આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ, નથી મૃત્યુ, નથી દુ :ખ કે નથી શોક – પણ જેવી શરીરમાં બીમારી આવે કે તરત જ આ જ્ઞાન ક્યાંય ઊડી જાય. સંસારમાં નામ, યશ-કીર્તિ અને સંપત્તિનાં પ્રલોભન સામે આવતાં જ ભૂલથાપ ખાઇને કુકર્મ કરી બેસીએ છીએ અને પછી દુ :ખ, સંઘર્ષ અને યંત્રણામાં એવા ફસાઈએ છીએ કે પેલંુ તત્ત્વજ્ઞાન તો ક્યાંય ઊડી જાય છે. માટે મહામાયાની કૃપા ન થાય ત્યાં સુધી આ યંત્રણામાંથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
દુર્ગાશપ્તસતીના પ્રથમ અધ્યાયમાં ઘટના છે કે શત્રુ દ્વારા પરાજિત રાજા સુરથ અને પોતાના સ્વજનોથી તરછોડાયેલ સમાધિ નામનો એક વૈશ્ય, એ બંને મેધામુનિના આશ્રમમાં આશ્રય લે છે. એક સમયે બંને મેધામુનિને પ્રશ્ન કરે છે કે “હે મુનિવર! અમારા બન્નેનું મન બહુ અશાંત અને દુ :ખી છે. જે રાજ્ય હવે મારું નથી રહ્યુંું, તો પણ મને તેની સતત ચિંતા રહ્યા કરે છે અને આ સમાધિ વૈશ્ય પણ સ્વજનોથી તરછોડાયેલ હોવા છતાં પણ તેનો પોતાના સ્વજનો પ્રત્યેનો મોહ જતો નથી. હે મુનિવર! અમે બંને સમજદાર હોવા છતાં કેમ આટલા મોહિત અને દુ :ખી છીએ?’ મેધામુનિ તેઓને આશ્વાસન આપતાં કહે છે કે “હે રાજન! આ જગતમાં દરેક મનુષ્ય મહામાયાના બંધનમાં છે અને એટલે જ મનુષ્ય જે વસ્તુ અને વ્યકિતઓથી દુ :ખ મેળવે છે તેની જ પાછળ દોડે છે, તેના જ મોહમાં પડે છે અને તેની જ કામના કરે છે. માટે હે રાજન! આ યંત્રણામાંથી છૂટવા મહામાયાના જ શરણે જાઓ.’
શ્રીરામકૃષ્ણદેવના ગુરુ તોતાપુરીને આ વાત કેવી રીતે સમજાય છે તે આપણે જોઈએ. તેમણે ચાલીસ વર્ષ અદ્વૈત સાધના કરીને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી અને આ સ્થિતિ માની કૃપા વગર શક્ય ન હતી કારણ કે મહામાયાએ તેમને ક્યારેય અવિદ્યામાં ફસાવ્યા ન હતા. પરંતુ આ વાત તેઓ સમજતા ન હતા અથવા સમજવા માગતા ન હતા! એક સમયે તેઓ ગંભીર રીતે પેટની બીમારીમાં સપડાયા અને લોહીના મરડાએ તેમને વ્યથિત કરી મૂક્યા. જે મન સદા સમાધિના આનંદમાં રહેતું હતું તે હવે નીચલી ભૂમિકાએ આવી ગયું. વારંવાર પ્રયત્ન કરવા છતાં મન સમાધિસ્થિતિ સુધી પહોંચતું નથી અને શરીરની પીડા તરફ જ જતું રહે છે. આથી તોતાપુરીજી વ્યથિત થઈને વિચારવા લાગ્યા કે જે શરીર નિર્વિકલ્પ સમાધિ મેળવવામાં સાથ ન આપે તેને ટકાવી રાખવાનો શો અર્થ? હમણાં જ આ શરીરને ગંગામાં વિસર્જિત કરી દઉં. રાત્રિના ઘોર અંધકારમાં તેઓ ઊંડા પાણીમાં ચાલવા લાગ્યા, પણ આ શી દૈવી માયા! આજે ગંગામાં ડૂબી મરવા જેટલું પણ પાણી નથી ! મહામાયાની આ તે કેવી અદ્ભુત લીલા! અને તરત જ જાણે કે કોઈએ તેમની અંદરથી અજ્ઞાનનું આવરણ હટાવી લીધું હોય તેમ તેમને બધી જ જ્ગ્યાએ મા ભવતારિણીનાં દર્શન થવા લાગ્યાં અને સમજાયું કે મહામાયાની ઇચ્છા વગર પાંદડું પણ હાલી શકતું નથી અને તેમની કૃપા વગર ભુવનમોહિની માયામાંથી મુક્ત થવું પણ સંભવ નથી. આમ આટલા સમયથી જે પ્રેમ અને શ્રદ્ધાની ગંગા માત્ર નિર્ગુણબ્રહ્મને પ્લાવિત કરી રહી હતી, તે આજે માનાં શ્રીચરણો તરફ પ્રવાહિત થઈ.
જગદ્ગુરુ શંકરાચાર્યના જીવનમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી. અદ્વૈતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત બ્રહ્મજ્ઞ આચાર્ય શંકર એક દિવસ વહેલી સવારમાં પોતાના શિષ્યો સાથે મણિકર્ણિકાના ઘાટે સ્નાન કરવા ગયા ત્યારે તેમણે જોયું કે એક સ્ત્રી પોતાના મૃત પતિના મસ્તકને પોતાના ખોળામાં લઈ વિલાપ કરતી હતી અને તેના દાહસંસ્કારમાં સહાય કરવા બધાને વિનંતી કરી રહી હતી. તે સ્ત્રી મણિકર્ણિકાના રસ્તાને રોકીને બેઠી હતી, આથી આચાર્ય શંકરે કહ્યુંું કે “હે મા, કૃપયા તમે આ મૃતદેહને એક બાજુ હટાવી લો કે જેથી અમે લોકો સ્નાન કરવા જઈ શકીએ.’ પેલી સ્ત્રી શોકમાં એટલી ડૂબેલી હતી કે તેણે આચાર્યની વાતનો કોઈ જવાબ ન આપ્યો. આચાર્ય શંકર વારંવાર તે સ્ત્રીને મૃતદેહ હટાવવાનું કહેવા લાગ્યા ત્યારે પેલી સ્ત્રીએ નારાજગી સાથે કહ્યું કે “હે આચાર્યશ્રેષ્ઠ! આપ જ આ મૃતદેહને હટવાનું શા માટે નથી કહેતા?’ આ સાંભળીને આચાર્ય શંકરે કહ્યું કે “મા, શોક અને દુ :ખને કારણે આપ વિવેકહીન બની ગયાં છો. મૃતદેહ કયારેય સ્વયં હટી શકે? શું તેનામાં જાતે હટવાની ચેતનશકિત હોય છે?’ તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે “કેમ? તમારા મતે શકિતવિહીન નિર્ગુણબ્રહ્મ જ જગતનો કર્તા છે, તો પછી શકિતવિહીન આ મૃતદેહ સ્વયં હટી ન શકે?’ આ સાંભળીને આચાર્ય શંકર એકદમ વિસ્મિત થઈને વિચારમાં પડી ગયા. પરંતુ આ શું? તે સ્ત્રી અને મૃતદેહ બન્ને ક્ષણભરમાં ગાયબ થઈ ગયાં. આચાર્ય શંકરનું મન અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું અને તેઓ બધી જ જ્ગ્યાએ આદ્યાશક્તિ મહામાયાની લીલાનો અનુભવ કરવા લાગ્યા અને સમજવા લાગ્યા કે મા ભગવતીએ જ આજે કૃપા કરી પોતાના અસ્તિત્વનો પરિચય આપી દીધો. અંતમાં આચાર્ય નતમસ્તક થઈ મા ભવાનીની સ્તુતિ કરવા લાગ્યા કે “હે મા ભવાની! હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર એ કોઈને જાણતો નથી. તમે જ એકમાત્ર આશ્રય છો.’
સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પોતાના એક ગુરુભાઇને પત્રમાં લખે છે કે “શક્તિ વગર આ સંસારનો ઉદ્ધાર નથી. એવું શું કારણ છે કે આપણો દેશ જ દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે નિર્બળ અને પછાત છે? તેનંુ કારણ એ જ છે કે અહીં શક્તિનો સૌથી વધારે અનાદર થાય છે. વૈદિકકાળથી શક્તિપૂજા કરતા આ દેશમાં જ તેનો સૌથી વધારે અનાદર થઈ રહ્યો છે. એ આપણા માટે ઘણી શરમજનક વાત છે. માતૃશક્તિને પુન : પ્રસ્થાપિત કરવા જ શ્રીમા શારદાદેવીનું અવતરણ થયું છે અને શ્રીમા શારદાદેવીના આશીર્વાદથી જ હું અહીં અદ્ભુત સફળતા મેળવી રહ્યોે છું અને વીરતાપૂર્વક બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું, જેથી થોડા પૈસા ભેગા કરી મા માટે મઠ બનાવવા જમીન ખરીદી શકું. જે દિવસે તમે જમીન ખરીદીને જીવંત મા દુર્ગાની સ્થાપના કરશો ત્યારે જ હું નિરાંતનો દમ લઈ શકીશ. મા માટે જેને પ્રીતિ નથી તેમને ધિક્કાર છે.’ આમ આ પત્રમાં સ્વામી વિવેકાનંદે માતૃશક્તિનો મહિમા ગાયો છે અને એ ઉપરાંત મહામાયાના શરણમાં જ તમામ સમસ્યા અને દુ :ખનું નિવારણ છે એ વાત સ્પષ્ટપણે સમજાવી છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ઊંટના મોઢામાંથી લોહી નીકળતું હોવા છતાં તે થોર ખાવાનું ન છોડે અને પરિણામે તે ઘણું દુ :ખ ભોગવે છે. તો આવો, આ નવરાત્રિના પાવન અવસરમાં આપણે પણ મહામાયાના શરણમાં જઈ પ્રાર્થના કરીએ કે “હે મા ભવાની ! હું તમારી શરણે આવ્યો છું. હે મા! તમે જ વિવાદમાં, વિપત્તિમાં, અગ્નિમાં, જળમાં, અરણ્યમાં અને બધી જ જ્ગ્યાએ મારી રક્ષા કરો, કારણ કે તમે જ મારી ગતિ છો.’ આ જીવનના અમૂલ્ય દિવસો આપણે એમ જ ગુમાવી દીધા છે, માટે માના શરણે જઈ અનંત સુખ અને અનંત શાંતિ પામીએ. જય મા ! જય શ્રીમહામાયી કી જય!
Your Content Goes Here