આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ? જવાબ ચોક્કસપણે ‘હા’માં જ મળે ! તો ચાલો જાણીએ કે કઈ રીતે રમકડાં બાળકોના જીવનઘડતરનું અનોખું માધ્યમ બની શકે !

સૌ પ્રથમ આધુનિક સમયની અને વિજ્ઞાનના સંદર્ભથી વાત કરીએ તો મનોવૈજ્ઞાનિકોએ, તજજ્ઞોએ સંશોધનો દ્વારા સાબિત કર્યું છે કે રમકડાં બાળકોના બૌદ્ધિક, માનસિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો પ્રદાન કરે છે.

રમકડાં બાળકોના સર્વાંગીણ વિકાસનું એક સઘન માધ્યમ છે

રમકડાં એ બાળકને પ્રવૃત્ત રાખવાનું સાધનમાત્ર નથી પણ તેઓના સર્વાંગીણ વિકાસનું એક સઘન માધ્યમ છે. આપણા રોજબરોજના જીવનની જ જો વાત કરીએ તો આપણે સૌએ જોયું છે કે જ્યારે બાળકને ગમતું રમકડું આપવામાં આવે ત્યારે તે ખૂબ જ આનંદમાં આવી જાય છે, સાથેસાથે પોતાની પ્રિય વસ્તુ જોઈ અત્યંત પુલકિત પણ થઈ જાય છે. બાળકને વિવિધ પ્રકારનાં આકર્ષક અને કલાત્મક રમકડાં ખૂબ જ સંતોષ આપે છે, જેના કારણે તેના માનસમાં જીવન પ્રત્યેનો હકારાત્મક ભાવ પોષાય છે, જે તેના શરીરનાં વિવિધ અંગોના તંદુરસ્ત અને સમતોલ વિકાસ માટે પ્રેરણા અને આશીર્વાદરૂપ સાબિત થાય છે. આપણે સૌએ એ પણ અનુભવ્યું છે કે બાળકને જ્યારે રમકડાં આપીએ છીએ ત્યારે તે રડતું અને તોફાન કરતું પણ અટકી જાય છે. આમ રમકડાં બાળકના સ્વભાવમાં હકારાત્મક પરિવર્તન કરે છે અને તેના માટે ઉત્તમ પ્રેરણાસ્ત્રોત પણ બને છે.

રમકડાં અને વિજ્ઞાનનો સંબંધ

જગતની મોટાભાગની વૈજ્ઞાનિક શોધો જેણે માનવજીવનને અત્યંત સુખપ્રદ બનાવ્યું છે અને તે બુદ્ધિજીવીઓની વિચક્ષણ કલ્પનાઓનું અને તેઓના અપાર પ્રયત્નોનું જ પરિણામ છે એટલે કે ક્લ્પનાશક્તિ માનવને વામનમાંથી વિરાટ બનાવે છે. સમગ્ર વિશ્વને એક કુટુંબ સમાન બનાવી દેનાર વિમાન એ પણ રાઈટ બંધુઓની કલ્પનામાત્રનું જ પરિણામ છે જેનું મહામૂલ્યવાન ફળ આજે સમગ્ર માનવજાતને મળી રહ્યંુ છે. આ મહામૂલ્યવાન કલ્પનાશક્તિની ખિલવણીનો સૌથી વધુ અવકાશ બાળપણમાં જ હોય છે, જે રમકડાઓથી શક્ય બને છે. બાળક વિવિધ રમકડાંથી રમે છે, સાથેસાથે તેનું વિવિધ રીતે નિરીક્ષણ પણ કરે છે, એના દ્વારા તે વિવિધ રંગો, આકારો અને પરિમાણોનો પરિચય કેળવે છે અને આ રીતે બાલ્યાવસ્થાથી જ તે કલા, વિજ્ઞાન, ગણિત અને ભૌતિક્શાસ્ત્રના પાઠો તો ભણે જ છે પણ તેની સાથે તે પોતાનામાં છુપાયેલી અભિયોગ્યતાને પણ દિશાનિર્દેશ કરતો થઈ જાય છે કે જે તેની કારકિર્દીને ઓપ આપે છે.

રમકડાં આપણા સાંસ્કૃતિક અને બૌદ્ધિક

વિકાસનાં સીમાચિહ્નો

રમકડાં અને માનવજાતિનો સંબંધ ઘણો જૂનો છે. માનવસંસ્કૃતિનો ઉદય થવાની સાથેસાથે મનુષ્ય સંપૂર્ણ રીતે સુસંસ્કૃત બન્યો તે પહેલાંના સમયથી જ મનુષ્યના જીવનમાં રમકડાંનો પ્રવેશ થઈ ચૂકયો હતો. વિશ્વની બધી જ સંસ્કૃતિઓમાં મોહેં-જો-દડોની સંસ્કૃતિને સૌથી પ્રાચીનતમ માનવામાં આવે છે, જે પ્રાગ્ઐતિહાસિક કાળની સંસ્કૃતિ ગણાય છે. પાંચ હજાર વર્ષ પૂર્વેની આ વિશિષ્ટ સંસ્કૃતિના પ્રાપ્ત થયેલા વિવિધ અવશેષોમાં માટીમાંથી તૈયાર કરવામાં આવેલ રમકડાં તો ખાસ ધ્યાન ખેંચે તેવાં છે જેની કલાત્મક કૃતિઓમાં માટીની પૂતળીઓ, બળદગાડું અને રોજબરોજના માનવજીવન સાથે સંકળાયેલ આકૃતિઓનો સમાવેશ થાય છે.

હજારો વર્ષ પૂર્વે માનવીએ પોતાના દૈનિક જીવન દરમ્યાન આસપાસના પર્યાવરણમાં નીહાળેલ આકૃતિઓને રમકડાંનું સ્વરૂપ આપ્યું જે બાળકો માટે શિક્ષણનું ઉત્તમ માધ્યમ બન્યાં. આ અલભ્ય કૃતિઓ માનવીની કલા, વિજ્ઞાન અને ગણિત, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિવિધ વિષયોમાં હજારો વર્ષ પૂર્વેની સૂઝ સાથે આપણો પરિચય કરાવે છે. આ ઐતિહાસિક રમકડાં માત્ર બાળકની રમતગમતનાં સાધનો ન રહેતાં, માનવજીવન અને સંસ્કૃતિના વિકાસનાં મહામૂલાં સીમાચિહ્નો છે અને સાથેસાથે માનવવિકાસના વિવિધ તબક્કાઓના સાક્ષીરૂપ આયામો છે કે જે માનવજીવનમાં અને આપણા સાંસ્કૃતિક વિકાસમાં રમકડાંનું વિશિષ્ટ સ્થાન અને મહત્ત્વ સમજાવે છે. રમકડાં માનવીના જીવન અને સાંસ્કૃતિક વિકાસમાં સંસ્કૃતિના ઉદયકાળથી જ જીવનનું અભિન્ન અંગ રહ્યાં છે. પ્રાચીનકાળનાં રમકડાંના વિષયો અને આધુનિક સમયનાં રમકડાંના વિષયોમાં નોંધનીય તફાવત થયો નથી, પરંતુ સમય જતાં કલા-સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિકાસ થવાની સાથેસાથે તેની આંતરિક અને બાહ્ય રચનાને વધુ કલાત્મક અને ધ્યાનાકર્ષક બનાવવામાં આવેલ છે. આ કારણથી જ રમકડાંને માનવજીવનવિકાસનાં બેરોમીટર-સોપાન સમાન પણ કહી શકાય.

બાળકોની વિવિધ વયે બદલાતાં રમકડાં

રમકડાંનું મહત્ત્વ સમજવાની સાથેસાથે અહીં ખાસ ઉલ્લેખનીય એ છે કે બાળકની ઉંમરના વિવિધ તબક્કાઓ સાથે રમકડાંના વિવિધ પ્રકારોને ઘનિષ્ઠ સંબધ છે. ઉંમરના વિવિધ તબક્કે બાળકો માટેનાં રમકડાંના પ્રકારો પણ બદલાતા જાય છે. માતા-પિતા દ્વારા બાળકને યોગ્ય ઉંમરે જો યોગ્ય રમકડું આપવામાં આવે તો તેના માટે શિક્ષણનું ઉત્તમ માધ્યમ બને છે જેના થકી બાળકનો સર્વાંગીણ વિકાસ કરી શકાય છે. બાળકોના જીવન પર રમકડાંનો એટલો ઊંડો પ્રભાવ હોય છે કે નિષ્ણાતો-મનોવૈજ્ઞાનિકો તો બાળક કેવા પ્રકારના રમકડાંથી રમે છે, તેને કેવાં રમકડાં પસંદ છે, તે જાણીને બાળકના વ્યકિતત્વ અને કારકિર્દીનો પૂરો ચિતાર આપે છે એટલે કે ભવિષ્યમાં બાળક શું બનશે અને તેનામાં ક્યાં ગુણો-લક્ષણો છે તે નિર્ણિત કરે છે. આ સબળ અને અસરકારક લાક્ષણિકતાને કારણે ઉંમરના દરેક તબક્કે બાળકને યોગ્ય પ્રકારનાં રમકડાં પ્રાપ્ત થાય તે વિચારવું ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભે અહીં રમકડાંના વિવિધ પ્રકારો અને તેનો ઉંમર સાથેનો સંબંધ યોગ્ય રીતે જાણવો ખૂબ જ જરૂરી બની રહે છે.

વિવિધ પ્રકારનાં રમકડાં બાળકોની દૃષ્ટિએ પણ ઘણી વિશિષ્ટતા ધરાવે છે, જેમાં બાળકોને મનોરંજન પૂરું પાડી શકે તેવાં રંગબેરંગી અને કલાત્મક રમકડાં ઉપરાંત તેઓની સામાજિકતા, બુદ્ધિચાતુર્ય, અભિયોગ્યતા અને પંચેન્દ્રિયોનો વિકાસ કરે તેવાં રમકડાં, તેઓની સર્જનાત્મકતાની તેમજ તેઓની ચેતનાને ખીલવે તેવાં રમકડાંનો સમાવેશ થાય છે.

બાળકોની વિવિધ વય અનુસાર
રમકડાંની પસંદગી

એક વર્ષ સુધીનાં બાળકો અવલોકન અને નિરીક્ષણ દ્વારા સૌથી વધુ શીખે છે. આ વયનાં બાળકોને વિવિધ પ્રકારના સુમધુર અવાજ કરતાં તેમજ હલનચલન કરતાં રમકડાં ખાસ આકર્ષે છે. આ રમકડાંમાં કલાત્મક અને વિવિધ રંગોથી સજ્જ ઘૂઘરા, સુમધુર કંઠમાં બોલી શકે તેવી ઢીંગલી, પિપૂડા જેવાં રમકડાં ખૂબ જ આકર્ષણ જન્માવે છે. એક વર્ષથી વધુ અને બે વર્ષ સુધીનાં બાળકોને તેમની પંચેન્દ્રિયોનો વિકાસ થાય તેવાં રમકડાં રમવા માટે આપવાં જોઈએ જેવાં કે લાકડાના વિવિધ આકારોને ગોઠવવાની રમતો, વિભિન્ન પ્રાણીઓની તેમજ વિવિધ રંગોની ઓળખ કરી શકે તેવાં રમકડાં આપવાં જોઈએ. બે વર્ષથી સાડા ત્રણ વર્ષનાં બાળકોને બુદ્ધિક્ષમતા વિકસાવે તેવાં રમકડાં આપવાં જોઈએ જેમાં મણકા ગોઠવવા કે ગણવાની રમતો, આકારોનું વર્ગીકરણ કરવાની રમતો, દરિયાઈ જીવો, વિવિધ પશુ-પક્ષીઓ, વાહનવ્યવહારનાં સાધનોની ઓળખ કરાવે તેવી રમતો તથા પ્રાથમિક કક્ષાની કોયડારૂપ રમતો આપી શકાય.

સાડાત્રણ વર્ષથી પાંચ વર્ષનાં બાળકોને સામાજિકતા વિકસે અને સમાજના આદર્શ નાગરિક બને તે હેતુથી ઢીંગલીઓ આપી શકાય. વિવિધ પ્રકારનાં ચોકઠાઓ ગોઠવી વિવિધ આકૃતિઓ તૈયાર કરી શકાય તેવી રમતો આપી શકાય. પાંચથી સાત વર્ષનાં બાળકોને મિકેનો-એરોપ્લેન, ટ્રેઈન, હેલીકોપ્ટર વગેરે બનાવી શકાય – જાતે તેના સ્પેરપાટર્્સ જોડે તેવા પ્રકારના બૌદ્ધિક રમકડાં ઉપરાંત ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવતી પ્રાથમિક કક્ષાની રમતો, મૂલ્યો વિકસાવી શકે તેવી આદર્શ વાર્તાની સચિત્ર ચોપડીઓ, ટૂચકાઓ, ઉખાણાં અને બાળ-જોડકણાંનાં પુસ્તકો તથા બાળકોનો શબ્દભંડોળ વધારી શકે તેવી રમતો રમવા આપવી ઉત્તમ રહે. સાથે ને સાથે દાકતર, શિક્ષક અને ઈજનેર જેવા વ્યવસાયી વ્યક્તિઓનાં વ્યાવસાયિક સાધનો રમકડાં સ્વરૂપે ઉપલબ્ધ હોય છે જે રમવા માટે આપવામાં આવે તો બાળકની પ્રેરણાનું અનોખું માધ્યમ બને.

એક સામાન્ય પ્રયોગ આપણું જીવન
બદલી શકે !

બાલ્યાવસ્થામાં આપવામાં આવતાં રમકડાં સાથે બાળકનો જીવનભરનો નાતો રહે છે. અંતમાં એક ખૂબ જ સામાન્ય લાગતા પ્રયોગ વિષે વિચારી શકાય, પરંતુ હા, તેનાં પરિણામો તો ચોક્કસપણે અસામાન્ય જ હોઈ શકે ! જો બાળકને દુનિયાના મહાપુરુષો પૈકી કોઈપણ એક દા.ત. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું ટેડિબિયર તેની બાલ્યાવસ્થાથી જ આપી દેવામાં આવે અને તેની સમજના વિકાસ સાથે ને સાથે આઈન્સ્ટાઈનના જીવનના વિવિધ પ્રસંગોને રોજબરોજના વાર્તાપ્રસંગો દ્વારા જોડી દઇને સતત તેનામાં ઉચ્ચ વિચારો સ્થાપિત કરવામાં આવે તો બાળકના જીવનમાં જે તે પાત્ર તેના જીવનનો હિસ્સો બની જાય છે અને તેનું અર્ધજાગ્રત મન તેને તે કક્ષા સુધી પહોંચવાની ઉત્તમ પ્રેરણા આપે છે અને સહાય પણ કરે છે. આમ બાળકોનાં રમકડાં તેમનાં જીવનને ચોક્કસ પણે નવી દિશા આપે છે.

અંતમાં એટલંુ કહી શકાય કે જ્યારે તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા ખરા હૃદયથી પ્રયત્ન કરો છો, ત્યારે સમસ્ત પ્રકૃતિ તે અપાવવા તમને મદદ કરે છે.

Total Views: 99
By Published On: September 1, 2016Categories: Nikunjbhai Vagadiya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram