ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્‌ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોના આચરણ દ્વારા રામેશ્વરના કિનારે રહેતો એક છોકરો આમ ભારતનો રાષ્ટ્રપતિ બની ગયો.

તેમનું જીવન સાવ સાદું હતું. તેમના પિતાએ એમની આડે સંસ્કારોની આડી વાડ કરી હતી જેણે તેમને જીવનભર રક્ષણ આપ્યું હતું. તકલીફો તો તેમના જીવનમાં પણ આવી, પરંતુ તેમણે જે રીતે જીવનમાં કાર્યને સમર્પિત બનીને તેનો સામનો કર્યો તે તેમની આગવી જીવનશૈલી હતી.

જીવનમાં સફળતા માટે ધ્યેય પ્રત્યે માત્ર નિષ્ઠા ને નિષ્ઠા જરૂરી છે. દિવસ-રાત ધ્યેયપ્રાપ્તિ સુધી પરિશ્રમ એ જ સફળતાનું રહસ્ય છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનાં માતા-પિતા શિક્ષિત ન હતાં. તેમની પાસે શિક્ષકોના માર્ગદર્શન સિવાય કોઈ જ સંપત્તિ ન હતી. પોતાના જીવનમાં કંઈક કરી છૂટવાની ધગશને કારણે તેઓ રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શક્યા. તેમને ભારતીય વાયુસેનામાં પાયલોટ બનવું હતું પરંતુ એમ ન બની શક્યું. કુદરત હંમેશાં લાયકાત પ્રમાણે જ ફળ આપે છે. આ નિયમ અનુસાર તેઓ ભારતના ત્રણેય સૈન્યની પાંખના વડા બન્યા હતા. જીવનમાંની નિષ્ફળતાઓ જ મનુષ્યના સાચા માર્ગદર્શકો છે, તેનું આ પ્રમાણ છે.

નાનપણમાં રામાયણ-કુરાન જેવા ધર્મગ્રંથો અને અનેક મહાન વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા લઈને મહાન બનનાર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમાંથી આજે હજારો યુવાનો પ્રેરણા લે છે. તેઓ કોઈ અંશાવતાર ન હતા પણ એક સામાન્ય માનવી જ હતા. માત્ર તેમની ધ્યેયનિષ્ઠાને કારણે તેઓ આજે લાખો યુવાનોના આદર્શ બન્યા છે. જો કે તેમનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી ન હતું પરંતુ તેમની સાદગી તેમના વ્યક્તિત્વને ગરિમામય બનાવતી હતી. તેમનું પ્રસિદ્ધ કથન છે ‘If you salute your work, you do not have to salute anyone’ જે તેમના વિશે ઘણું બધું કહી જાય છે. માત્ર કાર્ય પ્રત્યે નિષ્ઠા જ આપણને જીવનમાં સફળતા અપાવે છે.

સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોનો પૂર્ણ વિકાસ થયો હતો અને એમાંથી જ તેમને અલૌકિક સામર્થ્ય સાંપડ્યું હતું. આ બધા ગુણોના અનુસરણની સાથે સાથે કાર્ય પ્રત્યેની નિષ્ઠા મનુષ્યને અવશ્યમેવ સફળતાના શિખરે સ્થાપિત કરી દે છે. જગતમાં આવા મનુષ્યો જ આગવી છાપ છોડી જાય છે.

મિસાઇલ મેન તરીકે ઓળખતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને પહેલા પરીક્ષણ વખતે જ નિષ્ફળતા મળી હતી. બે ત્રણ પ્રયત્નો નિષ્ફળ જતાં તેમના પર ટીકાઓની ઝડી વરસી. પોતાનું કાર્ય પૂર્ણ કરવાની અખૂટ ધગશ અને અડગ શ્રદ્ધાને કારણે તેઓ સફળ થયા.

યુવાનોને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો અમૂલ્ય સંદેશ છે : તમારી સામે કોઈ કલ્પી ન શકે તેવો પડકાર છે અને તેની સામેનું યુદ્ધ દુષ્કર છે. પરંતુ જ્યાં સુધી તમારા નિયત કરેલ સ્થળે પહોંચો નહીં ત્યાં સુધી થોભશો નહીં. તે જ તમારું અનન્યપણું છે! તમે આ વિરલતા કેવી રીતે પ્રાપ્ત કરી શકશો તેના ચાર તબક્કા છે – વીસ વરસની ઉંમર પહેલાં ધ્યેય નક્કી કરવું. જ્ઞાન મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. ધ્યેયપ્રાપ્તિ માટે સખત પરિશ્રમ કરવો. માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો અને સફળતા પ્રાપ્ત કરવી.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.