માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને સલામતી જોઈએ, એને સુવિધાઓ જોઈએ, આ બધું એ જાતે કરી શકે નહીં. આ માટે એને બીજાના સાથ-સહકારની જરૂર પડે. આથી આદિ માનવજાતને એમ લાગ્યું કે સાથે રહેવામાં સાર છે. સાથે રહીને જીવન ગુજારતા માનવને થયું કે બીજાં પ્રાણીઓની જેમ ખાતાં-ભટકતાં જીવીએ એ પૂરતું નથી. જીવન એવું જીવાવું જોઈએ કે પોતાનો બધી રીતે વિકાસ થાય અને સાથેનાનો પણ એ જ રીતે વિકાસ થાય, સૌનો ઉદય થાય; સ્પર્ધા નહીં, સહયોગ જ સાચો મારગ છે.

સૌનું ભલું થાય તેવી જીવનપદ્ધતિનો વિચાર કરતાં સૌને લાગુ પડે તેવી વ્યવસ્થા અપનાવવાનું ઠીક લાગ્યું. બધાને માન્ય અને બધાની માનીતી વ્યવસ્થા એટલે તંત્ર. આવા વ્યવસ્થા-તંત્રનો એક વડો બને, તેનું કહેવું બધા માને. તંત્રનો વડો શાણો હોય તો સમાજનું ભલું થાય, પણ જો તે વિલાસમાં રહે ને તંત્ર તરફ ધ્યાન ન આપે કે પક્ષાપક્ષી કરે તો સામજની અધોગતિ થાય. સમાજની અધોગતિ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સર્વનો સર્વાંગી વિકાસ થાય, એવું તંત્ર માનવ-સમાજે છેવટે પસંદ કર્યું. એ તંત્રમાં કોઈ એક જ વડો નહીં, પણ માનવોનો, પ્રજાનો આખો સમૂહ કે ગણ જ તંત્રનો સંચાલક. સમગ્ર ગણ વતી નિયત સંખ્યાના પ્રતિનિધિઓ ભેગા મળે, સાથે મળીને વિચાર કરે ને સમાજનું વધુમાં વધુ ભલું થાય તેવા નિર્ણયો કરે ને તેનો અમલ કરાવે.

સમાજવ્યવસ્થાની આ રીત તે ગણતંત્ર. ગણતંત્ર એટલે પ્રજાનું, પ્રજા દ્વારા ચાલતું, પ્રજા માટેનું રાજ. સર્વજનપ્રિય શ્રીકૃષ્ણે દ્વારિકાનગરી વસાવી ત્યારે એમણે રાજવ્યવસ્થા માટે ગણતંત્ર-પદ્ધતિ અપનાવી હતી. ઉગ્રસેન સરખા આદરણીય અનુભવીની આમન્યા રાખવા એમને રાજસિંહાસન પર બેસાડ્યા, પણ નગરીની સુધર્માસભામાં ગણના પ્રતિનિધિઓ ભેગા મળતા ને સાથે મળીને કરોબાર કરતા. હા, વિશેષ માર્ગદર્શનની જરૂર પડે ત્યારે સૌની નજર માધવ પર મંડાય; અને તેથી તે દ્વારકાધીશ કહેવાયા, એ વાત જુદી પરંતુ સ્વયં શ્યામ તો ગણતંત્રના ચાહક હતા.

આપણા દેશ ભારતમાં ઇતિહાસના અનેક પ્રવાહો પલટાતા રહ્યા ને છેવટે આપણે પ્રજાસત્તાક ગણતંત્ર પ્રકારની રાજપદ્ધતિ અપનાવી. દેશનો કબજો જમાવી બેઠેલા વિદેશી અંગ્રેજોને દૂર કરીને પ્રજાસત્તાક ગણતંત્ર ફરી સ્થાપવા માટે આપણા દેશવાસીઓએ તેમજ એ કાળના કિશોરો, તરુણો અને યુવાનોએ ઘણો ભોગ આપ્યો. સ્વાતંત્ર્યના એ સંઘર્ષમાં પોતાનાં ઘર-ખેતર ખોયાં, માલ-મિલ્કત ગુમાવી, પોતાના પ્રાણપ્યારા પરિવારને પણ હોમી દીધાં. પોતે લાઠીઓ અને ગોળીઓ ખાધી, જેલમાં ગયા ને જાન ગુમાવ્યા. આઝાદી માટેનો એક જ અવાજ : કરો યા મરો. આપણા લાડીલા નેતા લોકમાન્ય ટિળકને બ્રિટિશ સરકારના એક સેક્રેટરી વેજવુડ બેને પૂછ્યું, ‘તમે સ્વરાજ માગો છો, પણ તમે માનો છો કે સ્વરાજ મળવાથી તમે સુખી થશો?’ એમનો જવાબ હતો, ‘ના, સુખી તો અમે આજે છીએ, પણ એવું ગુલામીના ડાઘવાળું સુખ અમને ખપતું નથી. સ્વરાજ મળશે ત્યારે ખરેખર અમારા દુ :ખનો પ્રારંભ થશે, પણ એમાં જ અમે રાચીશું, વિઘ્નો આવે એને પહોંચી વળવામાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલો કરીશું ને તે સુધારતાં સુધારતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.’

હાડમારી ભોગવીને આઝાદી મેળવવા માટે કેવું હતું જનતાનું જોમ? ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની સજા થઈ. તેની લાશ માતાને માંડ માંડ મળી. માતા અઠ્ઠાવીસ વર્ષના પોતાના પ્યારા પુત્રની લાશ લઈને જેલની બહાર આવીને સ્મશાન તરફ ચાલવા લાગી, લોકો ધીમે ધીમે એમની સાથે જોડાતા ગયા. સ્મશાનયાત્રાના રસ્તે આવતા ચોકમાં માતાએ નનામી થોભાવી. પોતે ઊંચે ઓટલે ચડીને કહ્યું, ‘આપણા દેશને અર્પણ કરવા માટે હવે મારી પાસે કંઈ નથી; હા, એક બીજો પુત્ર છે. આ નાના પુત્રને હું દેશને સોંપું છું ને તેને આજ્ઞા કરું છું કે તું પણ તારા મોટાભાઈની માફક દેશને ખાતર જાનફિશાની માટે તૈયાર રહેજે.’ વતન માટે જાનફિશાની કરનાર અનેક શહીદોની શહાદત થકી જ આપણે અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા અને ગણતંત્રની સ્થાપના કરી. પ્રજાસત્તાક તંત્રની, ગણતંત્રની સ્થાપના માટે, પ્રજામાં ભાઈચારો જગાડવા ને વધારવા માટે આપણા પ્યારા બાપુ મહાત્મા ગાંધી જીવનભર ઝૂઝતા રહ્યા અને છેવટે એમણે પણ પોતાના પ્રાણની આહુતિ આપી!

આમ ન પૂરી શકાય તેવી ખોટ અને ખુવારી પછી, ભારતમાં ખુમારી સાથે ગોઠવાયેલું ગણતંત્ર અમીટ રહે, અમર રહે તે માટે આપણે સાબદા રહીએ. સ્વરાજ આપણો જન્મસિદ્ધ હક્ક હતો અને છે, પરંતુ હક્કની સાથે ફરજ અનિવાર્યપણે જોડાયેલ છે, એ તથ્ય કદી ન વિસરીએ. દેશે મારા માટે શું કર્યું એવી ગણતરી માંડવાને બદલે; દેશ માટે, જન-ગણ માટે મેં શું કર્યું તે જાણવા માટે આંતરખોજ કરવાની આજે વેળા છે. રાષ્ટ્ર માટેનો ભક્તિભાવ આપણા જીવનના તાણાવાણા સાથે વણાઈ જવો જોઈએ. રોજી મેળવવા માટે જે કામ કરીએ તે નિષ્ઠાથી કરીએ, કામચોરી કદી ન કરીએ, લાંચરુશ્વતથી દૂર રહીએ, બાળકોમાં રાષ્ટ્રપ્રેમનું સિંચન કરીએ, માનવતાના દીવડા ઠેરઠેર પેટાવતા રહીએ અને આપણા ગણતંત્રને ગૌરવવંતંુ રાખવાની પ્રતિજ્ઞા લઈએ. સંપીને રહીએ અને કવિ કાન્તની આ કાવ્યકંડિકાને આપણા કંઠેથી વહાવીએ :

‘ઓ હિંદ દેવભૂમિ, સંતાન સૌ તમારાં
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં.’

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.