વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે આ સંસ્કૃતિઓ પણ લુપ્ત થઈ ગઈ જ્યારે ભારતની જ એકમાત્ર સંસ્કૃતિ એવી છે કે જે પ્રાચીન કાળથી આજ સુધી પોતાનો પ્રભાવ જાળવી શકી છે, એટલું જ નહીં પણ સમયે સમયે તેનો પ્રભાવ વિસ્તરતો રહ્યો છે. તો પ્રશ્ન એ થાય છે કે એવી તે કઈ શક્તિ છે કે કાળના ઝંઝાવાતી પ્રવાહોની વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિને પોષણ આપતી રહી છે?

વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં માત્ર આ જ એક સંસ્કૃતિ એવી છે કે જે જીવન અને કાળમાં શાશ્ર્વતીની, વ્યક્તિમાં સમષ્ટિની, સીમામાં અસીમની અને માનવમાં પરમાત્માની ક્રિયાને નિહાળે છે અને તેથી જ ગમે તેવી કાળની થપાટો તેને વિલીન કરી શકતી નથી. જે સંસ્કૃતિ માનવની મર્યાદામાં આત્મજ્ઞાન દ્વારા સર્વવ્યાપકતા અને દિવ્યતાનો માર્ગ બતાવે છે એ સંસ્કૃતિ કોઈપણ યુગમાં, કોઈપણ કાળમાં, કોઈપણ વાતાવરણમાં શાશ્ર્વત બની રહે છે. જે શાશ્ર્વતનું ચિંતન કરે છે, શાશ્ર્વતનો માર્ગ પ્રબોધે છે અને શાશ્ર્વતીના લક્ષ્ય પ્રત્યે નિરંતર ગતિ કરે છે, તે પછી મનુષ્ય હોય કે કોઈ સમાજ કે કોઈ સંસ્કૃતિ હોય તે શાશ્ર્વતીની પ્રાપ્તિ કરે છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા અને મહાનતા આમાં જ રહેલી છે.

ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો:

ધર્મ અને આધ્યાત્મિકતા

કોઈપણ દેશની સંસ્કૃતિ એટલે તેની પ્રજાના હૃદયમાં ધબકતા ચૈતન્યનો આવિર્ભાવ. પ્રજાના  હૃદયમાં ધબકતું આ ચૈતન્ય પ્રજાના ધર્મ, નીતિ, સાહિત્ય, કલા અને સર્જકતા દ્વારા પ્રગટ થતું હોય છે. ભારતની પ્રજાના ચૈતન્યનો ધબકાર આધ્યાત્મિક પાયા ઉપર પ્રતિષ્ઠિત છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ભારતની પ્રજાનો મેરુદંડ ધર્મ છે. આ ધર્મ એટલે કોઈ સંકુચિત ખ્યાલ નહીં, આ ધર્મ તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વણાયેલો છે.

આ ધર્મ કોઈ સંપ્રદાયમાં પરિણમતો ધર્મ નથી, પણ તે જ્ઞાનના પાયા પર પ્રતિષ્ઠા પામેલા સમગ્ર જીવનને જ ભારતીય સંસ્કૃતિ ધર્મ કહે છે. ધર્મની આ સમજ ભારતમાં માત્ર જ્ઞાનીઓને જ છે એવું નથી, સામાન્યમાં સામાન્ય માણસ પણ ‘આચાર પરમો ધર્મ’ એવી સમજ ધરાવે છે.

ભારતીય સંસ્કૃતિએ ધર્મને કોઈ સીમામાં બાંધ્યો નથી. આંતરસત્યને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જે કંઈ આચાર સંહિતા અપનાવે એ તેનો ધર્મ છે. આ ધર્મ જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે વણાયેલો છે. ધર્મની આવી વ્યાપક પરિભાષા કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી.

धृति क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रह:

धीर्विद्या सत्यमक्रोधो दशकम् धर्मलक्षणम्॥

ધૃતિ, ક્ષમા, સંયમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ-ધર્મનાં આ દશ લક્ષણ શાસ્ત્રમાં દર્શાવેલાં છે. આ લક્ષણો ધરાવનાર ધાર્મિક મનુષ્ય કદી ઝનૂની કે દુરાગ્રહી હોઈ શકે જ નહીં. ભારતીય સંસ્કૃતિમાં જૂની પરંપરાઓને વિસ્તૃત કરવાની શક્તિની સાથે સાથે નવીન પ્રકાશને આવકારવાની તત્પરતા પણ રહેલી છે જ. એટલે જ ભારતના સનાતન ધર્મમાં નદીના અસંખ્ય પ્રવાહોની જેમ અનેક ધાર્મિક વિચારધારાઓ એકરૂપ બનેલી છે. એ જ તો છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા અને ભારતીય દર્શનની વિશાળતા.

સંસ્કૃતિના અન્ય આધારસ્તંભો:

સાહિત્ય, કલા અને સર્જનશીલતા

કોઈપણ દેશનું સાહિત્ય એ તેની સંસ્કૃતિનું દર્પણ છે, તેની પ્રજાની આંતરચેતનાનું પ્રતિબિંબ છે. ભારતમાં વિવિધ યુગોમાં જે સાહિત્યસર્જન થયું તે તેના સર્જકોના આંતરદર્શનની પ્રજ્ઞામાંથી ઉદ્ભવ્યું હતું. વેદ-ઉપનિષદ, પુરાણો, મહાકાવ્યો આ બધાં માનવમનનાં અને મનથી પેલે પારનાં રહસ્યોને ઉદ્ઘાટિત કરનારાં સર્જનો વિશ્વના કોઈપણ સાહિત્ય કરતાં ઉત્કૃષ્ટ કક્ષાનાં છે. ભારતીય સંસ્કૃતિના શિરમોર વેદગ્રંથો તો ઋષિઓના તપોમય જીવનનો નિચોડ છે, એમની અનુભૂતિનું સીધું દર્શન છે. પરમતત્ત્વની અનુભૂતિ, અમરત્વની ઉપાસના, જીવનના મર્મને પ્રગટ કરનારું આ સાહિત્ય એ તો ભારતીય સંસ્કૃતિનો રત્નાકર છે. આ સાહિત્ય ક્યારેય પુરાણું થયું નથી અને થશે પણ નહીં. સમગ્ર માનવજાતિને એના સાચા લક્ષ્યાંકે લઈ જવાનું સામર્થ્ય ધરાવનારા આપણા વેદો અને ઉપનિષદો આજે પણ એટલા જ પ્રસ્તુત, પ્રાણવાન અને પથદર્શક છે. આપણાં ઉપનિષદો તો ગહનતમ આધ્યાત્મિક અનુભૂતિઓનો ભંડાર છે, ઋષિઓના આંતરદર્શનની અભિવ્યક્તિ છે. તેમાં અખૂટ પ્રકાશ, શક્તિ અને દિવ્યજ્ઞાન ભરેલાં છે. એ ગદ્યમાં હોય કે પદ્યમાં પણ એ અધ્યાત્મસભર ઉત્કૃષ્ટ કવિતા છે, તેમાં દર્શન અને કાવ્યનો અદ્‌ભુત સમન્વય થયેલો છે.

આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારતે તો ભારતીય સંસ્કૃતિની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી છે. તેમાં ફક્ત તત્કાલીન જીવનનું જ દર્શન નથી પણ કોઈપણ યુગમાં જીવાતા જીવનનો ધબકાર સમાયેલો છે. એ ભારતીય પ્રજાની વાણી છે, ભારતીય સંસ્કૃતિની ચિરંતન ગૌરવગાથા છે. તેમાંય મહાભારત તો ભારતના આત્માનું મહાકાવ્ય છે. ભારતીય જીવનનાં બધાં જ પાસાઓ જેવાં કે ધર્મ, નીતિ, સમાજ, રાજકારણનો તેમાં સમાવેશ થયેલો છે. એટલે જ કહેવાયું છે કે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી.

એ પછી મધ્યયુગમાં અંધકારભરી રાત્રીઓના તમસમાં પણ તારાઓનો ઝગમગાટ સંસ્કૃતિને આછા ઉજાસથી અજવાળતો હતો. મધ્યયુગના કવિઓ, સર્જકો, સંતોનાં સર્જનોએ ભારતીય સંસ્કૃતિના પ્રાણતત્ત્વમાં ઇંધણ પૂર્યું. કાલિદાસ, ભવભૂતિ, બાણ, ભર્તૃહરિ, જયદેવ જેવા કવિઓ અને સર્જકો; તુલસીદાસ, વિદ્યાપતિ, ચંડીદાસ, રામપ્રસાદ, તુકારામ, તિરુવલ્લુવર,  કંબન, નાનક, કબીર, મીરાબાઈ જેવા ભક્તકવિઓની કૃતિઓએ સામાન્ય પ્રજામાં ભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખી તેથી ભારતીય સંસ્કૃતિના અંધકારયુગમાં પણ તેને પોષણ મળતું રહ્યું.

પ્રાચીન કાળની ભારતની કળાઓ પણ વિશિષ્ટ છાપ મૂકી જાય છે. પરમાત્માને એની અભિવ્યક્તિ દ્વારા, અનંતને સાન્ત પ્રતીકો દ્વારા, ભગવાનને એની શક્તિઓ દ્વારા પ્રગટ કરતી કલાઓ ફક્ત કલાકારને જ નહીં પણ એના ભાવિકોને પણ આત્માની અનુભૂતિના પ્રદેશમાં લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. પાર્થિવ જીવનમાં આધ્યાત્મિકતા કલા દ્વારા ઊતરી આવે છે, એ પછી સંગીત, ચિત્રકલા, સ્થાપત્ય કે શિલ્પકલા હોય. એટલે જ ભારતની આ કલાઓમાં જીવનની તાજગી, મહાનતાનાં સ્પંદનો, સૌંદર્યનું દર્શન અને સામર્થ્યની ઉષ્મા જોવા મળે છે.

ભારતની ઝંખના હંમેશાં ઉચ્ચતર આધ્યાત્મિક સત્ય પર જીવનની પ્રતિષ્ઠા કરવામાં રહેલી છે. એમાં અંતરમાંથી બાહ્ય તરફ જવાની વાત છે. મન, પ્રાણ અને નિમ્ન ભૌતિક પ્રકૃતિ પર વિજય મેળવીને જીવનના સ્વામી બનવાની વાત છે. ભારતીય સંસ્કૃતિનું હાર્દ આ જ છે, આ જ છે તેની બહુઆયામી વિશિષ્ટતાનો પાયો.

ભારતીય સંસ્કૃતિની બહુઆયામી વિશિષ્ટતાઓ

ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે તે જીવનના સમગ્ર ફલકને પૂર્ણરૂપે આવરી લે છે, સંકુચિતતા નહીં પણ વિશાળતા, ધર્મચુસ્તતા નહીં પણ સર્વધર્મોનો સ્વીકાર અને સમન્વય, પરા અને અપરા વિદ્યાઓનું સર્વાંગી શિક્ષણ, જીવનયાપન માટેના ચાર પુરુષાર્થો-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ; સમાજજીવનની સુચારુ વ્યવસ્થા માટેના ચાર વર્ણો-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર; ઉત્તમ જીવન શૈલી માટેના ચાર આશ્રમો-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ; માનવસ્વભાવની ઓળખ માટે ત્રિગુણાત્મક પ્રકૃતિનું દર્શન-સત્ત્વ, રજસ્ અને તમસ્; આ સઘળું ભારતીય સંસ્કૃતિનું બહુઆયામી કલેવર છે. આત્મતત્ત્વથી ઘડાયેલી ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશિષ્ટતા એ છે કે જ્યારે જ્યારે આ સંસ્કૃતિ ઉપર આક્રમણો થયાં ત્યારે ત્યારે કોઈ ને કોઈ યુગપુરુષને સંસ્કૃતિએ સર્જ્યા છે.

ભારત પર પશ્ચિમની જડવાદી સભ્યતાનું આક્રમણ થયું, ભારત ગુલામ બન્યું, પ્રજા ફક્ત ભૌતિક રીતે જ નહીં પણ આંતરિક રીતે પણ દરિદ્ર બની ગઈ, તે સમયે બંગાળમાં શ્રીરામકૃષ્ણ આવ્યા અને તેમણે પોતાની આધ્યાત્મિક પ્રતિભાથી સ્વામી વિવેકાનંદ અને તેમના જેવા તેજસ્વી શિષ્યો એવા તો તૈયાર કર્યા કે જેમના દ્વારા ભારતની આધ્યાત્મિકતાનો સમગ્ર વિશ્વને પરિચય થયો. સ્વામી વિવેકાનંદે યુરોપ-અમેરિકાના લોકોને સાચા ભારતનાં દર્શન કરાવી ભારતની શ્રેષ્ઠતા, મહત્તા, દિવ્યતા શેમાં રહેલી છે તેનો પરિચય કરાવ્યો.

ભારતનું નિર્માણ જ સમગ્ર વિશ્વને પ્રકાશ આપવા માટે થયેલું છે. ભારત જગદ્ગુરુ બનવા સર્જાયેલું છે, એ વાત પશ્ચિમના જગતમાં સ્વામીજીએ અનેક વખત જણાવી હતી.

ભારતની મહાન સંસ્કૃતિની વિજયગાથા સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં પ્રસરાવીને જણાવ્યું કે હવે તો નવું ભારત ઉદય પામી રહ્યું છે. એ નવું ભારત એટલું તો મહાન હશે કે તેના ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડી જશે. ભારતીય સંસ્કૃતિનો સૂર્ય ધીમે ધીમે પોતાનો પ્રકાશ પ્રસરાવી રહ્યો છે. તેનું આર્ષદર્શન સ્વામી વિવેકાનંદે કર્યું હતું અને રામનદની સભામાં એ જણાવ્યું હતું:

‘યુગયુગાન્ત સુધી વ્યાપી રહેલી નિશાનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર જે અતીતના અંધકારમાં ડોકિયું કરવામાં ઇતિહાસ અને પરંપરા પણ નિષ્ફળ નીવડે છે, ત્યાંથી આવી રહેલો, જ્ઞાન, ભક્તિ અને કર્મના વિરાટ હિમાલયના શિખરે શિખરે પ્રતિઘોષ પાડતો, ચાલ્યો આવતો, મૃદુ, સુદૃઢ અને છતાં પોતાનાં વચનોમાં અચૂક, તેમ જ વખતના વહેવાની સાથે વિસ્તારમાં વધતો જતો એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે! અને જુઓ જુઓ, એ સાથે જ આ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઈ રહી છે; હિમાલયમાંથી વહી આવતી વાયુલહરીની પેઠે તે તેનાં મૃતપ્રાય અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યો છે. સુસ્તી ઊડતી જાય છે અને માત્ર ચક્ષુહીન જ જોઈ નહીં શકે અગર તો જાણી જોઈને અવળી મતિવાળાઓ જ નહીં જુએ કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગ્રત થઈ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે એમ નથી; હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી; કારણ કે એ વિરાટકાય (ભારત) આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ઊભો થઈ રહ્યો છે.’

સ્વામીજીની આર્ષદૃષ્ટિએ જોયેલું ભારત હવે જાગી ઊઠ્યું છે, એના આધ્યાત્મિક વૈભવથી સમગ્ર વિશ્વના દેશોને આકર્ષી રહ્યું છે. આવનાર યુગોમાં શાંતિ, બંધુતા, સમાનતા અને આત્માની એકતાના સંદેશ દ્વારા ભારતીય સંસ્કૃતિ વિશ્વફલક પર છવાઈ રહેશે અને ત્યારે સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ‘જગદ્ગુરુ ભારત’ અવશ્ય પ્રગટ થશે.

Total Views: 421

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.