આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે આપણામાંના કેટલાક અન્ય લોકોની સેવા અર્થે નિ :સ્વાર્થભાવે કાર્યરત રહે છે. જો આ બધાં કાર્યોનું પ્રેરકબળ શોધવામાં આવે તો આપણને એ જાણવા મળશે કે આપણી સર્વ પ્રવૃત્તિઓ અને હેતુઓ પછવાડે આપણા સુખોપભોગ અને સફળતા માટેનો છેતરામણો મોહ કાર્યરત છે. તો શું આમ કરવું ખોટું છે? ચાલો તેને તપાસીએ…

માનવમાત્ર વિવિધ વ્યાધિઓથી ગ્રસ્ત છે. ઈર્ષા, ક્રોધ, ઘૃણા, ભય, અવસાદ આ બધાં સર્વસામાન્ય છે. આપણે આ બધાથી ગ્રસ્ત છીએ. આપણે તેનો ઇલાજ કરવા મથીએ છીએ. પરંતુ આપણે યથાર્થ ઔષધિનું સેવન કરતા નથી. તેની ઔષધિ મોજમજા અને અનહદ ભોગવિલાસની મગ્નતા નથી. એ તો છે ત્યાગ, સંયમ, દાન, પવિત્રતા. આપણે બરાબર જાણીએ છીએ કે આ દવા કડવી છે. તેથી આપણે પૂર્ણત : બળીને રાખ થવાને બદલે સંસારના ત્રિતાપને સહન કરવાના વિકલ્પનું વરણ કરીએ છીએ.

પરંતુ શું ઔષધિના સેવનથી આપણે બળીને નષ્ટ થઈએ છીએ? પ્રવાહના વહેણની સામે તરવાનું કાર્ય નિ :સંદેહ કઠિન છે. એક વિદ્યાર્થી કે સંગીતકાર કે રમતવીર કે વેપારીનું ઉદાહરણ લો. આ દરેકે સફળતા પ્રાપ્ત કરવા માટે અતિશય પરિશ્રમ કરવો પડે છે અને પર્વતશૃંગ સમાન અંતરાયોને આંબવા પડે છે. કદાપિ આ સહજ માર્ગ નથી. તે કદાપિ નકારાત્મક પ્રયાસ તો નથી પણ તેની પાછળ નિરંતર હકારાત્મક ભાવ રહેલો છે, કારણ કે આપણે પરિણામોની મધુર સુવાસથી લાલાયિત થઈએ છીએ. પરંતુ આપણાં કર્મોથી નિષ્પન્ન થતાં પરિણામરૂપી ફળ ગમે તેટલાં મધુર હોય અથવા ગમે તેવી સફળતા પ્રાપ્ત કરી હોય, અંતે તો આપણે કદાપિ ન સંતોષ પામતા એષણારૂપી રોગથી ગ્રસ્ત બનતા જઈએ છીએ. આપણે શાંતિ ઝંખીએ છીએ પરંતુ તેવું કદાપિ બનતું જ નથી. આપણે કદાપિ સમજતા નથી કે સાંસારિકતા આપણને પૂર્ણતા આપી શકતી નથી. તે ક્રિયા-પ્રતિક્રિયાનું વિષચક્ર છે. એક બાબત છૂપી રીતે આપણને અન્ય બાબત પ્રતિ પ્રેરિત કરતી રહી છે. જે દિવસે આપણે પર્યાપ્ત પરિપક્વ બનીએ છીએ અને આ વિષચક્રને તોડીને મુક્ત બનીએ છીએ ત્યારે આપણે પરિતૃપ્ત બનીએ છીએ, ત્યારે આપણે આપણા મહિમાવંત ગૌરવથી મંડિત થઈએ છીએ. પરંતુ સૂર્યની જેમ ચમકવા માટે આપણે તેની જેમ સૌ પહેલાં બળવું-ગળવું પડે છે. એ છે સાર્વત્રિક નિયમ.

આ માટે આવશ્યક છે અભ્યાસ. મનને વિક્ષિપ્તતાથી મુક્ત કરવા અને પછી તે જ મનને આ પરમ સત્યની વાસ્તવિકતાને ધારણ-ગ્રહણ કરવા યોગ્ય બનાવવા માટે સત્યવાદિતા, નિષ્કામ સેવા, નિષ્પક્ષતા ઇત્યાદિ જેવા વિભિન્ન નૈતિક આચરણના ઉપાયો કરવા જરૂરી છે. આપણે પૂર્ણ ચૈતન્ય સત્તા છીએ. આપણે અખંડ ચૈતન્યથી અભિન્ન છીએ. આપણે વ્યકિતગત મનોદૈહિક સંરચના છીએ અને વ્યષ્ટિ આત્મા સમષ્ટિ આત્માથી ભિન્ન છે તે ભાવ દૂર થવો જ જોઈએ, આવા સંકીર્ણ ભાવના સ્થાને અખંડ ચૈતન્ય સત્તાનો ભાવ આવવો જોઈએ. આપણા પ્રાચીનકાળના ઋષિઓએ ચૈતન્ય સત્તાના એકાત્મભાવનું અનુભૂતિજન્ય રહસ્યોદ્ઘાટન કર્યું છે. આધુનિક વૈજ્ઞાનિકો માટે આ અખંડ ચૈતન્યની શોધ કરવાની હજુ બાકી છે. જેમ સ્વામી વિવેકાનંદ કહે છે : ‘વિજ્ઞાન એટલે એકત્વની પ્રાપ્તિ, બીજું કશું નહીં. વિજ્ઞાન જ્યારે સંપૂર્ણ એકત્વ પ્રાપ્ત કરશે ત્યારે તેની પ્રગતિ અટકી જશે, કેમ કે એને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું હશે… બીજી બધી શક્તિઓનાં ઊગમસ્થાનરૂપ એક મૂળ શક્તિ મેળવવામાં ભૌતિકશાસ્ત્ર સફળ થશે ત્યારે એનું કાર્ય પણ પૂરું થશે.’ (સ્વા. વિ. ગ્રં.૧.૧૫)

‘રસાયણશાસ્ત્રીઓ બધા જ્ઞાત પદાર્થાેને તેની મૂળ ધાતુઓનું રૂપ આપવા અને શક્ય હોય તો જે એક તત્ત્વમાંથી આ બધીય ધાતુઓ ઉત્પન્ન થઈ છે તે શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. બનવાજોગ છે કે તેઓ બધી ધાતુઓનું મૂળભૂત એવું એક તત્ત્વ શોધી કાઢે. ત્યાં સુધી પહોંચ્યા પછી તેઓ વધુ આગળ જઈ શકશે નહીં.’ (સ્વા. વિ. ગ્રં.૨.૧૮૫)

‘દાખલા તરીકે રસાયણશાસ્ત્ર લો. ધારો કે આપણે એક એવું મૂળતત્ત્વ શોધી કાઢીએ કે જેમાંથી બધા તત્ત્વો બનાવી શકીએ. એમ બનતાં રસાયણશાસ્ત્ર વિજ્ઞાન તરીકે પૂર્ણત્વને પામ્યું ગણાય.’ (સ્વા. વિ. ગ્રં.૩.૪૦૭-૮)

શ્રીરામકૃષ્ણદેવ સમન્વયકારિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદે તે જ સંદેશને વિશ્વમાં પ્રચારિત-પ્રસારિત કર્યો. તો તે સંદેશ ક્યો હતો? – આપણે અમર છીએ. આપણે અમૃતત્વનાં સંતાનો છીએ.

પરંતુ આપણે દેહ છીએ અને તે દેહ મરણધર્મા છે એવી ભ્રમણામાં રાચીએ છીએ. આપણને ચીજવસ્તુનો અભાવ વર્તાય છે, આપણે તેને ઝંખીએ છીએ, આપણી પાસે જે કંઈ થોડું છે તેને ગુમાવી દેવાના ભયથી ગ્રસ્ત રહીએ છીએ. આપણે આ ભ્રામકતાને નાથવાની છે અને તેનાથી મુક્ત થવાનું છે. આ પરમ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે વ્યક્તિ પોતાની અભિરુચિ અને અધિકાર અનુસાર ગમે તે માર્ગનું વરણ કરી શકે. પરંતુ આપણને વિશેષપણે જોવા મળે છે કે આ વિભિન્ન માર્ગાેનો સમન્વય સાધવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. કારણ કે સામાન્યત : ધર્મસમૂહોમાં અંદરોઅંદર અભદ્ર અને ક્ષુલ્લક ઝઘડા થતા જોવા મળે છે. આના એક ઉદાહરણનો અભ્યાસ કરીએ.

માની લો કે એક વ્યક્તિએ જીવનમાં જ્ઞાન, યોગ અને કર્મનો માર્ગ અપનાવ્યો છે. તે આ દેહ અને તેની વિવિધ કામના-વાસનાઓ નથી પણ તે તો ચૈતન્ય છે એમ ચિંતવતો, જ્ઞાનયોગનો પથ અનુસરતો રહીને, તેમજ નિયમિત યોગની પદ્ધતિઓનું અનુશીલન કરતો રહીને, ધ્યાનની સહાયતાથી, નિ :સ્વાર્થ કાર્યો કરવા છતાં તેની અંદરનો ભક્તિરસ તો સુકાઈ ગયેલો હોય છે.

મનુષ્ય પ્રેમભાવથી યુક્ત છે. ભક્ત આ પ્રેમને ઈશ્વર પ્રત્યે વાળે છે, જે બાબત જ્ઞાની માટે અરુચિકર છે. એક વ્યક્તિ કે જે એવી ભાવનાનું સદૈવ મનન કરવા ઇચ્છે છે કે તે પોતે ચૈતન્ય સ્વરૂપ જ છે, એવી વ્યક્તિ પોતે ‘આ વ્યક્તિત્વ’ નથી એમ તે ખરેખર એક વધારાના ઈશ્વરના વ્યક્તિત્વની કલ્પનાને અણગમતી માને છે. આ વિભાવના તેના મનને દ્વૈતરાજ્યમાં વિચરણ કરાવે છે. જ્ઞાની આવા પ્રેમયુક્ત વલણની આવશ્યકતાને સમજતો નથી. જ્ઞાની એ ભૂલી જાય છે કે માનવીય વ્યવહાર વિભિન્ન જાતના સ્વાર્થપૂર્ણ ઉદ્દેશોથી ભરેલા કુદરતી સંવેગોવાળા છે અને પ્રેમની મહાન અંત :વૃત્તિના વિકલ્પથી તેની પૂર્તિ કરવાની છે. તેણે ઈશ્વર પ્રત્યે પ્રેમ જગાડવાનો છે. શા માટે ? કારણ કે તે પ્રેમ ભિન્નત્વના ભાવને ઓગાળી દેવામાં સહાયરૂપ બનશે અને પ્રત્યેકમાં વિદ્યમાન સર્વવ્યાપક દિવ્ય અને વિશુદ્ધ ચૈતન્યને આત્મસાત્ કરવા આપણાં હૃદય-મનને ઉદ્ઘાટિત કરી દેશે. સ્વાભાવિક રીતે તો એવો મનુષ્ય નાસ્તિક જ બની જાય.જેઓ ભક્તિમાર્ગનું અવલંબન કરે છે તેની કદર કરવામાં જ્ઞાની અસમર્થતા પ્રગટ કરશે અથવા તો પોતાથી અન્ય માર્ગ માટે પણ તેવું જ કરશે. આ જ સમસ્યા છે જેનું વર્ણન સિસ્ટર નિવેદિતા પોતાની વિદ્વત્તાપૂર્ણ કૃતિ The Master As I Saw Himમાં પૃષ્ઠ-૩૮ પર વિચારપૂર્વક નોંધે છે-

‘એક જેને પોેતે પસંદ કરેલ છે તે, અને બીજો જે પોતાને સહન કરવો પડે છે તે, એવા બે દોરાઓ વડે વણાતા હોવાનું ભાન ઘણાખરા અનુભવોના કિસ્સાઓમાં મારા લક્ષમાં આવેલું છે. પરંતુ આ કિસ્સામાં તો એ સામાન્ય દ્વૈત-ભાવે બે ભિન્ન ભિન્ન આદર્શાેની રમતનું સ્વરૂપ પકડેલું, કે જેમાંનો દરેકે દરેક પોતપોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હતો અને છતાં તેના જોડીદારના આદર્શને માનનારને મન લગભગ દોષરૂપ હતો.’

મનુષ્યે બે માર્ગનું અવલંબન કરવું પડે છે. એક તો તે માર્ગ જે પોતાને પસંદ હોય અને અન્ય તે માર્ગ કે જેનું આચરણ કરવા તે બંધાયેલો હોય; એક તો તેણે સ્વૈચ્છિકપણે પસંદ કરેલો અને અન્ય તેના કર્તવ્યના ભાગરૂપ હોય તેવો. આ જ માન્યતા મુજબ તે નિર્દિષ્ટ કરે છે કે જ્યારે બે ભિન્ન આદર્શાે વચ્ચે સંઘર્ષ જણાતો હોય ત્યારે દરેક પક્ષ એવું વિચારે છે કે પોતાની જીવનશૈલી ઉત્કૃષ્ટ છે અને અન્ય નિકૃષ્ટ કક્ષાનો છે કે જેની જીવનશૈલી તેના કલ્યાણ માટે બદલવી જરૂરી છે. એક જ દોરાના બે સામસામેના છેડાની જેમ એક જ ચૈતન્યસત્તારૂપી દોરાના બે છેડા તરીકે આ બન્નેને જોવાં જોઈએ. દ્વૈતભાવ દૂર થઈ શકે નહીં. દોરાને બે ભાગમાં વિભાજિત કરો, અવશ્યપણે આપણને બે-બે છેડા મળશે. બે છેડાને જોડતાં વેંત જ ઐક્ય સાંપડશે અને સઘળું ભિન્નત્વ ઓગળી જશે. પરંતુ જેમ સ્વામી વિવેકાનંદ કહે છે તેમ ‘સંપૂર્ણ સમાનતા એટલે મૃત્યુ. જ્યાં સુધી આ જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ભિન્નતા રહેવાની જ.’ (સ્વા. વિ. ગ્રં.૧.૬૧) ‘ભિન્નતા એ જીવનનું ચિહ્ન છે, સમાનતા એ મૃત્યુનું ચિહ્ન છે.’ (સ્વા. વિ. ગ્રં.૩.૨૦૦) તેથી જ્યાં જીવન છે, ત્યાં આપણે સંઘર્ષની અપેક્ષા અને સ્વીકાર કરવાનાં રહેશે. પરંતુ જ્ઞાન આપણને સંવાદિતા તરફ દોરી જાય છે. દોરાએ બે છેડા મારફત એકબીજાને મળવાનું જરૂરી નથી પણ આપણે એ બાબતે નિરંતર જાગ્રત રહેવાનું છે કે તે એક જ દોરો છે. આવી સજાગતા મુક્તિ તરફ દોરી જાય છે. કોઈ કદાચ તર્ક કરે કે જો બે અલગ દોરા હોય તો! આ ઉચિત વિવાદ છે. વૈવિધ્યતા અસ્તિત્વમાં છે. પરંતુ જેઓ સંવાદિતા અને શાંતિ ઝંખે છે તેઓએ તે પામવા માટે પર્યાપ્ત બુદ્ધિમાન હોવું જોઈએ. જેમ કે ઉપયોગિતાવાદી મન મુજબ એકત્વના સ્થાને અનેકતાનાં વધુને વધુ સ્થાનો શોધવાનો શો અર્થ? તેણે તે જાણીને સંતોષ પામવો જોઈએ કે હાલના તે બે દોરા ખરેખર પહેલાંના એક દોરાના બે ભાગ છે! આ મનોભાવ તેના મનને શાંતિ આપશે. શાંતિપૂર્ણ અને સંદેહહીન મન સર્જનાત્મક પ્રવૃત્તિમાં પ્રયુક્ત કરી શકાય, આવું જ મન એકાગ્ર કરી શકાય, અને તેવું જ મન તેના જીવનના આદર્શને સિદ્ધ કરવામાં સહાય કરશે, જેમ શ્રીરામકૃષ્ણ કહે છે તેમ ‘આ માનવદેહ મહામુશ્કેલીએ મળેલ છે, છતાં જે આ જીવનમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો નથી તેનો જન્મ વૃથા છે.’

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.