ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન પ્રતીત થશે. મનુષ્યની સાંસ્કૃતિક ઉન્નતિનું એવરેસ્ટ એટલે તેણે કરેલી બે અભિનવ અને અમૂલ્ય શોધો : (1) ધર્મ-તત્ત્વજ્ઞાન-અધ્યાત્મવિદ્યા (2) કલા. ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, અંતરીક્ષવિજ્ઞાન વગેરેની શોધો બેશક સીમાચિહ્નરૂપ છે, પરંતુ ખરા અર્થમાં તેને શોધો ન કહેવાય. આનું કારણ એ છે કે તે સર્વનું અસ્તિત્વ તો નિસર્ગમાં હતું જ, માત્ર માણસને તેની જાણ નહોતી. પૃથ્વી જન્મી ત્યારથી ગુરુત્વાકર્ષણબળ કાર્યરત હતું પરંતુ ન્યૂટને તેની જાણકારી મેળવી તેમજ તેને વિધિવત્ નામ-ઓળખ આપ્યાં. વરાળશક્તિ કે વિદ્યુતશક્તિ આ સૃષ્ટિ પર પોતાની રીતે સક્રિય હતી જ. જેમ્સ વોટે તથા માઈકલ ફેરેડેએ તેને પ્રમાણી. વિવિધ વાયુઓ, તત્ત્વો તથા ધાતુઓ ઘન, પ્રવાહી યા વાયુરૂપે અસ્તિત્વમાં હતાં જ. તે સૌને ઓળખવાનું, તેનાં સંયોજન કે રૂપાંતર દ્વારા કશુંક નવું નિપજાવવાનું, તેને વ્યાખ્યા કે નામ આપવાનું તથા તેને પોતાના લાભમાં વાપરવાનું માનવે ર્ક્યું. આ સર્વ શોધો અને તે દ્વારા માનવજીવનમાં આવેલું પરિવર્તન એટલે સભ્યતાની ગાથા.

માનવે કેવળ ઉપર કહી તેવી શોધો કરવામાં જ મન-બુદ્ધિ નથી દોડાવ્યાં, તેણે જરા ઉત્કૃષ્ટ દિશા પણ ગ્રહણ કરી. તે દિશા એટલે ધર્મ-અધ્યાત્મ અને કલાજગતની દિશા. ભારતના પ્રાચીન સાહિત્યમાં એવું નિરૂપણ થયું છે કે માનવીની ચિંતનશક્તિ એ તેની બહુ મોટી લાક્ષણિક્તા છે. આપણાં શાસ્ત્રો કહે છે કે મૂળ શબ્દ મનન છે. જેમાં મનન કરવાની શક્તિ છે તે મન. જેની પાસે આવું મનન-ચિંતન કરી શકે તેવું મન છે તે માનવી. આ રીતે આપણે માનવ કહેવાયા. તેના પાયામાં આપણી મનનશક્તિ છે.

જેમ મનનશક્તિ દ્વારા માનવે એક દિશામાં સભ્યતાનું ઉન્નત શિખર પ્રાપ્ત ર્ક્યું તેમ બીજી બાજુ અધ્યાત્મવિદ્યા અને કલાનો આવિષ્કાર કરી તેણે સાંસ્કૃતિક ગુરુશિખર હસ્તગત ર્ક્યું. સાંસ્કૃતિક વિકાસ એટલે માનસિક અને ચૈતસિક ઊર્ધ્વીકરણ, સૂક્ષ્મ ઉત્ક્રાંતિ. સંસ્કૃતિ એટલે હૃદય, બુદ્ધિ, મન અને ચેતનાનું વિધેયક (હકારાત્મક) સંવર્ધન. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મવિદ્યામાં પ્રવેશવાનું; તેમાં ઊંડા ઊતરવાનું સામર્થ્ય બહુ ઓછા મનુષ્યોમાં હોય છે. તે કઠિન અને નિર્વેદભાવ માગી લેનારો માર્ગ છે. સંસારથી અલિપ્ત રહીને જીવનમાં રસ દાખવવો, જીવનલિપ્તતા અને જીવન-અલિપ્તતા બંનેનો યોગ કરવો, એ અંગેનું સામર્થ્ય જવલ્લે જ હોય છે.

એક તરફ સાંસ્કૃતિક ક્ષેત્રે ધર્મ-અધ્યાત્મ જેવા નિર્મોહી વિષયોની હારમાળા છે. બીજી તરફ જીવંતતા અને જીવનરસિક્તા જાળવીને માનવીને ઊર્ધ્વગામી કરતું કલાજગત છે. બંનેની-અધ્યાત્મવિદ્યા અને કલા એ બંનેની-મંઝિલ એક છે-પરમતત્ત્વ સાથે યોગ, પરંતુ માર્ગ ભિન્ન-ભિન્ન છે. કલાની એ વિશેષતા છે કે તે જીવનરસને, લાગણીને, કલ્પનાશીલતાને, સ્વપ્નસેવીપણાને પણ સુમાર્ગે વાળી શકે છે. વાસ્તવમાં કલા દ્વારા મળતો આનંદ બ્રહ્માનંદ-સહોદર-આનંદ કહેવાયો છે, જે કલાની સત્ત્વશીલતા અને સિદ્ધિને પ્રગટ કરે છે.

કલાની વ્યાખ્યા :  વર્સ ફોલ્ડ જેવા વિદ્વાન વિચારકે કલાની જે વ્યાખ્યા આપી છે તે કલાના સ્વરૂપને સુચારુ રીતે સ્પષ્ટ કરે છે : Art is the represention of the Real in its mental aspect.  કલાના સ્વરૂપને શરદઋતુના આકાશ જેવું ચોખ્ખું કરતી આ વ્યાખ્યાનું ગુજરાતી આમ થઈ શકે – કલા એટલે વસ્તુનું તેના મનોગત (સર્જકના મનમાં ઊઠેલા) સ્વરૂપે પ્રતિનિધિત્વ. આ વ્યાખ્યાને ઉદાહરણથી સમજીએ. ઉપવનમાં ચરતો સુંદર મૃગ એ વસ્તુ (Real) અને તેનું ચિત્ર એટલે એ મૃગનું ચિત્રકારના મનમાં ઊપસેલું મનોચિત્ર. શિકારી દ્વારા પ્રેમમાં મસ્ત ક્રૌંચ પક્ષીનો શિકાર તે વાસ્તવિક્-વસ્તુ. તેમાંથી વાલ્મીકિના મનમાં ઉદ્ભવેલો શોક અને તેનું રામાયણરૂપે પ્રગટીકરણ એટલે સાહિત્યકલા.

કલાના પ્રકારો : કલાની સંપૂર્ણ વ્યાખ્યા જોયા પછી કલાના પ્રકારો અંગે વાત કરીએ. કલામીમાંસકો કલાના ચાર પ્રકાર પાડે છે. 1. સાહિત્યકલા, ર. સંગીતકલા, 3. ચિત્રકલા 4. શિલ્પકલા. અહીં એટલું સ્પષ્ટ કરવું જોેઈએ કે નૃત્યકલા એ મિશ્રકલા ગણાય છે. તેમાં સાહિત્ય, સંગીત તથા ચિત્ર કે શિલ્પકલા એ સર્વ કલાઓ જુદી જુદી માત્રામાં, જુદી જુદી ભૂમિકાએ પોતપોતાનું યોગદાન આપતી હોય છે તેથી તે મિશ્રકલા છે. નાટક કે (સારી) ફિલ્મો પણ આ રીતે મિશ્રકલા કહેવાય.

આ ચાર કલાઓને ઉચ્ચાવચતાનો ક્રમ આપવો યોગ્ય નથી અને જરૂરી પણ નથી. આમ છતાં અહીં તે જે ક્રમમાં મૂકી છે તે ક્રમ સહેતુક છે. આ ક્રમ કલાઓને તેમની પરમશુદ્ધિ થકી અપાયેલો ક્રમ છે. આ પરમશુદ્ધિ એટલે જે તે કલાના માધ્યમની અમૂર્તતા (સૂક્ષ્મતા) અને તેની (માધ્યમની) નિર્ભેળ-નિરપેક્ષ્ા પ્રતીકાત્મક્તા.

અહીં પ્રથમ નંબરે સાહિત્યકલા મૂક્વામાં આવી છે જેનું માધ્યમ ભાષા-શબ્દ છે. સાહિત્યકલા ભાષાના માધ્યમથી પ્રગટ થાય છે. (ભાષા પોતે પણ માનવીની એક અદ્‌ભુત શોધ છે.) ભાષાની સૂક્ષ્મતા એટલે સાહિત્યકૃતિ અને ભાવક વચ્ચેના અર્થબોધના, અનુભૂતિબોધના પ્રત્યાયન(કોમ્યુનિકેશન)ની વિલક્ષ્ાણતા. ઉપરાંત મોટાભાગના શબ્દો અને તેના અર્થ વચ્ચેના સંબંધને પણ આપણે વિલક્ષણ સંબંધ જ કહેવો પડે. દા.ત. ‘બાળક’ શબ્દ અને બાળક વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય હોય છે અને તેવા કોઈ સામ્યની આપણે (ભાવક) અપેક્ષ્ા પણ નથી રાખતા!  ભાષા દ્વારા પ્રત્યાયન પામતા અર્થબોધમાં ત્રિવિધતા છે : અભિધાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ.

સંગીતકલાનું માધ્યમ સૂર છે જે પણ અમૂર્ત છે, તે સપ્તસૂરોનું નાનાવિધ સંયોજન, અનેક રાગ-રાગિણીનું પ્રતીક બનીને આવે છે. ચિત્રકલાનું માધ્યમ રેખા અને રંગ છે. આ માધ્યમ મૂર્ત છે, પ્રગટ છે, જોેઈ શકાય તેવું છે. ઉપરાંત ચિત્રકાર દ્વારા દોરાયેલું મૃગનું ચિત્ર પણ મૂળ મૃગ (જીવંત મૃગ) સાથે ઘણું સામ્ય ધરાવે છે. ચિત્ર પરિમાણીય હોય છે અને તેમાં રંગ દ્વારા ત્રીજા પરિમાણનો આભાસ ઊભો કરી શકાય છે. અર્થાત્ તેમાં અમૂર્તતાને મૂર્તતાનો આભાસ અપાયો છે. શિલ્પકલાનું માધ્યમ વિવિધ પથ્થરો, માટી કે માવો છે. આ માધ્યમ મૂર્ત છે અને તેમાંથી કંડારાયેલું શિલ્પ અપ્રતિમ સૌંદર્યને યા ગહન ભાવને પ્રગટ કરે છે. શિલ્પ ત્રિપરિમાણીય હોય છે. તેનું સ્વરૂપ ભૌતિક-મૂર્ત હોવાથી તેના દ્વારા થતો કલાનુભવ ભાવક માટે સુગ્રાહ્ય હોય છે.

કાવ્ય, નવલિકા, નાટક, નવલકથા વગેરે સાહિત્યકલાનાં દૃષ્ટાંતો, નમૂના કે કલાકૃતિ છે. શાસ્ત્રીય, સુગમ, લોક કે ફિલ્મસંગીતનો કાર્યક્રમ યા તેનું અંકન તે સંગીતકલાનું પ્રગટીકરણ છે. લિયોનાર્દો દ વિન્ચી, રાજા રવિ વર્મા કે સોમાલાલ શાહનું દોરેેલું ચિત્ર એટલે ચિત્રકલાનું પ્રતિનિધિત્વ. એલીફન્ટા ખાતેનું ત્રિમૂર્તિનું મહાશિલ્પ કે મંદિરોમાં કંડારાયેલી નાની, નાજુક શિલ્પકૃતિઓ એ શિલ્પકલાના નમૂના કે દૃષ્ટાંતો છે.

કલાનું સાધ્ય : કલાને બે-ત્રણ બાજુથી સમજવાનો પ્રયત્ન ર્ક્યા પછી આપણે એ પણ જાણવું જોઈએ કે કલાનું સાધ્ય શું છે ? તે પોતાના પ્રગટીકરણ દ્વારા શું સિદ્ધ કરે છે ?

આ અંગેના ઉત્તરો મેળવતાં પૂર્વે કલાના સંદર્ભમાં થોડી સ્પષ્ટતાઓ જરૂરી છે. પહેલી સ્પષ્ટતા એ કે કલાસર્જક-કલાકાર વિશિષ્ટ પ્રતિભા ધરાવતો હોય છે અને હોવો જોઈએ. એ વગર કલાસર્જન અસંભવિત છે. આવી પ્રતિભા એ ઈશ્વરની ભેટ છે. કલાકાર જન્મે છે, તેને ઘડી કે બનાવી શકાતો નથી. બીજી બાબત એ કે કલાસર્જન માટે એક આંતરિક ધકકો હોય છે. તે ધકકા વગર કલાકૃતિ સર્જી શકાતી નથી અને એવા ધક્કાને રોકી પણ શકાતો નથી. જેમ પૂરા માસે માતા સંતાનને જન્મ આપે જ છે, તેવાં જ ધોરણો કલાકાર અને તેની કલાકૃતિને લાગુ પડે છે. ત્રીજી બાબત એ કે કલાનું પ્રગટીકરણ અનિવાર્ય છે. જ્યાં સુધી કલા કૃતિરૂપે પ્રગટ ન થાય ત્યાં સુધી તે કલા ન કહેવાય. કલાસર્જન એટલે સર્જકથી ભાવક સુધીની કલાની અનિવાર્ય યાત્રા. ચોથી વાત એ કે લિપિ, સ્વરાંકન, પીંછી-રંગપેટી અને ટાંકણું એ માધ્યમો નથી. તે બધાં સાધનો છે. પાંચમી અને મહત્ત્વની સ્પષ્ટતા એ કે કલા પોતે, વાસ્તવમાં, કશું સિદ્ધ કરવા માટે નથી પ્રગટતી. તેનું પ્રગટીકરણ જ તેનું સાધ્ય છે. કાવ્ય માટે કહેવાયું છે કે ‘A poem should not mean, but be.’ અર્થાત્ કવિતાનો ભાવાર્થ શું છે તે મહત્ત્વનું નથી, તે કવિતા હોવી જોઈએ. બધી કલાઓ તથા કલાકૃતિઓ માટે આવું કહી શકાય. દરેક કલા શું સિદ્ધ કરે છે તે નહીં, તે કલા છે કે નહીં તે મહત્ત્વનું છે. વિનોબાજીએ સાધુની વ્યાખ્યા આપતાં કહેલું કે, સાધુ એ છે જે પોતે કાંઈ જ નથી કરતો પરંતુ તેની હાજરી માત્રથી અગણિત કર્મો થાય છે. આ સંદર્ભમાં તેમણે સૂર્યનું ઉદાહરણ આપેલું. કલાકૃતિનું પણ સૂર્ય જેવું સમજવું. તે પોતે કશું નથી કરતી પણ તેની હાજરી જ અગણિત અસરો સર્જે છે.

આનો અર્થ-સાર એ કે કલા પોતે કોઈ આશયો કે પ્રયોજનો લઈને નથી પ્રગટતી. તેનું પ્રગટીકરણ, તેની મૂર્તિમંતતા, તેની હાજરી માત્ર, જે વ્યાપક તથા ગહન અસરો સર્જે છે તેની આપણે નોંધ લેવાની છે.

કલાના પ્રગટીકરણ દ્વારા જે મહત્ત્વનો પ્રભાવ પડે છે તે છે સૌંદર્યાનુભૂતિનો. કલા તેના ભાવકને, આસ્વાદકને સૌંદર્યબોધ કરાવે છે, સૌંદર્યાનુભવ કરાવે છે. તે ભાષાસૌંદર્ય, નાદસૌંદર્ય, રંગ-રેખા દ્વારા નિષ્પન્ન થતું ચિત્રિતસૌંદર્ય કે પથ્થરમાંથી પ્રગટતું શિલ્પસૌંદર્ય હોઈ શકે. વાસ્તવમાં કલાની હાજરી જ ભાવકને સૌંદર્યબોધ કરાવે છે. કલાકૃતિની હાજરી એટલે સુંદર વાંચ્યું, પ્રસન્નકર જોયું અને આહ્લાદક સાંભળ્યુંની પ્રતીતિ.

કલાનો બીજો પ્રભાવ છે લાગણીશીલતાના નિર્માણનો. આપણા મનોજગતમાં કલાનો પ્રવેશ હૃદયના માધ્યમથી થાય છે. કલાકૃતિ સીધી જ આપણા હૃદયને સ્પર્શે છે. હૃદય દ્વારેથી તે આપણી ચેતનામાં, આપણા ભાવજગતમાં પ્રવેશે છે. હૃદયની પ્રકૃતિ છે સંવેદનશીલતાની, ઊર્મિશીલતાની. હૃદય કોમળ છે, ઋજુ છે, સંવેદનશીલ છે. કલાના સ્પર્શ દ્વારા તેની સંવેદના જાગે છે, ઝંકૃત થાય છે. કલાનું સેવન આપણી સંવેદનાને ઝંકૃત કરે છે, જગાડે છે, પોષે છે અને સંવર્ધિત કરે છે. કલા દ્વારા કેળવાતી સૌંદર્યદૃષ્ટિ તથા સંવેદનશીલતા નિર્વિકાર હોય છે, પરિશુદ્ધ હોય છે. શુદ્ધ કલાનો માનવચિત્ત પર આ બહુ નોંધપાત્ર પ્રભાવ કહેવાય. કલા દ્વારા સર્જાયેલો માહોલ જ એવો હોય છે કે વિકારી, અભદ્ર ભાવોને માટે ત્યાં અવકાશ નથી હોતો. જેમ પ્રકાશના આગમન સાથે અંધકારનો નાશ અપરિહાર્ય છે તેમ કલાજન્ય વાતાવરણમાં કશું અભદ્ર, વિકારી, બીભત્સ, છીછરું ટકી શક્તું નથી. તેમાં સૌંદર્ય અને ઊર્મિઓ શિવકારી, પાવનકારી બની જાય છે.

નવી પેઢીની કેળવણી માટે કલા બહુ સશક્ત માધ્યમ છે. કલાના આસ્વાદન તથા સેવનથી માનવીની સહજવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થાય છે. કલાસ્પર્શ થકી આપણી વૃત્તિઓ પ્રાકૃતિક રંગ છોડી સાંસ્કૃતિક રંગ ધારણ કરે છે.

માણસને માનવ (માનવતાસભર) બનાવવા માટે ચારેક સબળ અને કાલજયી માધ્યમો છે. તે છે ચારિત્ર, પ્રેમ, જ્ઞાન અને કલા. આ ચારેયની પોતાની આગવી કેળવણીશૈલી છે. આપણે કલાની કેળવણીશૈલી સમજીએ. સંસ્કૃત ભાષાના પ્રખર આલંકારિક મમ્મટે સાહિત્યના પ્રભાવ અંગે કહ્યું છે કે, તે (સર્જનાત્મક સાહિત્ય) માનવીને પ્રિય પત્નીની માફક ઉપદેશ આપે છે. મમ્મટનું આ વિધાન બધી કલાઓને લાગુ પડે છે. જેવી રીતે પ્રિય પત્ની પ્રેમભરી સમજાવટથી પતિને સુમાર્ગે વાળે છે તેવી રીતે બધી કલાઓ તેનું સેવન, તેનો આસ્વાદ કરનાર માનવીનું કલ્યાણ કરે છે.

કલાસર્જન અને કલાસેવન એ બંને ક્રિયાઓ એક પ્રકારની સાધના જ છે. જેમ કોઈ ધર્મસાધના કરે, કોઈ યોગસાધના કરે તેમ કોઈ કલાસાધના પણ કરી શકે. શિક્ષ્ાણ અને કેળવણીમાં કલાનું સ્થાન અનિવાર્ય છે. મનુષ્યના વ્યક્તિત્વના ઊર્ધ્વીકરણમાં, તેના ચારિત્ર નિર્માણમાં કલા બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કલા એટલે યુવાનોના આંતરવિકાસ માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. કલા તેની રસિક્તા થકી સ્વાદિષ્ટ લાગે છે અને સંસ્કાર-ઘડતર દ્વારા પૌષ્ટિક સાબિત થાય છે.

કલા માનવીનો એવો ગુરુ છે, જે મનુષ્ય માટે શ્રેયસ્કર હોય તેને પ્રેય બનાવીને પીરસે છે. માનવીના અંત:કરણને કેળવીને તે મનુષ્યને તેના છ દુશ્મનોથી મુક્ત કરે છે. આપણું એ સદ્ભાગ્ય છે કે બહુ પ્રાચીન સમયથી ભારત સાહિત્યકલા, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા અને સંગીતકલામાં બહુ સમૃદ્ધ પરંપરા ધરાવે છે. આવનારી પેઢીઓ તેના વડે પોષાયા કરે તેવી શુભકામના અને પ્રભુપ્રાર્થના!

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.