(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ….)

૨૬-૫-૧૯૫૯ (સવારના ૮.૩૦)

ઉત્તરનો વરંડો, મહારાજ આરામખુરશીમાં બેઠા છે. સેવકો વર્તુળાકારે બેઠા છે, સાથે શિલોંગના બે બ્રહ્મચારીઓ પણ બેઠા છે.

બ્રહ્મચારી – અમારે કઈ રીતે રહેવંુ જોઈએ, એ બરાબર લખી રાખવું સારું. નહીં તો જાત જાતના સાધુ જોઈને કંઈ સમજી શકશું નહીં.

મહારાજ – બરાબર છે, સાધુ તો ઘણા પ્રકારના- તમસ્, રજસ્ અને સત્ત્વગુણી. શ્રીઠાકુર તમોગુણીને પણ હાથ જોડીને પ્રણામ કરતા, નહીં તો તે શાપ આપે. રજોગુણી કામકાજ પસંદ કરે. સત્ત્વગુણી સુખનો અનુભવ કરે. ગીતા વાંચેલી હોય તો બરાબર ઓળખી શકાય અને લક્ષ્ય પણ ઠીક નિશ્ચિત રહે.

બ્રહ્મચારી – અમારો પોશાક કેવો હોવો જોઈએ.

મહારાજ – અવલંબનીય મધ્યપંથા. બહારથી સમજવા ન દે કે તમે કૃષ્ણસાધન કરો છો. છતાંય શેઠાઈ પણ ન કરો. જાગતિક બાબતમાં વધારે પડતી નજર ન રાખો. મૂળ લક્ષ્ય ઈશ્વર લાભ અને એના માટે જ બધંુ કામકાજ.

બ્રહ્મચારી – અર્થાત્ ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને ચાલવંુ પડશે. લોકો કે કોણ શું કહેશે તેની પરવા ન કરવી, એમ જ ને?

મહારાજ – ના, આપણે સમાજમાં રહીએ છીએ. આપણે સામાજિક આચારવ્યવહાર માનીને ચાલવું જોઈએ. એટલે નૌકાને ગંતવ્યસ્થાને લઈ જવી પડે. અહીં થોડું થાય તો ત્યાં થોડું વાળીને, ગમે તે રીતે થોડી જગ્યા કરીને, બંધન કાપીને ચાલ્યા જવું પડે. નહીં તો મારામારી – સંઘર્ષ અને તેમ થાય તો સર્વનાશ. હર પળે end & means (સાધન અને સાધ્ય) યાદ રાખવાં પડે. હું Means ને શા માટે લેતો નથી? તે ઈશ્વરના માર્ગે જાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું પડે.

બ્રહ્મચારી – મહારાજ, આ બધા વિષયમાં સાવધાન ન રહીએ તો શું પતન થાય?

મહારાજ – ના, અમે કોઈ પતન જોતા નથી. ચાલતાં ચાલતાં જે પાછળ રહી જાય તે પછી કેવળ વધારે જોશથી ચાલવાનો પ્રયત્ન કરે. કદાચ આ જન્મે એમ લાગે કે પતન થયું છે, પરંતુ પછીના જન્મે બમણા ઉત્સાહથી ફટફટ કરીને આગળ વધી જશે.

આપણું કાર્ય અત્યારે ઘણું વિસ્તરી ગયું છે. પરંતુ ચાર યોગ પર જો સમાન દૃષ્ટિ ન રહે તો Growth- વિકાસ કોઈ રીતે થશે નહીં.

૩-૬-૧૯૫૯

આજે પ્રેમેશ મહારાજજી સ્વસ્થ છે. તેઓ ઘણી વાર સુધી ટહેલતા રહ્યા. સેવકે પૂછ્યું, ‘મહારાજ, શું આપે ક્યારેય ક્રોધ કર્યો છે ?’ તેમણે કહ્યું, ‘હા, બાળપણમાં પૂજા કરતો હતો. એક દિવસ જઈને જોયું તો પૂજાની સામગ્રી ન હતી, ઘરની છોકરીઓ વ્યવસ્થા કરી રાખતી હતી. ક્રોધમાં હું રડી પડ્યો. આ ઉપરાંત કેટલીય વાર નારાજ થયો છું.’

સેવક – શું આપે કોઈને કષ્ટ આપ્યું છે ?

મહારાજ – ઢાકા આશ્રમમાં દીધંુ છે. કામ કરતો હતો એવા Odd time – વ્યસ્ત સમયે એક ભિખારી એ કાંઈક માગ્યું અને મેં કહ્યું – અત્યારે નહીં મળે, જાઓ.

બહરમપુરમાં એક મહારાજજીનું ઘર છે. ત્યાં એમનાં મા રહે છે. તે મહારાજ એકવાર ઘરમાં આવ્યા ત્યારે માની પાસે જમ્યા નહીં, એને બદલે માસ્ટરના ઘરમાં ભોજન કર્યું.

પ્રેમેશ મહારાજ – માની વાત અલગ છે. આપણા શ્રી ઠાકુરજી જ મા માટે વૃંદાવન છોડીને ચાલ્યા આવ્યા હતા. શું માની પાસે બેસીને ખાવાથી કોઈ દોષ થાય ખરો ?

બીજા એક પ્રસંગે મહારાજે કહ્યું – વધારે બહિર્મુખી થવાથી અંતિમ સમયે સ્થિર થઈને બેસી નહીં શકો. તમે લોકો તો ઘણા ભાગ્યશાળી છો. મને આનંદમય કોષ સમજવામાં કેટલું કષ્ટ પડ્યું હતું, તમારે લોકોને પણ થશે. જે અહીં આવ્યો તે જીવન-મુક્ત થશે.

ગીતને સમજવાનો અર્થ છે, ઘણા ગંભીર વિચારને જાણવો. રવીન્દ્રનાથ ટાગોરના ગીતોમાં એટલા ઉત્કૃષ્ટ અને ભવ્ય વિચાર છે કે સામાન્ય વ્યક્તિ એ સમજી જ ન શકે. ગમે તેટલો જ્ઞાન-વિચાર કરો, પરંતુ એટલું યાદ રાખો કે શ્રીરામકૃષ્ણ પ્રત્યેના પ્રેમ વિના કંઈ થવાનું નથી. તેઓ જ સત્ય છે. એમના માટે આટલો વિચાર છે.

૪-૬-૧૯૫૯

સંાજે પ્રેમેશ મહારાજજીએ કહ્યું, ‘એક વાત સાંભળો, તમે લોકો સાધુ બનવા આવ્યા છો. કોઈની સાથે કોઈપણ પ્રકારે વશીભૂત ન થતા.’

સેવક – મહારાજજી, શું આપ બાળપણથી જ કવિતા લખતા હતા ?

મહારાજ – ના, મોટા થઈને યુવાવસ્થાથી લખવાનું શરૂ કર્યું. ‘કૃત્યં કરોતિ કલુષં.’ કવિતાનો નશો તો શ્રીઠાકુરજી તરફ જ ચાલ્યો ગયો. આ શરીર તો અયોગ્ય હતું. જે વાતાવરણમાં જન્મ થયો એમાં કોઈપણ મને ભણવા માટે કહેતું ન હતું. મારી ઇચ્છાથી જ શાળામાં, ટોલમાં જતો હતો. પહેલા સ્કૂલમાં (કોઈને) પ્રણામ ન કરતો. ગુરુવંશના હોવાને કારણે શિક્ષક ભણાવવા ઇચ્છતા ન હતા. હું તો ઘણા દિવસો પછી શ્રીરામકૃષ્ણના સાન્નિધ્યમાં આવીને અબ્રાહ્મણને પણ પ્રણામ કરવા લાગ્યો.

સેવક – આપે શ્રીઠાકુરજી વિશે કેવી રીતે જાણ્યું ?

મહારાજ – એ એક આશ્ચર્યજનક ઘટના છે. કેવી રીતે શું થયું, એ હું ન સમજી શક્યો. ‘વસુમતી’ જેવા સ્વતંત્રતા સંગ્રામના સમાચાર પત્રમાં સ્વામી વિવેકાનંદનું નામ વાંચતો. આ ૧૯૦૫ની વાત છે. શ્રી અરવિંદના લેખમાં શ્રીરામકૃષ્ણ વિશે જાણકારી મળી. એમના વિશે વધારે જાણવાની ઇચ્છા થઈ. મારા એક મિત્રએ કહ્યું કે ‘કથામૃત’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણની વાતો છે. એ વાંચ્યા પછી હું ભાવવિભોર થઈ ગયો. મેં એન્ટ્રન્સ-પ્રાવેશિક પરીક્ષા પસાર કરી લીધી હતી. ઘરનાં બધાં લોકો તેમજ પાડોશીઓના દબાણને કારણે કાયદા-લોનો અભ્યાસ કરવા લાગ્યો. જીવન કેવી રીતે વિતાવીશ, એને વિશે મને વિચાર કરવાનો અવસર મળ્યો. મેં જોયું કે સાધના સિવાયનું જીવન તો ઘણું ભયંકર છે.

કેટલાય દિવસો પછી બેલુર મઠના સાધુઓ વિશે જાણકારી મળી. ત્રણ પૈસાનું પોસ્ટકાર્ડ લખીને માસ્ટર મહાશય પાસે ગયો. એમણે ઉદ્‌બોધનમાં શ્રીશ્રીમા પાસે મને મોકલ્યો. ત્યાં જઈને શ્રીશ્રીમાને પ્રણામ કર્યા, સંભવત : એમનાં ચરણોમાં મસ્તક નમાવ્યું હતું. મેં કોઈ વાત ન કરી. નીચે આવ્યો ત્યારે એક સાધુએ મીઠાઈ-પ્રસાદ આપ્યો.

હું બે મિત્રો સાથે ગયો હતો. એ લોકોએ શ્રીશ્રીમા વિશે કહ્યું – લાગે છે કે (એમનો આ) અંતિમ જન્મ છે, એટલે શ્રીરામકૃષ્ણદેવનાં પત્નીના રૂપે જન્મ લીધો છે. એ સમય તો હું આટલું બધું તો સમજતો ન હતો. વિચાર્યું કે કદાચ એવું જ હશે. (ક્રમશ 🙂

Total Views: 420

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.