‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે પાતળા હોવું એ સારી વાત છે જેને ‘સ્લીમ’ હોવું કહેવાય છે. પરંતુ, દુબળા-પાતળા હોવું એ બરાબર નથી, કેમકે દુબળાપણાં માટે ‘સ્લીમ’ નહીં પણ ‘અંડરવેઈટ’ એવો શબ્દ વપરાય છે. જેમ વધુ વજન ઘણી સમસ્યાઓ નોંતરે છે તેમ ઓછું વજન પણ સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. જ્યારે શરીરનું વજન સામાન્ય કરતાં ૧૦%થી પણ ઓછું હોય ત્યારે વ્યક્તિ દુબળી છે એમ કહેવાય.

આમ તો દુબળાપણાંનાં અનેક કારણો છે. અનિયમિત રીતે ભોજન કરવું, ભૂખ લાગી હોય તોય અવગણવી, ભૂખ મારી નાખવી, લાંબા સમય સુધી ઓછું ખાવું, જરૂર ન હોવા છતાં ડાયેટીંગ કરવું, ક્ષય, પ્રોટીન-શક્તિ કુપોષણ જેવી કોઈક બીમારી હોવી, પેટમાં કૃમિ હોવા, પોષકતત્વોનાં અવશોષણમાં ખામી સર્જાવી, ડાયાબિટીસ જેવી ચયાપચયની ખામી હોવી, ધાવણું બાળક હોય તેવી માતાને ભોજન ઓછું મળવું, જેટલો શારીરીક શ્રમ કરતાં હોય એના પ્રમાણમાં ભોજન ઓછું લેવાતું હોય, વૃધ્ધિકારક અંત :સ્ત્રાવો અને થાઈરોઈડ જેવા અંત :સ્ત્રાવોના સ્ત્રાવ અને કાર્યમાં અનિયમિતતા, માતા-પિતાનું ઓછું વજન વગેરે કારણો દુબળાપણાં માટે જવાબદાર છે.

દુબળાપણાંમાં કેવો આહાર લેવો જોઈએ?

શું ખાશો?

દુબળાપણું ક્યા કારણોને લીધે છે તે જાણીને તે મુજબ આહાર-આયોજન કરવું જોઈએ.

શક્તિથી ભરપુર ખાદ્યો જેવા કે ઘઉં, ચોખા, બાજરો, રાજગરો, સાંબો (સામો), રાગી જેવાં બધાં જ અનાજ, ધાન્યો અને તેની બનાવટો-વાનગી લઈ શકાય.

મગ, મઠ, ચણા, સોયાબીન જેવા શક્તિ અને પ્રોટીનદાયક ખાદ્યો અને તેની બનાવટો દાળિયા, બેસનની વાનગીઓ વિશેષ માત્રામાં લેવી જોઈએ.

રોજ કઠોળ, દાળ અને તેની બનાવટો અચૂક ખાવી જોઈએ. સુદ્રઢ શરીર માટે પ્રોટીન અતિ આવશ્યક પોષકતત્ત્વ છે. ખાસ કરીને ગુજરાતીઓ પાતળી દાળ પીવે છે. જ્યારે પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં ઘટ્ટ દાળ અને એકથી વધુ દાળ એક સાથે વઘારીને ખાવામાં આવે છે. ઘટ્ટ દાળ ખાવી જોઈએ કેમકે તે વધુ માત્રામાં પ્રોટીન આપે છે.

દરેક પ્રકારનાં તેલીબિયાં અને સૂકોમેવો ખૂબ જ પૌષ્ટીક અને વજન વધારનારા છે. એટલે તલ, મગફળી, કોપરું, કાજુ, બદામ, અખરોટ જેવા ખાદ્યો, ચીક્કી-લાડુ જેવી તેની બનાવટોને પણ રોજીંદા આહારમાં સ્થાન જરૂરથી આપવું જોઈએ.

 

તેલીબિયાં અને સૂકામેવામાં ભરપુર ચરબી રહેલી હોય છે. પરંતુ, આ ચરબી અસંતૃપ્ત પ્રકારની હોય છે. જે શરીરને નુકસાન નથી કરતી પરંતુ, ઉપયોગી એવું

ઓમેગા ૩ ફેટી એસીડ અને વિટામીન ઈ આપે છે.

શક્તિ અને પ્રોટીનમાં સમૃધ્ધ ખાદ્યોનાં શરીરમાં યોગ્ય વપરાશ અને ચયાપચય માટે વિવિધ વિટામીન અને ખનીજક્ષારોની હાજરી જરૂરી છે.

આથી દુબળાપણામાં નિયમિતપણે લીલી ભાજી અને તાજાં ફળ અને રસ લેવાં જોઈએ.

બટેટા, શક્કરીયા, સૂરણ, સાકર, ગોળ, મધ જેવા શક્તિથી ભરપૂર કાર્બોદિત પદાર્થો લેવા જોઈએ.

દૂધ, દૂધની બનાવટો, પનીર, ચીઝ, દહીં, માખણ, ઘી, તેલની બનાવટો સારી એવી માત્રામાં અને રોજ લેવી જોઈએ. દૂધ અને દૂધની બનાવટો પ્રોટીન, કેલ્શીયમ અને ચરબીથી ભરપુર હોય છે.

પેટમાં કૃમિ હોય તો પહેલા તેનો નાશ કરવો જોઈએ. કેમ કે કૃમિ આપણા આંતરડામાં રહીને ભોજનના પોષકતત્વો અને શરીરનું લોહી ચૂસી જાય છે. આથી ઘણી વખત બાળક કે પુખ્તવયની વ્યક્તિ પણ ખૂબ ખાતી હોવા છતાં દૂબળી-પાતળી રહી જાય છે.

શું ન ખાશો?

પચવામાં ભારે, વાસી, ફ્રીઝમાં રાખેલા ખાદ્યો ન ખાશો.

ડાયેટ ફૂડ, બીસ્કીટ, મેંદાની બનાવટો, બેકરી પ્રોડક્ટ્સ ન ખાશો.

જમવામાં સલાડ-કાચું-કચુંબર મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ. કેમ કે સલાડમાં ખૂબ લો-કેલોરી હોય છે. સલાડ ખાવાથી પેટ જલ્દી ભરાય જાય છે અને ખરેખર કેલોરી અને પ્રોટીનદાયક ખાદ્યો ખાઈ શકાતા નથી.

મમરા, પોપકોર્ન, પૌંઆ, ફ્રાયમ્સ, ફરફર, એક્સ્ટ્રુડેડ ફૂડ જેવા લો-કેલોરી ખાદ્યો ન લેવા.

ઠંડા પીણાં, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, સીગરેટ, બીડી, ધૂમ્રપાન, તમાકુ, આલ્કોહોલ-દારૂના સેવનથી દૂર રહેવું.

જમવાના સમયે અને જમતા પહેલા અને પછી

૨ કલાક સુધી ચા, કોફી, ધૂમ્રપાન કે દારૂ ન લેવાં જોઈએ.
જમવાના સમયે અને જમતા પહેલાં અને પછી

૧ કલાક સુધી પાણી ન પીવું જોઈએ. જમતી વખતે ફ્રીઝનું અતિ ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ.

ધ્યાનમાં રાખો

દૂબળા હોવું એ સ્લીમ હોવું, ફેશનેબલ હોવું કે આધુનિક હોવાનું નહીં પણ માંદલા હોવાની નિશાની છે તે વાત સમજી લો.

ડોક્ટર અથવા ડાયેટીશીયનની સલાહ મુજબ, આહાર-આયોજનનાં સિદ્ધાંતોને અનુસરીને સલામત ડાયેટીંગ કરવું જોઈએ. ડાયેટીંગનો હેતુ દુબળા થવાનો નહીં પણ સુડોળ બનવાનો હોવો જોઈએ.

નિયમિત રીતે હળવો વ્યાયામ અને યોગ કરો.

માનસિક તણાવ, ચિંતા અને હતાશાનું નિયંત્રણ કરતા શીખો.

ખોટી રીતે ડાયેટીંગ ન કરો અને અતિકડક

ડાયેટીંગ પણ ન કરો.

ભોજન નિયમિત કરો અને ભોજન ટાળવાની આદત ન રાખો.

ડોક્ટરની સલાહ વગર વજન વધારવાની દવા, ટીકડી, પાવડર, સીરપ કે સપ્લીમેંટ્સ ન લો.

Total Views: 405

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.