(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ)

વ્યક્તિ અને સમાજ

હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્ર્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી. હિંદુ ધર્મમાં ચાર વર્ણાશ્રમ, ચાર જીવનાશ્રમ અને જીવનના ચાર ધ્યેય (ચતુ:પુરુષાર્થ)નું વિવેચન થયું છે. (જુઓ પ્રકરણ-2)

હાલ વર્ણવ્યવસ્થા અધોગતિ પામીને ચુસ્ત જ્ઞાતિપ્રથામાં બદલાઈ ગઈ છે જેમાં જન્મ દ્વારા જ વ્યવસાય નિર્ણિત થાય છે તેમજ આંતર-જ્ઞાતીય સામાજિક સંબંધો પ્રતિબંધિત થયા છે. ઘણા બધા ભારતીયવિદોનું માનવું હતું કે હિન્દુધર્મ સાથે જ્ઞાતિપ્રથા એટલી બધી ગૂંથાઈ ગઈ હતી કે આ જ્ઞાતિપ્રથા વિનાના હિંદુધર્મની કલ્પના જ અશક્ય હતી. હિંદુધર્મમાં જ્યારે શિક્ષણ અને વ્યવસાય પસંદગીના સ્વાતંત્ર્યની દરેક સ્ત્રી અને પુરુષો માટે સમાન તકનો સ્વીકાર કરવામાં આવ્યો છે ત્યારે સૈદ્ધાંતિક રીતે જ્ઞાતિપ્રથાનું બંધન રહ્યું નથી. જ્યારે શૂદ્ર અથવા તો સ્ત્રી પુરોહિત બની શકતી હોય ત્યારે વાસ્તવમાં વર્ણની ઉચ્ચતાનો મુદ્દો રહ્યો નથી. આપણે અગાઉ જોઈ લીધું છે કે ચારેય વર્ણાશ્રમનાં સ્ત્રી-પુરુષો કીર્તિની પરાકાષ્ઠાએ પહોંચ્યાં છે અને તેઓની સિદ્ધિ બદલ જનસામાન્ય દ્વારા બહુમાન પામ્યાં છે. જ્ઞાતિબંધન નાબૂદીક્ષેત્રે નક્કર પ્રગતિ સધાઈ છે, જો કે હજુ વિશેષ પ્રગતિ કરવાની જરૂર છે. છતાંય વર્ણવિષયક ખ્યાલની સભાનતા ચાલુ જ છે. દરેક સમાજને ચિંતકો, પુરોહિતો, આચાર્યો, વૈજ્ઞાનિકો, લશ્કરીસેવા અને પોલીસ; ખેતી તેમજ ઉદ્યોગક્ષેત્રમાં સંપત્તિ-સર્જકરૂપે; શાળાઓમાં, હોસ્પિટલોમાં, મનોરંજન ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે સેવા આપતા લોકોની તાતી જરૂર છે. કોઈપણ હિંદુ સ્ત્રી કે પુરુષ આ ક્ષેત્રો પૈકી ગમે તેમાં જવાનું પસંદ કરી શકે છે. આવું ઔપચારિક-ધંધાકીય માળખું હોય એમ કોઈપણ વ્યક્તિ શા માટે આવશ્યક ગણે છે? હિંદુધર્મના આ ચાર વિભિન્ન વર્ણોના લોકોમાં રહેલી વ્યક્તિગત ખાસિયતો અંગેની અપેક્ષાઓમાં આનો જવાબ રહેલો છે. કેળવણી, સંશોધન, ધાર્મિક ઉપદેશ વગેરેમાં પ્રવૃત્ત વ્યવસાયી બ્રાહ્મણ લોકો પાસે અપેક્ષા રખાય છે કે તેઓ જ્ઞાનલક્ષી હોવા જોઈએ. તેઓ કર્મ પછવાડે ધનોપાર્જનને ગૌણ ગણતા હોવા જોઈએ, ક્રોધ અને એષણાઓ પર સંયમ રાખવા સક્ષમ હોવા જોઈએ, વળી સંતોષી અને શાંતિપ્રિય હોવા જોઈએ. સંરક્ષણ સેવાઓ, પોલીસ, ન્યાય અને શાસકીય વર્ગના લોકો-ક્ષત્રિયો- પાસે અપેક્ષા રખાય છે કે તેઓ બહાદુર, હિંમતવાન, શાસનશક્તિ અને દાનવૃત્તિવાળા હોવા જોઈએ. વૈશ્યો-કૃષકો, ઉદ્યોગકારો, વેપારીઓએ નીત્તિમત્તાથી ધનવૃદ્ધિ કરવાં જોઈએ અને તેઓને ધંધાકીય ક્ષેત્રે સહાયક લોકો તેમજ સમાજમાંના વર્ગને તેઓની ઉપાર્જિત સંપત્તિમાં સમાનતાના ધોરણે સહભાગી કરવા તેઓએ કટિબદ્ધ થવું જોઈએ. સેવાક્ષેત્રના, મનોરંજન તેમજ રમતગમત ક્ષેત્રના-શૂદ્ર-લોકોએ તેઓના કર્તવ્ય પ્રત્યે સંનિષ્ઠ બનવું જરૂરી છે. તેઓ જેમની સેવા કે મનોરંજન કરે છે તેવા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રત્યે તેઓએ નિષ્ઠાવાન બનવું જરૂરી છે. ધન માટે કુબેરદેવતા અને સંપત્તિ માટે લક્ષ્મીદેવીની પરિકલ્પના દ્વારા ધન-સંપત્તિની ઇચ્છનીયતાનો સ્વીકાર કરાયો હોવા છતાં બીજાં ધર્મશાસ્ત્રોની જેમ હિંદુ ધર્મશાસ્ત્રો સંપત્તિ-ઉપાર્જનના પાસાની વિવેચનાની અપેક્ષા રાખતાં નથી. જ્યારે આપણે ઈ.સ પૂર્વે 1000 થી માંડીને ઈ.સ 1700 દરમિયાનના હિંદુ શાસકો પૈકીના પ્રસિદ્ધ ક્ષત્રિય શાસકોના બ્રાહ્મણ ગુરુઓ દ્વારા શાસકોના કરાતા ચારિત્ર્યઘડતરને લક્ષમાં લઈએ છીએ ત્યારે આ અંગેના હિંદુચિંતનનું પાસું સુસ્પષ્ટ બને છે. આ પ્રકારના પ્રશિક્ષણના સૌ પ્રથમ પ્રદાનકર્તા આચાર્ય ચાણક્યે (ઈ.સ. પૂર્વે 320) નિમ્નોક્ત છ સૂત્રો સાથે આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો

‘સુખનાં મૂળ સદ્વર્તનના નિયમોમાં રહેલાં છે; સદ્વર્તનના નિયમોનાં મૂળ સાધનસંપન્નતામાં રહેલાં છે, સાધનસંપન્નતાનાં મૂળ સાહસવૃત્તિમાં રહેલાં છે, સાહસવૃત્તિનાં મૂળ સંયમમાં રહેલાં છે, સંયમનાં મૂળ નૈતિક કેળવણીમાં રહેલાં છે, નૈતિક કેળવણીનાં મૂળ વરિષ્ઠોની (વિશ્ર્વાસુ સલાહકાર) સાથે કાર્ય કરવામાં રહેલાં છે.’

સુખની શોધ એ સમાજમાં બધાનો સર્વસામાન્ય ઉદ્દેશ છે. સમાજમાં બધાએ સુખી થવા માટે સમાજમાંના બધાની સદ્વર્તનભરી વર્તણૂક એ આવશ્યક (પરંતુ પૂરતી નહિ) શરત છે. જો સમાજમાં દરેક માટે જીવન જરૂરી પ્રાથમિક સુખસગવડો પ્રાપ્ય ન હોય તો દરેકે સદ્વર્તનભરી વર્તણૂક કરવી એવી અપેક્ષા રાખવી શક્ય અને વ્યવહારુ નથી. તેથી સંપત્તિના ઉપાર્જન અને દરેકમાં તેની સમાનપણે સહભાગીતાને પ્રોત્સાહન આપનારી સાહસવૃત્તિની આવશ્યકતા છે. સંપત્તિ-અર્જન અને સંપત્તિની સહભાગીતાભરી વહેંચણી એ બન્ને કાર્યો જે લોકો સંપત્તિનું અર્જન કરે છે તેઓની સદ્વર્તનભરી વર્તણૂક પર આધાર રાખે છે, તેથી સંપત્તિનું અર્જન કરનારાઓ અને પ્રશાસકોએ સદ્વર્તનભર્યા માર્ગે ચાલવાની સક્ષમતા પ્રાપ્ત કરવા અત્યંત સંયમ ધરાવવો જરૂરી છે અને તે વિશ્ર્વાસુ સલાહકારોના માર્ગદર્શન દ્વારા જ શીખી શકાય.

આ રીતે z ધરી પરના પુરુષાર્થ-ચતુષ્ટય પૈકીના પ્રથમ ત્રણ સમજવા જોઈએ. અર્થ (સંપત્તિઅર્જન)  અને કામ (એષણાઓની પૂર્તિ)નો વિચાર કરતી વખતે ધર્મ (સદ્વર્તન) હંમશાં હાજર રહેવો જોઈએ.

હિંદુધર્મ એક એવો ધર્મ છે જે સર્વના કલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપે છે, સાથોસાથ તેમને જીવનના અંતિમ ધ્યેય એવા મોક્ષ-મુક્તિ પરત્વે જાગરુક રાખે છે. સંપત્તિ-ઉપાર્જન અને કામનાઓની પૂર્તિ દ્વારા સુખશોધની પ્રવૃત્તિમાં રાચેલા હોવા છતાં આ બધા પ્રત્યે અનાસક્તિનો આદર્શ જીવંત રાખવાનો હોય છે.

જીવનના ચાર તબક્કાવાળી x ધરી આપણને વિશેષપણે  જણાવે છે કે આ કેમ કરીને શ્રેષ્ઠતાપૂર્વક આચરી શકાય. હાલમાં બધાં સ્ત્રી-પુરુષોને પ્રાપ્ય એવી બ્રહ્મચર્યાવસ્થા દરમિયાનની શિક્ષણની તક, તેઓ જે ક્ષેત્રમાં ઇચ્છે તેમાં, તેમની પૂર્ણ શક્તિમત્તા સાથે સ્વયંને શિક્ષિત કરી શકે છે. વ્યવસાયના આધારે કોઈપણ વ્યક્તિ સંપત્તિનું ઉપાર્જન કરવા તેમજ લઘુતમ 18 વર્ષની લાયક વયથી મહત્તમ 30 વર્ષની વય દરમિયાન ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરવા પુખ્ત બને છે. એ નોંધનીય છે કે શિક્ષણ-કાળ બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે: જીવનના જે સમયગાળા દરમિયાન આત્મસંયમનું જ્ઞાન મેળવાય છે અને આચરણ કરાય છે. જો કે લૈંગિક સમાગમ શક્ય છે છતાં આ સમયકાળમાં બ્રહ્મચર્ય એ નિયમ ગણાય છે. ગૃહસ્થાશ્રમનો સમય વ્યક્તિની 60-70 વર્ષની વય સુધીનો ગણાય છે.

હિંદુસમાજ માટે પરિણીત જીવન એ સ્વીકૃત ધોરણ ગણાય છે અને બધી એષણા-કામનાઓની પરિપૂર્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ગૃહસ્થાશ્રમ સમાજનો મૂળ આધાર ગણાય છે, જે અન્ય ત્રણ આશ્રમોને પોષે છે. આમ આપણે જોઈએ છીએ કે જીવનના આ બે ગાળાઓ (બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ)આધુનિક જગતની જીવનશૈલીમાં યોગ્ય રીતે બંધબેસતા છે. વાનપ્રસ્થ-જંગલમાં નિવાસએ એવા પ્રકારે વાસ્તવમાં સુયોગ્ય નથી. જો કે સ્મૃતિઓએ ગૃહસ્થ વ્યક્તિ તરીકેની ફરજો અદા કર્યા પછી (જો ઇચ્છા હોય તો) દ્વિજ પુરુષ-સ્ત્રીને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરવાની અને સાદુ જીવનયાપન કરવા માટે જંગલમાં જવાની આજ્ઞા કરી હતી. ઈ.સ. પૂર્વે ચોથા સૈકા બાદ આનો ભાગ્યે જ અમલ કરાય છે. 21મી સદીમાં વસ્તીની ઉચ્ચ ગીચતા અને જંગલક્ષેત્રના અલ્પાંશે ભેગાં મળીને જંગલ-નિવાસને મહદ્અંશે અશક્ય બનાવી મૂક્યો છે. લાંબા કાળથી, વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ એ સાંસારિક પળોજણોમાંથી અનાસક્તિ તરફની પ્રક્રિયા છે. પછીની પેઢીને જવાબદારીઓની સોંપણી એ પ્રથમ કદમ છે, બીજું કદમ છે નવી પેઢીને જીવન અંગે તેમના પોતાના નિર્ણય લેવામાં સ્વાતંત્ર્ય આપવાનું અને તેઓના જીવનમાં દખલગીરી કરવામાંથી દૂર રહેવાનું. વળી, વસ્તુઓ (ઘર, વિવિધ પ્રકારની ચીજો પરનું માલિકીપણું) પ્રત્યેની અને વ્યક્તિઓ (પરિવાર, સગાંસંબંધી,મિત્રો) પરત્વેની આસક્તિને ક્રમશ: ઘટાડવી. પોતાના જીવનમાં આવાં બધાં પરિવર્તનો લાવવાનું સરળ નથી. સ્ત્રી-પુરુષ એમ બન્નેએ મનની ગહન શાંતિપૂર્ણ અનાસક્તિની આ પ્રક્રિયાના સુસંચાલન માટે ગણના પાત્ર આત્મસંયમ વાપરીને સ્વયંને કેળવવાં જરૂરી છે. એટલા માટે વાનપ્રસ્થ માટે 15-20 વર્ષના સમયનો ગાળો ફાળવવામાં આવ્યો છે. હિંદુધર્મની ફિલસૂફીઓ આ વાનપ્રસ્થના સમયગાળા માટે અને મોક્ષપ્રાપ્તિ માટેના સંપૂર્ણ અનાસક્તિભર્યા ‘સંન્યાસ’ના સમયગાળા માટે સહાયરૂપ બને છે. 80-90 વર્ષની આસપાસની ઉંમરે પ્રારંભ થતા જીંદગીના અંતિમ તબક્કામાં પ્રત્યેક હિંદુ સ્ત્રી-પુરુષ પાસે તે પોતે દેહ નથી પણ હવે અન્ય દેહમાં જવા તૈયાર થતો આત્મા છે તેવી અનુભૂતિ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સ્ત્રી-પુરુષ અંગીકાર કરે છે કે આત્મા-દ્રષ્ટા-સત્સ્વરૂપ છે અને તેઓ દેહનો નાશ ન થાય ત્યાં સુધી ઉત્સાહપૂર્વક સત્કર્મો કરતાં રહીને જીવવાનું ચાલુ રાખે છે. આ વિભાવના મૃત્યુ બાદ કાં તો મોક્ષપ્રતિ દોરી જશે અથવા આગામી જન્મમાં આત્માને મોક્ષની સમીપે દોરી જશે.

21મી સદીમાં પ્રવેશ કરતાં, ઘણા બધા હિંદુઓ જીવનના ચાર તબક્કાઓના સંદર્ભમાં આધુનિકીકરણ પામેલ પદ્ધતિથી વિચારવાનું શરૂ કરે છે. ભલે કોઈ આત્મા, સંસાર અને મોક્ષ અંગે માને કે ન માને; માનવીય અભિરુચિ અને કાર્યક્ષમતાનો ક્ષય એ બન્નેય પ્રાકૃતિક પ્રક્રિયાઓ તેમની ઉંમર વધવાની સાથે સાથે ચાલે છે. હિંદુધર્મ ભલામણ કરે છે કે ‘ઇચ્છાઓ તમારો ત્યાગ કરે તે પહેલાં તમે ઇચ્છાઓનો ત્યાગ કરો તે તમારા માટે વિશેષ સારું છે.’ વર્ણ, આશ્રમ અને પુરુષાર્થ અંગેનું આ આધુનિક ચિંતન શિક્ષણ દ્વારા શાળાઓમાં વ્યાપકપણે પ્રસારવાની જરૂર છે. આ પ્રકારની જીવનશૈલી આત્મકેન્દ્રીપણા અને ઉપયોગીતાવાદને સંયમિત કરવામાં સંભવત: સહાયતા કરે છે. આશાપૂર્વક, માનસિક અસંતુલનના પ્રસંગો પણ ઘણા ઓછા થશે. આ ત્રિસ્તરીય સામાજિક પદ્ધતિ ખરેખર તદ્દન બિનસાંપ્રદાયિક છે કેમ કે વ્યક્તિએ ઈશ્ર્વર તરફ દોરતો માર્ગ પસંદ કરવાનો છે. અન્ય ધર્મની વ્યક્તિઓ તેમના ઇષ્ટ અને મુક્તિ માટેના તેમના માર્ગની પસંદ કરી શકે છે. નાસ્તિકો મુક્તિ કે એવું કંઈ ઇચ્છતા નથી પણ જીવનને આ દૃષ્ટિએ મૂલવવાની રીત મારફત માનસિક શાંતિ સાથે સુખી બનવાનું પસંદ કરી શકે છે.

માનવ-સ્મૃતિ

ભારતીય બંધારણે (1950) ધર્મને તેના પોતાના નાગરિક કાયદા હોવા અંગે છૂટ આપી. ફોજદારી કાયદાઓને બધા ધર્મોના ક્ષેત્રમાંથી બાકાત રખાયા છે અને સમગ્ર ભારતમાં એકસમાન બનાવાયા છે. હિંદુ કૉડ બિલ્સ (1956-60) મારફત ઈ.સ. 1810 થી 1956 દરમિયાન હિંદુધર્મમાં લાવવામાં આવેલા સામાજિક સુધારાઓ કાયદાકીય રીતે સુગ્રથિત કરાયા હતા. નાગરિક કાયદાઓએ લગ્ન માટેની લઘુતમ મર્યાદા, છોકરા-છોકરીઓને પૂર્વજોની મિલકતમાં સમાન હકોની બાંહેધરી, એક(જીવિત) કરતાં વધુ પત્ની સામે પ્રતિબંધ, છૂટાછેડા અને પુનર્લગ્નની છૂટ, વિધવા-વિવાહની છૂટ વગેરે નિર્ણિત કરાયાં. વાસ્તવમાં 1960 થી સંપૂર્ણપણે  નવીન અને સાચોસાચ નૈતિક સ્મૃતિ અમલમાં આવી છે. આ માનવીય, નિષ્પક્ષ અને ન્યાયી સ્મૃતિ ખરેખર માનવ-સ્મૃતિ તરીકે પરિભાષિત કરવા યોગ્ય છે. જેમાં બધા આત્માઓ એક જ પરમાત્માના અંશો છે તેવી વિભાવના ધરાવતી હિંદુધર્મની ફિલસૂફી અંતર્ગતના બધા વિરોધાભાસો અને તે અંગેની ભેદકારક પ્રણાલિકાઓ સૈદ્ધાંતિકપણે નાબૂદ કરવામાં આવી છે. નિષિદ્ધ કર્મોનાં પ્રાયશ્ર્ચિત્ત કર્મો અને નિષેધો પરનાં મનુસ્મૃતિમાં ઉલ્લેખિત વર્તન-વ્યવહારનાં ઘણાં અન્ય પાસાં પણ ત્યાગી દેવાયાં છે. ઔદ્યોગિક જગતમાં નિરર્થક એવાં ધાર્મિક અનુષ્ઠાનો દૂર કરાયાં છે અથવા તો સ્વૈચ્છિક બનાવાયાં છે. સારા આરોગ્યને લગતી પદ્ધતિઓને અનુલક્ષીને અપવિત્રતાના ખ્યાલો દૂર કરાયા છે. પરિસ્થિતિ એટલી સરળ બનાવાઈ છે કે હવે પછી નવી સ્મૃતિનું સંકલન જરૂરી જણાતું નથી.

છતાંય ખરેખર તો સમાનતા અને સ્વતંત્રતા અંગેનું વર્તન-વ્યવહારનું પરિવર્તન ભારત બહારના હિંદુઓમાં સારી અવધારણા મુજબ લગભગ 90% જેટલું છે. આવી મનોવૃત્તિના સુધારાનું પ્રમાણ ભારતનાં મોટાં શહેરોમાં સરખામણીમાં ઊંચું છે, નાનાં શહેરોમાં કંઈક ઓછું છે અને ગામડાંમાં લગભગ 60% જેટલું છે.

નિષેધો, અપવિત્રતાના ખ્યાલો, અંધશ્રદ્ધાભરી માન્યતાઓ જેવાં ક્ષેત્રમાંનાં વર્તન-વ્યવહારનાં પરિવર્તનો પણ તેવી જ રીતે હિંદુ સમાજના વિવિધ સ્તરોમાં પ્રસાર પામ્યાં છે. બધા માટેના લઘુતમ દસ વર્ષીય શિક્ષણનો પ્રસાર બે-ત્રણ પેઢીઓના ગાળા બાદ આશાપૂર્ણ રીતે હિંદુસમાજને યોગ્ય સ્તરે લાવી મૂકશે, સમાનતા અને સ્વાતંત્ર્ય અમલમાં આવશે અને મોટા પાયે દૂષણો પણ નાબૂદ થશે. અલબત્ત, આપણે અનુભવીએ છીએ કે આદર્શો સાચેસાચી રીતે 100% કદાપિ હાંસલ થતા નથી.                                                (ક્રમશ:)

Total Views: 64
By Published On: December 1, 2016Categories: Ashok Garde0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram