ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે છે. તેનું પુન:પ્રાગટ્ય માતૃભૂમિનું નિર્માણ કરવામાં નહીં, પરંતુ પુન:જાગરણ માટે આવશ્યક છે. તેથી જ તેમના કલા અંગેના અને વિશેષત: ભારતીય કલા અંગેના વિચારો ખૂબ મહત્ત્વ ધરાવે છે. તેઓ ભારતીય કલાનાં અગ્રીમ પ્રશંસક હતાં. પ્રાચીન ભારતીય કલાને પુન:જીવિત કરવા તથા આધુનિક ભારતીય કલાને વિકસાવવા તેઓએ નવોદિત કલાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં હતાં. તેઓ કહેતાં, ‘કલા આધ્યાત્મિક સંદેશથી અનુપ્રાણિત હોય છે, જેને આજના ભારતમાં રાષ્ટ્રિયતાનો સંદેશ ગણાવી શકાય. વળી ખરું કહેતાં કલાકાર માટે કલા માત્ર આજીવિકાના સાધન તરીકે નહીં પણ ઉત્તમ પ્રકારની કેળવણીના સર્વોચ્ચ ધ્યેયોમાંના એક તરીકે ગણાવી જોઈએ.’

‘ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરીએન્ટલ આર્ટ’ દ્વારા યોજાયેલ પ્રાચીન તથા અર્વાચીન કલાના એક પ્રદર્શનના સંદર્ભમાં ભગિની નિવેદિતાએ કેટલાંક અવલોકનો તથા વિચારો પ્રગટ કરેલા. તેમાં તેઓ શ્રીઅવનીન્દ્રનાથ ટાગોરના ભારતમાતાના ચિત્રને ભારતીય કલાના નવા યુગની શરૂઆતને સિદ્ધ કરી આપતું જણાતું હોય તેવું ગણાવે છે. એશિયાની કલામાં હોય છે તેવાં ચતુર્ભુજ, સફેદ આભામંડળ ધરાવનાર, વિદ્યા, વિશ્વાસ, વસ્ત્ર તથા અન્નપ્રદાન કરનાર ભારતમાતાને તેનાં બાળકોને દેખાય તે જ રીતે ચિત્રસ્થ કરવામાં આવ્યાં છે. આ ચિત્રને ‘ફર્સ્ટ માસ્ટરપીસ’ ગણાવતાં નિવેદિતા લખે છે કે પ્રથમ જ વખત જાણે કે તેમાં એક ભારતીય કલાકારે માતૃભૂમિના આત્માને અલાયદો કરીને સ્પષ્ટ સ્વરૂપમાં પ્રતિબિંબિત કર્યો છે. આ જ પરિપ્રેક્ષ્યમાં તેઓએ આગળ જણાવ્યું છે કે નૂતન ભારતના નૂતન યુગ માટે સ્વતંત્ર સમાજજીવન, અરસપરસ સહકાર, નાગરિકત્વનો આદર્શ અને રાષ્ટ્રિયતાને અંકિત કરવા માટે સુનિશ્ર્ચિત પ્રતીકોની આવશ્યકતા છે.

આ જ ચિત્રકારે દોરેલ સીતાના ચિત્ર વડે ઉદ્ભવતી છાપને નિવેદિતા અસાધારણ માનસિક તીવ્રતાની સ્થિતિ તરીકે વર્ણવે છે. તેઓ એટલે સુધી કહે છે કે આવનારા યુગોમાં દરેક મહાન ચિત્રકાર તેની પોતાની મૌલિક કલ્પના મુજબ સીતાનું નિરૂપણ ચિત્ર દ્વારા કરશે. પરંતુ ઓછામાં ઓછું માનસશાસ્ત્રીય રીતે દોરાયેલ નહીં હોય તેવું ચિત્ર ફરીથી સ્વીકાર્ય નહીં બની શકે. નદી કિનારે અશોકવનમાં કેદ કરેલાં સીતાના આ ચિત્રમાં કલાકાર આપણને અત્યંત ઊંડો સંતોષ આપે એવી કૃતિ આપવામાં સફળ રહ્યા છે.

‘જગતમાં ભારત એકમાત્ર જ છે તથા ભારતમાં શિવ માત્ર એક જ!’ નંદલાલ બોઝે દોરેલા તાંડવનૃત્ય કરતા ભગવાન શિવના ચિત્રને નિવેદિતા ભારતીય કલાકારો દ્વારા દોરાતાં ચિત્રો જેવું જ ગણાવે છે કે જેમાં એ કૃતિની સન્મુખ આવતાં વિવેચન કરવાનું બંધ થઈ જાય, સાથે સાથે તેમાં મનોવૈજ્ઞાનિકતા, ધ્યાનશીલતા તથા તીવ્ર ભાવનાના ગુણો દ્વારા આલેખન થયેલું જણાય છે. શિવનું તાંડવનૃત્ય એ સમાધિનું ગતિમાન સ્વરૂપ છે.

બાબુ ઉપેન્દ્રનાથ રાયનું સમુદ્રમંથનનું ચિત્ર નિરખતાં તેઓ કહે છે કે સામાન્ય રીતે હિંદુ પુરાણોમાં દર્શાવેલું સમુદ્રમંથન ચિત્રાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરવું શક્ય નથી, પણ અહીં જ આપણી ભૂલ થાય છે. બાળપણથી આ વિશે સાંભળતો આવેલ એક હિંદુ એની પોતાની જ કલ્પના ધરાવે છે અને તેનું ચિત્રાંકન કરી શકે છે તે આમાં સાબિત થયું છે.

ફિરસ્તાઓની પાંખો, ભુજાઓની બીજી જોડ અને સર્પનાં વધારાનાં માથાં આ બધું, અન્ય દેશોના ચિત્રકારો માટે અઘરું હોય છે, પણ ભારતીય કલાકારોએ આ પ્રશ્નને એ રીતે પડકાર્યો છે કે તેમના તરફથી આપણી અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. આ ચિત્રનાં માનવીય પાસાં વિશે જોઈએ તો એક બાજુએ સશક્ત તથા વિલક્ષણ અને બીજી તરફ એટલાં જ સશક્ત પરંતુ ઉમદા અને સુંદર પાત્રો જોવા મળે છે. સમગ્રતયા ચિત્રની ઊર્જા અને સાહસિકતાનો ખ્યાલ નજરઅંદાજ ન કરી શકાય.

કોલકાતા આર્ટ ગેલેરીમાં મુકાયેલ રામ અને સીતાના રાજ્યાભિષેકના ચિત્રને નિહાળતાં નિવેદિતા લખે છે કે સુંદરતાનો ખ્યાલ એને ના આવી શકે કે જે જાતે રંગોને જોઈ ન શકે. ઈ.સ. 1700ની આસપાસ સર્જાયેલ નાનકડા છતાં નમૂનેદાર આ ચિત્રના કલાકાર અજ્ઞાત છે. આ ચિત્ર લખનવી શૈલીમાં બન્યું હોઈ શકે. અહીં એટલું તો લખવું ઘટે કે ભારતીય કલાની પ્રશસ્તિ વૈશ્ર્વિક ફલકની એરણે મૂકીને ભગિની નિવેદિતાએ કરી છે. નિવેદિતાની ભારતીય કલાની પ્રશસ્તિ તેમનો ભારતવર્ષ માટેનો પ્રગાઢ પ્રેમ દર્શાવે છે.

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.