સરયૂબાલાદેવીની નોંધ :

હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના ઘેર ભજન ગાવાનાં હતાં. બેલુરમઠના સાધુઓ કાલીમાતાનાં કીર્તનો (ભજનો) ગાવાના હતા. સાંજે લગભગ સાડા આઠે ગાવાનું શરૂ થયું. અગાઉ મેં આ ભજનો સાંભળ્યાં હતાં. પરંતુ આ પવિત્ર સાધુઓના કંઠે ગવાતાં હોવાથી, તે ખાસ વિશિષ્ટ પ્રેરણાદાયી અને ભાવભર્યાં લાગ્યાં. મારી આંખમાં આંસુ આવી ગયાં. કોઈ વાર ઠાકુર ગાતા હતા તે ગીતો તેમણે ગાયાં અને શ્રીમાએ ઉત્સુકતાથી મોટા અવાજે કહ્યુુંં, ‘હવે, આ સાંભળો, ઠાકુર આ ગાતા !’ પછી જ્યારે તેઓએ ગાવાનું શરૂ કર્યું ‘માજલો આમાર મન ભ્રમરા….’ ત્યારે તેઓ વધુ સમય સૂઈ ન શક્યાં, તેમની આંખોમાં આંસુનાં બિંદુ ઝળક્યાં, તેઓ ઊભાં થયાં અને કહ્યુુંં, ‘બેટા ! ચાલો આપણે અગાસીમાં જઈએ અને ત્યાંથી સાંભળીએ !’ જ્યારે ગાવાનું પૂરું થયું ત્યારેે મેં તેમની ચરણધૂલિ લીધી અનેે ઘેર આવી.

શ્રીમાએ આગળ કહ્યું: ‘મારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનેલી છે ! ગોલાપ અને જોગીન અને બીજાં ઘણાં આ વિશે ઘણું જાણે છે. જો હું અમુક જ વસ્તુ અમુક જ રીતે બને તેમ ઇચ્છું, કે અમુક અમુક ચીજોનો સ્વાદ માણવા ઇચ્છું તો કોઈ રીતે પણ ઈશ્વર મારી ઇચ્છાઓ પરિપૂર્ણ કરે છે. અરે, બેટા ! દક્ષિણેશ્ર્વરના તે દિવસો તો અદ્‌ભુત હતા. ઠાકુર કીર્તન-ભજનો ગાતા અને હું મારા ઓરડાની આજુબાજુ રાખેલ સાદડીના પડદામાંથી, કલાકો સુધી ઊભી રહીને નીરખતી અને હાથ જોડીને તેમને પગે લાગતી. તે દિવસો ધન્યતાના હતા. દિવસ અને રાત લોકો આવતા અને ઈશ્વરની વાતો થતી. અરે ! વિષ્ણુ નામના એક છોકરાએ આત્મહત્યા કરી, કદાચ પોતે સાંસારિક જીવનમાં તણાઈ જાય તે ડરથી. શિષ્યોમાંના એકે પૂછ્યું, ‘તેણે આત્મહત્યા કરી તે શું પાપ નથી?’ ઠાકુરે જવાબ આપ્યો, ‘તેણે ઈશ્વરને ખાતર શરીરનો ત્યાગ કર્યો, તે કેવી રીતે પાપ હોઈ શકે? તે પાપ નથી, પણ બધાંને આમ કહીશ નહીં, બધાં સમજી શક્શે નહીં, પણ તેઓએ તો હવે આ બધું ચોપડીઓમાં પણ છપાવ્યું છે.’

‘બેટા, મન એ એક ગાંડા હાથી જેવું છે.’ શ્રીમાએ કહેવાનું ચાલુ રાખ્યું, ‘તે પવનની સાથે દોડે છે. તેથી જ માણસે સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખવો જોઈએ અને ઈશ્વર માટે સખત કામ કરવું જોઈએ. તે દિવસોમાં મારું મન એવી સ્થિતિમાં હતું કે દક્ષિણેશ્ર્વરમાં જો હું રાત્રિના સમયે કોઈને વાંસળી વગાડતાં સાંભળું તો મારું અંતર્મન તીવ્ર ઝંખનાથી ભરાઈ જાય. મને લાગે કે ઈશ્વર પોતે જ વાંસળી વગાડે છે અને હું એકદમ સમાધિમાં મગ્ન બનતી. બેલુરમાં પણ હું ખૂબ સુખી હતી. ધ્યાનના વાતાવરણવાળી એવી તો એ શાંત જગ્યા હતી. તેથી જ નરેનને ત્યાં જગ્યા લેવાની ઇચ્છા થતી હતી. ચારકોટા(2880 ચો. ફૂટ વસ્તુત: તે પ્લોટ 2340 ચો. ફૂટ છે. – પ્રકાશક) જમીન કે જેના ઉપર આ ઘર (એટલે કે બાગબજારમાનું ઉદ્‌બોધન) બાંધવામાં આવેલું, તે કેદારદાસની ભેટ હતી.’

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.