જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં દરેક ક્ષેત્રમાં ધર્મ અને આધ્યાત્મિક્તા પ્રતિબિંબિત થાય છે, કારણ કે ભારતમાં તો જીવની એક અને માત્ર એક પ્રવૃત્તિ ધર્મ જ છે. ખાસ કરીને ક્લા અને સંગીતના ક્ષેત્રમાં આ ધર્મ અને આધ્યાત્મિક્તાનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. યોગ એટલે જોડાવું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વિભિન્ન યોગોનું વર્ણન આવે છે, જેવા કે ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. અહીં આજે આપણે એક નવા યોગની વાત કરીશંુ, તે છે સંગીતયોગ, અર્થાત્ સંગીત દ્વારા ઈશ્વર સાથે જોડાવું. ભારતીય સંસ્કૃતિમાં સંગીત ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમમાં સંગીત એ માત્ર આમોદ-પ્રમોદનું સાધન છે, પરંતુ ભારતમાં સંગીત એ ઈશ્વરને મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે. ભારતમાં એમ મનાય છે કે સંગીતનાં જન્મદાતા ભગવાન શિવ અને મા સરસ્વતી છે, જે દર્શાવે છે કે માનવ આટલી મહાન ક્લા દૈવીકૃપા વગર કે દૈવીપ્રેરણા વગર પ્રાપ્ત ન કરી શકે. સંગીતના બે પ્રકાર છે, દેશી સંગીત અને માર્ગી સંગીત . દેશી સંગીત અર્થાત્ લોક્સંગીત, સુગમસંગીત, ફિલ્મીસંગીત વગેરે વગેરે. માર્ગી સંગીત એટલે એવું સંગીત કે જે આપણને ઈશ્વરના માર્ગે આગળ લઈ જાય. પ્રાચીન કાળથી ભારતમાં એવા ઘણા સંતો અને મહાપુરુષો થઈ ગયા કે જેમણે આવા સંગીત દ્વારા ઈશ્વર પ્રાપ્તિ કરી છે. તો ચાલો આજે આપણે એવા મહાપુરુષોનું અહીં થોડું ચિંતન કરીએ .
સંગીત સમ્રાટ તાનસેનના ગુરુ સ્વામી હરિદાસ હતા. તેઓ મહાન કૃષ્ણ ભક્ત હતા. એક સમયે સમ્રાટ અક્બર તાનસેનના ગાયનથી ખૂબ પ્રસન્ન થયા અને પૂછ્યું, ‘તમારા ગુરુ કોણ છે? તમને આટલું સુંદર ગાયન કોણે શીખવ્યું?’ તાનસેને ખૂબ ભક્તિભાવથી પોતાના ગુરુના અદ્ભુત જીવનની વાત કરી. આ સાંભળીને અક્બર તેમને મળવા અને તેમનું સંગીત સાંભળવા અધીરા બન્યા. ત્યાર બાદ તાનસેન અને અકબર બંને છુપા વેશે વૃંંદાવન ગયા. તે બન્ને જ્યારે વૃંદાવન પહોંચ્યા ત્યારે સ્વામી હરિદાસ ભગવાન કૃષ્ણ સમક્ષ ભજનો ગાતા હતા. સમ્રાટ અકબર હરિદાસનું ગાયન સાંભળીને અત્યંત પ્રભાવિત થયા અને તાનસેનને કહ્યું, ‘તમારા ગુરુનું ગાયન સાંભળીને મને હવે તમારું ગાયન ફીકું લાગે છે. એનું શું કારણ?’ ત્યારે તાનસેને કહ્યું,
‘જહાઁપનાહ, આપને મારું ગાયન ફીકું જ લાગેને, કારણ કે હું તો તમને ખુશ કરવા ગાયન રજૂ કરું છું જ્યારે મારા ગુરુદેવ તો માત્ર સમ્રાટોના સમ્રાટ અર્થાત્ પોતાના ઈષ્ટ ભગવાન કૃષ્ણને ખુશ કરવા જ ગાય છે.’
અકબરે ખૂબ પ્રસન્ન થઈ સ્વામી હરિદાસને રત્નોથી ભરેલો થાળ ભેટમાં આપ્યો, પરંતુ નિ :સ્પૃહી ગુરુએ તેનો અસ્વીકાર કર્યો. સ્વામી હરિદાસે અકબરને પૂછયું, ‘મારા ગાયન સમયે આપ આંખ બંધ કરીને બેઠા હતા ત્યારે આપે શું જોયું?’
અકબરે કહ્યું, ‘મેં જોયું કે યમુનાજીના ઘાટમાં ગોપીઓ પાણી ભરવા આવે છે. સ્વયં ભગવાન કૃષ્ણ ગોપીઓને ઘાટના એ જીર્ણ પગથિયાંથી સાવધાન રહેવાનું કહે છે.’ સ્વામી હરિદાસે કહ્યું, ‘બસ એ જીર્ણ પગથિયાં જ આપ સરખાં કરી આપો એ જ મારી આપને વિનંતી છે.’
આમ આ ઘટના સિદ્ધ કરે છે કે ખરા અર્થમાં સંગીતયોગ કોને કેહવાય!
આપણે સૌ ભક્ત કવિરાજ નરસિંહ મહેતાના નામથી સુપરિચિત છીએ. એમણે સંગીત દ્વારા કેવી રીતે ઈશ્વરને મેળવ્યા તે આપણે જોઈએ.
એક વખત એક ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ મહેતાજી પાસે આવ્યો અને પોતાની પુત્રીના વિવાહ માટે સાઠ રૂપિયાની મદદ કરવા વિનંતી કરી. પરંતુ જેની સંપત્તિ જ કરતાલ, ઝાંઝ અને રાગ કેદાર હોય તે બીજાને કેવી રીતે મદદ કરી શકે? નરસિંહ મહેતા પોતાના પરિચિત લોકો પાસે ગયા અને સાઠ રૂપિયા ઉછીના આપવા વિનંતી કરી. પરંતુ કોઈ રૂપિયા આપવા તૈયાર ન થયું. આથી મહેતાજી ધરણીધર નામના એક શેઠ પાસે ગયા. શેઠના કહેવાથી તેમણે પોતાનો પ્રિય રાગ કેદાર ગિરવે મૂક્યો અને શેઠને વચન આપ્યું કે જ્યાં સુધી આપની ઉધારી ન ચુકવાય ત્યાં સુધી હું રાગ કેદાર ગાઈશ નહીં.
આમ અંતે મહેતાજીએ પોતાનો અમૂલ્ય રાગ કેદાર શેઠ પાસે પ્રતિબંધિત કરાવી, પેલા ગરીબ બ્રાહ્મણને સાઠ રૂપિયા આપ્યા. આવા કપરા સમયે એક દિવસ સારંગધર, બંસીધર, અનંતરાય જેવા પોતાના જ સ્વજનો જુનાગઢના રાજા પાસે ફરિયાદ કરે છે કે મહેતાજી ભજનના બહાને અનાચાર ફેલાવી રહ્યા છે. આથી રાજાએ મહેતાજીહને કહ્યું, ‘તમે આ પુષ્પહાર રાજમંદિરમાં જઈ ભગવાન કૃષ્ણને પહેરાવી દો. હું પોતે મંદિરને તાળું લગાવી ચાવી મારી પાસે રાખીશ . કાલે સવાર પહેલાં ભગવાન સ્વયં એ હાર તમને પહેરાવશે તો જ તમારી નિર્દાેષતા સિદ્ધ થશે, અન્યથા આપને કઠોર સજા ફરમાવવામાં આવશે.’
હવે તો કેદાર રાગ વગર ભગવાનનું આવાહન શક્ય ન હતું. આથી ભગવાન શ્રીકૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું રૂપ લઇ પેલા ધરણીધર શેઠ પાસે ગયા અને સાઠ રૂપિયા ચૂકવી રાગ કેદાર છોડાવ્યો અને ધરણીધરનો પત્ર પણ મહેતાજીને આપ્યો કે જેમાં લખેલું હતું કે મહેતાજી હવે રાગ કેદાર ગાઈ શકે છે.
ત્યાર બાદ નરસિંહ મહેતાએ ખૂબ ભક્તિભાવથી રાગ કેદાર ગાયો અને ભગવાન શ્રીકૃષ્ણે મંદિરમાંથી બહાર આવીને મહેતાજીને હાર પહેરાવી દીધો.
આમ આ ઘટના સંગીતયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતીય ઇતિહાસમાં એવા અનેક સંગીતકારો છે કે જેમણે સંગીત આરાધનાથી ઈશ્વરપ્રાપ્તિ કરી હોય. આમ આપણને જોવા મળે છે કે ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગની જેમ સંગીતયોગ પણ અહીં પ્રચલિત છે.
Your Content Goes Here