શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ – આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા ગુપ્ત જ રહ્યું છે. તેઓ અત્યંત લજ્જાશીલ હતાં. તેઓ હરહંમેશ ઘુંઘટમાં જ રહેતાં. શ્રીમા વિષયક સાહિત્ય પણ અતિ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. શ્રીમા ‘લજ્જાપટાવૃતા’ હતાં.

પ્રશ્ન એ થાય છે કે શ્રીમા સાધિકા હતાં કે સર્વદેવીસ્વરૂપિણી. શ્રીમાના જીવનનાં એ બે પાસાંનું વિભાજન કરવું અતિ દુષ્કર છે.

સૌ પ્રથમ શ્રીમાના જીવનના સાધિકા-પક્ષનું વિવેચન કરીને આપણી ક્ષુદ્ર બુદ્ધિને પવિત્ર કરીએ.

શ્રીમાનું સમગ્ર જીવન સાધના અને સેવાના એક અવિરત યજ્ઞરૂપ હતું. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમનાં અસંખ્ય સંતાનોની સેવા અને આના અંતરાલમાં અખંડ જપ, તીર્થાટન, પંચતપા ઇત્યાદિ સાધના-અનુષ્ઠાનો એ બધું ચાલુ જ રહ્યા કર્યું. આ સાધનાકાળની વચ્ચે વચ્ચે અવારનવાર પોતાનાં વિધવિધ દેવીસ્વરૂપનું પ્રાકટ્ય – એ થયું  તેમના દેવીસ્વરૂપનું પ્રસ્ફુરણ.

શ્રીમા શારદાદેવીની સાધના અંગેનાં તથ્યો અતિ અલ્પમાત્રામાં ઉપલબ્ધ છે.

શ્રીરામકૃષ્ણદેવની સાધનાઓને જ સ્વામી વિવેકાનંદે ચાર યોગના સ્વરૂપમાં વિભાજિત કરીને નવી સાધનાપ્રણાલી જગત સમક્ષ રજૂ કરી અને શ્રીમાનું કાર્ય હતું આ ચારેય યોગોને દૈનિક જીવનમાં આચરી બતાવીને તેનું વ્યાવહારિક રૂપ પ્રસ્તુત કરવાનું.

આપણે ઇચ્છીએ તો પણ શ્રીરામકૃષ્ણદેવના જેવું જીવન વ્યતીત કરી શકીએ તેમ નથી, નથી તો આપણે સ્વામી વિવેકાનંદ જેવો ધર્મોપદેશ કે વિશ્વભ્રમણ કરી શકવાના. શ્રીમાનું જીવન જ આપણા સૌ માટે અનુકરણીય છે.

સ્વામી વિવેકાનંદે રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય કરીને જીવનનો પરમ ઉદ્દેશ સિદ્ધ કરવાનો બોધ આપ્યો છે. શ્રીમાએ પોતાના જીવનમાં આ ચારેય યોગનો સમન્વય સાધ્યો હતો. સૌ પ્રથમ લઈએ-

રાજયોગ : પતંજલિનાં યોગસૂત્રમાં આઠ પગથિયાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

યમ : પાંચ યમ છે- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્રથમ યમ અહિંસા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે સર્વદા સર્વપ્રકારે દ્રોહ રહિત રહેવું. શ્રીમાનું જીવન-અવલોકન કરીએ તો તેઓએ કદાપિ કોઈનુંય મન, કર્મ અને વચનથી અકલ્યાણ કર્યું નથી, કદાપિ કોઈપણ પ્રતિ દ્વેષભાવ રાખ્યો નથી.

શ્રીમા કહેતાં, ‘હું સહુની મા છું; મનુષ્યની તો છું જ, પશુ-પક્ષી, જીવજંતુ સુધ્ધાંની પણ મા છું’ આવા બ્રહ્માંડવ્યાપી માતૃત્વમાં અહિંસા જ સ્વયં પ્રગટેને!

અહિંસાનું વિધયેયાત્મક પાસું છે- ‘સહુની સેવા કરો’. આ ભાવ તો શ્રીમાના જીવનની વિશિષ્ટતા જ હતી. શ્રીમાનું મુખ્ય જીવનસૂત્ર હતું- ‘કોઈ પારકું નથી, બધાં પોતાના છે.’

બીજો યમ છે, સત્ય. સત્યપ્રતિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસંગિની શ્રીમા પણ સ્વાભાવિકપણે સત્યનિષ્ઠ હતાં. શ્રીમાએ અસત્યભાષણ કર્યાનું એક પણ દૃષ્ટાંત તેમના જીવનમાં જોવા મળતું નથી.

ત્રીજો યમ છે, બ્રહ્મચર્ય. વાસ્તવમાં શ્રીમા પવિત્રતાસ્વરૂપિણી હતાં. તેમના મનમાં કદાપિ કોઈપણ પ્રકારનો અપવિત્ર ભાવ કે કુત્સિત વાસનાનો ઊગમ થયો ન હતો. સ્વયં શ્રીરામકૃષ્ણદેવે શ્રીમાની પવિત્રતાને પ્રમાણિત કરી છે.

છેલ્લે અસ્તેય અને અપરિગ્રહ. આ બન્ને યમ શ્રીમાના જીવનમાં સ્વયંસિદ્ધ હતા કેમ કે શ્રીમાનું જીવન વાસનાશૂન્ય હતું. શ્રીમા અકામ હતાં, પૂર્ણકામ હતાં. શ્રીમા પૈતૃક સંપત્તિ પરત્વે સર્વથા નિર્લિપ્ત રહ્યાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ કામારપુકુરમાં નિવાસ દરમિયાન, મીઠા સિવાયનો ભાત ખાવા મળતો હોવા છતાં, કોઈનીય પાસે હાથ લાંબો કર્યો ન હતોે.

સાંસારિક જીવન વિતાવતાં રહીને બધા યમનું પર્યાપ્ત પાલન કરી શકાય છે એ શ્રીમાએ પોતાના જીવન દ્વારા જગત સમક્ષ રજૂ કર્યું છે.

(2) નિયમ : શૌચ અર્થાત્ શારીરિક અને માનસિક પવિત્રતા. શ્રીમાનું જીવન સર્વથા નિષ્કલંક હતું. શ્રીમાએ ચંદ્રમામાં ભલે કલંક રહ્યું, પરંતુ પોતાનું જીવન સાવ કલંકહીન રહે એવી પ્રભુ પ્રાર્થના કરી હતી. પારકાના દોષ પ્રત્યે સાવ વિમુખ રહીને શ્રીમા પૂર્ણત: પવિત્ર રહ્યાં હતાં. બાહ્ય પવિત્રતા શ્રીમાના જીવનમાં સર્વકાલ પ્રતિબિંબિત થયા કરતી હતી.

સંતોષ-ધન તો શ્રીમાની નિજી સંપતિ હતી. જે વસ્તુઓ ઉપલબ્ધ હોતી તેટલાથી જ શ્રીમા જીવનનિર્વાહ કરતાં અને પરમ સંતોષની અનુભૂતિ કરતાં હતાં. શ્રીમા બધી જ પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેતાં હતાં.

શ્રીમાનું જીવન તપના પર્યાયરૂપ હતું. દરરોજ એક લાખ જપ એ થયું શ્રીમાનું માનસિક તપ. ‘પંચતપા’ થયું શ્રીમાના જીવનનું બાહ્ય તપ. નોબતખાનામાં બાર વર્ષનો નિવાસ એ શ્રીમાના તપ-નિષ્ઠ જીવનનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે.

નોબતખાનું એટલે નાનકડો ગુપ્ત નિવાસ. તેની લંબાઈ આશરે આઠ ફૂટ અને પહોળાઈ છ ફૂટ. અર્થાત્ તેનું ક્ષેત્રફળ થાય લગભગ પચાસ ચોરસ ફૂટ. તેનું પ્રવેશ દ્વારા બે ફૂટ પહોળું, ચાર ફૂટ ઊંચું. બારણામાંથી પ્રવેશ કરતાં માથું કુટાય જ! આટલા સાંકડા નિવાસસ્થાનમાં શ્રીમાનો સંપૂર્ણ સંસાર – રસોડું, પૂજાઘર, શયનકક્ષ, બેઠકખાનું, ધ્યાનખંડ, અતિથિ વિભાગ ઇત્યાદિ. છતાંય શ્રીમાએ તપસ્યાપૂર્ણ ભાવે આ સ્થાનમાં પૂર્ણ આનંદપૂર્વક નિવાસ કર્યો હતો. કેવું અવર્ણનીય તપ કહેવાય! સ્વાધ્યાય-પ્રેમ શ્રીમાના જીવનનું અભિન્ન અંગ હતો. શ્રીમા અન્ય સ્ત્રીઓના મુખેથી રામાયણ, મહાભારત સાંભળતાં. શ્રીરામકૃષ્ણ કથામૃત અને રામકૃષ્ણ પૂંથિના પ્રકાશન બાદ શ્રીમાએ આ બંને ગ્રંથોનું શ્રવણ કર્યું હતું.

ઈશ્વર-પ્રણિધાન એટલે ઈશ્વર-શરણાગતિ. આ ભાવ તો શ્રીમાનો પ્રાણ હતો. નાના-મોટા વિકટ પ્રસંગોએ શ્રીમા ભગવદ્-આશ્રય જ લેતાં, શ્રીમા માટે ઈશ્વર-શરણાગતિ સર્વસ્થિતિનો ઉકેલ-ઉપાય હતાં. સિંહવાહિની દેવી અને તારકેશ્ર્વર શિવ શ્રીમાનો જીવન-આશ્રય હતાં.

(3) હવેનું સોપાન છે આસન. શ્રીમા આસન-સિદ્ધ હતાં. પ્રાત: કાળમાં ત્રણ વાગે ઊઠીને નિત્ય ધ્યાનમાં બેસવાનો શ્રીમાનો જીવનક્રમ હતો.

(4) ત્યાર પછી પ્રાણાયામ. જપમાં નિમગ્ન રહેવાથી શ્રીમાના જીવનમાં પ્રાણાયામના મુખ્ય અંગ એવા કુંભક થવાના ઘણા પ્રસંગો બનતા જોવા મળ્યા છે.

(5) પછીનું સોપાન છે પ્રત્યાહાર, અર્થાત્ મનને બાહ્ય વિષયોમાંથી ખેંચી લઈને ઇષ્ટચિંતનમાં પરોવવું. પોતાના પતિ, ગુરુ અને ઇષ્ટસમા શ્રીરામકૃષ્ણદેવની દક્ષિણેશ્ર્વર, શ્યામપુકુર અને કાશીપુરમાં નિરંતર સેવા-શુશ્રૂષા અસ્ખલિત ઉપાસના-ભાવે કરતા રહીને શ્રીરામકૃષ્ણગત-પ્રાણ શ્રીમાના જીવનમાં પ્રત્યાહાર સ્વાભાવિકપણે જ સધાઇ ગયો હતો.

રાજયોગનાં અંતિમ ત્રણ પગથિયાં છે – ધારણા, ધ્યાન અને સમાધિ. આ ત્રણેયને સંયુક્તપણે લેવાય છે. ચિત્તની એકાગ્રતાની પ્રક્રિયાનાં આ ત્રણ ક્રમિક અંગ છે.શ્રીમા પ્રાત:કાળના ત્રણ વાગ્યાથી ધ્યાનજપમાં મગ્ન બની રહેતાં. ધ્યાન સામાન્યપણે એટલું ગહન હોતું કે તેમને બાહ્ય જગત તથા પોતાના દેહ સુધ્ધાંનો ખ્યાલ રહેતો નહીં.

હવે જોઈએ શ્રીમાના જીવનમાં જ્ઞાનયોગ. જ્ઞાનયોગ અર્થાત્ વિચાર દ્વારા એ અનુભવવું કે હું કોણ છું, જગતનું સ્વરૂપ શું છે અને બ્રહ્મ શું છે. વિચાર દ્વારા જ શુદ્ધ આત્મા અને બ્રહ્મના એકત્વની અનુભૂતિ કરવી એ જ્ઞાનયોગનું ચરમ લક્ષ છે. જ્ઞાનયોગનો અધિકારી સાધન-ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ. સાધન-ચતુષ્ટય અર્થાત્ વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ તેમજ ષટ્ સંપત્તિ એટલે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન.

શ્રીમાએ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી નિત્ય-અનિત્ય-વસ્તુવિવેકનો બોધ સંપાદિત કર્યો હતો. શ્રીમામાં દેહાસક્તિ લગારેય ન હતી. શ્રીમા વૈરાગ્ય સંપન્ન હતાં. શ્રીમાનું જીવન પૂર્ણ વિરક્તના જેવું હતું, સ્વયંની ભોગેચ્છા સહેજ પણ ન હતી.

શ્રીમામાં બાલ્યાવસ્થાથી જ અધ્યાત્મપિપાસા હતી, જે સર્વદા જવલંત રહી હતી. શ્રીરામકૃષ્ણ-ગતપ્રાણા શ્રીમાનું મનોજગત શ્રીરામકૃષ્ણ-ભાવથી ઓતપ્રોત હતું, તે જ બતાવે છે કે શ્રીમા કેટલાં મુમુક્ષુ હતાં !

દક્ષિણેશ્ર્વરના અતિ સાંકડા નોબતખાનામાં અનેક અવર્ણનીય કષ્ટ સહન કરતાં રહીને આનંદપૂર્વક દિવસો વિતાવ્યા હતા તે જ શ્રીમાના જીવનમાં રહેલાં શમ (મનનો સંયમ), દમ (ઇન્દ્રિય સંયમ), ઉપરતિ (બાહ્ય પદાર્થોથી મનની ઉપશમતા) અને તિતિક્ષા (કષ્ટ પ્રતિ સહિષ્ણુતા)ની ઉપસ્થિતિ પ્રદર્શિત કરે છે.

અવારનવારના વાર્તાલાપ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવ પાસેથી શ્રીમાએ જીવ, બ્રહ્મ, માયા વગેરે વિષયની અનેક વાતો સાંભળી હતી એ બતાવે છે કે શ્રીમાએ વેદાંત મત અનુસાર ‘શ્રવણ-મનન- નિદિધ્યાસન’નું અનુસરણ કર્યું હતું.

શ્રીમાનાં અનેક આચરણ બાળકવત્, ઉન્મત્તવત્ અથવા જડવત્ જીવનમુક્તની જેમ થયા કરતાં હતાં. ‘બિલાડીમાં પણ હું છું’, ‘આટલા બધા હાથથી કામ કરી રહી છું છતાંય પૂરાં કરી શકતી નથી’, જેવાં શ્રીમાનાં કથન સર્વત્ર બ્રહ્મદર્શનનાં સૂચક છે.

હવે શ્રીમાના જીવનમાં ભક્તિયોગની ચરિતાર્થતા જોઈએ.

વૈધી ભક્તિ અનુસાર શ્રીમા નિત્યપ્રતિ એક લાખ નામજપ કરતાં. તેઓ ભજન ગાતાં અને તેઓને ભજન-કીર્તનમાં પ્રીતિ પણ હતી. ભગવદ્ ચિંતન તો શ્રીમાના શ્ર્વાસોચ્છ્વાસ સમાન હતું.

ભક્તિનો અન્ય પ્રકાર છે પરાભક્તિ. આ પ્રકારની ભક્તિમાં સાધક પોતાના ઇષ્ટ સાથે શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુર એવા પંચવિધ ભાવો પૈકી એક અથવા અનેકના માધ્યમથી ભક્તિ કરે છે. આ ઉપરાંત માતૃભાવ પણ છે, જેમાં ભગવાન પ્રતિ પોતાનાં માતા કે પિતાનો ભાવ રાખવામાં આવે છે. શરૂઆતમાં શ્રીમાનો ભગવાન પ્રત્યે માતૃભાવ હતો. પછીથી શ્રીમા પોતાને જગદંબાની દાસી પણ ગણતાં. આમ દાસ્ય અને સખ્ય ભાવ બંને સધાતા. શ્રીરામકૃષ્ણદેવ પતિ, ગુરુ, ઇષ્ટ એમ ત્રણેય હતા, તેથી શ્રીમાનો મધુરભાવ પણ સિદ્ધ થતો હતો. પાછળના જીવનકાળમાં શ્રીમામાં વાત્સલ્યભાવ મુખ્ય બની ગયો હતો.

હવે કર્મયોગિની શ્રીમાના જીવનમાં કર્મયોગનું દર્શન કરીએ.

નિષ્કામભાવે કર્તવ્ય-કર્મ કરવાં અને સર્વ કર્મોનું ફળ ઈશ્વરાર્પણ કરવું એટલે કર્મયોગ.

સૌ વાચકોને ખ્યાલ છે કે શ્રીમાનું જીવન બાલ્યકાળથી જ કર્મનિષ્ઠ હતું.

શ્રીમાના જીવનનો પ્રારંભકાળ શ્રીરામકૃષ્ણદેવની નિરંતર પરિચર્યામાં અને જીવનનો ઉત્તરકાળ ભક્ત-સંતાનોની સેવામાં પસાર થયો હતો. આ સર્વકાર્ય શ્રીમા પૂર્ણ દક્ષતા અને નિષ્ઠાનું સંયોજન કરીને કરતાં. શ્રીમાનું સંપૂર્ણ જીવન કર્મ કુશળતા અને વ્યવહારુ દક્ષતાથી ભરપૂર હતું. શ્રીમા પ્રત્યેક સાથે દેશ, કાળ, પાત્ર અનુસાર વર્તન-વ્યવહાર કરતાં. શ્રીમા નિરંતર, અથક, અવિરામ કર્તવ્ય કરતાં રહેવા છતાં આંતરિકરૂપે પૂર્ણત: પ્રશાંત હતાં, જે સાચા કર્મયોગનું લક્ષણ છે.

શ્રીમામાં ‘સમતા’ સ્વત:સિદ્ધ હતી, જે કર્મયોગનું અન્ય વિશિષ્ટ લક્ષણ છે. કર્મયોગીનું બીજું લક્ષણ છે અનાસક્તિ. શ્રીમાનું જીવન નિર્લિપ્તતા અથવા અનાસક્તિનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. શ્રીમાનું ચિત્ત ક્યાંય સંસાર-ભાવથી લિપ્ત થતું ન હતું.

આમ શ્રીમાના જીવનમાં ચારેય યોગનો સમન્વય ઉત્કૃષ્ટપણે સધાયો હતો. વર્તમાન યુગમાં સ્ત્રી-પુરુષ બંને માટે અનુકરણીય પથરૂપે શ્રીમાએ પોતાનું જીવન દૃષ્ટાંતરૂપે પ્રગટ કર્યું હતું. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મનુષ્ય ધારે તો વ્યવહારુપણે ચારેય યોગ જીવનમાં આચરી શકે છે, એ શ્રીમાના જીવન દ્વારા જાણી

શકાય છે.

શ્રીમાની દિનચર્યામાં ચારેય યોગ વણી લેવાયા હતા. તેઓ પ્રાત:કાળમાં આશરે ત્રણ વાગે ઊઠી જતાં અને ઊઠીને સર્વપ્રથમ શ્રીરામકૃષ્ણદેવની છબિનું દર્શન કરતાં. ઊઠતી વખતે હરિ-સ્મરણ કરતાં. સ્નાનાદિક પતાવીને પૂજા કરતાં. એ પછી જપ કરવા બેસતાં. અસ્વસ્થ શરીર હોવા છતાંય આ નિત્યક્રમ અચૂક પાળતાં. પૂજા પત્યા બાદ ભક્તો માટે પાંદડાંમાં પ્રસાદ તૈયાર કરતાં. પ્રસાદ-વિતરણનું કાર્ય જાતે જ કરતાં. મધ્યાહ્નના વિશ્રામ દરમિયાન સૂતાં સૂતાં સ્ત્રી-ભક્તો સાથે વાતો કરતાં. પછી શ્રીમા જપમાળા લઈને બેસતાં અને વચ્ચે વચ્ચે વાર્તાલાપ કરતાં. સાંજના સમયે પુરુષ-ભક્તો પ્રણામ-નિવેદન કરવા આવતા ત્યારે ચાદરથી મસ્તક ઢાંકી દઈને પગ ઝૂલાવીને પલંગ પર બેસતાં. સંધ્યાકાળ પછી જપ પૂરા કરીને પોતે વિશ્રામ કરતાં. સંધ્યા-પૂજા બાદ ભોજન-વિતરણ થતું. શ્રીમાને પરવારતાં રાતના લગભગ અગિયાર વાગતા, આમ અવિશ્રાંત કર્મયોગી રહીને ભક્તિ, જ્ઞાન, વિવેક, વૈરાગ્ય ઇત્યાદિનું અનુપાલન થયા કરતું હતું.

હવે શ્રીમાના સર્વદેવીસ્વરૂપનાં વિભિન્ન રૂપોનું ચિંતન કરીએ.

હિંદુધર્મમાં ઈશ્વરવિષયક બે અવધારણાઓ છે- નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ.

નિર્ગુણ બ્રહ્મ નિરંજન નિરાકાર છે. તે અરૂપ, અગુણ, અગંધ, અલિંગ, અસ્પર્શ્ય, અલક્ષ્ય, અવર્ણ્ય એવા ‘ન ઇતિ’ મૂલક અનંત પદ વિભૂષિત છે.

અન્ય વિભાવના છે સગુણ બ્રહ્મની, પુરુષ અને માયારૂપી પ્રકૃતિની.

પારમાર્થિક દૃષ્ટિએ શ્રીમા ‘પરમા પ્રકૃતિ’ હતાં. સ્વામી અભેદાનંદ શ્રીમાની સ્તુતિ કરતાં શ્રીમાને ‘પરમા પ્રકૃતિ’ કહે છે. વેદાંતના દૃષ્ટિબિંદુથી પ્રકૃતિ એટલે માયા. આ માયા વાસ્તવિકરૂપે બ્રહ્મથી અભિન્ન શક્તિ છે, જેના દ્વારા સંસારચક્રમાં સૃષ્ટિ, સ્થિતિ, લય થયા કરે છે. સ્વામી સારદાનંદ શ્રીમાના પ્રાર્થનામંત્રમાં કહે છે-‘યથાગ્નેર્દાહિકા શક્તિ રામકૃષ્ણે સ્થિતા હિયા’- અર્થાત્ શ્રીમા પરબ્રહ્મરૂપ શ્રીરામકૃષ્ણદેવની શક્તિ છે, જેમ અગ્નિ અને તેની દાહકતા અભિન્ન છે તેમ.

કાશી-નિવાસ દરમિયાન એક વખત કેટલીક સ્ત્રીઓ શ્રીમાનાં દર્શન કરવા આવી હતી. શ્રીમાને સાંસારિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોઈને આગંતુક સ્ત્રીઓમાંની એક બોલી ઊઠી, ‘મા, હું જોઉં છું કે આપ ઘોર માયામાં બદ્ધ છો.’ શ્રીમાએ અસ્ફુટ સ્વરે જવાબ આપ્યો, ‘શું કરું, હું સ્વયં માયા તો છું.’

અન્ય દૃષ્ટિ છે આધિદૈવિક અર્થાત્ મૂળ પ્રકૃતિ. તે લક્ષ્મી, દુર્ગા, કાલી, સરસ્વતી, સીતા, રાધા એમ અનેકવિધરૂપે સમયાંતરે આવિર્ભૂત થાય છે.

લક્ષ્મીદેવી ક્ષીર સમુદ્રમાં શેષશાયી આદિનારાયણનાં નિત્ય સેવિકા છે. સ્વામી અદ્‌ભુતાનંદના મતે શ્રીમા સ્વયં લક્ષ્મી હતાં. દુર્ગાસપ્તશતી મુજબ દુર્ગાદેવી કે પાર્વતી કૈલાસનિવાસી આદિદેવ મહાદેવનાં અભિન્ન શક્તિરૂપા છે. કાલી દુર્ગાદેવીનું કાલાન્તર સ્વરૂપ જ છે.

એક વખત દક્ષિણેશ્ર્વર જતાં શ્રીમા પોતાનાં સાથીદારોથી પાછળ રહી ગયાં. તેલો-ભેલોના ભયાનક મેદાનમાં અંધારું થઈ જતાં એક વિકરાળ ડાકુ શ્રીમા સમક્ષ આવી પહોંચ્યો, પાછળ હતી તેની પત્ની. જેવાં તેમણે શ્રીમાને જોયાં કે તરત જ તેમણે શબ્દો સાંભળ્યા, ‘બાબા, હું તમારી બેટી શારદા છું. ભૂલી પડી છું.’ આ સાંભળતાં જ ડાકુ-દંપતીનું હૃદય દ્રવિત થઈ ઊઠ્યું અને શ્રીમાનો તેમણે દીકરીરૂપે સ્વીકાર કર્યો. આનું કારણ પૂછતાં પાછળથી તેઓએ કહ્યું હતું કે શ્રીમાનાં તેમને કાલીરૂપે દર્શન થયાં હતાં. જયરામવાટીના લોકો પણ ક્યારેક શ્રીમાને કહેતા, ‘મા, લોકો તમને કાલી કહે છે.’

શ્રીરામકૃષ્ણદેવ શ્રીમા વિશે કહેતા, ‘તે વિદ્યાદાયિની સરસ્વતી છે. તે વૈકુંઠની લક્ષ્મી છે.’

સ્વામી વિવેકાનંદ શ્રીમાને દેવી બગલાનો અવતાર માનતા હતા, જે દેવીએ પોતાના ભયાવહ રૂપને કોમળતાના આવરણથી ઢાંકી રાખ્યું છે. તેઓ કહેતા, ‘બાહ્યરૂપે શ્રીમા શાંતિથી પરિપૂર્ણ છે, અંદરથી આસુરીશક્તિનાં વિનાશિકા છે.’ શ્રીમા સીતાદેવી છે. શ્રીમાએ રામેશ્ર્વરમાં શિવલિંગની પૂજા વખતે વાતવાતમાં સંદિગ્ધભાવે કહી દીધું હતું, ‘જેવું રાખીને ગઈ હતી તેવું જ છે.’ આમ ત્રેતાયુગમાં સીતારૂપે રામેશ્ર્વરલિંગની પૂજા કરનાર શ્રીમા જ હતાં.

સ્વરૂપત: જ્ઞાનદાયિની સરસ્વતી હોવા છતાં શ્રીમા લૌકિક દૃષ્ટિએ નિરક્ષર હતાં. ધન-ઐશ્ર્વર્યની મહાલક્ષ્મી હોવા છતાં શ્રીમાએ પોતાનું જીવન સાવ નિર્ધનની જેમ જ વિતાવ્યું હતું. વરાભયદાયિની દેવી હોવા છતાં જ્યારે બંગાળના ક્રાંતિકારી નવયુવકો પર પોલીસ ચાંપતી નજર રાખીને શ્રીમાના જયરામવાટીના નિવાસસ્થાન પર નિગરાની કરતી ત્યારે શ્રીમા ડરનો અનુભવ કરતાં. આમ શ્રીમા બગલારૂપે ભીષણાદેવી હોવા છતાં વર્તન- વ્યવહારમાં અત્યંત મૃદુ, કોમળ સ્વભાવનાં વાત્સલ્યમયી દેવી છે. આધ્યાત્મિક વિશિષ્ટતાપૂર્ણ હોવા છતાં શ્રીમાએ એક સંસારી વ્યક્તિ જેવું આચરણ કરીને પોતાના સત્ય સ્વરૂપને ઢાંકી રાખ્યું હતું. શ્રીરામકૃષ્ણદેવે પોતાની સર્વસાધનાની પૂર્ણાહુતિરૂપે શ્રીમાનું ષોડશીદેવીરૂપે પૂજન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ શ્રીમાને જીવંત દુર્ગા ગણાવતા હતા.

આમ શ્રીમાનાં વિવિધ દેવી સ્વરૂપો છે. શ્રીમા સાક્ષાત્ જગદંબા છે, મહાશક્તિ સ્વરૂપિણી છે. સાધારણ મનુષ્ય તેનો મર્મ સમજી શકતો નથી. સ્વામી શિવાનંદ કહેતા કે તેઓને શ્રીરામકૃષ્ણદેવ વારંવાર જણાવતા, ‘ત્યાં મંદિરમાં જે મા છે અને આ નોબતખાનામાં જે મા છે, તે બન્ને અભિન્ન છે.’ આમ મહામાયાએ જીવોના કલ્યાણ અર્થે શ્રીશારદાદેવી સ્વરૂપે જન્મ ગ્રહણ કર્યો હતો. તેમની માનવલીલા સમજવી અતિ દુષ્કર છે. જો તેઓ સ્વયં કૃપા કરીને ન સમજાવી દે તો, ભલા કોણ તેમને સમજી શકે તેમ છે?

ચાલો, આપણે શ્રીમાના સાધિકા અને સર્વદેવી સ્વરૂપ એમ બન્ને ભાવોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરીને સ્વયંને કૃતાર્થ કરીએ.

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.