તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો;

હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો;

તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે, ગોપવજે દિલ અંધાર એકલો;

બીજાને આંગણ અમૃત ઝરણ રેલવજે, પી લેજે વિષ તારાં તું એકલો;

તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે, ને સહેજે સર્પાેના દંશ એકલો;

કીર્તિની કલગી સહિયારે કર દેજે, ભોગવજે બદનામી અંશ એકલો;

દિલ-દિલની દુ :ખવાતો દિલસોજીથી સુણજે, ચુપ રહેજે કાળી જબાન એકલો;

કો થાકેલા પગની કાંકર ચૂમી લેજે, કદમો ભરજે કંટક પર એકલો.

– ઝવેરચંદ મેઘાણી

 

સ્વામી વિવેકાનંદ કહે છે કે, “જે બીજાને માટે જીવે છે, એ જ ખરેખર જીવે છે. બીજા બધા તો જીવતા છતાં મરેલા વિશેષ છે.’ સ્વાર્થને છોડીને પારકા માટે ખપી જવાનું આ જીવનમૂલ્ય ભારતીય જીવનની નસેનસમાં વેદકાળથી ચાલ્યું આવ્યું છે. तेन त्यक्तेन भुंजीथाः થી માંડીને આજ સુધી એ અકબંધ ભારતીય જનોના લોહીમાં વણાઈ રહેલું છે. આ સ્થાયી ભારતીય જીવનમૂલ્યને કાવ્યાત્મક રીતે શ્રીમેઘાણીએ સરસ રીતે રજૂ કર્યું છે.

ભારતીય ઇતિહાસમાં આ “સ્વ’ને લોપી દઈને અન્ય પર ઉપકાર કરવાનું મૂલ્ય સેવનારાઓની કમી નથી. રાજા શિબિ, દાનેશ્વરી કર્ણ, ઋષિ દધીચિ, રાજા રન્તિદેવ આદિ અગણિત ઉદાહરણો મળે છે. અરે, બિલખાના શેઠ શગાળશા અને તેની પત્નીની કથા પણ ઘેરઘેર જાણીતી છે.

પણ આ મૂલ્ય જીવનમાં ઉતારવું એ બચ્ચાંના ખેલ નથી. એને માટે આંસુની ધારાઓ વહાવવી પડે છે, કાતિલ પીડાઓ વેઠવી પડે છે, અન્યને અમૃત પિવરાવી પોતે ઝેર પીવાં પડે છે અને છતાંય આ મૂલ્યો એ મહાપુરુષોએ જતનથી જાળવ્યાં છે.

મેઘાણીભાઈએ ઉપરની કવિતામાં આ મૂલ્યસેવીને વેઠવી પડતી પીડાઓનું કવિતામય બ્યાન સરસ રીતે કર્યું છે. એ મૂલ્યસેવીની પરિસ્થિતિ તો “હિરદૈ ભીતર દવ જલે, અસ ધુઆં ન પરગટ હોય!’ – હૃદયમાં અપાર પીડા-દાવાનળ સળગતો હોય છતાં મોઢેથી દુ :ખનો એક શબ્દ સરખોય ન નીકળે, બહાર એની કોઈ નિશાની જ ન વરતાય, એવી જીવનકલા આ મૂલ્યસેવી મનુષ્યે એકલા એકલા સાધવાની હોય છે.

આ મૂલ્યસેવીઓ તો ફૂલ જેવા હોય છે. ફૂલ પોતે સર્પાેના દંશો સહી લે છે પણ અન્યને માટે ફોરમ ફેલાવી રાજી રાજી થઈ રહે છે. એને સર્પદંશની કોઈ ફરિયાદ નથી. એ કોઈ નિર્ણય પણ કરતું નથી. બસ, ફોરમનો ફેલાવો થાય એમાં રાજી છે. આ મૂલ્ય સેવનારા મહાપુરુષો “પારકી છઠ્ઠીના જાગતલ’ હોય છે. એક હોલાને બચાવવા શિબિએ પોતાનો દેહ દઈ દીધો, દેવોને વિજયાનંદ અપાવવા દધીચિએ પોતાની જાનફેસાની કરી લીધી; ઇન્દ્રના પરિતોષ ખાતર દાનેશ્વરી કર્ણે પોતાનાં કવચકુંડળ ઉતરડી નાખ્યાં, ભૂખ્યા જનોનો જઠારાગ્નિ શમાવવા રાજા રન્તિદેવે પોતાની, દેવોએ દીધેલી ભોજનથાળો સમર્પી દીધી અને ભૂખનું ભયંકર દુ :ખ એણે કુટુંબ સહિત સહ્યું; દેવોને વિજય અપાવવા ભગવાન શંકરે ઝેર પીધું !

ભારતીય જનસમૂહના લોહીમાં આ સનાતન જીવનમૂલ્ય એટલું તો ઊંડું ઊતરી ગયું છે કે એક લઘરવઘર અભણ ગ્રામીણ વિધવાને મોઢેથી પણ એવું સાંભળવા મળે છે કે, “રામનો આપ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવરાવ્યો વધુ મીઠો લાગે.’

આ જીવનમૂલ્યને માત્ર ભારતની સીમામાં જ બાંધી રાખી ન શકાય. આ મૂલ્ય તો વૈશ્વિક અને સનાતન છે. ઈશુ ભગવાનના ક્રોસમાં અને મુસ્લિમોની ઈદમાં આ જ મૂલ્યનો રણકાર બાજી રહ્યો છે.

ભારતના તો હવામાનમાં પણ ભારતીયોને આ જીવનમૂલ્યના સંદેશા સંભળાય છે. સૂર્યના પ્રચંડ તાપને સહન કરીને નદીઓ તરસ્યાને પાણી પાઈને પોતે સુકાઈ જવાનું પસંદ કરે છે. જ્યારે આ વૃક્ષો પણ બીજાને પોતાનાં મધુર ફળો અને છાયાનું દાન કરીને પોતે સૂર્યનો સળગાવતો તાપ સહન કરે છે. આખી પ્રકૃતિમાં અન્ય માટે આત્મવિલોપન કરવાનો આ મહાયજ્ઞ જાણે કે ચાલી રહ્યો છે.

ખરેખર જોતાં આવડે તો, એવી આંખો હોય તો આ વિશ્વમાં આ જીવનમૂલ્યનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. આ મહાયજ્ઞનો આહુતિ મંત્ર છે – મકરંદભાઈના શબ્દોમાં –

જિંદગી પસંદ મને જિંદગી પસંદ,

ખુશખુશાલ ખેલતી ખફાદિલી પસંદ;

જમા-ઉધારને જલાવતી મજલ પસંદ,

જિંદગી પસંદ મને જિંદગી પસંદ.

અને આ ખફાદિલીનો ખુલાસો, જગતને ભૌતિક-વાદી દૃષ્ટિકોણથી જોનારા ક્યારેય આપી શકવાના નથી. વિશ્વચૈતન્યની એકતાનો ખ્યાલ વિજ્ઞાનક્ષેત્રની બહારનો વિષય છે.

અને હા, આ યજ્ઞ છેે. યજ્ઞની એ જ ભાવના છે કે એમાં માણસ પોતાની વહાલામાં વહાલી વસ્તુનો અન્ય માટે ત્યાગ કરી દે છે. યજ્ઞકુંડમાં અગ્નિને દેવાતી આહુતિઓ તો એનો પ્રાચીન ખ્યાલ હતો-રિવાજ હતો પણ એનું સાચંુ રહસ્ય તો तेन त्यक्तेन भुंजीथाः માં જ રહેલું છે. એ રહસ્યને અપનાવવાનો આજના યુગનો સંદેશ છે. “યજ્ઞ’ શબ્દના થયેલા અર્થસંકોચને એના વિસ્તૃત અર્થમાં પુન : પ્રતિષ્ઠાપિત કરવાની આવશ્યકતા છે – એ મોજૂદ તો છે, છતાં એને પિછાણવાની જરૂર છે. ગાંધીજી જેવા સંસ્કૃતિના રખેવાળો કહે છે કે શબ્દોની પરંપરિત પરિભાષાને જાળવી રાખીને-કાયમ રાખીને-એની વિભાવના યુગાનુસાર બદલવી જોઈએ. એથી સાંસ્કૃતિક ધરાતલ એક જ રહે-સાંસ્કૃતિક સાતત્ય રહે અને સાથોસાથ વિભાવનામાં બદલાવ આવવાથી ગતિશીલતાનો પ્રવાહ પણ રહે-સંસ્કૃતિજળ બંધિયાર ન બની જાય.

મેઘાણી આ મહામૂલ્યયજ્ઞના ઉદ્ગાતા બનીને કેટલાક કવિતામય મંત્રો લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. એ આનંદમેળામાં ભાગ લેવા સૌને આમંત્રવા કહે છે, પણ દુ :ખનાં આંસુમાં કોઈને ભાગીદાર ન બનાવીને એકલા જ એને ભોગવવા કહે છે; હસી મજાકમાં ભલે સૌ સાથે મળે, પણ ભીતરનો દાવાનળ તો એકાકીને જ સહન કરવા કહે છે. તેઓ કહે છે કે બારણે તો બધા દેખીને રાજી થાય અને તને આનંદિત ભલે માને, એવા દીવાળીના દીવા કરજે પણ તે દિવસની આસો વદિ અમાસનાં અંધારાં તો તારે ભીતરમાં એકલાએ જ ભોગવવાનાં છે. તેઓ બીજાને અમૃત આપીને શિવની પેઠે પોતે ઝેર પી લે, તેવું ઇચ્છે છે; સર્પાેના દંશ સ્વયં સહીને પોતાના બાગનાં પુષ્પો અન્યોને આપી દેવા કહે છે, અન્યને કીર્તિ આપી બદનામી વહોરી લેવાનું સૂચન કરે છે. બીજાના દુ :ખની વાતો સહાનુભૂતિથી સાંભળીને પોતાના દુ :ખનો એક હરફ પણ કાઢવાની તેઓ ના પાડે છે; કોઈકના કાંટા લાગેલ, થાકેલ પગને સંભાળીને એ કાંટાનું કષ્ટ સહન કરવાનો સંદેશ આપે છે.

આ મંત્રો વાંચીને આગળ દર્શાવેલા સત્પુરુષો-મહાપુરુષો યાદ આવ્યા વિના રહે ખરા? મેઘાણીએ “છેલ્લો કટોરો’ કાવ્યમાં મહાત્મા ગાંધીજીને પણ આ મહાપુરુષોની કક્ષામાં મૂક્યા છે.

ગીતાએ ગમે તેવા સિદ્ધ પુરુષને પણ આવા યજ્ઞ, દાન અને તપ ન છોડવાની ભલામણ કરી છે.

આજે પણ આવા પારકા માટે ખપી જનાર મહામાનવોની ખોટ તો નથી, પણ સમાચાર માધ્યમો એને બહાર લાવતાં નથી કારણ કે એણે લોકોની તીખા તમતમતા સમાચારો જાણવાની તલપને બરાબર પારખી લીધી છે અને એ રીતે એ સમાજની કુસેવા કરી રહ્યાં છે.

સામાન્ય જનોને આ આદર્શ ખૂબ ઊંચો અને પોતાની પહોંચ બહારનો જણાશે. કેટલાક લોકો તો “એ તો માત્ર આદર્શ છે’ એમ કહીને એને સાવ બિનવ્યવહારુ ગણીને એના તરફ પીઠ ફેરવીને બેસી જાય છે. પણ આદર્શ એટલે અરીસો છે. એના તરફ પીઠ રાખવાથી મોઢું કે કશું દેખાય જ નહિ. એના તરફ મોઢુંય ન રાખવાનું વલણ તો માણસાઈની જ નાદારી નોંધાવવા બરાબર છે.

એના તરફ અભિમુખ થવું જ જોઈએ અને તો જ આપણી મર્યાદાઓ સમજાશે, તો જ આપણે ક્યાંથી શરૂ કરવું છે એની ગતાગમ પડશે, તો જ જીવનની સ્થગિતતા-જડતા-મોહ દૂર થશે એટલે એવી નાદારીભરી શાહમૃગવૃત્તિ છોડીને પહેલાં આદર્શ તરફ અભિમુખતા કેળવીએ.

એના પહેલા પગથિયા તરીકે “ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની બારી ઉઘાડી રાખવાની’ પ્રભાશંકર પટ્ટણી શીખ આપે છે. અને કવિ કાગ, આંગણિયે આવનારને મીઠો આવકાર આપવાની સલાહ આપે છે. પછીના બીજા પગથિયા તરીકે સ્વામી વિવેકાનંદની દરિદ્રનારાયણ, પાપીનારાયણ, અજ્ઞનારાયણ વગેરેની વિભાવનાઓ આવે છે. આમ પછી એની કાર્યાન્વિત અવસ્થામાં કાઠિયાવાડનાં અન્નક્ષેત્રો, અમરબાઈની સેવા, દાદા મેકરણનાં લોકસંગ્રહનાં કાર્યો વગેરે આવે છે.

અને આ રીતે સાધના માર્ગે આગળ વધતાં વધતાં કાવ્ય વર્ણિત આદર્શે તો અવશ્ય પહોંચી જ શકાશે પણ કશું જ ન કરવાની જાણે આજે તામસી હરીફાઈ ચાલી રહી છે, આદર્શની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. હવે આપણે પહેલાં તો આપણા મોઢાને આ આદર્શ તરફ રાખીએ અને પીઠને નહિ; એવી કોશિશ માટે પ્રભુને પ્રાર્થના કરીએ.

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.