેન્દ્ર, પરિઘ અને વર્તુળ શ્રીરામકૃષ્ણદેવ સ્વયં છે. એટલે તેઓ જ ઇષ્ટ અને ગુરુ એ બન્ને છે. તે બધામાં છે અને બધું એમાં છે. આધુનિક યુગમાં અવતારરૂપે તેઓ સચ્ચિદાનંદનું પ્રગટીકરણ છે. તો પછી સંઘમાં પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટના પદેથી મંત્રદીક્ષા આપનાર ગુરુઓ કોણ છે? યથાર્થપણે તેઓ મૂળ ગુરુશક્તિના પ્રગટીકરણનાં માધ્યમો છે.

ગુરુ પરંપરા

રામકૃષ્ણ સંઘની ગુરુશક્તિની પરંપરાનું આદિમૂળ શાશ્વત દિવ્ય ગુરુશક્તિ છે. શ્રીમા શારદાદેવીના શિષ્ય સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે એક સાધકને પત્રમાં લખ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણદેવે ઔપચારિકપણે તોતાપુરી પાસેથી સંન્યસ્ત દીક્ષા લીધી હતી. તોતાપુરી આદિ શંકરાચાર્યના દશનામી સંપ્રદાય પૈકીના એક પુરી સંપ્રદાયના હતા. આદિ શંકરાચાર્ય ગોવિંદપાદના શિષ્ય હતા અને ગોવિંદપાદ ગૌડપાદના શિષ્ય હતા. ગૌડપાદ એક વૈદિક ઋષિ અને સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર દ્વારા સ્થાપિત બ્રહ્મવિદ્યા સંપ્રદાયના હતા. આ સનત્કુમારો બ્રહ્માના માનસપુત્રો છે અને બ્રહ્માજી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એવા નારાયણની નાભિમાંથી ઉત્પન્ન થયા હતા.

વળી શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક પરંપરા આપણી પાસે ત્રણ માધ્યમો દ્વારા ઊતરી આવી છે – શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામીજી અને સાક્ષાત્ શિષ્યો. આગળ જતાં પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ત્રણમાંથી એક માધ્યમ દ્વારા શ્રીરામકૃષ્ણદેવ સાથે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે વર્તમાન પ્રેસિડેન્ટ મહારાજ, શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પંદરમા સંઘગુરુ છે. તેઓ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજના શિષ્ય છે.

રામકૃષ્ણ સંઘમાં સાચા ગુરુ કોણ?

આધ્યાત્મિક પરંપરા અનુસાર રામકૃષ્ણ સંઘમાં શ્રીરામકૃષ્ણદેવ જ એકમાત્ર ગુરુ છે. તેઓ ઈશ્વરાવતાર છે, રામકૃષ્ણ સંઘની ગુરુશક્તિનું સ્રોત છે.

શ્રીરામકૃષ્ણદેવને આધુનિક યુગના અવતાર માનવામાં આવે છે. શ્રીમા શારદાદેવી તેમનાં શક્તિ, આધ્યાત્મિક લીલાસંગિની છે. સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણદેવના મુખ્ય શિષ્ય હતા, જ્યારે બાકીના પંદર શિષ્યો રામકૃષ્ણ સંઘના અંતરંગ મનાય છે. રામકૃષ્ણ સંઘના આ અંતરંગ શિષ્યો દ્વારા ગુરુશક્તિનું વિરલ, અપૂર્વ અને સાર્વત્રિક પ્રગટીકરણ થયું છે. સનાતન ધર્મના પુનર્જાગરણ અને પુન :સ્થાપન માટે અવતરેલ શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશના આધારે આ શિષ્યોએ રામકૃષ્ણ સંઘના આદર્શાે અને વિચારધારાને પ્રારૂપિત કર્યાં હતાં જે અદ્યપર્યંત સંઘના ગુરુઓ દ્વારા પરંપરારૂપે ચાલી આવ્યાં છે. આપણને જાણવા મળે છે કે કેટલાક સાક્ષાત્ શિષ્યોએ ઔપચારિકપણે મંત્રદીક્ષા આપી નથી પણ તેઓનાં જીવન અને ઉપદેશે હજારોને પ્રેરણા આપી છે. રામકૃષ્ણ સંઘના દૂર-સુદૂરના વિદેશમાંનાં કેન્દ્રોના વરિષ્ઠ અને સક્ષમ સંન્યાસીઓને મધ્યસ્થ કાર્યાલય દ્વારા મંત્રદીક્ષા આપવાની પરવાનગી અપાઈ છે. રામકૃષ્ણ સંઘની આધ્યાત્મિક પરંપરામાં જોડાવા ઇચ્છનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થતો જોઈને સંઘના કેટલાક વરિષ્ઠ ટ્રસ્ટી-સંન્યાસીઓને પણ આધ્યાત્મિક માર્ગદર્શન-મંત્રદીક્ષા આપવાનું ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે.

શું મનુષ્ય ગુરુ હોઈ શકે?

જેણે કોઈ સંન્યાસીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે તેના મનમાં આવો પ્રશ્ન ઊઠી શકે. શું મનુષ્ય ગુરુ હોઈ શકે? દેહવિલય થતાં ગુરુનું હોવાપણું બંધ થઈ જાય? સ્વામી પ્રેમેશાનંદજી આ બાબતને એક રૂપક દ્વારા ખૂબજ સુંદર રીતે સમજાવે છે. પશ્ચિમ બંગાળમાં દર વર્ષે આસો માસમાં ભક્તો દ્વારા જગજ્જનનીની દુર્ગારૂપે ભવ્યતાપૂર્વક પાંચ દિવસ સુધી પૂજા-અર્ચના થાય છે. જ્યારે ભક્તો જગજ્જનનીની આ મૃણ્મયી મૂર્તિની પૂજા કરે છે ત્યારે તેઓ મૂર્તિમાં જગજ્જનનીની ઉપસ્થિતિનો અનુભવ કરે છે. પૂજા- અનુષ્ઠાન સમાપ્ત થતાં તેઓ મૂર્તિનું જળવિસર્જન કરે છે. જાણે કે પોતાના ભક્તોની પૂજા ગ્રહણ કરવા માટે જગજ્જનનીએ ક્ષર મૂર્તિરૂપ ધારણ કર્યું અને પૂજા બાદ અનંત, નિરાકાર સત્તામાં લીન થયાં. ફરીથી બીજા વર્ષે ભક્તો બીજી નવી મૂર્તિમાં દુર્ગાપૂજન કરે છે અને આમ ચાલુ રહે છે.

એક વખત સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદ ગંગા તરફ મુખ કરી બાંકડા પર બેઠા હતા. સ્વામીજીના શિષ્ય સ્વામી અચલાનંદ (કેદારબાબા) નજીકમાં જ હતા. તેમને જોઈને સ્વામીજીએ તેમને બોલાવ્યા અને કેટલાંક ફૂલ લાવવાનું કહ્યું. તે જ્યારે પાછા આવ્યા ત્યારે સ્વામીજીએ તેમને પોતાનાં ચરણોમાં પુષ્પો અર્પણ કરવા કહ્યું. કેદારબાબાએ અત્યંત ભાવપૂર્વક તેમ કર્યું. સ્વામીજીએ તેમને પુન : ફૂલો લાવવાનું કહ્યું. આ વખતે જ્યારે તેઓ ફૂલો લઈને આવ્યા ત્યારે સ્વામીજીએ તે ફૂલ સ્વામી બ્રહ્માનંદનાં ચરણોમાં અર્પણ કરવાનો આદેશ કર્યો કે જેઓ નવા સ્થાપિત થયેલા રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ હતા. કેદારબાબાએ તેમ કર્યા બાદ સ્વામીજીએ તેમને કહ્યું, ‘જ્યાં સુધી ગુરુ માનવદેહમાં તમારી સાથે જીવિત છે ત્યાં સુધી એમની ગુરુરૂપે પૂજા કરો. તેમના દેહવિલય બાદ સંઘગુરુની તમારા ગુરુરૂપે પૂજા કરજો.’ આમ સાક્ષાત્ ઈશશક્તિના પ્રગટીકરણરૂપી શ્રીરામકૃષ્ણદેવની ગુરુશક્તિ કાલાનુક્રમે સંઘગુરુમાં જ અવતરિત થયેલી છે.

પરંપરારૂપે આ શક્તિનો પ્રવાહ ચાલુ જ રહે છે.

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.