ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી લોથલથી ખંભાતના અખાત સુધી લંબાયેલ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક નવું પૃષ્ઠ જગતના ઇતિહાસમાં કંડારાયું.

સિંધુ સંસ્કૃતિના મોહેંજો-દરોની જેમ લોથલનો અર્થ પણ મૃત માનવીનો ટેકરો થાય. હડપ્પા સંસ્કૃતિના ચાર હજાર કરતાં વધુ વર્ષો જૂના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે સરગવાડા ગામના ટેકરાનું નામ લોથલ રાખવામાં આવ્યું છે.

લોથલ પ્રાચીન સમયનું વેપાર-વાણિજ્યથી ધીકતું અને તમામ સુવિધાવાળું બંદર હતું, એવી માન્યતા છે. અહીં માનવજીવન ધબકતું હતું, એ સમયે અહીં ચારેક વખત પૂર આવ્યાં હશે એમ મનાય છે. બંદરની ગોદી ઈંટની બનાવેલી છે. એમાં 710 ફૂટ  116 ફૂટ ચણતરવાળી ગોદીઓ મળી છે.

અહીં ખોદકામ કરતાં અનેક સિક્કા, ઘરેણાં, મૂર્તિઓ, માટીનાં વાસણો વગેરે મળી આવેલ છે.  અહીંના સિક્કાઓ પર જે લિપિ જોવા મળે છે તે સિંધુ સંસ્કૃતિના કાળની હશે.

અત્યંત સુંદર નગર-આયોજનવાળા લોથલ અને પાસેના રંગપુરના અવશેષોમાં ખૂંધવાળા અને વિનાનાં સાંઢ, શ્ર્વાન, હરણ, વાઘ, મોર જેવાં પ્રાણી-પક્ષીઓ અને દેવીઓની મૂર્તિઓ મળી આવેલ છે.

અહીં દોઢ કિ.મી.ના વિસ્તારમાં વસેલું અને અત્યારે ખંડિયેર હાલતમાં મળેલું આ શહેર એક સમયે સમૃદ્ધ અને ભારતની આગવી ઓળખ આપતું નગર હશે. આ લોથલ નગરીની શોધ ઈ.સ. 1954માં પ્રો. યુ. એસ. રાવે કરી હતી.

અહીં પૂરને કારણે તારાજ થયેલાં મકાનો, ઉદ્યોગોની બાંધણી અને વ્યવસ્થા જોવા મળે છે. દોઢ ફૂટ જેટલી લાંબી અને અડધો ફૂટ જેટલી પહોળી તેમજ સાડાઆઠ ઈંચ જેટલી જાડી ઈંટોનું બાંધકામ આજે પણ તરોતાજા લાગે છે. અહીં પાકી માટીની ઈંટો જોઈને નવાઈ પામી જવાય છે. હીરા, માણેક, અકીક તેમજ હાથીદાંતના ઝીણા ઝીણા મણકા,મોતી, છીપલાં, શંખમાંથી બનાવેલી માળાઓ એ વખતના લોકોની કલાકારીનો ખ્યાલ આપે છે. ઇતિહાસકારોના મત પ્રમાણે અહીંથી મણિશોભિત ઘરેણાં, સુવર્ણનાં આભૂષણો સુમેર, ઇરાન અને બહેરીન જેવા દેશોમાં મોકલાતાં. કંગન, ચૂડી અને કર્ણફૂલની માગ દૂર દૂરના દેશોમાંથી રહેતી. તાંબા અને ધાતુનો ઉદ્યોગ વિકસ્યો હતો. ધાતુની મુદ્રાઓ, સિક્કા, વજનકાંટો તેમજ વજનિયાંના આધારે એમ કહી શકાય કે અહીં સોના ચાંદીનો પણ ધીકતો વેપાર-ધંધો ચાલતો. છરી-ચપ્પુ, સોય, માટીનાં રમકડાં ઉપરાંત માટલાં, કોઠીઓ, કૂંડાં, કૂંજા, દોણી, કુલડી જેવાં ઘરવપરાશનાં માટીનાં વાસણો પણ જોવા મળે છે. શાકભાજી ઊંચે લટકાવવાનાં શીકાં પણ જોવા મળે છે. આ બધું જોતાં લોથલના નગરજનો સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની બાબતમાં સચેત હતા.

એ નગર ઉદ્યોગકેન્દ્ર, બજાર અને રહેઠાણ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હશે. નગરની બહારના ભાગમાં સ્મશાન પણ હશે એવો અંદાજ છે. ટેકરા ઉપર પશ્ચિમભાગમાં ઉદ્યોગો ધમધમતા હતા, ઉત્તર-પશ્ચિમે રહેવાનાં મકાનો હતાં. મકાનોની હારમાળામાં એક છ ઓરડાવાળું મકાન પણ જોવા મળ્યું છે. એક બાજુએ તાંબું અને બીજી ધાતુઓ ગાળીને તેમાંથી વાસણો અને ઘરેણાં બનાવવાની દુકાનો અને છીપલાં જેવી વસ્તુઓમાંથી અનેક ચીજો બનાવવાની હારબંધ દુકાનો પણ હતી. હારબંધ મકાનોની હરોળ વચ્ચે પહોળા રસ્તા, સ્નાનાગાર, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા અને તેની કુંડીઓ તેમજ લોખંડના પાઈપ પણ જોવા મળ્યા છે. આ પ્રજા ધર્મભાવનામાં માનતી હતી કારણ કે મકાનના આંગણામાં લગ્નવેદી જોવા મળી છે. અહીં અગ્નિની પૂજા થતી હશે. આર્થિક વિનિમય માટે ધાતુના સિક્કા ચલણમાં હતા.

લોથલમાં વેપાર માટે દેશ-પરદેશના 60 ટનની ક્ષમતા ધરાવતાં વહાણો આવન-જાવન કરતાં હશે. ત્યાં 214 મીટર લાંબું અને 36 મીટર પહોળું બેઝીન (ગોદી) જોવા મળે છે. આ બેઝીન પર સાંકળો પણ હતી. કિનારાના પ્રવાહને રોકવા લાંબી મજબૂત દીવાલ પણ હતી. આ બંદર પર માલ ચઢાવવાની અને ઉતારવાની ઉત્તમ વ્યવસ્થા હતી. માલના સંગ્રહ માટે 64 ઓરડાની એક વખાર જોવા મળી છે.

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.