સતનો મારગ છે શૂરાનો

ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે ગામડે અને ટીંબે ટીંબે કંઈક સંત રતન પાકી ગયાં છે હો! જેમણે ધરમની ધજાયું બાંધી છે, ભૂખ્યાં-દુ :ખ્યાંને આશરો દીધો છે, અભ્યાગતના બેલી અને સંતોના સેવક એવા સિદ્ધપુરુષો આ ધરતીને માથે ઘણા થયા છે. સેંકડો વરસથી એમની ચેતન સમાધિયુંને માથે આજેય ધરમની ધજાયું ફડાકા મારે છે. આવા સંત, ભક્ત, ભજનિક, સિદ્ધપુરુષોનું જીવતર અનોખું જ હોયને ભાઈ! ઈ તો અવતારી ઓલિયા કહેવાય, કોને યાદ કરીએ અને કોને ભૂલીએ? પણ આજ તો વાત કરવી છે, રાધાજીનો અવતાર ગણાતા એવા ઓલિયા અવતારી સંત, સમરથ, સિદ્ધ સદ્ગુરુ જીવણસાહેબની…

પંખીના માળા જેવું ગોંડલ પાસેનું ઘોઘાવદર ગામ. ત્યાં જગાભગત દાફડા નામે એક ભક્ત રહે છે. અંત્યજ ગણાતી કોમમાં એમનો જનમ થયો. આખા ગોંડલ રાજ્યની ભામનો ઈજારો રાખતા એટલે મેતર કહેવાતા. પૈસાપાતર ખોરડું. ગળસૂથીમાં ભગતિના સંસ્કાર મળેલા અને એમાં ભંડારી(પત્ની) સામબાઈ પણ મળ્યાં સતસંગી. જગા દાફડાને સહુલોક ભગતના નામથી ઓળખતા. પણ ભાઈ! નામ જેવા જ એમના ગુણ હો! નામ જગા ભગત. ઈ જગત માતરનું ભલું થાય, સારું થાય, જાગે ને સૌનું કલ્યાણ થાય એની રાત-દિ ચિંતા કર્યા કરે. મૂળથી જ જીવ ભગતિ અને સતસંગવાળો. એટલે આવ્યા ગયા સાધુસંતોને આશરો આપે છે, આદરમાન આપે છે, અભિયાગતનેય સાચવે. વળી પંખીડાંને ચણ્ય નાખે ને કૂતરાને રોટલો દેવાનો- ને ગાયુંને લીલું નાખવાના એના કાયમના નીમ છે ભાઈ!

આજથી બરોબર બસો ને એકસઠ વરસ પહેલાંની આ વાત છે. વિક્રમ સંવત ૧૮૦૬, કારતક મહિનાના અજવાળી પડવાનો દિવસ. નૂતન વર્ષનો શુભ દિવસ છે, શુભ ઘડી ને શુભ નક્ષત્રમાં જગા ભગતને ત્યાં સામબાઈ માતાની કૂખે એક અવતારી પુરુષનો જનમ થયો. વ્રજભૂમિમાંથી સ્વયં રાધાજીએ પોતાનો અંશાવતાર પ્રગટ કર્યો. એનો જનમ થયો તયેં આ બાળક રોવાને બદલે દાંત કાઢે છે. મહાપુરુષોની લીલા તો અલૌકિક જ હોય ને? જગા ભગતે પોતાના વાસના છોકરાંવને ખજૂર અને સાકરના ખોબા ભરી દીધા. ગામ આખામાં વાયરે વાતું વહેતી થઈ કે ‘ગામના મેતરને ત્યાં ભારે કૌતુક થયું છે. દીકરો જન્મ્યો પણ જનમતાં વેંત રોવાને બદલે દાંત કાઢે છે.’

ઈ કાળે વેમ, અંધશ્રદ્ધાની બીક મોટી. એને આ સિદ્ધપુરુષની ઓળખાણ કેમ કરીને થાય? સારાં ભાગ્ય હોય તો થાય ને? દેવાંશી જીવ, અમર ભોમનો આતમો… ઈ કાંઈ ચોરાશીના ફેરામાં થોડો ભટકે? માયામાં બંધાય એવો પ્રાણિયો આ નો’તો. જનમતાં વેેંત એણે તો લીલાયું કરવા માંડેલી. એવામાં એક દિ દિગંબર ખાખી અખાડાના સંતોની જમાત ઘોઘાવદરને પાદરે ઊતરી છે. નરવી કાઠીની સોટા જેવી કાયા, હાથ હાથની લટુરિયાંની ભૂખરી જટા, હિંગોળ આંજેલી લાલ ગલોલા જેવી આંખ્યું. માથે દોઢ તસુના કપાળમાં વિધાતાએ ત્રણ ત્રણ ચાહના ત્રણ ટીલાય ભરીને ભેખનો લેખ માંડી દીધેલો, હાટ વળોટે નમણી કાયાની માથે એક વેંતની લંગોટી સિવાય આખો ય મનખા દેહ ઉઘાડો ઠઠ. ઊઘડતે પો’રે ડીલને માથે ધૂણાની ભભૂત ચોળેલી. આંખની ટશરૂં આભને માથે માંડીને અગોચરની એંધાણીયુંને આંબવા મથતી હોય એવી મદભર ઘેઘૂર આંખડિયું.

બસ્તીમેં રેનાં અવધુ, માંગીને ના ખાના હોજી,

ટૂકડેમેંસે ટૂકડા અલગ કરી દેના મેરે લાલ,

માન રે સરોવર હંસા જીલન આયો હોજી…

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ…

આ ભજન ગાતાં ગાતાં ગામને પાદર ઉતારો કીધો છે. રાવટીયું નંખાણી છે, શમિયાણા બંધાણા છે, ભજન-ધૂન-કીર્તનની ભલકું બોલે છે. એવામાં એક જણે જઈને મહંતજીને વાત કરી કે ‘બાપુ! બાપુ! અમારા ગામના મેતરને ત્યાં ભારે કૌતક થયું છે. દીકરો જન્મ્યો પણ જનમતાં વેંત રોવાને બદલે દાંત કાઢે છે…’ મહંતે આ વાત સાંભળી. તરત જ ઊભા થઈ ગ્યા. બોલ્યા, ‘ચલો! મુજે દેખના હે, કૈસા લડકા પૈદા હુઆ હે?’ બોલતાં બોલતાં આવ્યા જગા દાફડાને ત્યાં. ‘મૈયા! તેરે બાલકકા દર્શન કરાઓ…’ સામબાઈ બાળકને તેડીને ફળિયામાં આવ્યાં. પણ બાળકનું તેજ કેવું ભાઈ!… આરસની પૂતળીને માથે કેસર-ચંદનનો લેપ કર્યો હોય એવો વાન… વાંકડિયા વાળ… નટખટ આંખ્યંુ- પૂનમના ચાંદા જેવું મોઢું ને ખીલખીલાટ કરે છે… જાણે બાળ કનૈયો જ જોઈ લ્યો હો! મહંતજીએ બાળકના હાથપગની રેખાયું જોઈ, મસ્તકની રેખાયું જોઈ, ને પછી બોલ્યા, ‘મૈયા! યે તો અવતારી આતમ હૈ… ચાંદા સૂરજ કી તરહા અપના નામ રોશન કરેગા…તૂ ઈસકા નામ જીવણ રખના સમજી ન!’ આમ સંતના આશીર્વાદ મળ્યા ને અમ્મર નામની ઓળખાણ થઈ ગઈ… સદ્ગુરુ મળે ને અમ્મર નામની ઓળખાણ કરાવે તો માયાનાં બંધન વછૂટી જાય ને જીતના ડંકા-નિશાન વાગી ઊઠે. આમ સંતના આશીર્વાદ મળ્યા. પારણામાંથી જ ભક્તિ-પદારથની કંઠી જીવણને મળી ગઈ.

ધીરે ધીરે બાળક જીવણદાસ મોટા થાય છે, સાથે ઘરના સંતસેવાના સંસ્કાર લાગી ગયા છે. આવ્યા-ગ્યા સાધુસંતોની સેવા કરવી ને ભજન મંડળીઓમાં

જઈને સત્સંગ કરવો ઈ જ એમનો શોખ. જીવ માત્રની સેવાનો મહામંત્ર લઈને જીવણનું બાળપણ વીતે છે. યુવાની આવી. પચ્ચીસ-છવ્વીસ વરસના થયા ને જુનાગઢના કંટારિયા શાખના જાલુબાઈ સાથે વિવાહ થયા. ભંડારી(પત્ની) પણ પૂરવ જનમના યોગસંગાથી હતાં. પણ જીવણને મનમાં ક્યાંય સ્થિરતા નથી. અંતરની અકળામણ માલમી સદ્ગુરુની શોધ કર્યા કરે.

એક પછી એક સત્તર ગુરુ ધારણ કર્યા, પણ મમતાળું મનડું સ્થિર થાતું નથી. શું કરું? કયાં જાઉં ? આમ કરતાં કરતાં આમરણના સંત ભીમ સાહેબની ખ્યાતિ સાંભળી. રવિભાણ સંપ્રદાયના સંત. ત્રિકમ સાહેબના શિષ્ય. ઠીક મનવા! લાવ્ય આ અઢારમા ગુરુનેય તાવી જોઉં… એમ વિચારીને ગુરુની ગોતણે દાસી જીવણ નીકળ્યા છે. જામનગરમાં નાગાજણ ભગતને ન્યા ભીમગુરુ બિરાજે છે. અષાડી બીજના પાટ ઓચ્છવના ભજન ગાવાના ભીમગુરુએ પાંચ ગામનાં વાયક સ્વીકાર્યાં ને જીવણે કસોટી કરવા મારતી ઘોડીએ પાંચેય ગામના ફેરા કર્યા. તો પાંચેય જગાએ ભીમગુરુનાં દર્શન થ્યાં. શું આ ભ્રમણા? કે હરિ ગુરુ સંતનો ચમત્કાર? ના, આવા જાદુ ચમત્કારથી અંજાય ઈ બીજા… આ જીવણ નૈં. મારા મમતાવાળા મનને સાચું ઠેકાણું બતાવો તો ચમત્કાર સાચો, એમ કહીને પોતાની વ્યથા ભજનમાં ગાઈ બતાવી –

કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું,

સેજે રે સાયાંજી મારું દિલડું ન માને દુબજાળું….

હે ગુરુજી! તમે ક્યો તો તીરથ જઈને તપસ્યા કરું,

પંચ ધૂણી પરજાળું, તમે ક્યો તો મંદિરું ચણાવું

ને ક્યો તો હવે જીવતાં સમાધિ લઈ લઉં –

મને સાચો મારગ દેખાડૉ.

વારી વારી મનને હું તો વાડલે પૂરું રે વાલા!

પતળેલ જાય પરબારું, ગુરુજી મારું મનડું

ઘડીકમાં મનડું મારું કીડી અને કુંજર વાલા!

ઘડીક ઘોડે ને ઘડીક પાળું… ગુરુજી મારું મનડું

અને ભીમગુરુએ ‘સંદેશો સતલોકનો’ એ ભજન મોકલાવ્યું.

હે જી વા’લા! જીવણ જીવને ન્યા રાખીએ,

વાગે અનહદ તૂરા, ઝળહળ જ્યોતું ઝળહળે,

વરસે નિરમળ નૂરા…હે જીવણ!

પાંચ તત્ત્વને જાણી લે, ત્રણ ગુણને ઓળખી લે, એમાંથી એક તત્ત્વની શોધ કરી લે. પછી તારી આંખ્યનું અંધારું ટળીજાશે, તારા નેણાંમાંથી માયાના પડળ હટી જાશે ને સતનાં સાચાં નૂર ઝળહળશે… આમ દાસી જીવણને ભીમગુરુએ ‘શબદ- સૂરત યોગ’ની સાધના બતાવી. જીવણે ગુરુનો એકેએક શબ્દ હૈયામાં ઉતારી લીધો ને સાધના કરી. ત્યારે અંતરમાં આનંદની હેલી ઊભરાણી. અખંડ આનંદનો અનુભવ એણે ગાયો :

અજવાળું રે મારે અજવાળું,

ગુરુજી! તમ આવ્યે મારે અજવાળું…

સતનો શબદ જ્યારે શ્રવણે સુણાયો,

ભીમ ભેટ્યા ને ભાંગ્યું ભ્રમણાનું તાળું -ગુરુજી!

ગુરુની કૃપા થઈ, ભીમ ભેટ્યાને ભ્રમણા ભાંગીને દાસી જીવણે ગુરુ મહિમા ગાયો…

અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે જી;

ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય…

ગુરુજી મારો દીવો રે, ગુરુજી મારો દેવતા રે જી;

ગુરુજી! મારા પારસમણીને રે તોલે…

ગુુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી;

ગુરુજી અમારાં કાશી અને છે કેદાર…

ગુરુ મારા ત્રાપા રે, ગુરુજી મારાં તુંબડાં રે જી;

ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…

ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે જી;

દેજો અમને સંતચરણમાં વાસ… અમારામાં

જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગાેનો ઉપદેશ આપતાં આપતાં બરોબર પંચોતેર વરસનું આયુષ્ય થયું. વિક્રમ સંવત ૧૮૮૧ને ઈ.સ. ૧૮૨૫ની સાલ આવી. દિવાળીના દિવસે જીવતાં સમાધિ લેવા કંકોત્રી લખી. સંતમંડળ ભેગું થયું અને દાસી જીવણે સમાધિ લીધી ત્યારે બે ભજન ગાયેલાં. આજે દિવાળીના પડવાને દિવસે ઘોઘાવદરમાં આવેલા સંત કવિ દાસી જીવણસાહેબના સમાધિમંદિરે મેળો ભરાય છે અને સંતવાણીમાં હજારો ભાવિક ભક્તો એકત્ર થાય છે.

વહાલા રે સંતોને મારા જે જે સીતારામ,

મારી હાલતી વેળાના રામો રામ…

વહાલા રે સંતોને મારા જે જે સીતારામ,

અને પછી શીખામણ આપતાં ગાયું :

ધરમના કામમાં ઢીલ ના કરશો,

વેળા તો જાશે વઈ,

દાસી જીવણ સત ભીમના ચરણે,

હવે નામની નોબત થઈ…

હાટડિયે કેમ રે’વાશે ભઈ!

મારા રામની રજા નંઈ…

Total Views: 178
By Published On: September 1, 2016Categories: Niranjan Rajyaguru, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram