અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’.
જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે પ્રતિમામાં પૂજા કરતાં કરતાં સત્યસ્વરૂપનું ઉદ્દીપન થાય. સાકાર રૂપ શેના જેવું ખબર છે ? જેમ કે જળનો મહાન વિસ્તાર હોય, તેમાં વચમાંથી બડબડિયાં ઊઠે તેમ. મહાકાશ, ચિદાકાશમાં જાતજાતનાં રૂપો નીકળી રહ્યાં છે એમ દેખાય. અવતાર પણ એવું એક રૂપ. અવતાર-લીલા એ આદ્યશક્તિનો જ ખેલ.
પંડિતાઈમાં છે શું ? આતુર થઈને ઈશ્વરનું સ્મરણ કર્યે તેને પામી શકાય. વિવિધ વિષયોનું જ્ઞાન થવાની જરૂર નહિ.
જે આચાર્ય હોય તેને વિવિધ વિષયો જાણવાની જરૂર. બીજાને મારી નાખવા માટે ઢાલ-તલવાર જોઈએ. પોતાને મારી નાખવા માટે એકાદ ચાકુ કે સોય ચાલે. હું કોણ એ ગોતવા જતાં એ ઈશ્વરને જ પમાય. ‘હું તે શું માંસ, હાડકાં, લોહી, મજજા, મન કે બુદ્ધિ ? આખરે વિચાર કરતાં કરતાં જણાય કે હું એમાંનું કંઈ જ નથી, ‘નેતિ નેતિ’. આત્માને પકડી કે અડી શકાય નહિ. તે નિર્ગુણ, નિરુપાધિક.
પરંતુ ભક્તિમાર્ગ પ્રમાણે ઈશ્વર સગુણ. ચિન્મય શ્યામ, ચિન્મય ધામ, બધું ચિન્મય !
ઈશ્વરને પ્રણામ કરો. ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ કોઈ સ્થળે વધુ પ્રકાશ, જેમ કે સાધુમાં. જો એમ કહો કે દુષ્ટ લોકોય છે, વાઘ સિંહેય છે, એય ઈશ્વર ને ? તો એનો ઉત્તર એ કે એ ખરું, પણ એથી કાંઈ વાઘ-નારાયણને ભેટી પડવાની જરૂર નહિ, દૂરથી જ પ્રણામ કરીને ચાલ્યા જવાનું. વળી જુઓ જળ. કહે છે કે આપો નારાયણ : જળ એ નારાયણ-સ્વરૂપ છે. પણ કોઈક જળ પીવાય, કોઈક જળ પૂજામાં ચાલે, કોઈક જળ નાહવા માટે જ, તો વળી કોઈક જળ માત્ર હાથપગ ધોવામાં જ વપરાય.
વેદાન્તવાદીઓ કહે ‘સોહમ્’, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, ‘હું’ યે મિથ્યા, કેવળ એ પરબ્રહ્મ જ છે.
પરંતુ ‘હું’ પણું તો જતું નથી, એટલે હું પ્રભુનો દાસ, હું પ્રભુનું સંતાન, હું પ્રભુનો ભક્ત, એવું અભિમાન સારું.
કલિયુગમાં ભક્તિ-યોગ જ સારો. ભક્તિ વડે ય પ્રભુને પામી શકાય. દેહ-ભાન હોય એટલે વિષય-ભાન હોય જ. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ એ બધા વિષયો. વિષય-ભાન જવું બહુ જ કઠણ, વિષય-ભાન હોય ત્યાં સુધી ‘સોહમ્’ થાય નહિ.
ત્યાગીઓમાં વિષય-બુદ્ધિ ઓછી હોય, પણ સંસારીઓને બધો વખત વ્યવહારના વિષયોનું ચિંતન કરવું પડે, એટલે સંસારીને માટે ‘દાસોહમ્’.
પ્રભુનાં નામ-ગુણોનું કીર્તન કરવાથી દેહનાં સર્વ પાપ નાસી જાય. દેહરૂપી વૃક્ષમાં પાપરૂપી પંખીઓ છે. ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન જાણે કે તાળી પાડવી. તાળી પાડવાથી જેમ ઝાડ ઉપરનાં પંખીઓ બધાં ઊડી જાય, તેમ બધાં પાપ પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી ચાલ્યાં જાય.
વળી જુઓ, ખેતરમાંની તળાવડીનું પાણી સૂર્યના તાપથી એની મેળે સુકાઈ જાય. તેમ પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી પાપ-તળાવડીનું પાણી એની મેળે સુકાઈ જાય.
(શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.162-65)
Your Content Goes Here