સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે કંઈકની અપેક્ષા રાખવી એ સીધે સીધો વેપાર છે, વિનિમય છે. કોઈપણ વ્યક્તિ ત્રણ પ્રકારે દાન કે સેવા કરી શકે છે : અન્નદાન, જીવનદાન અને જ્ઞાનદાન. જ્ઞાન કે વિદ્યાદાનને સર્વોત્તમ દાન કહેવામાં આવ્યું છે. તો શું એનો અર્થ એમ થાય કે જીવનદાન આપવું અથવા તો કોઈ જોખમ કે બીમારીથી કોઈના જીવનને બચાવવું તેના કરતાં વિદ્યાદાન ચઢિયાતું છે? એ એમ જ ગણાય છે કારણ કે વ્યક્તિ કોઈકને રક્ષણ આપીને અથવા અન્ન, જળ કે ઔષધ આપીને તેના જીવનને બચાવી શકે છે પરંતુ કોઈક ને આત્મજ્ઞાન આપવું કે જેની પ્રાપ્તિ દ્વારા તે વ્યક્તિ નિર્ભય બને છે, શાંતિ અને સંવાદિતા પ્રાપ્ત કરે છે અને સંસારબંધનમાંથી મુક્તિ મેળવે છે, તેવું જ્ઞાન જીવનદાન કરતાં નિશ્ચિતપણે ચઢિયાતું ગણાયું છે, એટલું જ નહિ પણ કોઈપણ વ્યક્તિ કરી શકે તેમાંની સર્વોત્તમ સેવા કે દાન છે.

વિદ્યાદાન બે પ્રકારનાં છે, ઇહલૌકિક અને આધ્યાત્મિક. બાહ્યજગતના પદાર્થાેના જ્ઞાનને સંતોષતું જ્ઞાન ઇહલૌકિક જ્ઞાન છે અને જીવન અને મૃત્યુ, અસ્તિત્વનું કારણ, આત્માનું સત્ય સ્વરૂપ એને લગતા સર્વ સંદેહો નિર્મૂળ કરનારું જ્ઞાન તે આધ્યાત્મિક જ્ઞાન. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘આપણે જેની જરૂર છે તે વેદાંતની સાથોસાથ આધુનિક વિજ્ઞાનની. મુદ્રાલેખ તરીકે બ્રહ્મચર્યની અને શ્રદ્ધા તથા પોતાની જાતમાં વિશ્વાસની.’ (સ્વા. વિ. ગ્રંથમાળા, ૯.૪૧)

આ અદ્‌ભુત વિભાવના ઇહલૌકિક વિદ્યા અર્થાત્ પશ્ચિમી વિજ્ઞાન અને અધ્યાત્મવિદ્યા અર્થાત્ વેદાંત એવાં જ્ઞાનના દ્વિમુખી વિશ્લેષણને પ્રસ્તુત કરે છે.

હવે આ ખ્યાલ કે વિભાવનાને આચરણમાં મૂકવા માટે અધિકારી મનુષ્યોની આવશ્યકતા છે : ભૌતિકજ્ઞાન સંપન્ન મનુષ્યો અને આધ્યાત્મિક સામર્થ્યસંપન્ન મનુષ્યો. પરંતુ જો અને જ્યાં સુધી સાધારણ જનસમાજ પોતાના સામર્થ્ય પર ઊભો રહેવા સક્ષમ નહીં બને ત્યાં સુધી કોઈપણ ધર્મ તેનું રક્ષણ નહિ કરી શકે, જેમ શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ભૂખ્યા પેટે ધર્મ ન આચરી શકાય. આમ વિદ્યાદાનના આ ખ્યાલનો ભૌતિક શિક્ષણથી જ પ્રારંભ થશે.

સિસ્ટર નિવેદિતા જણાવે છે કે ભારતનું ભાવિ શિક્ષણ પર અવલંબિત છે. એનો અર્થ એ નહિ કે વેપાર -વાણિજ્ય અને ઉદ્યોગો બિનમહત્ત્વનાં છે. એમનો ખ્યાલ એવો છે અને તેઓ ભારપૂર્વક જણાવે છે કે માત્ર શિક્ષિતો માટે સર્વકંઈ શક્ય છે. જ્ઞાન એ બળ છે. અજ્ઞાન સર્વ નિર્બળતા અને અંધશ્રદ્ધાનું કારણ છે. જગતમાં વ્યાપ્ત સર્વ દુ :ખો અને અનિષ્ટોનું મુખ્ય કારણ અજ્ઞાનતા છે. તેઓ વિધાન ટાંકે છે, ‘આપણી પાસે ટેક્નિકલ શિક્ષણ હોવું જોઈએ, સાથે સાથે ઉચ્ચતર સંશોધન પણ, કારણ કે ઉચ્ચતર સંશોધન વિનાનું ટેક્નિકલ શિક્ષણ વૃક્ષ વિનાની ડાળી જેવું છે, મૂળ વિનાના ફૂલ જેવું છે. આપણું શિક્ષણ સ્ત્રીઓ માટેનું અને સાથે સાથે પુરુષો માટેનું હોવું જોઈએ. આપણું શિક્ષણ ભૌતિક તેમજ આધ્યાત્મિક હોવું જોઈએ. વળી આ બધાય કરતાં વિશેષ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણું શિક્ષણ સાર્વજનીન હોવું જોઈએ અને એ માટે આપણે આપણા પોતા પર જ આધાર રાખવો જોઈએ.’ અનેકમાંનો એક ખ્યાલ છે જેને કાર્યાન્વિત કરવાની આવશ્યકતા છે કેમ કે સિસ્ટર નિવેદિતા માને છે, ‘મનુષ્યોનાં જીવનના અભાવમાં મનનું બીજાંકુરણ ન થાય.’

નિયંત્રિત વ્યવસ્થાતંત્ર કરતાં સ્વપ્રયાસ જ ચોક્કસ પણ પસંદગીકારક છે. પદ્ધતિમાં પરિવર્તન લાવવાને બદલે આપણે સ્વયં જ ‘પરિવર્તન પામીએ,’ માત્ર આ જ રીત કાયમી ઉકેલ બની શકે કારણ કે તે કોઈ બાહ્ય પરિબળ પર આધાર રાખતી નથી. સિસ્ટર નિવેદિતાને પુન : ટાંકતાં, ‘કેન્દ્રીકરણના હિમાયતીઓને આવવા દો અને જવા દો, અને તેમની મરજી મુજબ ફેરફાર લાવવા દો, સ્વયં જ્ઞાનતંતુઓના મૂળમાં રહેલ રસ-રુચિ અક્ષુણ્ણ રહે છે, તેનું કદાપિ ઉલ્લંઘન થઈ શકતું નથી.’ આપણને લાગે છે કે આવી પદ્ધતિને અમલમાં મૂકી શકાય કે નહીં. તે સાચું છે કે રાજ્ય કે કેન્દ્ર સરકાર આવી પદ્ધતિનો અમલ કરવાની જોગવાઈ કરી શકે નહીં. માત્ર જનસમુદાય અને વિદ્યાર્થીઓની પોતાની સર્વસામાન્ય અંત :પ્રેરણાથી તેને વાસ્તવિકરૂપ આપી શકાય. વેદી પર કેટલા લોકોનું બલિદાન અપાય છે, એના પર આ બધાનો આધાર છે.

આ વિદ્યાદાનનો બીજો મુખ્ય ખ્યાલ છે પવિત્રતા અર્થાત્ લોકોને શિક્ષણ આપવાની પવિત્રતા. આપણી સંસ્કૃતિના એક મૂળભૂત તત્ત્વરૂપે આપણે કર્તવ્યની આ વિભાવનાને મંડિત કરવી જોઈએ.

સિસ્ટર નિવેદિતા કહે છે, ‘મોટા ભાગના પશ્ચિમી દેશોમાં પ્રત્યેક યુવકે તેનું શિક્ષણ પૂરું કર્યા બાદ ત્રણ, ચાર કે પાંચ વર્ષ લશ્કરમાં સેવા આપવાની હોય છે. તે લશ્કરી ટુકડીમાં ભરતી થાય છે, લશ્કરી તાલીમ મેળવે છે- કવાયત કરે છે, પ્રવર્તમાન સૈન્યમાં સ્થાન મેળવે છે અને કાર્યક્ષમ સૈનિકરૂપે તેનો સમયકાળ પૂર્ણ થતાં લશ્કરમાંથી મુક્તિ મેળવે છે અને પોતાના શેષ જીવનકાળ દરમિયાન જ્યારે પણ જરૂર પડે ત્યારે ગમે તે ક્ષણે દેશના સૈન્યમાં પુન : કાર્ય કરવા તત્પર રહે છે. આ રીતે આપણે શિક્ષણ ક્ષેત્રે સૈન્ય ઊભું કરવાની જરૂર છે. શિક્ષણ સમાપ્ત કર્યા બાદ પ્રત્યેક વિદ્યાર્થીને જનસાધારણ માટે તેનાં ત્રણ વર્ષ સમર્પિત કરવા માટે બોલાવાશે, તે બાબતને શા માટે અસંભવ લેખવી જોઈએ? અલબત્ત, એ સમજી શકાય કે જેમ પશ્ચિમમાં વિધવા માતાના એકલવાયા પુત્રને લશ્કરી સેવા આપવામાંથી બાકાત રખાય છે તેમ જેની આજીવિકા પર જ તેના કુટુંબનું અવલંબન હોય તેવી વ્યક્તિને આવી શૈક્ષણિક સેવામાંથી બાકાત રાખવી જોઈએ. સામા પક્ષે, ગ્રામજનો તેમની વચ્ચે શિક્ષક તરીકે સેવા આપતા આવા એકાદા વિદ્યાર્થીનું પાલન-પોષણ કરશે અને તેનો આ ત્રણ વર્ષનો ગાળો પૂરો થતાં, તે વ્યક્તિ પોતાની શાળા કે કોલેજમાંથી અન્ય વિદ્યાર્થીને તેનું સ્થાન લેવાની ગોઠવણ કરશે, એવી ધારણા કરી શકાય.’

‘શિવજ્ઞાને જીવસેવા’ કરવાનું અને જાગતિક સુખ-ભોગોના સર્વ વિચારોને ત્યાગવાનું મનોવલણ ધરાવે છે તેવા દૃઢ નૈતિક ચારિત્રવાળાં સ્ત્રી-પુરુષો દ્વારા આવા સાહસપૂર્ણ ખ્યાલનો અમલ થઈ શકે. જેઓ નિ :સ્વાર્થી અને નિષ્ઠાવાન છે તેઓ દ્વારા સેવાના આવા ઉદાત્ત ખ્યાલોની સંકલ્પના અને અમલીકરણ થઈ શકે.

સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદનાં સ્કોટ-આઈરિશ કેથોલિક શિષ્યા હતાં કે જેમણે ભારત માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા. તેમનાં લખાણોનાં લય-લક્ષણો દ્વારા આપણને જાણવા મળે છે કે તેઓ ભારતનાં લોકમાતા કેવી રીતે બન્યાં. રવીન્દ્રનાથ ટાગોરે તેમને લોકમાતાના બિરુદથી નવાજ્યાં અને શંકરીપ્રસાદ બસુએ સ્વામી વિવેકાનંદનાં આ સર્વોત્કૃષ્ટ શિષ્યાને ‘લોકમાતા નિવેદિતા’ એ નામની ચાર ગ્રંથોમાં ગ્રથિત જીવનકથામાં અમર બનાવ્યાં. મહર્ષિ અરવિંદે તેમને અગ્નિશિખા તરીકે વર્ણવ્યાં હતાં.

સિસ્ટર નિવેદિતાને તેમના ગુરુ સ્વામી વિવેકાનંદે ‘સાચી સિંહણ’ તરીકે વર્ણવ્યાં હતાં અને તેનો જ પડઘો ભારતીય ક્રાંતિના ઉપર્યુક્ત બે મહાતેજપુંજોનાં કથનોમાં રણકે છે.

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.