મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ;
દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ – ધ્રુવ

ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ;
સાધુ સંગ બૈઠ બૈઠ, લોક લાજ ખોઈ – ૧

ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ;
અંસુવન જલ સીંચ સીંચ, પ્રેમ વેલી બોઈ – ૨

દધિ-મધુ-ઘૃત કાઢિ લિયો, ઠાર દઈ છોઈ;
રાણા વિષકો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઈ – ૩

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઈ;
મીરા એમ લગન લાગી, હોની હો સો હોઈ – ૪

– મીરાબાઈ

 

પ્રેમ-રસે પાગલ બનેલી મહારાણી મીરાની ભક્તિયાત્રાનું બયાન કરતું આ પ્રખ્યાત પદ છે. આ પદમાં મીરા પોતાની એવી અવસ્થા દર્શાવે છે કે એને પરમાત્મા વિના-કૃષ્ણ વિના બીજો કોઈ પોતાનો લાગતો નથી. આવી પ્રતીતિ ત્યારે જ થાય કે જો એને કૃષ્ણની ભગવત્તાની પૂરી જાણકારી હોય. આવી પ્રતીતિને વધુ સ્પષ્ટ કરતાં એ કહે છે કે હે સાધો, મેં આ દુનિયાના બધા લોકોને બરાબર પારખી લીધા છે અને એ પછી જ, એના ગિરધરના મહિમાને જાણ્યા પછી જ મારું આ ‘દૂસરા ન કોઈ’ નું વિધાન છે.

શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો આપણાં મીરા ‘પ્રેમાભક્તિ’ના સીમાડા વટાવીને ‘પરાભક્તિ’ના રાજ્યમાં નિમજ્જિત થઈ ચૂકી છે. સાધનાવસ્થા વટાવીને મીરા સિદ્ધાવસ્થામાં પહોંચેલ છે, એવું આ પદમાં વરતાય છે. આ અવસ્થા ‘અમૃતસ્વરૂપા’ છે. બાહ્ય જગતને એ વળોટી ચૂકી છે.

સોનાના કડાનું બાહ્ય સ્વરૂપ ગોળ હોય છે. પણ આંતરિક રૂપ સોનું જ હોય છે. મીરાએ ગોળ છોડી દઈ સોનું રાખી લીધું છે એટલે કહ્યુંં છે કે, ‘દધિ, મધુ, ઘૃત કાઢિ લિયો, ઠાર દઈ છોઈ…’ ભક્તિ અમૃત જેવી સ્વાદિષ્ટ વસ્તુ છે. બ્રહ્મલોકમાં એ દુર્લભ છે. ભાગવતમાં (૧૧.૧૪.૧૪) એને પાંચમા પુરુષાર્થ તરીકે નવાજી છે. આવી અમૃતસ્વરૂપા ભક્તિની મીરાને ઉપલબ્ધિ થઈ ચૂકી છે અને એટલે જ ‘રાણા વિષકો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઈ’ – પારમાર્થિક પદે પહોંચેલાને વ્યાવહારિક વિષો પ્રભાવિત કરી શકતાં નથી. એ અમૃત સ્વરૂપ છે, મરણ રહિત છે. એક વાર શ્રીરામકૃષ્ણે કહ્યું કે મેં નરેન્દ્રને (સ્વામી વિવેકાનંદ) એકવાર પૂછ્યું, ‘નરેન્દ્ર, ભગવાન તો આનંદરસના સાગર છે એમાં ડૂબવાની ઇચ્છા તને થતી નથી? તેં શું એવી ધારણા કરી છે કે જાણે એક ઘડો છે અને એમાં રસ ભર્યો છે. હવે માન કે તું એક માખી છે તો એ ઘડામાંનો રસ પીવા તું એ ઘડામાં ક્યાં બેસીને રસ પીઈશ?’ નરેન્દ્રએ કહ્યું, ‘હું એ પાત્રને એક ખૂણે બેસીને રસ પીઈશ.’ એટલે મેં (શ્રીરામકૃષ્ણે) પૂછ્યું,

‘કેમ ભલા, એક ખૂણે બેસીને રસ પીવાનું કહે છે?’ ત્યારે તેણે કહ્યું, ‘જો હું આગળ જાઉં તો રસમાં ડૂબીને મરી જાઉં એ બીકે ખૂણે બેસીને જ રસ પીવાનું ઠીક છે.’ મેં કહ્યું, ‘બેટા, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મસાગરમાં મૃત્યુનો કોઈ ભય નથી, કારણ કે એ તો અમૃતનો સાગર છે. એમાં તું ડૂબી જશે તો પણ મરીશ નહીં. એમાં તો ‘મર્ત્ય’ પણ ‘અમર્ત્ય’ બની જાય. ભગવાન માટે માણસ પાગલ થાય તો એ પ્રજ્ઞાહીન ન જ થાય.’

પ્રેમદીવાની મીરા આવા સાગરમાં ડૂબેલાં હતાં અને તેથી જ રાણાએ મોકલેલ ઝેરનો પ્યાલો અમૃત જાણીને પ્રેમમગ્ન અવસ્થામાં પી ગયાં અને તેઓ ‘મર્ત્ય’માંથી ‘અમર્ત્ય’ બની ગયાં.

ભક્તિયાત્રાના લક્ષ્યસ્થાને પહોંચી ગયેલાં મીરા આ પદમાં પાછું વળીને અવલોકે છે કે આ પૂર્વયાત્રા કેટલી કપરી હતી? પાછલા અનુભવોને વાગોળતાં વાગોળતાં મીરા કહે છે કે ત્યારે સાધના અવસ્થામાં જેમની જરાય ખેવના રહી ન હતી તેવાં ભાઈ-ભાંડું, કુટુંબ-કબીલા, સગાં-સંબંધી બધાંનો ત્યાગ કર્યો હતો. ‘ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ’- અત્યારની સિદ્ધ અવસ્થામાં તો એ સહજ છે. અત્યારે તો એ બધાં આપમેળે છૂટી જ ગયાં છે પણ સાધનાવસ્થામાં ‘મેં છોડ્યાં’ એવી અહં-ભાવના પ્રવર્તતી હતી. તેનું સ્મરણ મીરા કરી રહ્યાં છે. અને એ તો નિયમ જ છે ને કે કોઈ મોટા વધુ ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે નાના વાડામાંથી-ઘેરાવામાંથી મુક્ત થવું જ જોઈએ ને? પ્રભુપ્રાપ્તિના પરમ ઉચ્ચ ધ્યેય માટે ધ્રુવ અને પ્રહ્‌લાદે પોતાના પિતાનો ત્યાગ કર્યો જ હતો, વિભીષણે પોતાના સગા ભાઈને છોડ્યો જ હતો, વ્રજની ગોપીઓએ કૃષ્ણ માટે ઘરબાર, છૈયાં-છોકરાં અને પોતાના પતિઓનો પણ ત્યાગ કર્યો હતો. અને શ્રીકૃષ્ણે પણ મથુરાનાં નોતરાં આવ્યાં ત્યારે વધુ ઊંચા ધ્યેય માટે ગોકુળનો ત્યાગ નહોતો કર્યો? મીરાએ પણ પરમધ્યેયની પ્રાપ્તિ માટે આ ત્યાગ કર્યો અને સાધુસંગનો આશરો લીધો.

મેવાડની મહારાણી પોતાના ભવ્ય રાજમહેલમાં ચીંથરેહાલ સાધુડાઓની સાથે બેસીને હાથમાં કરતાલ અને તંબૂર લઈને નાચગાન કરે, એ વ્યાવહારિક સ્તર પર કેટલું ક્ષોભજનક અને નિંદનીય ગણાય? પણ મીરાના જીવનનો આનંદ જ નિરાળો હતો. એના જીવનનો સ્તર જ નોખો હતો. જાગતિક માપદંડથી એને માપી શકાય નહીં. આપણે બધા જાગતિક-વ્યાવહારિક સ્તરના માણસો છીએ. આપણા ગજથી મીરાના વ્યક્તિત્વને માપવાની આપણે ધૃષ્ટતા ન કરવી જોઈએ. એટલે જ મીરા એ ગાયું ‘લોક લાજ ખોઈ’ – લોકોના માપદંડને તો મેં ક્યારનોય ફેંકી દીધો છે! છતાં આપણામાંના ઘણા લોકો પોતાને ત્રાજવે મીરાના વ્યક્તિત્વને તોળવાનો બાલિશ પ્રયત્ન કરે જ છે!

વ્યવહારડાહ્યાઓના આવા હાસ્યાસ્પદ વલણને જોઈને મીરા કરુણાથી પોકારે છે કે ‘જગત દેખ રોઈ’-સાથો સાથ સ્વાત્માનું નિરીક્ષણ કરીને ગાય છે કે ‘ભગત દેખ રાજી હુઈ.’ આમ મીરાના મનમાં એકી સાથે બેવડી લાગણી થાય છે.

આગળ ક્હ્યા પ્રમાણે આ પદમાં સિદ્ધિપ્રાપ્ત મીરાનું પોતાની સાધનાવસ્થા દરમિયાન થયેલ અનુભૂતિઓ અને સાધના-પ્રક્રિયાનું બયાન છે. એક પ્રકારનો ‘Flash Back’ છે. અને છેલ્લી દોઢ કડીમાં સિદ્ધાવસ્થા નિરૂપાઈ છે.

એ સાધનાવસ્થાને વાગોળતાં વાગોળતાં મીરા કહે છે કે આ પ્રેમામૃતસાગરની ઉપલબ્ધિ કંઈ એમ ને એમ થઈ ગઈ નથી. આ તો છે ‘ક્ષુરસ્ય ધારા!’ આ તો છે ‘શૂલી ઉપરની સેજ’, આ છે તલસાટ, ધલવલાટ, અવિરત ઝૂરાપો! ક્યારે પ્રિયતમ મળશે, એની અસહ્ય વિરહ વેદના, આંસુની ધારા! મીરા કહે છે કે આ પ્રેમની વેલ મેં આંસુઓની ધારાથી સીંચી-સીંચીને વાવી છે, મારું હૃદય નીચોવી નાખ્યું છે આ પ્રેમની વેલ ઉગાડવામાં! રાતોના ઉજાગરા કર્યા છે, હિબકાં ભરી ભરીને કંઈ કેટલીયે રાતો ગુજારી છે, કેટલો લાંબો વિરહ મેં સહ્યો છે, એનું બયાન વાણી કરી શકે તેમ નથી, એ કહ્યો જાય તેમ નથી. અનુભવ વગર એની કોઈને ખબર પડી શકે નહીં.

એક ખાધેલા ખોરાકનો સ્વાદ પણ જો વાણી દ્વારા અભિવ્યક્ત થઈ શકતો ન હોય, તો આ મહાભવ્ય અનુભૂતિની તો વાત જ શી? ‘કાંટો બરાબર બોરડી કેરો, હાથમાં વાગ્યો હોય, વાગ્યા વિનાની વેદના તેની, જાણી શકે શું કોઈ?’ આમ પરાભક્તિની આ પ્રેમાભક્તિરૂપ સાધનાવસ્થા ઘણી જ કપરી છે. વ્રજની ગોપીઓ એના ઉદાહરણ રૂપે મોજૂદ છે. એ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાને!’

પણ હવે તો મીરાબાઈને માટે એ બધી વાતો ગઈ ગુજરીની બની ગઈ છે. હવે તો એનો પ્રિયતમ એને મળી ચૂક્યો છે. હવે વિરહાવસ્થા વીતી ચૂકી છે. એને પરમ અમૃતની ઉપલબ્ધિ થઈ ચૂકી છે અને એને પામીને એ સિદ્ધ થઈ ગઈ, અમૃત થઈ ગઈ, પરિતુષ્ટ અને પરિતૃપ્ત બની ગઈ છે.

શ્રીરામકૃષ્ણ કહેતા, ‘જો એકવાર પણ ભગવત્ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય તો ભક્ત ફરી વખત પણ એવો આનંદ મેળવવા માટે, તરસ્યો માણસ જેમ પાણી માટે વલખાં મારે તેમ એને માટે તડપે છે. એને જગતનું હોવું ન હોવું બન્ને એક સરખાં બની રહે છે. ભગવત્ આનંદની પ્રાપ્તિ થતાં એને ત્રિભુવન પણ મિથ્યા લાગે છે, ત્યારે કામ-કાંચનની હૃદય પર લેશ માત્ર પણ અસર રહેતી નથી.’

તો મીરાની પરાભક્તિની અવસ્થા આવી જ છે. શરૂઆતમાં તો મીરાના વિચિત્ર વહેવાર વિશે રાજમહેલમાં જ ચણભણ થતી રહેતી પણ હવે તો, ‘અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ,’ નાનું છોકરુંયે એની વાતો કરે છે. પણ મીરાને એની પરવા ક્યાં છે?

હવે તો એની એવી સિદ્ધાવસ્થા થઈ ચૂકી છે કે એને એનો કશો શોક નથી દુ :ખ નથી, જગત પાસે એને કશી આશા-આકાંક્ષા નથી. એને કોઈની સાથે દ્વેષ પણ નથી, પોતાનામાં જ, સ્વમાં જ મસ્ત-મત્ત મીરાને બહારની કોઈ વસ્તુ આકર્ષતી નથી! ‘લાગી લગન મીરા હો ગઈ મગન.’

જગતનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો છે. મીરાને ભગવાન મળ્યા છે. ભગવાન એને કંઈ તુચ્છ વસ્તુ આપે ખરા કે? એ તો જ્ઞાન, વૈરાગ્ય-વિવેક અને પ્રેમનાં ફળો જ આપે ને? મીરા હવે મસ્તાની છે, આત્મારામ છે, એની લગનમાં મગન છે.

એ તો ગાઈ-વગાડીને કહી ઊઠે છે, ‘હોની હો સો હોઈ’- થવાનું હોય તે થાય! અહીં કોને પડી છે! લોકો ‘બાવરી’ કહે કે સાસુ ‘કુલનાશિની’ કહે તેથી મારે શું? હું તો બસ ગિરિધર સંગે ‘પગ ઘૂંઘરંુ બાંધ મીરા નાચી રે… નાચી રે… નાચી રે…’

Total Views: 405

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.