ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન જીવનની પૂર્ણતાનો છે.’ આ વૈવિધ્યપૂર્ણ વારસામાં ભવ્ય કલાવારસો આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતો નથી જ.

આ ‘કલા’ એ શું છે? સામાન્ય રીતે કહીએ તો કોઈ વિશિષ્ટ માધ્યમ દ્વારા માનવીય અનુભૂતિઓ-સંવેદનાઓનું વિલક્ષણ અને રમણીય-રસાત્મક રીતે અભિવ્યક્તીકરણ થાય એને ‘કલા’ કહેવાય. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કલા સૌન્દર્યનું પ્રતિનિધિત્વ કરે છે એટલે બધે કલા હોવી જોઈએ.’ આનો અર્થ તો એ થયો કે આપણા ખાન-પાન, આરોગ્ય, ખેલકૂદ, સાહિત્ય, નીતિશાસ્ત્ર, શાસન, વિજ્ઞાન બધામાં સૌન્દર્ય-કલામયતા હોવી જોઈએ. સ્વામીજી વળી આગળ કહે છે: ‘કલામાં પ્રકૃતિનો સ્પર્શ હોવો જોઈએ. જ્યાં એ સ્પર્શનો અભાવ હોય, ત્યાં કલાની અવગતિ થાય છે અને આમ છતાં કલા તો પ્રકૃતિની પેલી પાર જ વસનારી છે.’ આવી રીતે સ્વામીજીએ કલામાં સૌન્દર્ય અને પ્રકૃતિથી અતીતાવરણનો નિર્દેશ કર્યો છે.

ભારતના પ્રાચીન કલામર્મજ્ઞોનો આદર્શ સમજાવતાં સ્વામીજી કહે છે: ‘પ્રાચીન કલાકારો પોતાના મસ્તિષ્કમાંથી મૌલિક આદર્શો-વિચારો ઉત્ક્રાન્ત કરતા રહેતા અને પોતાની કલામાં એને અભિવ્યક્ત કરતા રહેતા. ભારતીય કલાનું રહસ્ય આદર્શનું પ્રતિનિધિત્વ કરવાનું હતું.’ હવે શું આપણે એ વારસાની, એ કલાકૃતિઓની ઓછામાં ઓછું કંઈ નહિ, તો જાળવણી ન કરવી જોઈએ? આપણો એ સંચિત નિધિ નષ્ટ થઈ રહ્યો છે!  એ વારસો જ આપણી અસ્મિતા છે, આપણી ખાસિયતો છે. આ ખાસિયતો આપણી રહેણીકરણીમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા લોહીમાં વણાયેલી છે. અને ખોઈ બેસીશું તો આપણા સમગ્ર અસ્તિત્વને ગુમાવી દઈશું. એટલે સ્વામીજી ભારપૂર્વક એ કલાઓનું જતન કરવાનો સંદેશ આપે છે.

આ કલાઓ ચિત્ર, શિલ્પ, રંગ, સાહિત્ય, સંગીત, નાટ્ય, સૌંદર્યપ્રસાધનો, આભૂષણો, વંશવૃક્ષ આદિમાં નજરે પડે છે. આ ભારતીય કલાઓમાં જે રીતે સંસ્કૃતિનાં દર્શન થાય છે, તે હવે આપણે જોઈશું.

આ બધી કલાઓ માનવીય ભાવોને અભિવ્યક્ત કરે છે. આ ભાવની અભિવ્યક્તિ જ કલાનું મૂળ છે. એના અભાવમાં ગમે તેટલા બહારના દેખાવ હોય તો પણ એ કલા ન કહેવાય. દરેક માનવસમાજનું માનસ પોતાની આગવી કાર્યદિશામાં આગળ વધતું હોય છે. ભારત પણ તેમાં અપવાદ નથી. જ્યારે સમાજ પોતાના-સ્વકીય ભાવવિશ્વને કોઈ કારણે ખોઈ બેસે છે ત્યારે કલાનું પતન થાય છે. સ્વામીજી કહે છે, ‘કદાચ મુસલમાનોના વિજયની બે શતાબ્દી પહેલાં આપણી એ રાષ્ટ્રિય શક્તિ ક્ષીણ થવા લાગી. એ કાળે આપણી રાષ્ટ્રિય પ્રતિભા એવી તો અતિરંજિત થઈ ગઈ કે એ પોતે જ અવનતિ તરફ આગળ વધી. આ અવનતિ આપણને ભારતીય શિલ્પકલા, સંગીત, નાટ્ય, વિજ્ઞાન, બધે જ જોવા મળે છે’.

આપણે આગળ જોઈ ગયા કે સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરતી આ કળા જીવનનાં બધાં જ કાર્યોમાં હોવી જોઈએ. ભારતીય મનીષીઓએ આવી કલાઓની સંખ્યા 64 ગણાવી છે. એમાંથી ઊડીને આંખે વળગતી કેટલીક સર્વસંમત કલાઓને ભારતીય સંસ્કૃતિના સંદર્ભે સ્વામીજીની નજરે નિહાળીએ.

સ્વામીજીનો ઝુકાવ સંગીતકલા પ્રત્યે વધુ હતો. એથી સંગીત, નાટ્ય અને નૃત્યકલા વિશે આપણે પહેલાં વિચારીએ તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ત્રણ સૂરોમાં ગવાતા અતિ પ્રાચીન વૈદિકમંત્રો સંગીતકલાનું મૂળ છે. સ્વર એનું સૂક્ષ્મ માધ્યમ છે. આ કલાનું ગંભીર અધ્યયન-સાહિત્ય સંસ્કૃત ગ્રંથોમાં સચવાયું છે.

નાટ્યકલા પણ વૈદિક સંવાદોનાં બીજમાંથી પ્રેરિત ભરતમુનિના નાટ્યશાસ્ત્રના સમયકાળથી (ઈ.સ. પૂર્વે પહેલી કે બીજી સદી) વિકસી અને વિકસતી રહી છે. આ કલા સંગીતની સહોદરી છે. બન્ને કલા સમાંતરે ચાલે છે, એક બીજામાં પરોવાયેલ છે. એમાં ચતુર્વિધ અભિનયના માધ્યમથી ભાવની અભિવ્યક્તિ થાય છે. ભરતમુનિના વિસ્તૃત અને સર્વાંગી નાટ્ય-વિવેચન પછી પણ શૌનક આદિએ નાટ્યવિવેચનો કર્યાં છે. નાટ્યકલાનાં અંગોપાંગો અને રસ આદિનો વિકાસ પછીના ગ્રંથોમાં થયો અને એ રીતે આ નાટ્યકલા અને સંગીતકલા બન્ને જોડિયાં બહેનો બની રહ્યાં. આ બન્ને કલાઓનું વિશાળ સાહિત્ય સંસ્કૃત ભાષામાં જળવાયું છે.

નાટ્યકલા વિશે સ્વામીજી કહે છે, ‘ભારતમાં નાટક એક પવિત્ર વસ્તુ મનાતી હતી. નાટક અને સંગીત પોતે જ ધર્મ લેખાય છે. કોઈપણ ગીત-પછી તે પ્રેમગીત હોય કે બીજું કંઈ હોય-જો માણસ એમાં પોતાના સમગ્ર આત્માને પરોવે તો તે માણસને મુક્તિ મળે છે. એને બીજું કશું કરવાપણું રહેતું નથી. એમ કહેવાય છે કે જે સ્થિતિ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે, તે સ્થિતિ સંગીતથી પણ મેળવાય છે!’ ઉપરના ઉદ્ધરણમાં સ્વામીજી એક સાથે નાટક અને સંગીત બન્ને વિશે સમાન અભિપ્રાય આપે છે.

એ રીતે નૃત્યકલા પણ અંગભંગીના માધ્યમથી ભાવની અભિવ્યક્તિ કરતી કલા છે. ઉપરની બન્ને કલાઓ સાથે આ કલાનો પણ સહોદરીનો નાતો છે. गीतं नाट्यं च नृतं च त्रयं संगीतमुच्यते। આમ નૃત્યકલા પણ સંગીતનું એક ઘટક ગણાય છે. એટલું જ નહિ પણ કહેવાયું છે કે ‘નૃત્યકલા વગર ચિત્રકલા અને સંગીત વગર નૃત્યકલા નિરર્થક છે.’ એમ કરીને ચિત્ર, નૃત્ય અને સંગીતનો પરસ્પરનો સંબંધ પણ બતાવવામાં આવેલ છે. નૃત્યકલાનો અતિ પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદના 1.92.4માં મળે છે. તેમાં કહ્યું છે કે ‘ઉષાદેવી નર્તિકાનાં તરેહ તરેહનાં રૂપો ધારણ કરે છે.’

પ્રશિષ્ટ નૃત્ય પરંપરાના આચાર્ય પણ ભરતમુનિ જ છે. એમણે નૃત્યનાં 36 પ્રકરણો પોતાના નાટ્યશાસ્ત્રમાં લખ્યાં છે. ત્યાર પછી અગ્નિપુરાણ, પાણિનિસૂત્ર વગેરેના સંદર્ભો પણ છે. આ નૃત્યકલાનો સમાવેશ પણ સંગીતના જ એક અંગ તરીકે થઈ જતો હોઈને સ્વામીજીના સંગીત વિષયક બધા પ્રતિભાવોને અહીં પણ યોજવા જોઈએ.

જેવી રીતે સંગીત-નાટક-નૃત્યકલાની ત્રિપુટી પરસ્પર સંબદ્ધ છે એવી જ રીતે ચિત્રકલા અને શિલ્પકલા વચ્ચે પણ સહોદરીપણું છે. ચિત્રકલામાં રંગ અને પીંછીના માધ્યમથી અને શિલ્પકલામાં પથ્થર અને ટાંકણાના માધ્યમથી ભાવની અભિવ્યક્તિ થાય છે. ચિત્રકલાનો પ્રાચીન ઉલ્લેખ વિષ્ણુધર્મપુરાણમાં વિસ્તારથી થયો છે. નારાયણમુનિનો તપોભંગ કરવા ગયેલી અપ્સરાઓ નારાયણમુનિએ ચિત્રમાં સર્જેલ ઉર્વશીના અપૂર્વ રૂપથી છોભીલી પડી ગઈ. નારાયણમુનિ મહાન ચિત્રગુરુ હતા. એ જ રીતે શિલ્પ અને સ્થાપત્યની કળાઓ પણ ભારતમાં છેક પ્રાચીન યુગથી શરૂ થઈને ગુપ્ત-મૌર્ય વગેરે કાળમાં વિકસતી રહીને આજ સુધી ચાલી આવી છે. સ્તૂપો, વિહારો, કમાનો, વાવ, ગુફાઓ વગેરે એનાં ઉદાહરણો પૂરાં પાડે છે. આજે પણ એ કલાઓ વિકસી રહી છે.પણ અહીં સ્વામીજી કહે છે, ‘…શિલ્પકલામાં ભારત અગ્રણી હતું. અત્યારે જે કરવામાં આવે છે, તે માત્ર અનુકરણનો પ્રયાસ છે.’ વળી આગળ તેઓ કહે છે, ‘શિલ્પકલામાં હવે તે વ્યાપક પરિકલ્પના રહી નથી. ભાવોની ઉદાત્તતા તથા રૂપ-આકારના સૌષ્ઠવનો પ્રયાસ હવે રહ્યો નથી.’

આ વાત ચિત્રકલાને પણ લાગુ પડે છે. કીર્તન અને ધ્રુપદમાં જ ખરું સંગીત જોનારા સ્વામીજી કહે છે, ‘ઇસ્લામી સુરાવટને લીધે સંગીત બગડી ગયું છે… જ્યારે એક સૂર બીજા સૂર પછી આવા દ્રુત ક્રમમાં આવે છે ત્યારે સંગીતનું બધું લાવણ્ય માર્યું જાય છે.’

આમ, ચિત્ર, સ્થાપત્ય, શિલ્પ, સંગીત, નાટ્ય, નૃત્યકલાઓ ઉપરાંત પણ સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો, કેશગુંફન, સુશોભન વગેરે તેમજ કામકલા આદિ અનેક કલાઓ ભારતમાં પોતાની આગવી સાંસ્કૃતિક લાક્ષણિકતા સાથે વિકસતી રહી છે પણ સ્વામીજીએ આ કલાઓ ઉપર પોતાના ખાસ પ્રતિભાવો આપેલા હોય એમ જણાતું નથી, એનું કારણ એ લાગે છે કે આ બધી કલાઓનાં માધ્યમો સ્થૂળ છે અને એનો સ્તર વ્યાવહારિક-જાગતિક સત્તાનો હોઈ, સ્વામીજી જેવા સંન્યાસીને માટે એ વિશે પ્રતિભાવ આપવાનું યોગ્ય નહીં જણાયું હોય.

અહીં એક ખૂબ મહત્ત્વની વાત યાદ રાખવાની છે કે ભારતની આ બધી જ કલાઓનો વિકાસ ધર્મને આશ્રયે જ થયો છે – મંદિર નિર્માણમાં શિલ્પ-સ્થાપત્યનો, ધર્મનાં સ્થાનોમાં જ ચિત્રકલાનો, મંદિરોના જ નૃત્યમંડપોમાં નૃત્યકલાનો, કીર્તનોમાં સંગીતકલાનો, ધર્મોત્સવોમાં નાટ્યકલાનો વગેરે. આ રીતે બધી જ કલાઓ ધર્મને ઓથે જ વિકસી છે. આ ધર્મ, અંગ્રેજીમાં જેને ‘રિલિજન’ કહે છે તેવો કોઈ વ્યક્તિસ્થાપિત વિશિષ્ટ સંપ્રદાયના અર્થનો ધર્મ નથી, પણ એવા સર્વસંપ્રદાયોમાં જે એક ‘સદ્ અસદ્ વિવેક’નું તત્ત્વ રહેલું છે, તે વૈશ્ર્વિક અને સનાતન ધર્મ છે. સ્વામીજી એને ‘વેદાંતધર્મ’ એવું નામ આપે છે. એ ધર્મને કેન્દ્રમાં રાખીને આ બધી કલાઓ વિકસી છે. એ ઘટનાથી એવું નક્કી થાય છે કે ભારતીય સમાજની સભ્યતા, સંસ્કૃતિનું મધ્યબિંદુ આ વૈશ્ર્વિક સનાતન ધર્મ જ છે. આ વેદાંતધર્મના ધરાતલ પર જ ભારતીય સંસ્કૃતિ પ્રવહમાણ છે. સ્વામીજીના મતે ભારતીય સમાજ અને એની સભ્યતા-સંસ્કૃતિ આ ધરાતલ ખોઈ બેસશે તો એ નાશ પામશે. અને જો ભારત નાશ પામશે તો વિશ્વ જ નાશ પામશે કારણ કે કલાઓમાં સમાજનું પ્રતિબિંબ પડે છે.

આ કલાઓ એ પરમની સાધના જ છે. પરમની પ્રાપ્તિ એ કલાનું પ્રયોજન છે. ‘કલાને માટે કલા’નો પશ્ચિમી મત સ્વામીજીને અને ભારતની કોઈપણ સમજદાર વ્યક્તિને માન્ય ન જ હોય. પરમની પ્રાપ્તિ એટલે ‘સ્વ’ના પરિઘનો ત્યાગ કરીને-‘સ્વ’ને ખોઈને વિરાટને પામવાની પ્રક્રિયા. એટલે આગળ બતાવ્યું તેમ આપણા જીવનની બધી જ ક્રિયા કલામય હોવી જોઈએ. સ્વામીજી કહે છે, ‘આપણે જાણીએ કે ન જાણીએ, પરંતુ આપણે બધા મુક્તિ તરફ જ ચાલી રહ્યા છીએ.’

‘સ્વ’ને ખોવા માટે એકાગ્રતા આવશ્યક છે. કલામાં તલ્લીન કલાકાર એકાગ્ર થઈને, પોતાને ખોઈને પરમને પામે છે. સ્વામીજી કહે છે, ‘આત્મત્યાગ જ મૂલત: સભ્યતા(સંસ્કૃતિ)ની આધારભૂમિ છે.’

જ્યાં સુધી ભારતીય કલાકારોમાં આ વિભાવના ઊંડે ઊંડે પણ મોજૂદ છે ત્યાં સુધી સ્વામીજી ભાખે છે કે ‘ભારત રાષ્ટ્ર ક્યારેય અન્યને પરાજિત કરનારું બળવાન રાષ્ટ્ર નહીં બને, ક્યારેય નહીં. … રાષ્ટ્રોની સંગતિમાં ભારત એવો (રાજનૈતિક) સ્વર ક્યારેય ન બજાવી શકે! તો પછી ભારતનો સ્વર કયો હશે? ઈશ્વર અને કેવળ ઈશ્વર જ!’ આમ છતાં, આજે કલાઓની ભારતમાં થઈ રહેલી અવનતિથી સ્વામીજી ચિંતિત છે, ખાસ કરીને સંગીત, સાહિત્ય, શિલ્પકલા પરત્વે એ ખિન્ન છે. સાહિત્યમાં સમાસની બહુલતા અને શ્ર્લેષોના ઠઠારાને તેઓ તિરસ્કારે છે. ધ્રુપદ ગાયકીને છોડીને મુસલમાની સંગીતના નાસિકા ગાયનથી તેઓ કંટાળે છે. શિલ્પકલામાં કલ્પનારાહિત્ય, ઉદાત્તભાવોની ઊણપ અને રૂપ-આકારના સૌષ્ઠવ માટેના પ્રયત્નનો અભાવ તેમને ખૂબ સાલે છે.

આપણે શ્રદ્ધા રાખીએ કે અર્વાચીન કલાકારો આત્મખોજ કરે, પોતાના દેશના ધર્મકેન્દ્રી ધરાતલને પિછાણીને પોતાની કલાને એ ધરાતલ પર જ ગતિશીલ રાખે. આ અધ્યાત્મકેન્દ્રિતાથી જ ભારતની ભલાઈ થશે. સ્વકીય ધરાતલને છોડનાર દેશ ખરેખર દયાપાત્ર જ છે. ખલીલ જિબ્રાન કહે છે કે ‘દોસ્તો, સફરના સાથીઓ! એ દેશની ખાજો દયા!’

Total Views: 317

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.