છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે હું કહીશ કે લોકો ચોખ્ખાઈ પ્રત્યે સભાન છે પરંતુ રોજીંદા જીવનમાં શ્રમ ઓછો પડે તેવાં સાધનો, વાહનોનો ઉપયોગ વધતો જવાથી અને જરૂરતથી વધારે ખોરાક લેવાતો હોવાથી બાળકોથી માંડીને વડીલો સુધી બધામાં મેદસ્વિતાનું પ્રમાણ દિવસોદિવસ વધતું જતું જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે શાળાએ જતાં બાળકોમાંના ૬૦ ટકા કે તેથી વધારે બાળકો મેદસ્વી છે. આહારવિહાર અને જીવનશૈલીમાં પશ્ચિમીકરણ અને બિનજરૂરી સ્થૂળતા વધારનારાં સાધનોનો ઉપયોગ વધી રહ્યો છે, સાથે સાથે શરીરનું સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ વધારનારા વ્યાયામ કે વર્તનનો અભાવ જોવા મળે છે.
પરિણામ સ્વરૂપ માણસો એક પ્રકારના(ચેપી) રોગોથી મહદ્ અંશે મુક્તિ મેળવી બીજા પ્રકારના (જી

વનશૈલી આધારિત) રોગોના ભોગ બનતા જાય છે. દા.ત. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્થૂળતા, હૃદયરોગ, માનસિક તણાવ, સહનશીલતાનો અભાવ, એકલાપણું. આથી આપણે અને આજના તબીબોએ આ ‘લાઈફ સ્ટાઈલ રોગો’ વિશે વધુ ને વધુ જાણવા તથા તકેદારી રાખવાની જરૂરિયાત બહુ ઝડપથી વધી રહી છે.

ડાયાબિટીસ : સૌથી પહેલાં આપણે ડાયાબિટીસ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. આ રોગને જાણવો ખાસ એટલે જરૂરી છે કે તમારા ઘરમાં, આડોશ-પાડોશમાં કે સગામાં ઘણા લોકો એવાં મળી આવશે કે જેમને ડાયાબિટીસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં ડાયાબિટીસની ટકાવારી સતત વધતી જાય છે અને તેમાં પણ સૌથી વધારે દર્દીઓ ભારતમાં છે જે તેને વિશ્વની ‘ડાયાબિટીસની રાજધાની’ જેવો દરજ્જો આપે છે. ભારતમાં પણ સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ગુજરાતમાં છે. વધુ મહત્ત્વની બાબત એ છે કે કેટલાય લોકોને પોતાને આ બીમારી હોવાની જાણ જ નથી હોતી, કારણ કે શરૂઆતના તબક્કામાં આ બીમારીનાં કોઈ જ લક્ષણ જણાતાં નથી. જેમને ડાયાબિટીસ છે તેમાંના કેટલાય દર્દીઓમાં પોતાને આ રોગ હોવા છતાં તેના વિશે જ્ઞાન મેળવવાની ઉત્કંઠા હોતી નથી કારણ કે તેમને જે કાંઈ લક્ષણો હોય છે તેનાથી તેઓ અજાણતાં જ ટેવાઈ ગયા હોય છે અને ડાયાબિટીસ હોવાથી લાંબાગાળાની અસરોથી તેઓ વાકેફ નથી હોતા કે તેમને એ બાબતની લાલબત્તી બતાવનાર કોઈ યોગ્ય માર્ગદર્શક નથી મળતા. ઉપરાંત ડાયાબિટીસના ઘણાય દર્દીઓ અવારનવાર તેમના રોગનું પ્રમાણ જાણવા લોહીની તપાસ કે દૂરગામી અસરના ભોગ બનવાની શક્યતાવાળા અવયવો જેવા કે આંખ, હૃદય, કીડની, જ્ઞાનતંતુઓ, રક્તવાહિનીઓની તપાસ માટેના યોગ્ય ટેસ્ટ કરાવતા નથી કે તેમને તેની ગંભીરતાની ખબર હોતી નથી.

એક તારણ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા અત્યારે છે તેના કરતાં ત્રણ ગણી થઈ જવા સંભવ છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા કે દૂર ઠેલવા માટે છેલ્લાં દસેક વર્ષથી ડાયાબિટીસની તપાસ, નિદાન, સારવારની પદ્ધતિઓ અને તેમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર પહેલાં ક્યારેય ન થઈ હોય તેટલા વેગથી સમગ્ર દુનિયામાં શોધખોળ શરૂ થઈ ગઈ છે અને આ દરેકમાં ખૂબ જ પ્રગતિ થઈ છે જે એટલે સુધી કે ભવિષ્યમાં ડાયાબિટીસ થતો રોકી શકાય કે એક વાર થયા પછી સંપૂર્ણ મટાડી શકાય કે ડાયાબિટીસ થવાની સંભાવનાવાળી વ્યક્તિઓને બહુ જ વહેલાસર ચેતવાનો સમય મળી જાય કે પછી ડાયાબિટીસમાં લેવાં પડતાં ઈન્જેક્શનો સદંતર નાબૂદ કરી તેની જગ્યાએ ફક્ત ગોળી લઈ શકાય તો એ સંભાવના આજે જરાય અશક્ય નથી.

અંતમાં એ યાદ રાખવું જોઈએ કે ડાયાબિટીસને આપણે ધારીએ તો સંપૂર્ણપણે આપણા વશમાં રાખી શકાય તેમ છે પરંતુ જો તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ તો તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક પાયમાલી સર્જી શકે છે.

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.