(અનુવાદક : કુસુમબહેન પરમાર)

( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ….)

૦૧-૦૫-૧૯૫૯

બહરામપુરથી ડાૅક્ટર ચૌધરી આવીને મહારાજને તપાસવા બેઠા.

ડાૅક્ટર – મહારાજ, આપની વાત જુદી. આપ સૌની ઘણી ઉચ્ચ અવસ્થા.

મહારાજ – ભોગોનો અંત ન થાય તો થશે નહીં.

ડાૅક્ટર -આપનો તો ભોગાન્ત થઈ ગયો, પરંતુ કઈ રીતે થયો- ઘરમાં તો એમ જ અધકચરું ખાઈને?

મહારાજ – એમ થયું નથી. હું તો કારાગારમાં હતો. અવધિ હતી ૧૭ વર્ષ. અચાનક પંચમ જજનો આદેશ આવ્યો. તેથી બધાને મુક્ત કરવામાં આવ્યા. તે રીતે અચાનક ‘શ્રીશ્રીમા’ આવી ચડ્યાં અને મોકો મળી ગયો. ૧૭ વર્ષનો કારાવાસ ભોગવવો ન પડ્યો. આપણે તો આર્ત ભક્ત.

૧૩-૦૫-૧૯૫૯

મહારાજ – જેઓ ઈશ્વરમાં પૂરેપૂરું મન લગાડી શકતા નથી તેમજ સંસારમાં પણ જેમને કંઈ સારું લાગતંુ નથી તેઓ સત્ત્વગુણી.

માણસ ભલે હજાર ગણો સુંદર હોય, પરંતુ કુસંગથી શું ન થાય? સ્કૂલના બધા છોકરાઓને જોઉં છું અને વિચારું છું-બધા કેવા સુંદર છે! પરંતુ (આધ્યાત્મિક) શિસ્તના અભાવે બધા ધૂળમાં ભળી જશે.

સંસારમાં કેવળ એક જ વ્યક્તિ Selfmade Man છે અને તે છે શ્રીરામકૃષ્ણ પરમહંસ. તેમણે બધાને તૈયાર કરવા પડ્યા હતા. જો સ્વામીજી શ્રીઠાકુરના સંપર્ક-સંસ્પર્શમાં ન આવ્યા હોત તો સમાજમાં એક મહાન વ્યક્તિ બનત.

અસલ વાત, જીવન ખીલી ઊઠવું જોઈએ, એ અસલ વાત છે. સાધુનો સ્વાંગ ધરીને કેવળ મૃત :પ્રાય પડી રહેવા કરતાં લગ્ન કરવાથી જીવન ખીલી ઊઠત. કદાચ બે ચાર જન્મમાં જ મુક્તિ મળી જાત.

૧૫-૦૫-૧૯૫૯

સેવક – દુ :ખપૂર્વક ત્યાગ કરવો સારો છે કે ભોગ કરીને ખેલ ખતમ (જીવન પૂરું કરવું) કરવો સારો ?

મહારાજ- જે કોઈ evolutionના અંતિમ stage પર પહોંચ્યા હોય તો પછી એને ઈશ્વર સિવાય બીજું કંઈ પણ સારું નહીં લાગે. પરંતુ એવું ન થાય તો મંદિર બનાવવું, building કરવું, hostel કરવી, પરોપકાર, જગત-ઉદ્ધાર કરતાં કરતાં પ્રાણ ચાલ્યો જશે. એક પિતા છોકરાને લઈને પ્રદર્શન જોવા ગયા છે. છોકરાનું મુખ તડકામાં લાલચોળ થઈ ગયું છે, પરસેવાનાં ટીપાં પડી રહ્યાં છે. પિતાએ પુત્રને કહ્યું, ‘ચાલો ભાઈ, આપણે પાછા જઈએ.’ છોકરાએ કહ્યું, ‘ના પિતાજી, ત્યાં જોયું નથી, એ જોઈને જઈશું.’ પિતા છોકરાને પરાણે પાછા ઘરે લઈ આવ્યા, પરંતુ બપોરે જ્યારે પિતા સૂતા હતા ત્યારે તે છાનોમાનો જઈને ન જોયેલો ભાગ જોઈને ઘરે આવી ગયો. એટલે ભોગ સમાપ્ત ન થાય તો કંઈ થવાનું નથી.

મારી સામે ઈશ્વરીય વાતો સિવાય બીજો કોઈ પ્રસંગ લેવો નહીં, મને ઘણું દુ :ખ થાય છે. તો પછી શું કરશો? ઘણી ચર્ચાઓ તો આવશ્યક છે. પોતાના વ્યક્તિગત ખાવા-રહેવા, હરવું-ફરવું વગેરેના વિશે પણ જાણવું જરૂરી છે.

જેમ શ્રીઠાકુરજીના પાર્ષદ છે તેવી જ રીતે આપણે લોકો પણ એમની ઇચ્છાથી પાર્ષદ બનીને જન્મ લઈ શકીએ. આ વખતે સાધના કરીને આગળ નીકળી ગયા- આપણેે જીવથી ઈશ્વરત્વમાં પહોંચીશું. જે લોકો જીવનમુક્ત છે, તે લોકો આનંદમય કોષમાં રહે છે. ઈશ્વરની ઇચ્છાથી તે લોકો એમના લીલા-સહચર બની શકે. ઢાકાના તારક નામના એક વ્યક્તિએ શ્રીશ્રીમાને લખ્યું હતું, ‘મા આ વખતે તો તમારી લીલાને જરાય ન જોઈ શક્યો. આવતી વખતે મળે.’ શ્રીશ્રીમાએ જવાબમાં લખ્યું હતું, ‘ઠીક છે બેટા, એવું જ થશે.’ પરંતુ હું તો લીલા જોવા નથી ઇચ્છતો કારણ કે ત્યાં કેવળ

આનંદ ! અને અહીં સુખ તેમજ દુ :ખ, આનંદ અને નિરાનંદ- બન્નેનો ભોગ કરવો પડશે!

૧૬-૦૫-૧૯૫૯

જેમણે અત્યારનું સારગાછી જોયું છે, તેઓ ત્યારની આબોહવા કેવી રુક્ષ હતી તેની કલ્પના ન કરી શકે. ઉનાળાની ગરમીના તાપથી ચારેતરફ જાણે આગ ઝરતી. ત્યારે ફાટાકકાર ડેમ પણ ન હતો. ઈલેક્ટ્રિસિટી પણ ન હતી, જેથી પંપ બેસાડીને પીવાનું પાણી મળે. સાંજે વરંડામાં આવીને પ્રેમેશાનંદ મહારાજ આરામ ખુરશીમાં બેઠા છે. ઘણા દિવસો પછી થોડું ઘણું ચાલ્યા છે. પગ વાળીને બેઠા છે.
એક જણે કહ્યું, ‘હા, આ રીતે પગ રાખવાથી સારો એવો આરામ મળશે.’

મહારાજ – ‘દેહ-મન-બુદ્ધિથી પર ન થાય ત્યાં સુધી આરામ નથી. આ તો શરીર સરળ, પરંતુ તેનાથી શું થશે? ક્યારેક વ્યાધિ તો ક્યારેક આરામ, શાંતિ થાય એની પેલે પાર જવામાં. જેટલી વાત કહીશ એ બધી ઈશ્વરીય કથા- બીજી કોઈ વાત કહીશ તો પણ એને ફેરવીને ઈશ્વરીય કથામાં લાવીશ. સામાન્ય લોકો સાથે ઈશ્વર વિશે વાત કરવી બહુ કઠણ. આ ડાૅક્ટર એટલા વિદ્વાન- તે પણ કહે છે કે ક્યાંક સિનેમામાં જુએ છે-દ્વારકામાં શ્રીરાધિકાજી શ્રીકૃષ્ણમાં સમાઈ ગયાં! ઈશ્વર શું વસ્તુ તે તેઓ કઈ રીતે જાણશે? આ પંચભૂતનો દેહ તો ભળે નહીં. અમે ચૈતન્ય દેવ વિશે બાળપણથી સાંભળ્યું હતું કે તેઓ જગન્નાથમાં સમાઈ ગયા હતા. પરંતુ પછીથી જાણવા મળ્યું કે તેઓને સેપ્ટિક થયું હતું અને દેહત્યાગ કર્યો હતો. તેમનો અહં સમષ્ટિની સાથે એકાકાર થઈ ગયો હતો. તેથી સામાન્ય જનને ગળે ઉતારવા દેહની વાત કર્યા સિવાય સમજાવવાનો બીજો કોઈ ઉપાય નથી. ઈશ્વરને પામવો તો બહુ કઠિન છે, એ સમજાવવા એમને કહેવું પડે કે સતત દસ હજાર વર્ષ સુધી એક આસને બેસી નીચી મુંડી કરી તપશ્ચર્યા કરવી પડે. રાવણને દશ મસ્તક શા માટે હતાં? તેથી સમજી શકાય છે કે રાવણની વાસના દશગણી હતી. એ બધા તો અસુર હતા. ગીતાના સોળમા અધ્યાયમાં લખ્યું છે. અસલ ઉદ્દેશ ‘હું કોણ?’ તે જાણવું. તે માટે કોઈ દળ કે સારાં નરસાંની વાત નથી. Sri Ramakrishna Latest & Revised Edition of Parabrahma- શ્રીરામકૃષ્ણ પરબ્રહ્મની અંતિમ અને સંવર્ધિત આવૃત્તિ છે. તેથી અનુકૂળતા મળી છે તો તેમને જ પકડી રાખો. (ક્રમશ 🙂

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.