મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન પ્રત્યેક બાળકને અનેક સિદ્ધિઓની સંભાવના સાથે પૃથ્વી પર મોકલે છે. એ તો પોતાનાં જ ખીલવેલાં પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની રાહ જોતો રહે છે; શું આપણે ભગવાનને રાહ જોતા જ રાખીશું?

અનેક સિદ્ધિઓની સંભાવના સાથે જન્મેલા આપણે આપણી જન્મજાત શક્તિઓના જથ્થાને જાણતા નથી. આથી આપણે લઘુતાનો ભાવ અને તેના સંતોષ સાથે જીવ્યે જઈએ છીએ. આ સંતોષ જેમ જેમ ઘેરો થતો જાય તેમ તેમ આપણે લઘુતાગ્રંથિના શિકાર થતા જઈએ છીએ. આથી જન્મજાત શકિતઓનો વિકાસ કરવાની કોઈ ઇચ્છા જ જાગતી નથી. આમ છતાં જીવન-વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે માટે નીચું લક્ષ્યાંક કે નિશાન નક્કી કરીને તાકીએ છીએ. અને તેમાં સફળ થવાય ત્યારે ભારે નિરાંત અનુભવીએ છીએ. આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિદ્ધિ મેળવી શકવાની આપણે ક્ષમતા ધરાવીએ છીએ.

મનોવૈજ્ઞાનિકોએ અનેક અવલોકનો અને પ્રયોગો પછી તારવ્યું છે કે સામાન્ય માણસ સમગ્ર જીવનમાં પોતાની કુલ માનસિક શક્તિનો દસ ટકા જેટલો પણ ઉપયોગ કરતો હોતો નથી. નવ ટકાથી ઓછી માનસિક શક્તિનો ઉપયોગ કરનાર મૂર્ખ રહે છે ને દસ ટકાથી વધુ ઉપયોગ કરનાર શ્રેષ્ઠ વિદ્વાન, વિચારક કે વૈજ્ઞાનિક બને છે. માનવ પોતે પોતાની શક્તિ વિશે ઊંડે ઊંડે શંકાશીલ રહે તો તેની મૂળ માનસિક શક્તિઓમાં ઘટાડો થાય છે. આપણાંમાં જડાઈ ગયેલી લઘુતાગ્રંથિ આપણા શક્તિ-વૈભવનો આપણને અહેસાસ થવા દેતી નથી.

આપણું જીવન એક બાણ છે. એ કયાં તાકવું અને તેને ધનુષ્યમાં કેમ ગોઠવવું તે બરાબર જાણી લો. ધનુષ્યમાં ગોઠવાયેલા બાણને પૂરી તાકાતથી માથાં લગી

ખેંચો, છોડો ને તેને સનનન કરતું જવા દો. એને જવા દો ઊંચેરા લક્ષ્ય ભણી. ઊંચું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં મૂંઝવણ રાખશો નહીં, આ કે પેલું, ઊંચું કે બહું ઊંચું – એવી દ્વિધા રાખશો નહીં. દ્વિધા ભરેલો માણસ જીવનમાં ક્યારેય લક્ષ્યસિદ્ધિ મેળવી શકતો નથી. ઘડિયાળનું લોલક ક્યાંય પહોંચતું નથી.

લઘુતાગ્રંથિથી પીડાતી ઘણી વ્યક્તિઓ વારંવાર પોતાનું લક્ષ્ય બદલ્યા કરે છે; સિદ્ધિ-પ્રાપ્તિ માટેનો સંકલ્પ તોડ્યા કરે છે; સંકલ્પો કરવાની અને તોડતા

રહેવાની જાણે કે તેને ટેવ પડી જાય છે. અને તેથી તેની શક્તિ, સાધના અને સમયનો બગાડ થાય છે.

ઊંચું નિશાન તાકવા માટે એકાગ્રતા અનિવાર્ય છે. એકને જ અગ્રતા આપવી એટલે એકાગ્ર થવું. એકાગ્રતાપૂર્વક તકાયેલું નિશાન વહેલું કે મોડું પણ સિદ્ધ થયા વિના રહેતું નથી.

ઈરાનના સૂફી સંત જલાલુદ્દીન રૂમી પોતાના શિષ્યો સાથે મુસાફરીએ હતા ત્યાં રસ્તામાં એક ખેતરમાં ઠીકઠીક ઊંડા ચાર ખાડા ખોદેલા જોયા. એ સૌએ

જોયું કે ખેડૂત પાંચમો ખાડો ખોદી રહ્યો હતો. શિષ્યોએ આનું રહસ્ય જાણવા ઇચ્છયું ત્યારે સૂફી સંત બોલ્યા : આ ખેડૂત પોતાના ખેતર માટે પાણી મેળવવા આ ખાડા ખોદી રહ્યો છે, ને પાણી ન નીકળતાં એક પછી એક ખાડા અહીં ને ત્યાં ખોદ્યે જાય છે. પણ આનાં કરતાં પોતાની મહેનત માત્ર એક જ ખાડો ખોદવા પાછળ ખર્ચે તો તેને જરૂર પાણી મળે; ને તેનું ખેતર આમ બગડે પણ નહીં. વારંવાર પોતાનું લક્ષ્ય બદલનારના જીવન રૂપી ખેતરની પણ આવી જ અવદશા થાય.

થવું એમ જોઈએ કે આપણે આપણી જાતની મુલાકાત લઈએ, આજે ને અત્યારે આપણે આંતરખોજ કરીએ. પરમાત્માએ આપણને અચૂક આપેલ બીજભૂત શક્તિ એની પહેચાન કરીએ અને તેના વધુમાં વધુ વિકાસનો સંકલ્પ કરીએ, સંકલ્પ જ નહીં, આયોજનપૂર્વકનો પરિશ્રમ કરીએ. આ વેળાએ લક્ષ્યાંક નીચો ન રાખીએ. લો એમ્બીશન ઈઝ અ ક્રાઈમ. નિશાન નીચું ન રાખીએ, એટલું ઊંચું ને ઉમદા રાખીએ કે ખુદ પરમાત્માને ટેકો કરવાનું મન થાય. પરમાત્માનો ટેકો મેળવવા બેઠા જ ન રહીએ. એમનો ટેકો મળે તે પહેલાંના આપણાં પ્રયત્નોને નિષ્ફળતા મળે તો શું થયું? પ્રયત્નમાં જે મજા છે કદાચ પ્રાપ્તિમાં નથી. જરૂર છે પ્રયત્નની, જરૂર છે સંકલ્પની. સંકલ્પો જેટલા સર્વજનહિતના હોય છે તે વહેલેરા સિદ્ધ થાય છે. કરુણામૂર્તિ મધર ટેરેસા થોડાક અનાથ આશ્રમો સ્થાપવાની જરૂરિયાતની વાતો કરતાં હતાં. એ સાંભળનારાઓએ પૂછ્યું, ‘એ માટે આપની પાસે કેટલી રકમ છે?’ મધર ટેરેસાનો જવાબ હતો, ‘પાંચ શિલિંગ અને…અને..બહુમૂલ્યવાન સંકલ્પ!’ આ પછી તો પોતાના સર્વજનહિતના સંકલ્પના જોરે એમણે અનેક આશ્રમો ખોલ્યા. નોબલ પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયાં.

જીવનમાં જરૂર છે જાતને જાણીને ઊંચું નિશાન નિર્ધારિત કરવાની; જરૂર છે સળગતા સંકલ્પ સાથે એ સિદ્ધ કરવાને મથવાની. યાદ રહે –

‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.