(ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર
અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ….)

 

જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ આપણા ધ્યાનને પૂરેપૂરી રીતે આકર્ષી લે છે. સ્વપ્નાવસ્થામાં પણ આપણને ઘણી વસ્તુઓ દેખાય છે અને એ સ્વપ્ન રહે ત્યાં સુધી સત્ય જણાય છે. આ બધું જોવું એ ‘દર્શન’ છે, પરંતુ એ સત્ય હોય એ આવશ્યક નથી. એટલે સત્ય દર્શનને મિથ્યા દર્શનથી અલગ કરવું એ આપણું પ્રસ્તુત કાર્ય છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં યથાર્થ જ્ઞાનના માપદંડો વિશે ઘણો વિચાર થયો છે. વૈજ્ઞાનિકો ભૌતિક પદાર્થાેના સ્વરૂપના સંબંધ વિશે જાણવા ઈચ્છે છે. તેઓ પણ પોતે પ્રત્યક્ષ કરેલ તથ્યોની સત્યતાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે. મનોવૈજ્ઞાનિકો પાસે પણ પોતાનું ‘દર્શન’ છે. તેઓ પોતાની અંતર્દૃષ્ટિ દ્વારા વૈચારિક જગતના નિયમોનું અન્વેષણ કરે છે. સાધક ઈશ્વર અથવા પરમ સત્તાનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આને જ અપરોક્ષ અનુભૂતિ કહે છે.

આપણે પોતાના ઇન્દ્રિયજન્ય જ્ઞાનને ઘણું મહત્ત્વ આપીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે બાહ્ય પદાર્થાેનો પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. ક્યારેય નહીં ! બાહ્યપદાર્થાે દ્વારા સંવેદન નેત્રો સુધી પહોંચે છે. ત્યાંથી સંદેશ મન સુધી પહોંચાડાય છે, ત્યાર પછી આત્મા સુધી. આ કેટલી વક્ર પ્રક્રિયા છે! અને એને જ આપણે પ્રત્યક્ષ કહેવા ટેવાયેલ છીએ. વાસ્તવિક પ્રત્યક્ષ કે અપરોક્ષ અનુભૂતિમાં સત્ય આત્મજ્યોતિ દ્વારા પ્રકાશિત થાય છે. આ આત્મજ્યોતિ-અંતર્જ્યોતિ મન અને ઇન્દ્રિયોના માધ્યમથી પ્રકાશિત થાય છે. તે પોતાની મેળે પણ પ્રકાશિત થઈ શકે છે. આ જ અતિચેતન અવસ્થા છે. આ અવસ્થાને તુરીય પણ કહે છે. સામાન્યત : આપણા અનુભવ ચેતનાની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓમાં થાય છે. તુરીય અવસ્થા આ ત્રણ અવસ્થાઓથી ભિન્ન ચોથી અવસ્થા છે. આ એક પ્રકારની સર્વાતીત ચેતના છે. અન્ય ત્રણ અવસ્થાઓ એની આંશિક અભિવ્યક્તિ છે. આ અવસ્થામાં આત્માને પોતે પરમાત્માનો અંશ છે એવી અનુભૂતિ થાય છે.

પુસ્તકના જ્ઞાનની અપર્યાપ્તતા :

પુસ્તક વાંચીને કોઈપણ સાધનાનો પ્રારંભ ન કરવો જોઈએ. આપણે જાણકારી મેળવવા પુસ્તકો ભલે વાંચીએ, પરંતુ આપણામાં એ જ્ઞાન હોવું જરૂરી છે કે કયા વિચારોને ગ્રહણ કરવા અને કોને ત્યજવા. આપણે ભિન્ન ભિન્ન સાધનાઓ વિશે ભલે વાંચીએ, પરંતુ કઈ કઈ સાધના આપણા માટે ઉપયોગી છે એ જાણ્યા વિના આપણે એમને અપનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. વિવિધ માર્ગાેની જાણકારી આપણા દૃષ્ટિકોણને ઉદાર બનાવી શકે છે. આમ છતાં પણ આપણા માટે ઉપયુક્ત માર્ગની જાણકારી આપણને હોવી જોઈએ. આધ્યાત્મિક જીવનની પ્રારંભિક અવસ્થામાં જે પ્રાય : પ્રયોગનો કાળ હોય છે ત્યારે આપણમાં થતાં માનસિક અને શારીરિક પરિવર્તનોનું અવલોકન કરતાં કરતાં તથા તેમને અનુરૂપ સામંજસ્ય સ્થાપીને આપણે ધીરે ધીરે આગળ વધવું જોઈએ.

સાચા ઉપાયનું ખોટી વ્યક્તિ અનુસરણ કરે તો તેનું પરિણામ ખરાબ આવે. એટલે સાધકમાં જરૂરી આવશ્યકતાઓ હોય, એવી અપેક્ષા રખાય છે. પરંતુ આજ કાલ કોઈપણ વ્યક્તિ ગમે તે પુસ્તક મેળવી શકે છે, કેટલીક સાધનાઓ વિશે વાંચીને તેનું અનુસરણ કરી શકે છે અને કષ્ટ પણ વેઠેે છે. પ્રત્યેક વ્યક્તિ માટે નિર્દેશ સદા ભિન્ન ભિન્ન હોય છે. એક વ્યક્તિનો પુષ્ટિકારક આહાર બીજા માટે વિષ જેવો બની શકે છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વભાવને અનુરૂપ નિયમનું પાલન કરવું જોઈએ અને પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ સાથે સારી રીતે સામંજસ્ય સ્થાપવું જોઈએ. જો સુદૃઢ પાયા પર ભવન ઊભું હોય તો તે જળવાઈ રહે છે, અન્યથા તેનો ધ્વંસ થાય છે.

સામાન્યત : આપણે સત્યને ચાહતા નથી, પરંતુ કોઈ વસ્તુવિશેષમાં આપણે પોતાને જ ચાહીએ છીએ. આપણે કોઈ વિચારને ચાહીએ છીએ, કારણ કે તે આપણો વિચાર છે. આપણે એને એટલા માટે નથી ચાહતા કે તે સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. વળી અલ્પજ્ઞાન સદા હાનિકારક બને છે. કેનોપનિષદ ૨.૩ મુજબ

યસ્યામતં તસ્ય મતં મતં યસ્ય ન વેદ સ :,
અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનતામ્.

અર્થાત્ ‘જે એમ કહે છે કે તે બ્રહ્મને નથી જાણતો, તે એને જાણે છે અને જે એમ કહે છે કે તે બ્રહ્મને જાણે છે, તે એને જાણતો નથી.’
શ્રદ્ધાવાન અને નિષ્ઠાવાન ભક્ત સમક્ષ ભગવાન પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરે છે. ભક્તનું પ્રસ્તુત કાર્ય પરમાત્માની સાથે સામંજસ્ય સ્થાપવાનું છે અને ત્યારે પરમાત્મા પોતાનો મહિમા તેની સામે પ્રગટ કરે છે. જેવી રીતે મનુષ્ય ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરે છે, તેવી જ રીતે પરમાત્મા પણ મનુષ્યની નિકટ આવવા સદૈવ તત્પર રહે છે.

વૈજ્ઞાનિકો તથા દાર્શનિકો દ્વારા કરેલ પ્રકૃતિનાં રહસ્યોનાં બૌદ્ધિક અનુસંધાનો દ્વારા સત્યને જાણી શકાતું નથી. જો તમે પોતાની બુદ્ધિ દ્વારા વસ્તુઓના મૂળ કારણને જાણવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવશે કે એ અસંભવ છે. દૃશ્યજગતને ભેદીને સત્યનો સાક્ષાત્કાર કરવા એક સૂક્ષ્મતર અને તીક્ષ્ણતર યંત્રની આવશ્યકતા છે. આપણાં દેહ અને મન વગેરે સહિત આ સમગ્ર દૃશ્યજગત ખરેખર ઘણું આશ્ચર્યજનક છે. એનો કોઈ મતલબ નથી કે આપણને એ ઓછામાં ઓછું એવું જ દેખાય છે. નિરાકારનું સાકાર રૂપ ધારણ કરવાનું કયંુ કારણ છે ? આ બધી વાતો યુક્તિ અને વિચાર રહિત લાગે છે, કારણ કે એ બધું યુક્તિથી પર છે. માયાની આ વિચિત્રતાપૂર્ણ, બહુવિધલીલાની વ્યાખ્યા કરવી સંભવ નથી અને સાપેક્ષ ભાષામાં કોઈપણ આજ સુધી એને સમજી શક્યું નથી. આને તમે ઈસાઈની ભાષામાં ઈશ્વરની ઇચ્છા કહો કે હિન્દુની ભાષામાં ભગવાનની લીલા કે ક્રીડા કહો. પણ સાપેક્ષપણે કોઈપણ વ્યાખ્યા કે કારણ બતાવી ન શકાય, પરંતુ એનંુ અતિક્રમણ કરી શકાય છે.

પ્રત્યેક તથ્યનું એકમાત્ર અંતિમ પ્રમાણ અપરોક્ષ અનુભૂતિ છે. જો ખરેખર ભગવાન છે તો એને જોવા જોઈએ, એની અનુભૂતિ થવી જોઈએ. કેવળ સિદ્ધાંત પ્રસ્તુત કરવાથી કામ ન ચાલે. જેમણે એમને જોયા છે એ લોકોના શબ્દો પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. આપણે એમના પગલે પગલે ચાલવું જોઈએ અને પોતે જ પોતાના જીવનમાં એ અનુભવોને પ્રમાણિત કરવા જોઈએ. કેવળ વિશ્વાસથી કામ ચાલવાનું નથી, પછી ભલે એ પ્રારંભમાં જરૂરી હોય. અને જેમ સ્વામી વિવેકાનંદે ‘રાજયોગ’ની પ્રસ્તાવનામાં કહ્યું છે :

‘આ દુનિયામાં જ્ઞાનની કોઈપણ શાખામાં જો એકવાર એક અનુભવ થયો, તો એ નિર્વિવાદપણે ફલિત થાય છે કે તે અનુભવ અગાઉ લાખોવાર શક્ય થયો છે અને હંમેશાં ફરી ફરીને શક્ય થશે… તેથી યોગવિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે કે ધર્મ પ્રાચીનકાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈપણ માણસ ધાર્મિક થઈ શકે નહીં.’ (સ્વા. વિ. ગ્રંથમાળા, ૧.૧૩૯-૪૦) (ક્રમશ 🙂

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.