કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના ઉપદેશક તરીકે શ્રીકૃષ્ણ એક જુદો જ સૂર કાઢે છે. ગીતા કહે છે : કર્મ કરો, કર્મ કરો; રાત અને દિવસ કર્મ કરો. તમે પૂછશો : ‘તો પછી શાંતિ ક્યાં છે? જો આખી જિંદગી ગાડાના વેઠિયા બળદની માફક ઢસરડો જ કરવાનું અને જુતેલ ધૂંસરીએ જ મરવાનું હોય તો પછી હું આવ્યો છું શા માટે?’ શ્રીકૃષ્ણ કહે છે : ‘જરૂર તમને શાંતિ મળશે. કર્મથી નાસવું તે કદીય શાંતિનો માર્ગ નથી.’ તમારાથી બની શકતું હોય તો તમે કર્તવ્યોનો ત્યાગ કરીને કોઈ પર્વતના શિખર પર જઈને બેસો; ત્યાં પણ મન સતત ભ્રમણ, ભ્રમણ અને ભ્રમણ જ કર્યા કરશે. કોઈએ એક સંન્યાસીને પૂછ્યું : ‘મહાશય! તમને રહેવા માટે સારું સ્થળ જડી ગયું છે? હિમાલયમાં તમે કેટલાં વર્ષોથી મુસાફરી કરો છો?’ સંન્યાસીએ જવાબ આપ્યો : ‘ચાલીસ વર્ષથી.’ ‘ત્યાં તો રહેવા માટે પસંદ કરવા યોગ્ય ઘણી જગ્યાઓ છે. તમે તેમ કેમ ન કર્યું?’ ‘કારણ કે ચાળીસ વર્ષ સુધી મારા મને તેમ ન કરવા દીધું.’ આપણે બધા કહીએ છીએ : ‘ચાલો! આપણે શાંતિ શોધીએ.’ પણ આપણું મન તેમ કરવા જ નહીં દે. (સ્વા.વિ.ગ્રં.માળા-૫. ૩૩૫/૩૬)

ચાલો આપણે કર્મો કરવાનું છોડી દઈએ અને કોઈ એકાંત સ્થળે વિશ્રાંતિ અને શાંતિનો અનુભવ કરવા જઈએ. આ ખ્યાલ લાગે છે તો સુંદર, પણ તેમ થતું નથી. આપણું મન તેવા ભાવમાં વર્તતંુ નથી. વસ્તુત : શ્રીકૃષ્ણ આપણને ચેતવણી આપે છે! તે આપણને દંભી કે ઢોંગી ન બનવાનો આદેશ કરે છે.

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ।। 3.6 ।।

‘જે માણસ કર્મેન્દ્રિયોને પરાણે વશમાં રાખીને મનથી ઇન્દ્રિયોનું ચિંતન કર્યા કરે તે મૂઢ આત્માવાળો મિથ્યાચારી-ઢોંગી કહેવાય છે.’

રુદ્ર સંપ્રદાયના શ્રી શ્રીધર સ્વામી કહે છે, ‘દૃઢપણે શ્રીકૃષ્ણ કહે છે : ‘ધ્યાનના બહાના હેઠળ ઇન્દ્રિયોને બળપૂર્વક સંયત કરતી અને વળી અંત :કરણમાં ઇન્દ્રિયપદાર્થાેનું ચિંતન કરતી મૂર્ખ વ્યક્તિ ધૂર્ત અને દંભી છે. અપવિત્રતાના કારણે આવી ઢોંગી વ્યક્તિનું મન આવી ધ્યાનયોગ્ય પ્રશાંતિ અને સરળતા ધરાવતું હોતું નથી.’

કૌલ તંત્ર સંપ્રદાયના શ્રી અભિનવ ગુપ્ત કહે છે, ‘જો તે વ્યક્તિ તેની કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરતો નથી તો તે નિશ્ચિતપણે માનસિક રીતે કર્મ કરે છે.’

કુમાર સંપ્રદાયના શ્રીકેશવ કાશ્મીરી કહે છે, ‘જો કર્તવ્યકર્મો સ્વયં નેત્રો, નાશિકા, કર્ણ ઇત્યાદિ ઇન્દ્રિયો પર અવલંબિત હોય તો પછી કોઈ વ્યક્તિ તેને સંયત કરવાનો અભ્યાસ કેમ કરીને કરી શકે.

જે કોઈ વ્યક્તિ પોતાના દેહને ઇન્દ્રિય આદિ પદાર્થાેમાંથી અળગી કરવા સમર્થ છે તે પણ ઇન્દ્રિયભોગ્ય પદાર્થાેમાં આસક્ત બની શકે. એનું કારણ છે પૂર્વજન્મની કામવાસનાઓની અપવિત્રતા. કામનારહિત વૃત્તિથી કર્તવ્યકર્મો કરતા રહીને અને તે દ્વારા અનાદિકાળના જન્મોનાં સંચિત અનેક પાપોનો વિનાશ કરીને થતા કર્મયોગની પૂર્ણતાના અભાવે મન ભોગ્યપદાર્થાેની આસક્તિથી મુકત ન રહી શકે.’

પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ ઉત્તરના અન્ય પક્ષ વિશે કહે છે. કર્મ કરવાનો ‘આ’ માર્ગ છે જેના દ્વારા તમે પરમતત્ત્વ સિદ્ધ કરો. આગળનો શ્લોક કઈ બાબત મનુષ્યને પાખંડી બનાવે છે તે કહે છે અને હવે આ શ્લોક વ્યક્તિની વાસ્તવિક આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ કેમ કરીને થાય છે તેનું વિવેચન કરે છે.

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ।। 3.7 ।।

રુદ્ર સંપ્રદાયના શ્રી શ્રીધર સ્વામી કહે છે, ‘હવે ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ઘાટિત કરે છે કે બદલાની અપેક્ષા રહિત કર્મ કરનાર કર્મયોગી આગળના શ્લોકમાં વર્ણવેલ દંભી ત્યાગી કરતાં ઉચ્ચતર છે. ભગવદાર્પણ ભાવથી જે વ્યક્તિ કર્મ કરે છે તે યથાર્થપણે કર્મયોગ આચરે છે અને તેના દ્વારા તેનું મન ક્રમશ : વિશુદ્ધ બને છે અને આધ્યાત્મિક જ્ઞાન ઉદિત થાય છે.’

કુમાર સંપ્રદાયના શ્રીકેશવ કાશ્મીરી કહે છે, ‘આસક્તિરહિત કર્મ કરનાર ગૃહસ્થ પણ ઉત્તમ છે કે જે તેનાં કર્મ દ્વારા ક્રમશ : તેના મન અને ઇન્દ્રિયોને સંયત કરે છે. આવી વ્યક્તિ દંભી ત્યાગી કરતાં ઉત્કૃષ્ટ છે. મનના સંયમ દ્વારા ઇન્દ્રિયોને ભોગ્યપદાર્થાેથી વિમુખ કરી, વ્યક્તિ જ્યારે કશાયની પણ કામનાથી રહિત બને છે ત્યારે આત્મચિંતન માટે યોગ્ય અધિકારી થાય છે. પછી ક્રમશ : તે સ્થિતિ વ્યક્તિને આત્મચિંતન માટેના અધિકારીપણા પ્રતિ દોરી જાય છે તેથી એ સ્પષ્ટ છે કે કર્મયોગની પદ્ધતિ અર્થાત્ નિષ્કામકર્મનું આચરણ આત્મવિકાસ માટે આવશ્યક છે.’

આસક્તિરહિત મનની સંભાવનાઓનું શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે તેમના શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં અતિ સંુદર વર્ણન કરતાં કહ્યું છે, ‘એ મન આ કર્મોમાં આસક્ત નથી. આ સર્વથી એ અનાસક્ત થયું છે. એથી એ વધારે ચડિયાતું કાર્ય કરી શકે છે. असक्तः स विशिष्यते ‘આવો અનાસક્ત પુરુષ ઉત્તમ છે.’ માનવીની કર્મમાં ઉત્કૃષ્ટતા અહીં આવે છે. કર્મમાં ઉત્તમતાનો આ શ્લોક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. नियम्य ‘વશમાં રાખીને’, इन्द्रियाणि, ‘ઈન્દ્રિયોને’, मनसा, ‘મન વડે’, आरभते कर्मयोगम् ‘એ અભિગમ વડે કર્મયોગમાં પ્રવૃત્ત થાય છે’; આવી વ્યક્તિ કર્મયોગી છે. स विशिष्यते, ‘એ એકદમ ઉત્તમ છે’; મનને આ તાલીમ દરેકે આપવી જોઈએ. અહીં કૌશલની ભાવના વ્યક્ત થયેલી છે. વ્યક્તિ કર્મમાં ખોવાઈ નથી જતી પણ, નિત્ય મુક્ત છે. મુક્તિ સાથેના કર્મનો આ વિચાર છે. અને વેદાંત પુન : પુન : કહે છે : મુક્તપણે કર્મ કરો, મુક્તપણે આપો, લોકો માટે જે કંઈ કરો તે મુક્તપણે કરો, મુક્તપણે આપો, સાંકડા મનના, કંજૂસના અભિગમથી નહીં. એ યોગ્ય નથી.’

આમ આપણે જોઈએ છીએ કે જ્યારે મન અનાસક્ત બને છે, જ્યારે તે અસ્તિત્વના યથાર્થભાવને આત્મસાત્ કરી લે છે, જ્યારે તે પ્રત્યેક પ્રત્યેના નિ :સ્વાર્થ પ્રેમ સહિત કર્તવ્યકર્મ કરે છે ત્યારે તે વ્યક્તિ બધી જ રીતે સર્વોત્કૃષ્ટ બને છે – માનસિક, આધ્યાત્મિક, સામાજિક. ગીતા આપણને સારા સમાજની રચના માટે આ સિદ્ધાંતો શીખવે છે. આવા સમૃદ્ધિકારક આદર્શાેની માર્ગદર્શિકા હરહંમેશ માનવજાત માટે પ્રાસંગિક બની રહેશે.

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.