ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી.

એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર મૂલ્યો છે તેને ભારતવર્ષ કોઈ પણ ભોગે ગુમાવવા માગતું નથી.

ઉમદા કલાપદ્ધતિઓની એ લાક્ષણિકતા છે કે તે પોતાના અધ:પતન વિના જ નવીન જ્ઞાન આત્મસાત્ કરી શકે છે.

ભારતીય કલામાં રાષ્ટ્રિય સભ્યતાનું મૂલ્ય રહેલું છે અને ભારતે હવે પોતાની આ આગવી કલાશૈલીમાં યુરોપીય તકનીકી જ્ઞાનનો ઉમેરો કરવાની તાતી આવશ્યકતા છે.

સાચું ચિત્ર તેજપૂર્ણ જ હોવું જોઈએ અને અર્થસભર પણ. વધુમાં તેમાં પરમ સૌંદર્યસભર વિષયવસ્તુ હોવી જોઈએ કે જે આપણા કલાપ્રેમ અને અંત:પ્રેરણાને તત્પરતાથી જગાડી દે. હવે ભારતીય માર્ગો, શેરીઓ અને નદીતટ એ બધું વિષયવસ્તુથી ભરપૂર છે અને એમાંથી એવાં જ ચિત્રો પેદા થશે – આપણને જરૂર છે એ બધું નિહાળે તેવા હૃદયની. હૃદય દ્વારા જ કલાકારે તેની દૃષ્ટિમાં જે કંઈ આવે છે તે બધાને મૂર્તિમંત કરવાનું હોય છે.

જયપુરના ચિતારાઓએ ભીંતચિત્રોમાં ભારતીય કલાના ભૂતકાળની ભવ્યતા મૂર્ત કરી છે અને તે ચિત્રોમાં ભવ્ય ભાવિની અપેક્ષિત દિશા પણ દૂરંદેશીપૂર્વક આલેખી છે. ઉદાહરણરૂપે લો યુધિષ્ઠિરના સોગઠાબાજીની રમતનું ચિત્ર. આ ચિત્રમાં છે લાલ ભભકાદાર અને સુવર્ણમય ઝળહળાટ. વળી આ ચિત્ર ચિતરામણથી ભરચક છે તેમજ તેમાં ઠસોઠસ ભર્યાં છે ગતિલાવણ્ય અને અદ્‌ભુત સૌંદર્ય. આપણે જેને સર્વાંગસંપૂર્ણ ચિત્ર કહીએ છીએ તેવી સજગતા અને સહજતા આ પ્રકારે કોઈ પણ આધુનિક કલાકાર ન કરી શકત!

જ્યાં સુધી કલાને વરેલો જ્ઞાતિસમૂહ વિદ્રોહ કરીને નૂતન આદર્શોનો સ્વીકાર ન કરે ત્યાં સુધી જ્ઞાતિસમૂહ દ્વારા વારસાગત ઊતરી આવતી કલા અત્યધિક માત્રામાં માત્ર સામ્યતા જ ધરાવે છે. વળી તે કલા કેવળ પરંપરાગત માળખા દ્વારા જ સંચાલિત થતી હોય છે.

તુલસીક્યારા હેઠળ માટીના નાના કોડિયામાંના પ્રજ્વલિત દીપકના સૌંદર્યને શું તમે નથી અનુભવ્યું? મારું સાંભળો, આવા કોઈક હૃદયસ્પર્શી અર્થઘટન વિનાની, યંત્રવત્ ઉત્કૃષ્ટતા માંસમજ્જા વિનાનાં હાડકાં જેવી છે. શૂન્યથી વિશેષ તેનું કંઈ જ મૂલ્ય નથી. ઉત્તમ કલા હંમેશાં બૌદ્ધિક અને સાંવેગિક પ્રગટીકરણ સાથેની આધ્યાત્મિક તીવ્રતા છે.

કલા માત્ર વિજ્ઞાન જ નથી. સુંદરતાનું અનુગમન એ કલાનું સાચું કાર્ય છે – તેનું અતિ સુંદર હોવું આવશ્યક નથી, પણ તે સર્વદા સુંદર હોવું જોઈએ. પોતાના ઉદ્દેશને સાનુકૂળ ન હોય અને પોતાના કોઈ ખાસ અભિગમને અસુંદર લાગે તેવી કલાનો અસ્વીકાર કરવાનો કલાકારને હક છે. કલાકારે પોતાનાં હૃદયનાં માધ્યમથી જ સઘળું દર્શન કરવું જોઈએ.

Total Views: 364

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.