ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે ઓચિંતાનો એક અવાજ સૌના કાને પડે છે,

‘યુરેકા ! યુરેકા ! મને જવાબ મળી ગયો છે, મળી ગયો છે!’ અને જોવાનું તો એ છે કે એ નાના નિર્દાેષ બાળકની જેમ એ વ્યક્તિ નિર્વસ્ત્ર અવસ્થામાં શેરીમાં દોડતો આવે છે! ઉત્તેજનામાં ડૂબેલા એ માનવીને પોતાની નગ્નાવસ્થાનો પણ ખ્યાલ ન રહ્યો! શેરીના લોકો ટોળે વળીને આ અજબના માનવીને કુતૂહલથી નિહાળી રહ્યા છે.

આ માનવી કોણ હતો, એ તમે જાણો છો? એ કોઈ સામાન્યજન ન હતો. પણ એ જમાનાનો મહાન વૈજ્ઞાનિક આર્કિમિડિઝ હતો. તે કહેતો કે જો મને અચલ ઊભા રહી શકાય એવી જગ્યા, પૂરતા પ્રમાણમાં લાંબું ઉચ્ચાલક અને યોગ્ય આલંબ આપવામાં આવે તો હું આ ધરતીને એની ભ્રમણકક્ષામાંથી ઊંચકી લઉં.

આ વૈજ્ઞાનિકે એવું તે શું જોયું હતું કે જેણે એને આવી ઉત્તેજના સાથે શેરીમાં આવી અવસ્થામાં દોડતો કરી મૂક્યો.

વાત એવી હતી કે એ વખતના સિરેકસના રાજા હીરોએ એક સોનીને સોનાનો રાજમુગટ બનાવવા કહ્યું. કુશળ સોનીએ રાજાની આજ્ઞા પ્રમાણે સુંદર મજાનો અને આકર્ષક ઘાટવાળો મુગટ બનાવી દીધો. હવે રાજાના મનમાં શંકા થઈ કે આ સોનીભાઈએ મુગટના સોનામાં કંઈ ભેળસેળ નહીં કરી હોય ને? સોનીનાં વચનો પર રાજાને વિશ્વાસ ન આવતાં રાજાએ સોનામાં કોઈ ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે પડકાર રાજસભામાં રજૂ કર્યો જે પડકાર ધૂની આર્કિમિડિઝે ઝીલી લીધો.

આ મહાન વૈજ્ઞાનિકે રાજા હીરોના પડકારને તો ઝીલી લીધો, પણ મુગટના સોનામાં કરેલી ભેળસેળ ખરેખર થઈ છે કે નહીં? અને જો થઈ હોય તો તે પકડવા શું કરવું જોઈએ, એ વિશે તે વિચારવા માંડ્યો. જાત જાતની તરકીબો અજમાવી, અનેક દૃષ્ટિએ ગણતરી અને વિશ્લેષણ કર્યાં, પણ કયાંય ઉકેલ મળ્યો નહીં.

એક દિવસ સ્નાન કરતી વખતે પાણીના ટબમાં બેસતાં પહેલાં તેણે સંતુલન ગુમાવ્યું અને તે ટબમાં બેસી પડ્યો. તેણે જોયું તો પાણીથી છલોછલ ભરેલા ટબમાંથી પાણી વહેવા માંડ્યું. તેજીને તો ટકોરો જ હોય, એમ એના મનમાં વિજ્ઞાનની વીજળી ચમકી ઊઠી. એણે પાણીની તરલશક્તિ અને વિશિષ્ટ ઘનતાનો નિયમ શોધી કાઢ્યો. એના આધારે રાજાના મુગટમાં કોઈ હલકી ધાતુનું મિશ્રણ થયું છે કે કેમ એ શોધી શકાશે, એવી એને ખાતરી થતાં તે ટબમાંથી બહાર નીકળી ‘યુરેકા! યુરેકા! કહેતો કહેતો એમ ને એમ બજાર વચ્ચે દોડ્યે જતો હતો.

પોતાને મૂંઝવતી સમસ્યાનો ઉકેલ શોધવા એણે પોતાની બધી શક્તિઓને એકાગ્ર કરીને કામે લગાડી દીધી હતી. પોતાનું ચિંતવેલું સત્ય લાધતાં તે આનંદઘેલો બની ગયો.

મિત્રો, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્ય માનવીઓનો ઇતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી. જેવી કોઈ પ્રજા કે રાષ્ટ્ર આ આત્મશ્રદ્ધાને ગુમાવે કે તે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે.

એટલે કે આત્મશ્રદ્ધાવાળો માનવ પોતે તો તરે છે અને બીજાને પણ તારે છે. બીજાને માટે માર્ગદર્શક બને છે. બીજાને અંગુલિનિર્દેશ કરી શકે છે. હવે આ આત્મશ્રદ્ધા આવે કઈ રીતે? સ્વામીજી કહે છે તેમ એના માટે તમારે મનને કેળવવું પડે. મનને પ્રબળ ઇચ્છાશક્તિવાળું બનાવવું પડે. એકવાર આવી પ્રબળ ઇચ્છા કેળવાઈ જાય કે સ્વામીજીની જેમ તમે કહી શકો કે જો તમારામાં પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો તમે સર્વ કંઈ કરી શકો. તમે કહો કે હું આ સાગર પી જઉં અને તમે સાગર પણ પીઈ શકો.

હવે આવી ઇચ્છાશક્તિ કેળવવી કેમ? મિત્રો, આપણા સૌનાં ઘરમાં હરિનું પાલખું હશે. તમારાં દાદા-દાદીને એ પ્રભુના પાલખા સામે હાથમાં માળા લઈને થોડી વાર આંખો મીંચીને, બધું ભૂલીને હરિનામ-સ્મરણ કરતાં તમે જોયાં હશે. તેઓ જાણે કે બધું વિસારે પાડીને હરિની દુનિયામાં ચાલ્યાં જતાં હોય એવું તમે અનુભવ્યું હશે. આવે વખતે જમીન પર ટાંચણી પડે તો તેનોય અવાજ સંભળાયા વગર ન રહે. આવું નીરવ શાંતિનું વાતાવરણ એ વખતે જામી જાય છે.

નાનપણમાં એમના ખોળામાં બેસીને ક્યારેક તમે પણ આંખો મીંચીને દાદા-દાદીનું અનુસરણ કરતાં કરતાં કંઈક ગણગણ્યા હશો. કદાચ ટી.વી. જેવાં ઉપકરણોની બહુ અને ખોટી ઝપટે ન ચડેલાં કેટલાંક બાળકો હજુ પણ આ સંસ્કારને સવારના પહોરમાં જાળવતાં અને જીવતાં હશે. આવાં બાળકોને મનની એકાગ્રતા કેળવવાનો એક ઉત્તમ અવસર પણ સાંપડતો હશે. આ રીતે કેળવાયેલાં મનવાળાં બાળકો અભ્યાસ કરતી વખતે શાળામાં કે ઘરે ઘરલેશન કરતી વખતે મનને એકાગ્ર કરીને કાર્ય કરતાં હશે અને એમને સારી અભ્યાસસિદ્ધિ પણ સાંપડતી હશે. એમની સામે ક્યારેય કોઈ સમસ્યા આવી પડે તો તેઓ પોતાની મેળે, સહાધ્યાયીની સહાયથી કે માત-પિતાના માર્ગદર્શનથી ઉકેલ પણ શોધતાં હશે. આ ઉકેલ મળે ત્યારે એ આનંદઘડી કેવી હોય છે એ તો જેણે માણી હોય એ જ જાણે.

એટલે આર્કિમિડિઝ જેવા મહાન વિચારકના પગલે ચાલવા આપણે આ મનને એકાગ્ર કરતાં શીખવું જોઈએ. મનને એકાગ્ર કરવાની રીત તો સાવ સીધી સાદી છે. આંખો મીંચીને ઠાકોરજીના દીવાની પ્રજ્વલિત જ્યોત કે એવી કોઈપણ એક વસ્તુ પર જ મનને સ્થિરધીર કરતાં શીખો. શરૂઆતમાં સવાર-સાંજ બેથી પાંચ મિનિટ આવું ધ્યાન ધરો. પછી તમારી અનુકૂળતા પ્રમાણે આ ધ્યાનમાં વધારે સમય બેસવાનો પ્રયત્ન કરો. આખા દિવસની ૨૪#૬૦=૧૪૪૦ મિનિટમાંથી સવાર-સાંજ આવા ધ્યાન માટે માત્ર ૧૦+૧૦=૨૦ મિનિટ ફાળવો. છતાંય તમારી પાસે ૧૪૨૦ મિનિટ બાકી રહેશે. તમારા આવા ધ્યાનથી મનની એકાગ્રતા સધાશે, એનું ફળ કંઈક અનોખું જ હોવાનું. અને જેમ જેમ તમે મનની એકાગ્રતા માટે સમય ફાળવતા રહેશો, તેમ તેમ તમારામાં કોઈપણ કાર્ય કરવાની ઇચ્છાશક્તિ અને ક્ષમતા ઊભી થશે. તમારામાં ધીરતા, સ્થિરતા, શાંતિ અને આનંદ સ્વયંભૂ જાગી ઊઠશે. અને પછી આત્મશ્રદ્ધાનું અનન્ય ઝરણું તમારી ભીતર સતત વહેવા લાગશે.

ભાઈ, આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, એને બદલે આપણે કહેવું જોઈએ કે મન કેળવાય તો માળવે પહોંચાય.

આજે માત્ર પરીક્ષાલક્ષી અભ્યાસક્રમની પાછળ વિદ્યાર્થી મંડ્યા રહે છે. આવી સમજણ કે સ્થિરતા-ધીરતા વિનાની યાંત્રિક પ્રક્રિયાને પણ સહજ સરળ બનાવવા એકાગ્રતાનો આ કીમિયો અજમાવવા જેવો છે.

ઘરમાં, શાળામાં આવા ધ્યાન અને એકાગ્રતાના થોડા સમય માટે પણ પ્રયોગો થાય, તો પોતાનાં સંતાનોનાં અભ્યાસમાં અને જીવન જીવવામાં ઘણી રીતે સહાયરૂપ બની શકાશે. પ્રાર્થનામાં ગવાતું એક સારું ભજન પણ બાળકને આ ધ્યાન તરફ દોરી જાય છે. પ્રાર્થના ભલે ટૂંકી હોય, પણ ધ્યાનને થોડું વધારે મહત્ત્વ આપીને આપણે આ ભવિષ્યની પેઢીને સ્થિરધીર, શાંત અને એકાગ્રચિત્તવાળી બનાવી શકીએ. સૌ થોડું થોડું આ ક્ષેત્રનું ખેડાણ કરે, તો વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર થશે અને એમને સમસ્યાઓના ઉકેલનો આનંદ પણ મળશે. (સંદર્ભગ્રંથ : સ્વામી જગદાત્માનંદ કૃત : Learn to Live)

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.