મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના સ્વરૂપમાં જ જોવામાં આવે છે. માનવઇતિહાસની પ્રાચીનતમ એવી નાલંદા, વિક્રમશીલા, અને વલ્લભી યુનિવર્સિટીઓની ભેટ પણ ભારતે જ વિશ્વને આપી છે. આમ યુનિવર્સિટી શબ્દ એ ઉચ્ચ શિક્ષણ એટલે કે સ્નાતક કે સ્નાતકોતર અભ્યાસક્રમ પ્રદાન કરતી સંસ્થાના સંદર્ભમાં જ પ્રયોજવામાં આવે છે. વાચકોને અહીં ‘ચિલડ્રન્સ યુનિવર્સિટી’ શબ્દ વાંચતાં ખૂબ જ અચરજ તો થવાનું જ છે! કારણ કે યુનિવર્સિટી શબ્દ તો ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં જ સમજવામાં આવે છે, ભલા બાળકોને ઉચ્ચ શિક્ષણ સાથે શું સંબંધ છે ? બીજો પ્રશ્ન થોડી જુદી રીતે એમ પણ થાય કે બાળકોની થોડી યુનિવર્સિટી હોય ! યુનિવર્સિટી તો મોટેરા કે યુવાનોની હોય. અમારા બુદ્ધિશાળી વાચકોને ત્રીજો પ્રશ્ન એમ પણ થાય કે ચિલ્ડ્રન શબ્દ જ બહુવચન માટે એટલે કે બાળકો માટે વપરાય છે તો પછી શું અહીં લેખકે બહુવચનનું બહુવચન કરી ચિલ્ડ્રન્સ લખી તેમાં યુનિવર્સિટી શબ્દ જોડી ભૂલ કરી છે કે શું ? આમ ઘણા બધા પ્રશ્નોની વણઝાર લાગે તે સહજ અને સ્વીકાર્ય છે. આપના તમામ પ્રશ્ન સાચા અને યથાસ્થાને જ છે. પણ આ બધા જ પ્રશ્નોના જવાબ સુખદ આશ્ચર્ય આપનાર છે. આપ જેમ જેમ જાણતા જશો તેમ તેમ જરૂર રોમાંચિત થતા જશો.

‘ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી’ શબ્દ એકદમ યોગ્ય શબ્દ જ છે ! તે વિશ્વની ચોથી અને એશિયાભરની સૌ પ્રથમ બાળકો માટેની યુનિવર્સિટી છે, જેનું લક્ષ્ય શ્રેષ્ઠ મનુષ્યોનું નિર્માણ કરવાનું છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે તે ગુજરાતમાં કાર્યરત છે અને લેખકે સ્વયં તેની Core Teamમાં ત્રણ વર્ષ કાર્ય કર્યું છે. શિક્ષણની તમામ વિદ્યાશાખા સાથે આ યુનિવર્સિટીને સંબંધ છે અને કાર્યક્ષેત્રની બાબતમાં વિશ્વની સૌથી વધુ વિશિષ્ટતા ધરાવતી આ યુનિવર્સિટી હોઈ પોતાના પ્રકારની વિશ્વની આ માત્ર એક જ યુનિવર્સિટી છે.

મનુષ્યજીવનના પ્રત્યેક પાસા અને સોપાન સાથે સંકળાયેલી આ યુનિવર્સિટી ‘જીવન યુનિવર્સિટી’ જ છે, જે માત્ર તેના વિદ્યાર્થીઓને નથી સ્પર્શતી, તે આપણને સૌને એટલે કે સમાજના પ્રત્યેક મનુષ્યને સ્પર્શે છે. સમાજનો પ્રત્યેક મનુષ્ય તેમાંથી લાભ મેળવી શકે તે પ્રકારનું આ યુનિવર્સિટીનું કાર્ય છે.

આપણે સૌ મહાત્મા ગાંધી, શિવાજી, મહારાણા પ્રતાપ, ચાણક્ય, સ્વામી વિવેકાનંદ, અબ્દુલ કલામ, ભગવાન શ્રીરામ, કૃષ્ણ અને મહાવીરનાં કાર્યોની યશગાથા સદીઓથી ગાઈએ છીએ અને સહસ્ત્રાબ્દીઓ સુધી ગાઈશું. આપણને કદી એ વિચાર નથી આવ્યો કે આવા અવતારી પુરુષોનાં માતા-પિતા કેવાં ગુણવાન, શીલવાન કે સંસ્કારી હશે ! કે તેઓએ આવા સપૂતોને જન્મ આપ્યો. આપણા સૌનું એવું પણ સ્વપ્ન હોય કે આવાં મહાન કાર્યો કરનાર બાળકનો જન્મ આપણા કુટુંબમાં પણ થાય, બીજી ક્ષણે આપણે એવું માની લઈએ કે મહાન પુત્ર તો માત્ર ઈશ્વર વરદાન છે ! વાત ખોટી પણ નથી, પરંતુ ઈશ્વર ત્યારે જ કૃપા કરે છે, જ્યારે આપણે પ્રયત્ન કરીએ ! ખરું ને ? આમ આદર્શ પુત્ર-પુત્રીપ્રાપ્તિની જે ભારતીય પરંપરા હતી, જેનું જ્ઞાન ઋષિ-મુનિઓ આપણને પ્રદાન કરતા હતા તે આપણને હવેના સમયમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પ્રદાન કરશે. આમ ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક રાહ આપણને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા સાંપડશે. બીજું, ઉત્તમ સંતતિના જન્મ પશ્ચાત્ તેને ઉત્તમ કેળવણી આપવાનું વિજ્ઞાન પણ આપણને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમથી મળશે. એટલે કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા અને તેને ઉત્તમોત્તમ મનુષ્ય બનાવવા હેતુ જીવનનાં સઘળાં પાસાઓનું માર્ગદર્શન માતા-પિતા, શિક્ષકો, આચાર્યો, સંચાલકો અને નીતિ ઘડવૈયાને આપશે. આમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રાષ્ટ્રની દીવાદાંડીની જેમ કાર્ય કરશે !!!

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આપણા દેશના શિક્ષણતંત્રનો ધબકાર છે, આત્મા છે. તે આપણા સૌની છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ગુજરાત છે પણ તેનું કાર્ય વૈશ્વિક છે, તે સમગ્ર વિશ્વની એવી મૂડી છે જેનું વ્યાજ આવતી સહસ્ત્રાબ્દી સુધી અનેક પેઢીઓને મળતું રહેશે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પ્રર્વતમાન શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત વાયરસ માટે એન્ટી-વાયરસની જેમ કાર્ય કરી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને પાયાથી સુધારવા હેતુ લાભપ્રદ બની રહેશે.

જેમ વિશાળકાય ઇમારત તેના સ્તંભ કે પાયા પર આધારિત હોય છે તેમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું કાર્ય પણ મુખ્ય સ્તંભ કે વિભાગ પર આધારિત છે, જે આપણને સૌને જીવન જીવવાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપશે, જે માનવને મહામાનવ બનાવવા તરફ ઉન્મુખ કરશે.

આ ચાર સ્તંભ છે- (૧) સંશોધન (૨) શિક્ષણ (૩) તાલીમ (૪) વિસ્તરણ સેવાઓ.

સંશોધન

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આપણા દૈનિક જીવનને વધુ સુખમય બનાવવા હેતુ, મનુષ્યને ઉચ્ચતમ સજીવ બનાવવા હેતુ, આપણા જીવન સાથે સંકળાયેલા ક્ષેત્રોના વણઉકલ્યા પ્રશ્નોના ઉત્તરો સંશોધન (Research) ના માધ્યમથી શોધવા પ્રયત્ન કરશે.

શિક્ષણ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ આદરેલા સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલ તારણોના આધારે યુનિવર્સિટી લાગુ પડતાં ક્ષેત્રોમાં સુધારો કરી તમામ ક્ષેત્રોના અભ્યાસક્રમને જીવનલક્ષી બનાવી તેનું શિક્ષણ વિદ્યાર્થીઓને તો આપશે જ, સાથે-સાથે તૈયાર થયેલ આદર્શ પાઠ્યક્રમ-જીવનલક્ષી અનુભવો શીખવી શકે તેવા ઉચ્ચકોટીના Innovative શિક્ષકોની ફોજ પણ તૈયાર કરશે.

શિક્ષણ સમાજજીવનનું અતિ મહત્ત્વનું અંગ છે અને તે સમાજની કાયાપલટ કરવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષણનું લક્ષ્ય શ્રેષ્ઠ મનુષ્યો નિર્માણ કરવાનું છે. જેવું શિક્ષણ તેવો જ મનુષ્ય અને જેવો મનુષ્ય તેવો સમાજ. સમર્થ સમાજ જ શક્તિસંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. શ્રેષ્ઠ મનુષ્યનું અને બાળકનું એક જવાબદાર નાગરિક તરીકે ઘડતર એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું લક્ષ્ય છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને વૈચારિક આધાર આપવાનું કાર્ય મા. કિરીટભાઈ જોષી (પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઈંદિરા ગાંધીના શિક્ષણ સલાહકાર) એ વર્ષ ૨૦૦૧માં તત્કાલીન સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કર્યું. ‘પ્રત્યેક બાળક મહત્ત્વનું છે’ (Every Child Matters) એ આ યુનિવર્સિટીનું ધ્યેયવાક્ય છે. આ પ્રત્યેક બાળક એટલે ગુજરાત રાજ્યનાં તમામ બાળકો એ તો ખરું જ, પરંતુ તમામ પ્રકારનાં બાળકો કે જેમાં સામાન્યબુદ્ધિવાળાં, પ્રતિભાસંપન્ન, વિકલાંગ, વંચિત, વનવાસી અને વિશિષ્ટ આવડત ધરાવતાં બાલક તેમજ બાલિકાનું શિક્ષણ સમાવિષ્ટ છે. તમામ પ્રકારનાં બાળકોનાં શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટી જીવનના પ્રત્યેક સ્તરના શિક્ષણને આવરી લેતી યુનિવર્સિટી છે. એ બાબત વિશ્વની તમામ યુનિવર્સિટીઓ કરતાં આ યુનિવર્સિટીને વિશિષ્ટ બનાવે છે. ઉત્તમ સંતતિની પ્રાપ્તિ માટે નવદંપતીઓને શરીર અને મનની કેળવણી આપવાથી પોતાના કાર્યનો પ્રારંભ કરનાર આ યુનિવર્સિટી બાળકના જન્મના પ્રથમ દિવસથી ૬,૫૭૦મા દિવસ એટલે કે ૧૮ વર્ષ (તરુણાવસ્થા) સુધી તેના જીવનના પ્રત્યેક સોપાન- શિશુ અવસ્થા, બાળ અવસ્થા, કિશોર અવસ્થા, તરુણ અવસ્થા અને યુવા અવસ્થા સંબંધી જીવનના પ્રત્યેક ક્ષેત્રે – શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસનું શિક્ષણ પ્રદાન કરે છે. તે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ શિક્ષકોને, આચાર્યોને, વાલીઓને, અધિકારીઓને અને નીતિ ઘડવૈયાઓને શિક્ષણ-માર્ગદર્શન પ્રદાન કરે છે.

તાલીમ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ હાથ ધરેલ સંશોધન દ્વારા મેળવેલ તારણોનો લાભ સમાજનાં તમામ ક્ષેત્રોના તમામ લોકોને મળી રહે તે હેતુથી તે શિક્ષકો, આચાર્યો, વાલીઓ અને નીતિ નિર્ધારકોને તાલીમ આપશે. આમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યથી સમાજનો પ્રત્યેક વર્ગ, પ્રત્યેક મનુષ્ય લાભાન્વિત થશે.

વિસ્તરણ સેવાઓ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રાજ્યની તમામ શૈક્ષણિક તેમજ સેવાભાવી સંસ્થાઓની માતા તરીકે, માર્ગદર્શક તરીકે, મન-મસ્તિષ્ક તરીકે કાર્ય કરશે. તે સંશોધનોના માધ્યમથી સમાજની ઉન્નતિ માટે નીતિઓનું નિર્ધારણ, ઘડતર કરશે અને તેને જે તે શહેર, તાલુકા, જિલ્લાની સંસ્થા દ્વારા ક્રિયન્વિત કરશે. છેવાડાના મનુષ્ય સુધી તે પહોંચે તે રીતે વિવિધ સંસ્થાઓના વિવિધ કાર્યો દ્વારા તેને તાલીમ આપી સમૃદ્ધ માનવ-સંસાધનરૂપે વિકસાવશે, જેના માટે તે બૌદ્ધિક અને આર્થિક સહાય કરશે.

અંતે એટલું જરૂર કહેવું રહ્યું કે નક્શામાં ભવ્ય દેખાતી ઇમારતની ખરી ભવ્યતા તો તેનું વાસ્તવિક રીતે ચણતર કરનાર માનવસમૂહનાં બુદ્ધિચાતુર્ય, કૌશલ્ય, સંકલન અને સેવાભાવના પર આધારિત છે.

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.