મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા.

ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર અને બુદ્ધના સમયમાં મગધના હર્યંકવંશે મગધની આણ અને શક્તિનો વિસ્તાર કરી સામ્રાજ્ય સ્થાપ્યું હતું. બુદ્ધના સમય પૂર્વે મગધ સોળ મહાજનપદો પૈકીનું એક મહત્ત્વનું નૃપતંત્રી રાજ્ય હતું. આ રાજ્ય અન્ય રાજ્યો કરતાં ઘણી બધી રીતે વિશિષ્ટ અને વિલક્ષણ હતું. હર્યંક વંશના રાજા બિંબિસાર ઉર્ફે શ્રેણિકે મગધને શક્તિશાળી અને સમૃદ્ધ મહારાજ્યમાં વિસ્તાર્યું હતું. તેના પ્રયત્નોથી ખૂબ અલ્પકાળમાં મગધની રાજધાની રાજગૃહ વાણિજ્ય, વિદ્યા, ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બની ગઈ હતી.

જૈન અનુશ્રુતિ અનુસાર બિંબિસારે જૈન ધર્મના ઉપદેશનો અંગીકાર કર્યો હતો, જ્યારે બૌદ્ધ સાહિત્ય પ્રમાણે તે બૌદ્ધ ધર્મનો પરમ ઉપાસક હતો. તેના અરધી સદી જેટલા લાંબા રાજ્યશાસનથી અધીરા બનેલા મહત્ત્વાકાંક્ષી પુત્ર અજાતશત્રુએ તેને કેદ કર્યો, જ્યાં તેનું કરુણ દેહાવસાન થયું. પછી રાજસત્તા અજાતશત્રુના હાથમાં આવી. તેનો બાજુના રાજ્ય કોસલ સાથે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. અજાતશત્રુ તેના પુત્ર ઉદાયીના ષડ્યંત્રથી માર્યો ગયો. ઉદાયીના અત્યાચારથી પ્રજાએ એ રાજવંશ સામે બળવો કરીને કાશીના રાષ્ટ્રિ (સૂબેદાર) શિશુનાગને મગધની ગાદીએ બેસાડ્યો. શિશુનાગની રાજખટપટોને કારણે તેનું પણ કાસળ કાઢવામાં આવ્યું.

આમ શિશુનાગના કરુણ અંજામથી મગધમાં નંદવંશની સ્થાપના થઈ. ત્યારબાદ આવ્યા નવ નંદો. પ્રથમ હતો મહાપદ્મનંદ અને છેલ્લો ધનનંદ. શોષણથી અપ્રિય બનેલા ધનનંદનો ચાણક્ય નામના બ્રાહ્મણે અંત આણ્યો અને મગધના રાજસિંહાસન પર ચંદ્રગુપ્ત મૌર્યને બેસાડવામાં આવ્યો.

આમ ઇતિહાસના ફલક પર દૃષ્ટિ નાખતાં જણાય છે કે આ યુગમાં સત્તાલાલસા, આંતરવિગ્રહ, રાજખટપટ, ષડ્યંત્ર, શોષણ અને યુદ્ધનું પ્રભુત્વ હતું. એ સમયગાળામાં કોઈ કલા કે સ્થાપત્યનો નોંધપાત્ર વિકાસ થયો નહીં હોય તેમ નિમ્નદર્શિત મુદ્દાઓના આધારે કહી શકાય.

ચિત્રકલા – મૌર્યયુગ અને તે પૂર્વેના સમયગાળાનાં ચિત્રોના કોઈ ઐતિહાસિક નમૂના ઉપલબ્ધ નથી. પરંતુ ઈ.સ. 300ની આસપાસ લખાયેલા ‘વિનયપિટક’માં ભીંતો પર ચિત્રો દોરેલા મહેલોનો ઉલ્લેખ છે, તેથી કહી શકાય કે મગધયુગમાં ચિત્રકલા વિકસેલી હશે. ચીની મુસાફરો ફાહિયાન અને હ્યુએનસંગ પણ ભીંતચિત્રોવાળાં મકાનોનું વર્ણન કરે છે. આ વર્ણનોથી જાણી શકાય કે તે યુગમાં ચિત્રકલા જરૂર પાંગરી હશે.

શિલ્પકલા – સિંધુતટની ઇંટો અને શિલાઓ પછી વૈદિક યુગમાં લાકડાનો ઉપયોગ હશે એમ નમૂનાઓ કહે છે પરંતુ ત્યારબાદના કોઈ નક્કર પુરાવા મળતા નથી. તેથી મગધયુગની શિલ્પકલા વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળતી નથી.

સ્થાપત્યકલા – શિલ્પકલાની જેમ જ અતિપ્રાચીન સિંધુ સંસ્કૃતિનું ઇંટ-પથ્થરનું સ્થાપત્ય મકાન, મોરી, સ્નાનગૃહ પૂરતું મર્યાદિત જ હતું અને ત્યારબાદના વેદકાલીન સ્થાપત્યનાં તો માત્ર વર્ણનો મળે છે, કોઈ નમૂના મળતા નથી; કારણ કે ત્યારે મોટે ભાગે કાષ્ઠનું સ્થાપત્ય હતું એમ જણાય છે. મગધકાળની મોટા ભાગની ઇમારતો લાકડાની હતી તેથી ત્યારના અવશેષો જવલ્લે જ ઉપલબ્ધ છે એમ કહી શકાય. તેથી તત્કાલીન સ્થાપત્યકલા વિશે સ્પષ્ટપણે કહેવું સંભવ નથી.

Total Views: 214
By Published On: November 1, 2016Categories: Harshadbhai Patel0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram