(અનુ. હર્ષદભાઈ પટેલ)

આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું હતું. એનાં અધ્યયન અને વિદ્વત્તાના સમાચાર રાજા પાસે પહોંચ્યા અને રાજાએ તેને તેડાવ્યો અને રાજમંત્રી તરીકે નિયુક્ત કર્યો. પાંડ્્ય રાજસભામાં તેણે ઇન્દ્રના સ્વર્ગરાજ્ય જેવાં સુખ-સત્તા ભોગવ્યાં અને દરબારીઓની વચ્ચે તારાઓ વચ્ચે ચમકતા ચંદ્રની જેમ, રાજવી પોશાકમાં સુસજ્જ, હાથી-ઘોડાથી પરિવૃત, રાજ-શિરછત્રથી ભૂષિત થઈને શોભાયમાન બની રહ્યો. એનું કારણ એ હતું કે શાણા રાજાએ રાજકારભાર પૂર્ણત : તેના હાથમાં સોંપી દીધો હતો. તેમ છતાં યુવા મંત્રીએ મિજાજ ગુમાવ્યો ન હતો. તે પોતાની જાતને યાદ દેવડાવ્યા કરતો કે આ બાહ્ય સુખભોગો આત્માના બંધન સિવાય કંઈ જ નથી અને જેઓ મુક્ત થવા માગે છે તેમણે એમનો પરિત્યાગ કરવો જોઈએ. જન્મ-જન્માંતરનાં અસાધ્ય દુ :ખ-કષ્ટોની યાતનાઓથી પીડાતા જનસમાજ પ્રત્યે તે અતિશય કરુણા દાખવતો. શિવ પ્રત્યેની કરુણાર્દ્ર ઝંખનામાં તેના પ્રાણ ઝૂરતા. તેણે ન્યાયોચિત શાસન ચલાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ ‘મુક્તિનો માર્ગ’ બતાવે તેવા પરમગુરુના મિલનની મહેચ્છા નિરંતર રાખ્યા કરી. જેમ માખી એક ફૂલ પરથી બીજા ફૂલ પર ભમ્યા કરે છે તેમ તે એક શિવગુરુ પાસેથી બીજા પાસે ગયા કર્યો પરંતુ સંતોષપ્રદ સત્ય લાધ્યું નહીં. એક દિવસ એક સંદેશવાહકે રાજસભામાં આવીને ઘોષિત કર્યું કે બાજુના રાજ્યના રાજાના બંદર પર એક વહાણ આવ્યું છે અને વિદેશથી લાવેલ જાતવાન ઘોડાઓથી તે ભરચક છે. રાજાએ તરત જ સૌંદર્યવાન ઘોડાઓ ખરીદવા માટે મંત્રીને વિપુલ ધન લઈને રવાના કર્યો. તે મંત્રી સૈન્યના રસાલાની સુરક્ષા સહિત પેલા રાજ્ય જવા ઊપડ્યો. આ હતો તેના સાંસારિક જીવનનો ભપકાદાર અંતિમ અંશ.

એ સમય દરમિયાન સ્વર્ગમાં પોતાની રાજ્યસભામાં ઉમા સંગે બેઠેલા શિવે માનવગુરુ અથવા ગુરુદેવના સ્વરૂપે પૃથ્વી પર અવતરવાનો પોતાનો ઈરાદો ઘોષિત કર્યો કે દક્ષિણમાં ધર્મપ્રવર્તન અને તમિલ સાહિત્યની ગૌરવવૃદ્ધિ માટે તેઓ શિષ્યને દીક્ષિત કરશે. તદનુસાર, અતિ વિશાળ વૃક્ષ હેઠળ શૈવસંતો એવા તેમના ઘણા બધા શિષ્યોથી

વીંટળાયેલ રહીને શિવે પોતાનું આસન ગ્રહણ કર્યું. તેમના આગમનથી સમુદ્રના બંદરની સમીપમાં કે જ્યાં પ્રભુએ પોતાનું આસન જમાવ્યું હતું ત્યાંનાં વૃક્ષો નવપલ્લવિત થઈ ઊઠ્યાં, વનરાજિની પ્રત્યેક શાખા પર પંખીઓ ગાવા લાગ્યાં. એટલામાં રસાલાથી રક્ષિત યુવા રાજમંત્રી પસાર થયો અને વૃક્ષ-વનરાજિમાંથી નિ :સૃત શૈવસ્તોત્રગાનનો અવાજ સાંભળ્યો. દિવ્ય સંગીતનું ઉદ્ગમ જાણવા માટે તેણે રાજદૂત મોકલ્યો અને દૂતે આવીને જણાવ્યું કે ત્યાં વિશાળ વૃક્ષ તળે હજારો ભક્તોથી ઘેરાયેલ જાણે કે સ્વયં શિવ હોય તેવા મહાગુરુ બેઠેલા છે. મંત્રી ઘોડા પરથી ઊતર્યો અને તેની નજરમાં ઝળહળતા ત્રીજા નેત્ર સહિત સ્વયં શિવ જેવા લાગતા ઋષિ તરફ સન્માનપૂર્વક આગળ વધ્યો. તેણે ઋષિ અને તેમના શિષ્યોએ પ્રબોધેલાં દિવ્ય સત્યો વિશે પૃચ્છા કરી, તે અભિભૂત થઈ ગયો અને પોતાની જાતને, સર્વ જાગતિક માન-સન્માન ત્યાગીને અશ્રુભર્યા નેત્રો સાથે ગુરુના ચરણોમાં સમર્પિત કરી. તેણે વિધિસરની દીક્ષા મેળવી અને જીવનમુક્ત બન્યો. (માનવદેહમાં જીવંત દશામાં મુક્તિ). તેણે શૈવયોગીની જેમ દેહ પર શુભ્રભસ્મ અને મસ્તકે જટા ધારણ કર્યાં. વધુમાં તેને ઘોડા ખરીદવા આપેલ સઘળું ધન ગુરુ અને તેમના સેવકોને સોંપી દીધું. ઉચ્ચ પદધારી રસાલો પછીથી બદલાઈ ગયેલ મંત્રી સમીપ પહોંચ્યો અને તેમના અધિપતિની સંપત્તિના નિકાલ બદલ ઠપકો આપ્યો, પરંતુ યુવા યોગીએ તેમને વિદાય ફરમાવી અને તેણે પૂછ્યું, ‘તમે મને આવી નશ્વર જાગતિક બાબતોમાં શા માટે વાળવા માગો છો?’ તેથી તેઓ મદુરા પાછા આવ્યા અને જે બન્યું હતું તે રાજાને વિદિત કર્યું. રાજા સ્વાભાવિકપણે ગુસ્સે થઈ ઊઠ્યો અને મંત્રીને સત્વરે પાછા આવવાનો ઉદ્ધતાઈભર્યો આદેશ મોકલાવ્યો. યુવાયોગીએ માત્ર જવાબ આપ્યો, ‘હું શિવ સિવાય અન્ય કોઈ રાજાને જાણતો નથી કે જેમની પાસેથી મને યમદૂતો સુદ્ધાં પાછા વાળી શકશે નહીં.’ ભગવાન શિવે તે શૈવયોગીને મદુરા પાછા જવાનું અને તે બાબતે જરાય ડર ન રાખવાનું જણાવ્યું અને વળી કહ્યું કે ઘોડાઓ યથાસમયે આવી પહોંચશે. દેવતાએ તેને યથાયોગ્ય ચીજવસ્તુઓ અને અમૂલ્ય લાલરંગનું માણેક જાતિનું રત્ન આપ્યું. રાજાએ પહેલવહેલાં તો ઘોડાઓ પછીથી આવી જશે એવી તેમની બાંહેધરીઓ સ્વીકારી પણ અન્ય રાજદરબારીની સ્પષ્ટતાએ રાજાને તેમ કરતાં રોક્યો. ઘોડાઓ આવી જશે એવા આપેલ વચનના બે દિવસ પૂર્વે રાજાએ મંત્રીને જેલમાં ધકેલી દીધો.

તેમ છતાં દેવતાને પોતાના શિષ્યની ચિંતા થઈ. તેમણે શિયાળવાનાં ટોળાં એકઠાં કર્યાં અને તે બધાંને ભવ્ય ઘોડાઓમાં પરિવર્તિત કરી દઈને તેમને રાજદરબારમાં ભેગાં કર્યાં, તેમની સંગાથમાં હતા અશ્વપાલોના સ્વાંગમાં ઉપદેવતાઓના સમૂહ; વળી ઘોડેસવારોની પલટનના નાયક તરીકે શિવ સ્વયં કે જેમને ઘોડાઓ ખરીદનાર તરીકે માની લેવાયા હોય તેમ, વેપારીના સ્વાંગમાં અશ્વારૂઢ થઈને ચાલ્યા. અલબત્ત, રાજા આનંદિત થઈ ગયો અને અત્યંત આજીજી સહિત મંત્રીને મુક્ત કર્યો. ઘોડાઓનો કબજો સોંપી દેવાયો અને રાજવીતબેલામાં પહોંચતા કરાયા, સ્વાંગધારી દેવતાઓ વિદાય થયા અને બધું સુચારુ જણાવા લાગ્યું.

પ્રભાત પહેલાં નગર જાનવરોની ભીષણ દારુણ કારમી ચીસોથી ધમધમી ઊઠ્યું; ખરીદી કરાયેલ ઘોડાઓ શિયાળવામાં પરિવર્તિત થઈ ગયા હતા અને એથીય વધુ ખરાબ તો તેઓ રાજાના તબેલામાંના સાચા ઘોડાઓને ફાડી ખાતા હતા. રાજાને ખ્યાલ આવી ગયો કે તે છેતરાયો છે અને દુષ્ટ મંત્રીને પકડી લેવાયો અને ધોમધખતા બપોરના સમયે તેના બરડા પર ભારે પથ્થર મૂકીને ખુલ્લામાં ઊભો રખાયો. મંત્રીએ તેના ભગવાનની પ્રાર્થના કરી, પ્રાર્થનાના જવાબમાં શિવે જટામાંથી ગંગા વહેવડાવી અને નગરને જળબંબાકાર કરી દીધું. ફરી પાછા રાજાને તેની ભૂલ સમજાઈ, તેણે યોગીને પુન : સન્માનિત કર્યો અને નગરને બચાવવા માટે બંધ બાંધવા ઊપડ્યો.

જ્યારે બંધનું કાર્ય સંપન્ન થઈ ગયું ત્યારે રાજાએ તેનું રાજ્ય સાધુને સોંપી દેવાનો પ્રસ્તાવ કર્યો પણ માણિક્્ક વાચકે, પોતેે જ્યાં પહેલી વખત શિવને મળ્યો હતો તે સમુદ્ર-બંદરે જવાનું પસંદ કર્યું. ત્યાં જઈને તેણે ગુરુના ચરણોમાં સ્થાન ગ્રહણ કર્યું. જો કે શિવનું કાર્ય હવે સંપન્ન થઈ ચૂક્યું હતું તેથી સમગ્ર તમિલપ્રદેશમાં ભગવદ્ભાવ પ્રસ્થાપિત કરવાનું કાર્ય માણિક્ક વાચકને સોંપીને શિવે સ્વર્ગે જવા વિદાય લીધી.

ત્યાર બાદ સંત માણિક્ક વાચક ભાવભર્યાં ભક્તિ-સભર સ્તોત્ર-ભજનો ગાતા રહ્યા અને એક નગરથી બીજા નગરમાં ભ્રમણ કરતા રહીને પોતાનું જીવન પસાર કર્યું, જે પરથી તેનું નામ ‘જેનાં ઉચ્ચારણો મોતી-માણિક છે’ એમ ઊતરી આવ્યું. અંતે તે જ્યાં શિવ પ્રતિદિન નૃત્ય કરે છે તેવા પવિત્ર નગર ‘ચિદંબરમ્’ પહોંચ્યો. વળી તે નગર ‘વ્યાઘ્રપાદ’નું નિવાસસ્થાન પણ હતું અને અહીં માણિક્ક વાચક શિવધામ પહોંચતા સુધી ત્યાં જ રહ્યો. આ હતી આશીર્વાદની રીત!

શ્રીલંકાથી આવેલ પાખંડી બૌદ્ધવાદીઓની સાથેના મહાન વિરોધાભાસ પછી, ત્યાં એક વંદનીય પણ અજાણ્યો ભક્ત થઈ ગયો કે જેણે તેના મુખેથી ઝરતાં સઘળી સંતવાણીનાં ભજનો લખી લેવાની અનુમતિ આપવાની પ્રાર્થના કરી. તે તેણે કર્યું અને પછી અદૃશ્ય થઈ ગયો, કારણ કે તે બીજું કોઈ નહીં પરંતુ શિવ સ્વયં હતા કે જેઓ દેવોને આનંદિત કરવા માટે સ્વર્ગમાં ભજનો લઈ ગયા. બીજી સવારે ચિદંબરમ્માં તેમની મૂર્તિની બાજુમાં તેની સંપૂર્ણ નકલ પ્રાપ્ત થઈ કે જેમાં બધાં થઈને એક હજાર પદ્ય હતાં અને તેના પર ખુદ ઈશ્વરે હસ્તાક્ષર કર્યા હતા. મંદિરના સઘળા ભક્તો સ્પષ્ટતા કરવા તે સંત સમીપે દોડી ગયા. સંતે તેઓને તેને અનુસરવા કહ્યું અને તે બધાંને સ્વર્ણિમ રાજદરબારમાં શિવમૂર્તિ સુધી દોરી ગયો. તેણે કહ્યું, ‘તે છે અર્થ-સમજૂતી કે તાત્પર્ય’ અને એટલામાં જ તે મૂર્તિમાં સમાહિત થઈ જઈને અદૃશ્ય થઈ ગયો અને ત્યારબાદ કદાપિ જોવા મળ્યો નહીં.

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.