ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ પૂરતું જળ મળી રહે, ખેતીવાડીને પણ મદદરૂપ થાય તે માટે જળસુવિધા ઊભી કરવા ધર્મભાવના અને સેવાભાવના સાથે રાજાઓ, શાસકો, ધર્મભાવનાને વરેલા ધનવીરો અને કેટલાક સામાન્ય સમાજના કર્મવીરો તળાવ, કૂવા, વાવ કે કુંડ ઠેક ઠેકાણે બનાવતા. એમાં કલાકારીગીરી ઊમેરીને તેને સૌંદર્યનું સ્થાન બનાવી દેતા.
કૂવાના પ્રકાર :
બૃહદ્ શિલ્પશાસ્ત્રમાં કૂવાની પહોળાઈને આધારે ‘શ્રીમુખ, વૈજ્ય, પ્રાંત, દુંદુભિ, મનોહર, ચૂડામણિ, દિગ્ભદ્, જય, નંદ અને શંકર’ એવાં નામ અપાયાં છે. મહેમદાવાદનો ભમરિયો કૂવો, માંડવા ગામનો માંડવા કૂવો અને જૂનાગઢના ઉપરકોટમાં આવેલ નવઘણ કૂવો પ્રખ્યાત છે.
ભમરિયો કૂવો, મહેમદાવાદ
ગુજરાતના નાગરિક સ્થાપત્યમાં જેનું વિશિષ્ટ સ્થાન છે તેવા આ કૂવામાં શૈલ-ગૃહ પદ્ધતિ અને બાંધકામ પદ્ધતિનો ઉપયોગ થયો છે. આ કૂવાની બનાવટમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ થયો છે અને તેના પર કોતરણી કરવામાં આવી છે. આ કૂવામાં સ્નાન કરવાના ખંડો અને પગથિયાંની મદદથી પાણીને ઉપર લાવવાની વ્યવસ્થા છે. કૂવાનો કોઠો અષ્ટકોણ છે. ઉપરથી નીચે ઊતરવા ચાર સીડીઓ છે. નીચેના મજલે ચાર દિશામાં ચાર લંબચોરસ મોટા ખંડ અને ચાર ખૂણે ચાર નાના ખંડ છે. કૂવો સ્નાનઘર અને આરામગૃહ બંનેની ગરજ સારે છે. આજુબાજુ મનોરંજન માટે ઉદ્યાન છે. અંત:પુરનું એકાંત, શીતળ સ્નાન અને આરામનો આનંદ આ કૂવાના મહાલયમાં લભ્ય છે.
માંડવાનો કૂવો, માંડવા
ભમરિયા કૂવાને મળતો આવતો આ કૂવો માંડવા ગામમાં આવેલો છે. આ સ્થાન વાત્રકના ડાબા કાંઠે ખેડા જિલ્લાના આમલિયારાજથી 8 કિલોમીટર દૂર આવેલું છે. આ કૂવાની ખૂબી એ છે કે તે માત્ર ઇંટોનો બનાવેલો છે અને એનો વ્યાસ 8 મીટર છે. કૂવામાં સાંકડી કમાન બનાવેલી છે, જેનો હેતુ પાણી ખેંચવામાં મદદરૂપ થવાનો છે. બીજી બાજુ ત્રણ માળના ઓરડા છે. કૂવામાંથી દીવાલની વચ્ચેથી નીકળતો રસ્તો પહેલેમાળે અટકે છે. દરેક માળનો વચ્ચેનો ઓરડો મોટો અને કમાનદાર બારીવાળો છે. નાના ઓરડામાં ભમરીવાળી સીડી છે. ઓરડાની દીવાલોમાં ગોખલા કરવામાં આવ્યા છે. કૂવાના આ ઓરડાઓનો ઉપયોગ ઉનાળા દરમિયાન હવાખાવાના સ્થળ તરીકે કરવામાં આવતો હશે.
વાવના પ્રકાર :
બૃહદ્ શિલ્પશાસ્ત્રમાં એકમુખી અને ત્રણ કૂટવાળી (ખંડમાળવાળી) વાવને નંદા કહે છે. એ જ રીતે મુખ અને ખંડમાળ પ્રમાણે વાવનાં નામ ‘ભદ્રા, જયા, વિજયા’ પાડવામાં આવ્યાં હતાં. વાવમાં પ્રવેશ પછી પગથિયાંબંધ નાળ હોય છે. પગથિયાં પછી કૂવાની રચના, થોડાં પગથિયાં પછી પડથાર અને તેની ઉપર માંડની રચના હોય છે, તેને રમણું કે કૂટ કહે છે. તેમાં બેસી શકાય તેવી રચના હોય છે. વાવમાં આવા ત્રણ કે તેનાથી વધારે કૂટ હોય છે. વાવની માંડની બન્ને તરફની દીવાલના અલંકૃત ગોખમાં દેવ-દેવીઓનાં શિલ્પ જોવા મળે છે. ક્યારેક એમાં જળચર જીવોનું અંકન જોવા મળે છે. મુસ્લિમના આગમન બાદ આ દેવ-દેવીઓને સ્થાને મુસ્લિમ સંસ્કૃતિની છાંટ જોવા મળે છે. અંકોલમાતા વાવ, પેટલાદની શિકોતમાતાની વાવ, અમદાવાદની આશાપુરાની વાવ, માતા ભવાનીની વાવ આનાં ઉદાહરણ છે.
ગુજરાતમાં પાટણની રાણકી વાવ, અડાલજની રૂડાબાઈ વાવ, રામપુરાની રાજબાઈ વાવ, અમદાવાદની દાદા હરિની વાવ, જૂનાગઢની અડી-કડી વાવ, વઢવાણની માધા વાવ, વીરપુરની મીનળ વાવ, કપડવંજની 32કોઠા વાવ, ઇડરની લિંબોઈ વાવ, મોઢેરાની વાવ, ખેડબ્રહ્માની વાવ વગેરે મુખ્ય છે.
કેટલીક વાવ દેવીઓના નામ સાથે સંકળાયેલી છે. વૈદિકકાળમાં નદીને કારણે ફળદ્રુપતા, સુખ-સમૃદ્ધિ મળતાં. એવી જ રીતે વાવ-તળાવનું મહત્ત્વ હતું. ગુજરાતની પ્રાચીન માન્યતા મુજબ વારુડી અને વારુચીમાતા વાવની અંદર, દરિયાકાંઠે કે નદીતળાવના કાંઠે વસે છે. તેમને ફળદ્રુપતા, સુખ-સમૃદ્ધિ અને શાંતિની દેવી ગણવામાં આવે છે. વાવ સુખ-સગવડનું પ્રતીક હતી. રાજમહેલોના મધ્યભાગમાં વાવ બનાવાતી અને રાજાના મહેલમાં લતાગૃહ, મંડપ, પુષ્પમાર્ગ અને સ્નાન માટે એક નાની વાવ બનાવવામાં આવતી. શસ્ત્રાગાર, પાણીગૃહ અને કોઠારના વિભાગમાં વાવ બનાવાતી.
તળાવના પ્રકાર :
બૃહદ્ શિલ્પશાસ્ત્રમાં તળાવના આકાર અને બાંધકામ પ્રમાણે અર્ધચંદ્ર, મહાસર, ચતુષ્કોણ, ભદ્ર અને સમુદ્ર એવાં નામ અપાતાં. ગુજરાતમાં આશરે 105 જેટલાં તળાવો છે. પાટણનું સહસ્રલિંગ તળાવ, જૂનાગઢનું સુદર્શન તળાવ, અમદાવાદનું કાંકરિયા તળાવ, વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલ સુરસાગર તળાવ, ભુજમાં આવેલ હમીરસર તળાવ, ભાવનગરનું ગૌરીશંકર તળાવ, જામનગર સ્થિત લાખોટા તળાવ, બગોદરા પાસેનું નળસરોવર, કચ્છનું નારાયણ સરોવર, વડનગરનું શર્મિષ્ઠા તળાવ વગેરે મુખ્ય છે.
સુદર્શન તળાવ
ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર (જૂનાગઢ)માં ગિરનાર પર્વત પરથી વહેતાં વહેણોને બાંધીને એક તળાવ બનાવ્યું હતું. એ તળાવ સુદર્શન તળાવના નામે જાણીતું છે. અશોકના શિલાલેખ પછી ગિરનારની તળેટીમાં આ તળાવ આવેલું છે.
સહસ્રલિંગ તળાવ
ગુજરાતની એક વખતની રાજધાની અણહિલપુર પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દશમી સદીમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું. તળાવની આજુબાજુ 1008 શિવાલયો હતાં.
કુંડના પ્રકાર :
બૃહદ્ શિલ્પશાસ્ત્રમાં ચોરસ કુંડને ભદ્ર, ભદ્ર રહિતને સમુદ્ર અને પ્રતિભદ્ર સહિત કુંડને નંદ, મધ્યભાગમાં મિરૂ હોય તેને પરિઘ એવાં નામ અપાયાં છે. કુંડ 8 હાથથી 100 હાથનો હોય છે. તેને ચાર દ્વાર હોય છે. કુંડમાં ગંગા જેવી નદીઓ, સૂર્ય, વિષ્ણુ, રુદ્ર, ભૈરવ, મહાકાલી, ગણપતિ, યમ, ઇન્દ્ર, વરુણ, કુબેર અને બ્રહ્માની મૂર્તિઓ સ્થપાતી હોય છે.
અંજનકુંડ-ડાંગ, બ્રહ્મકુંડ-શિહોર, દામોદર, રેવતીકુંડ અને ભીમકુંડ-જૂનાગઢ, ગરમ પાણીના કુંડ-તુલસીશ્યામ, ગુપ્ત પ્રયાગ કુંડ-દેલવાડા, સૂર્યકુંડ-વંથલી, પ્રાચીકુંડ-પ્રાચી, ચ્યવનકુંડ-સુત્રાપાડા, અજપાલકુંડ-વડનગર, રામકુંડ-ભુજ, જીણંદકુંડ-ઝીંઝુવાડા વગેરે પ્રચલિત કુંડ છે.
Your Content Goes Here