(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ)

શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન છે, આત્મા માટે કોઈ અન્ય પરમાત્મા નથી અને મોક્ષપ્રાપ્તિ માટે કાર્ય કરવું એ જ પૂરતું છે. તેઓને સત્યજ્ઞાન કરાવવાનો શિવે નિશ્ચય કર્યો. તેમણે વિષ્ણુને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેમની સાથે આવવાનું નિમંત્રણ આપ્યું. શિવે ભમતા યોગીનો સ્વાંગ ધારણ કર્યો અને વિષ્ણુ તેમનાં પત્ની બન્યા અને તેઓ બંને ઘોર જંગલમાં પ્રવેશ્યા. તરત જ બધી ઋષિ-પત્નીઓ યોગી માટે ઉગ્ર વ્યાકુળતાથી આકર્ષિત થઈ, ઋષિઓ પોતે એવી જ રીતે સ્વાંગધારી યોગી-પત્ની પર આસક્ત થઈ ગયા. સત્વરે સમગ્ર આશ્રમ પરિસરમાં ધમાલ મચી ગઈ, પરંતુ તરત જ ઋષિઓએ શંકા સેવવાનું શરૂ કર્યું કે તેઓ જેવું જુએ છે તેવું વાસ્તવમાં નથી. તેઓ એકત્રિત થયા અને મુલાકાતીઓ પર અભિશાપ વરસાવ્યા પરંતુ તેઓ તદ્દન નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી તેઓએ અગ્નિહોમ આદર્યો અને તેમાંથી ભીષણ વાઘ ઉત્પન્ન થયો કે જે ફાડી ખાવા માટે શિવ પર ધસી આવ્યો. શિવે માત્ર સ્મિત કર્યું અને સહજપણે વાઘને પકડીને પોતાની ટચલી આંગળીથી તેની ચામડી ઉતારી કાઢી અને ચામડીને રેશમી સાલની જેમ પોતાના દેહ ફરતે વીંટી. ત્યાર બાદ ઋષિઓએ ભયાનક સર્પ પેદા કર્યો પરંતુ શિવે તેને પોતાની ગરદન ફરતે પુષ્પમાળા તરીકે લટકાવ્યો. ત્યાર પછી ત્યાં મોટી ગદાવાળો પ્રાણઘાતી કાળો ઠીંગણો માનવ દેખાયો, પરંતુ શિવે પોતાનો પગ તેના વાંસા પર દબાવ્યો અને પિશાચને પોતાના પગ વડે દબાવતા જતા રહીને નૃત્ય કરવાનો આરંભ કર્યો. સ્વપ્રયત્નોથી હારી ગયેલા, હવે નૃત્યની ભવ્યતા અને ચપળતાથી અભિભૂત થઈ ગયેલા, નૃત્યકારને નિહાળવા એકત્રિત થયેલા દેવો સહિતનાં સ્વર્ગાેનું દર્શન પામતા, થાકી ગયેલા ઋષિઓએ મહિમાવાન દેવનાં ચરણોમાં સ્વયંનું સમર્પણ કર્ર્યું અને તેમના ભક્તો બની ગયા.

હવે પાર્વતી શુભ્ર વૃષભ પર સવાર થયાં અને શિવે તેમની સાથે કૈલાસ જવા વિદાય લીધી. આમ વિષ્ણુને તેમના અનુચર એવા આદિ અનંત શેષનાગ સાથે અટૂલા રખાયા કે જે આદિસર્પ પર વિષ્ણુ બ્રહ્માની રાત્રિ દરમિયાન ક્ષીરસમુદ્રમાં વિશ્રાંતિ લે છે. તેમાંના પ્રત્યેક શિવ-નૃત્યના સૌંદર્યથી અંજાઈ ગયા હતા અને ખાસ કરીને આદિશેષ પુન : તે નૃત્યદર્શન કરવા તીવ્ર ઇચ્છા ધરાવવા લાગ્યા. તેથી વિષ્ણુએ શેષનાગને પોતાની પરિચર્યામાંથી વિમુક્ત કર્યા અને તેના સ્થળે તેના પુત્રની નિયુક્તિ કરી. તેમણે તેમના પહેલાંના સેવક આદિ શેષનાગને કૈલાસ પર જવાની અને ત્યાગમય જીવન દ્વારા શિવને પ્રસન્ન કરવાની સલાહ આપી. તેથી શેષનાગ તેનાં હજાર રત્નજડિત મસ્તક સાથે, પોતાનું સાંસારિક ગૌરવ એક બાજુએ પડતું મૂકીને અને શિવભક્તો માંહેના તુચ્છાતિતુચ્છ ભક્ત બનવા ઉત્તરીય પ્રદેશો તરફ રવાના થયા. થોડા કાળ બાદ, હંસ પર વિરાજિત બ્રહ્માનો સ્વાંગ ધારણ કરીને ભક્તની નિષ્ઠાની કસોટી કરવા શિવ ઉપસ્થિત થયા. તેમણે શેષનાગને જણાવ્યું કે તેણે સ્વર્ગનાં ભોગસુખને લાયક બનવા યોગ્ય અને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાનપ્રાપ્તિ માટેનાં જરૂરી તપકષ્ટ ક્યારનાંય પૂરતા પ્રમાણમાં વેઠી લીધાં છે અને આમ કહી તેમણે વરદાન આપ્યું પણ શેષનાગે ઉત્તર આપ્યો, “હું અલાયદું સ્વર્ગ ઇચ્છતો નથી, નથી ઇચ્છતો ચમત્કારી સિદ્ધિઓ; હું નિરંતર મહાદેવનું રહસ્યમય નૃત્ય જોવાનું માત્ર ઇચ્છું છુું.’ સ્વાંગધારી બ્રહ્માએ તેની સાથે દલીલ કરી, પણ વ્યર્થ. જ્યાં સુધી તેને કૃતાર્થકારી દર્શનલાભ નહીં થાય ત્યાં સુધી, જન્મોજન્મ, જો જરૂર જણાય તો મૃત્યુપર્યંત, શેષનાગરૂપે જ રહેશે. એટલે શિવે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને પાર્વતી સહિત પોતાના હિમ-શુભ્ર વૃષભ પર શેષનાગ સમીપ ઉપસ્થિત થયા અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો.

ત્યાર બાદ શૈવમતાવલંબીઓની દૃષ્ટિએ “પ્રત્યેક સાચા ગુરુ એ ઈશ્વરનો અવતાર છે’ એવા શિવ પોતાના નવા શિષ્યને પ્રાચીન જ્ઞાનોપદેશ આપવા સંસારી ગુરુની જેમ તેઓ આગળ વધ્યા. તેઓએ ઉપદેશ્યું, “અસંખ્ય અવતારો અને શુભાશુભ કર્મોના દૃશ્યરૂપ જગત માયામાંથી નિપજ્યાં છે. જેમ માટીના ઘડાના દૃષ્ટાંતમાં તેનંુ પ્રથમ કારણ છે કુંભાર અને ઉપાદાનકારણ છે માટી, નિમિત્તકારણ છે ચાકડો અને દંડ; તેવી જ રીતે જગતના સંદર્ભમાં માયા એ ઉપાદાનકારણ છે, શિવની શક્તિ એટલે કે પાર્વતી છે નિમિત્તકારણ અને શિવ સ્વયં છે તેનું પ્રથમ કારણ.શિવના બે દેહ છે, એક છે સાકાર અને દૃશ્યમાન; અન્ય છે નિરાકાર, અદૃશ્યમાન અને અનુભવાતીત. આ બધા ઉપરાંત વધુમાં, તેઓનું સાચું મહત્ત્વપૂર્ણ સ્વરૂપ ભવ્ય અને જ્યોતિ સ્વરૂપ છે. તેઓ સર્વનો આત્મા છે અને તેમનું નૃત્ય છે જગતનું સર્જન, પોષણ અને સંહાર; વધુમાં આત્માને દેહ ધારણ કરાવવો અને તેમની મુક્તિ. તે નૃત્ય અંતહીન અને સનાતન છે. હે શેષનાગ ! આ નૃત્ય જગતના કેન્દ્રરૂપ ચિદંબરમ્ એટલે કે તિલ્લાઈમાં પુન : તને જોવા મળશે.’ શિવે કહ્યું, “તે સમય દરમિયાન તારું સર્પનું સ્વરૂપ મિટાવી દે અને મરણશીલ માતપિતાને ત્યાં જન્મ લઈ તિલ્લાઈ પ્રતિ ગમન કર. ત્યાં તું ઉપવન જોઈશ, તેમાં શિવલિંગ છે. એ સર્વ લિંગો પૈકીનું સૌ પ્રથમ છે અને મારા સેવક વ્યાઘ્રપાદ દ્વારા તેની સારસંભાળ લેવાય છે. વ્યાઘ્રપાદે બનાવેલ આશ્રમમાં તેની સાથે રહે અને સમય આવ્યે તારી અને વ્યાઘ્રપાદ સમક્ષ નૃત્ય રજૂ કરીશ.’

શિવનૃત્ય અંગે ટિપ્પણી

શિવ-તાંડવનૃત્ય અંગેની ઘણી બધી પૌરાણિક આખ્યાયિકાઓમાંની ઉપરની એક કથા છે. તાંડવનૃત્ય પોતે જ જગતમાંની સઘળી ગતિવિધિઓના સ્રોત તરીકે શિવની પ્રવૃત્તિને પ્રસ્તુત કરે છે અને ખાસ કરીને તેમનાં પાંચ કૃત્યો- સર્જન, સંપોષણ, વિનાશ, દેહધારણ અને મુક્તિ. તેનો ઉદ્દેશ છે માનવ-આત્માઓને માયામાંથી મુક્તિ. વારંવાર ભારપૂર્વક જણાવાય છે કે તાંડવનૃત્યનું સ્થળ- તિલ્લાઈ કે ચિદમ્બરમ્નું પવિત્ર મંદિર- વાસ્તવમાં આપણા હૃદયમાં છે. જ્યારે અંત :કરણમાં તેનું દર્શન થાય છે ત્યારે માનવ-આત્મા મુક્તિ પામે છે. એવું જોવા મળે છે કે શિવનાં અનેક રૂપો છે, અસત્ અને વળી સત્. અત્યંત ભયાનક અને અતિશય અશુચિ સ્થળ એવી સ્મશાનભૂમિમાં નર્તક તરીકે શિવ મહત્ત્વપૂર્ણપણે આદિ સંહારક છે, તે “ભયાનક’ પણ છે અને “વિનાશક’. પાછળના કાળનો શૈવમત દાનવો પરમાત્માનો જ અંશ હોવો જોઈએ માત્ર એવી દલીલ કરીને જ નહીં, વળી નૃત્યના સ્થળને ચિદંબરમ્માં ફક્ત સ્થાનાન્તરિત કરીને જ નહીં, પણ આ નાટ્યાત્મક કલ્પનાશીલતાનું રૂપક આપીને સ્મશાન-ભૂમિનો ભક્ત-હૃદય એવો નવીન અર્થ પ્રયુક્ત કરે છે. સ્મશાન એટલે જે સ્થળ નિરુપયોગી અને વેરાન-નિર્જન છે તે. ભક્તહૃદયરૂપી સ્મશાનમાં જીવાત્મા અને તેનાં કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને સ્વયં નર્તક સહિત સઘળું નાશ પામે છે.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.